Neeta Kotecha

Others

3  

Neeta Kotecha

Others

પાંચ લઘુકથા

પાંચ લઘુકથા

5 mins
14.7K


૧)  ટેબલ લેમ્પ

રોજ રાતનાં શું કરે છે ખબર નહિ. રોજનાં કહું છું કે આ લેમ્પ ચાલુ ન રાખ મારી નીંદર બગડે છે. પણ તારે સમજવું જ નથી. "આજે તો આને પતાવીને જ રહું." ગુસ્સામાં સમીર ઊભો થયો ને ટેબલલેમ્પ ઉપાડીને નીચે પછાડ્યો. તેના ટુકડે ટુકડા થઈ ગયા.

અલકા ચુપચાપ ઊભી થઈ. કાચના ટુકડા ભેગા કર્યા. કચરાની બાલ્દીમાં નાંખ્યા અને બીજી તરફ પડખું ફેરવીને સૂઈ ગઈ.

બીજે દિવસે સવારે સમીર ઓફિસ જવા નીકળ્યો ત્યાં સુધી અલકા કંઈ જ ન બોલી. સમીર પણ ગુસ્સામાં નીકળી ગયો. અલકાને આટલી શાંત જોઈને સમીરને જરા ડર જેવું તો લાગ્યું કે શાંત પાણી બહુ ઊંડું ન નીકળે તો સારું.

સાંજે ઘરે પાછા આવીને એને જોયું અલકા ઘરે ન હતી. સવારનાં ડરે પાછો ઉથલો માર્યો. પુરુષનાં અભિમાને એને છાવર્યો કે ક્યાં જશે?

સમીરને ગુસ્સો તો બહુ આવ્યો હતો. બાજુમાંથી ચાવી લઈને ઘરનો દરવાજો જેવો ખોલ્યો. એક નવો નાઈટલેમ્પ ટેબલ પાર ચાલુ પડ્યો હતો. તેને બટન દબાવીને ટ્યુબ લાઈટ ચાલુ કરવાની કોશિશ કરી. પણ લાઈટ ચાલુ ન થઈ. તે નાઈટલેમ્પ પાસે જેવો ચાલવા ગયો તેને થયું કે પગ નીચે કાચના ટુકડા તૂટ્યા.

નાઈટલેમ્પ પાસે જઈને જોયું ત્યાં એક કાગળ પડ્યો હતો. પણ પહેલા તેણે ઘરમાં એ નાઈટલેમ્પનો પ્રકાશ ફેરવ્યો તો તેણે જોયું આખા ઘરમાં કાંચના ટુકડા પડ્યા હતા.

કાચનાં ગ્લાસ કાચના કપ રકાબી અને ટ્યુબલાઈટ પણ. તેણે તરત કાગળ ખોલ્યો અને વાંચવા લાગ્યો.

"સમીર, તોડતા મને પણ આવડે છે. આખો દિવસ ઘરનું કામ કરીને મને મારો લખવાનો શોખ પૂરો કરવા માટે રાતના જ સમય મળતો હતો પણ તે મને સમજવાનો કદી પ્રયત્ન જ ન કર્યો. હું તારી સાથે ગરીબીમાં જીવી શકું પણ તારાથી ડરીને હું જીવું એટલી લાચાર તો નથી. આજની રાત તો તારે આ નાઈટલેમ્પના સહારે જ વિતાવવી પડશે. મને ફોન ન કરતો હું પાછી નહિ આવું."

૨)  કર્મ તેવું ફળ

ઉંમરલાયક મા હવે મનીષથી સહન નહોતી થતી. રોજ મજાકમાં કહેતો કે હવે તમે રસ્તો પકડો. બધું તો જોઈ લીધું. રોજ બધી વાતો મજાકમાં લેવાતી. પણ મનીષની પત્ની શિલ્પાને મનીષની આ વાતો ગમતી નહિ. તે હમેશ ટોકતી કે મનીષ આવું ન બોલો તમારો દીકરો પણ આ બધું સાંભળે છે એ પણ તમારી સાથે આવું જ કરશે. મનીષને શિલ્પાની વાતોથી કઈ ફરક પડતો નહિ.

એક દિવસ મનીષે હદ વટાવી દીધી. બધા જમવા બેઠા હતા ત્યારે તે અચાનક બોલ્યો, "મમ્મી, હવે આ ઘર મારા નામે કરી દ્યો, તમારો એક પગ હવે સ્મશાનમાં છે." આ વાત શિલ્પાથી સહન ન થઈ અને તે બોલી, "મનીષ, મોઢું સંભાળીને વાત કર. એ મારા સાસુ પછી અને સ્ત્રી પહેલા છે. એમનું અપમાન હું સહન નહિ કરું."

મનીષ, શિલ્પા પર ગુસ્સે થવા જ જતો હતો ત્યાં મનીષના મમ્મી બોલ્યા, "શિલ્પા, વકીલને બોલાવજે હું આ ઘર તારા નામે કરવા માંગુ છું."

૩)  ગુસ્સો

દિવસ ઊગ્યો નથી અને નયનનું શરૂ થયું નથી. પત્નીને કોઈ પણ વાતે ઉતારી પાડવી એ એનો ધર્મસિદ્ધ હક્ક હતો. એકલામાં તો ઠીક છે પણ ચાર જણાણી વચમાં તો એનું બોલવાનું અને રીટાનું અપમાન કરવાનું બહુ વધી જતું. આમ જ એક પાર્ટીમાં બધાની વચમાં વેઈટરનાં ધક્કાથી એના હાથનો ગ્લાસ પડી ગયો. વેઈટરે કેટલી વાર સોરી કહ્યું. બધાએ સમજાવ્યું પણ નયન બોલતો જ જાતો હતો.

“તારામાં બિલકુલ અક્કલ જ નથી. આખી જિંદગી કેવી રીતે નીકળશે કોને ખબર તારી સાથે."

દુઃખી હૃદયે રીટા ઘરે પાછી આવી. ઘરે આવીને ગરમ કોફીનો કપ લઈને તે બાલકનીમાં ઉભી હતી. અને પોતાની જિંદગી વિષે વિચારતી હતી કે શું આવો સંબંધ નિભાવવો જરૂરી  છે? થાકીને પોતાની રૂમમાં સુવા ગઈ.

ત્યાં નયને રીટાનો હાથ પકડીને કહ્યું, "સોરી, તારા સિવાય દુનિયામાં કોઈ સારું નથી રીટા. મારી વાતોને મન પર લેવી નહિ. એતો જરા ગુસ્સો આવી જાય એટલે બોલાઈ જાય." રીટાએ પોતા પર ફરતો નયનનો હાથ એક બાજુ રાખ્યો અને કહ્યું, “નયન, માણસ જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે જ તે સાચ્ચું બોલતો હોય છે. સૂઈ જા. મને થાક લાગ્યો છે. અને સવારનાં તૈયાર રહેજે હું બહુ મોટો નિર્ણય કહેવાની છું."

૪)  જ્યોતિષ

આજે પરેશ શહેરના પ્રખર જ્યોતિષ રામદેવ  જોષી પાસે ગયો. આજુબાજુ બેસેલાઓની ગુસપુસ સાંભળી હતી કે “એક એક ગ્રહને ધ્યાનથી જોવે છે પછી જ જવાબ આપે છે. પરેશનો વારો આવ્યો. જન્માક્ષર અડધી કલાક સીધા ઊંધા કરીને રામદેવ જોષીએ જોયા. “બોલો, શું પૂછવું હતું?”

“જોષીજી, પત્ની સાથે જરા પણ બનતું નથી. કંઈક ઉપાય બતાવો."
"જન્માક્ષર મળાવ્યા નહોતા?"
"ના લવમેરેજ હતા."
"એક પૂજા છે જેનો ખર્ચો ૨૫૦૦૦ છે. કરાવી લ્યો. બધું સારું થઈ જાશે." ત્યાં અચાનક ઓફિસનો દરવાજો ખુલ્યો.

"મેં તમને કેટલા ફોન કર્યા તમે ઉપાડતા નથી. કોઈ રીત છે કે નહિ. કોઈ ઈજ્જત જ નથી પત્નીની તો."

"જોષીજી પહેલાં તમે તમારી માટે પૂજા કરાવી લ્યો. અસર કરે તો મને કહેજો હું પણ કરાવી લઈશ." આટલું કહી પરેશ ત્યાંથી રવાના થયો.

૫)  જીદ્દી

અપૂર્વનાં એકનાં એક દીકરા મૌલિકનાં લગ્ન લેવાણાં. અપૂર્વ અને પૂર્ણિમા બે ભાઈ બહેન. માતા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું. અને બંને વચ્ચે એક જ બાળક. ફુઈ ફૂવા માતા પિતા બધા માટે એક અનેરો ઉત્સવ હતો. લગ્નને હવે ફક્ત ૨૨ દિવસ રહી ગયા હતા. બધાં જ સારામાં સારી કોશિશમાં લાગેગા હતા કે લોકોને લગ્ન યાદ રહી જાય એવા હોવા જોઈએ.

લગ્નને હવે ફક્ત ૧૦ દિવસ બાકી હતા. અને અચાનક મૌલિકના ફૂવાને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું. સૌથી વધારે એમને હોંસ હતી. પણ કુદરતે કઈક બીજું જ વિચાર્યું હતું. ખુશીની જગ્યા ઉદાસી એ લઈ લીધી. પણ પૂર્ણિમા ફુઈ એ કહ્યું, "લગ્ન અટકાવાશે નહિ." એનાં ફુવાને જ બહુ હોંશ હતી. બધા પાછા કામે લાગ્યા. પૂર્ણિમા ફુઈ એક બાજુ ખૂણામાં બેઠાં રહેતાં હતાં. મૌલિકે એક વાર એમને પપ્પાને કહેતાં સાંભળ્યાં, “હું લગ્નમાં નહિ આવું.” પપ્પાએ માની પણ લીધું.
મૌલિકે કહ્યું, 
"ફોઈ તમે નહિ આવો તો હું લગ્નનાં માંડવે જ નહિ જાઉં."
"સમાજ બેટા, તારા ફૂવાને ગયે હજી તેર દિવસ નથી થયા."
"સારું, હું ફોઈ વગર લગ્ન નહિ કરું." "સાવ મારા પર ગયો છે, એકદમ જીદ્દી." ફોઈએ બંગલાના ચોકમાં એક ફટાકડો ફોડ્યો. બધી બાજુ ઉલ્લાસ છવાઈ ગયો.


Rate this content
Log in