Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

નુક્સાન

નુક્સાન

4 mins
14.3K


શ્રુતિ દરરોજની જેમ નાસ્તો તૈયાર કરી ડાઈનિંગ ટેબલ પર સોહમની રાહ જોઈ રહી હતી. બાજુના ઓરડામાં સોહમ પોતાના ખભા અને કાનની વચ્ચે મોબાઈલ દબાવી બંને હાથ વડે ફાઈલનાં પાનાં ઉથલાવી રહ્યો હતો. એક ઈન્ટરનેશનલ કંપની ભારતમાં પોતાની શાખા ખોલવા ઈચ્છતી હતી. જેને માટે બેજ કંપનીઓ સશક્ત દાવેદાર હતી અને એમાંથી એક કંપની સોહમની હતી.

શ્રુતિ એક માધ્યમ વર્ગીય કુટુંબની દીકરી હતી. બાળપણમાં પિતાના આકસ્મિક મૃત્યુથી માતાનાં વાત્સલ્ય હેઠળ ઉછરેલી શ્રુતિ જયારે લગ્ન કરી સોહમને ત્યાં આવી ત્યારે એની માતા એકલી પડી ગઈ હતી.

શ્રુતિ અઠવાડિયામાં એકવાર માને મળી આવતી. સોહમ ઓફિસે જતા એને માતા પાસે છોડી જતો અને પાછા ફરતી વખતે સાથે લઈ લેતો. મોટેભાગે તે ઘરમાં જવાનું ટાળતો. લાગણીવેડામાં તે પોતાનો કિંમતી સમય બગાડતો નહીં.

શ્રુતિ એની પાછળનું કારણ જાણતી હતી. તેથી કશું બોલતી નહીં. સોહમ બાળપણથીજ માતા પિતાની છાયા ગુમાવી બેઠો હતો. ભૌતિક સમૃદ્ધિ પાછળની એની આંધળી દોડે એને લાગણી અને સંવેદનાઓથી ઘણો દૂર કરી દીધો હતો.

અચાનક રંણકેલા ફોનથી શ્રુતિ ચમકી ઊઠી. બાજુના ઓરડામાં હજી આંકડાઓની આપ - લે ચાલુ હતી. શ્રુતિએ રીસીવર ઉઠાવ્યું પરંતુ સામેની બાજુથી બોલાયેલા શબ્દો સાંભળી એ કશું બોલી શકી નહીં. એની આંખોમાંથી આંસુ સરી પડ્યા. રીસીવર નીચે મૂક્યા વિનાજ એણે ચીસ પાડી:
"સોહમ...!"

બાજુના ઓરડામાંથી સોહમ દોડતો આવી પહોંચ્યો. શ્રુતિનો આટલો ઊંચો અવાજ એણે આ પહેલાં કદી સાંભળ્યો ન હતો. શ્રુતિનાં હાથમાંથી રીસીવર લઈ નીચે મૂકતા સોહમે પૂછ્યું: "શું થયું શ્રુતિ?"

"મમ્મી... એમને હોસ્પિટલ લઈ જવી પડશે....!"

શ્રુતિના ટૂંકા વાક્યથીજ સોહમ આખી પરિસ્થિતિ સમજી ગયો. છેલ્લા પંદરેક દિવસથી શ્રુતિનાં માતા ખૂબજ બીમાર રહેતા હતા. ડોક્ટર પણ દવાની સાથે દુઆ કરવાની સલાહ આપી ચૂક્યા હતા. શ્રુતિ છેલ્લા બે અઠવાડિયાથી દરરોજ માતાને મળી આવતી. પણ આજે એમની તબિયત વધુ બગડી હતી.

સોહમ થોડો વિચલિત થયો. આજનો આખો દિવસ બહુ વ્યસ્ત હતો. એની પાસે બિલકુલ સમય ન હતો. એ વખતે આવા અણધાર્યા સમાચારથી એ અકળાઈ ઊઠ્યો. એણે શ્રુતિ ને સમજાવવા પ્રયત્ન કર્યો:

"શ્રુતિ, આજે મારી બહુ જરૂરી મિટિંગ છે. હું ડ્રાઈવરને મોકલાવું છું. તું મમ્મીને લઈને..."

શ્રુતિ ફાટી આંખે સોહમ તરફ જોઈ રહી. શ્રુતિનાં ચહેરાનાં ભાવોએ સોહમને આગળ બોલતા અટકાવી દીધો. એ જાણતો હતો કે શ્રુતિને આજે એની વધુ જરૂર છે. પણ એની મિટિંગ પણ એને માટે એટલીજ જરૂરી હતી. શ્રુતિની આંખોમાં ક્રોધ ને હતાશા પ્રતિબિંબિત થયા. છેવટે સોહમ બોલ્યો :

"ઠીક છે. તું તૈયાર થઈ જા. હું ગાડી કાઢું છું !"

શ્રુતિ બીજા ઓરડામાં જતી રહી. સોહમનો શ્વાસ રૂંધાવા લાગ્યો. આ મિટિંગની એ કેટલા દિવસોથી રાહ જોઈ રહ્યો હતો. સેક્રેટરીને એણે ફોન પર જરૂરી સૂચનાઓ ફટાફટ આપી. શ્રુતિ તૈયાર થઈ ચૂકી અને બંને સીધા શ્રુતિનાં ઘરે પહોંચ્યા. કામવાળીને ઘર સોંપીને માતાને લઈ તેઓ હોસ્પિટલ જવા ઉપડ્યાં.

આખા રસ્તે શ્રુતિ ધ્રુજી રહી હતી. એની માતા આજે જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂલી રહી હતી. સોહમનું ધ્યાન હજી પણ આંકડાઓ અને મિટિંગ વચ્ચે રમી રહ્યું હતું.

હોસ્પિટલ પહોંચતાં જ પરિસ્થિતિ વધુ નાજુક બની ચૂકી હતી.

આઈ.સી.યુ.ના એ બંધ ઓરડામાં માતાની સારવાર ચાલુ હતી. થોડાજ સમયમાં ડોક્ટર બહાર આવ્યા અને એમના શબ્દોથી શ્રુતિ તૂટી પડી :

"સોરી, એમની પાસે બહુ ઓછો સમય છે. તમે એમને મળી શકો છો !"

સોહમે છેલ્લી વાર માતાને મળી આવવા શ્રુતિને હિમ્મત આપી. શ્રુતિ આઈ..સી.યુ.માં ગઈ અને સોહમ એકલો પડ્યો. સેક્રેટરીને ફોન લગાવ્યો પણ સામેથી કોઈ પ્રતિક્રિયા જ નહીં. તેનો બધો ગુસ્સો સેક્રેટરી તરફ ઠલવાઈ રહ્યો હતો.

પોતાની નિઃસહાયતા સોહમને અસહ્ય લાગી. એક વ્યક્તિ જેનું વર્તમાન સમાપ્ત થવાની તૈયારીમાં હતું. એ એના ભવિષ્યની આડે આવી રહી હતી. એક મોટું નુકસાનનું  નિમિત્ત બની! શ્રુતિ આઈ.સી.યુ.માંથી બહાર આવી બોલી રહી:

"મમ્મી તમને મળવા માંગે છે !"

સોહમ થોડો અચકાયો. આજ સુધી એણે કદી એમની જોડે વધારે વાતો કરી ન હતી. એણે ધીમેથી આઈ.સી.યુ.નો દરવાજો ખોલ્યો. સામે બે જડ આંખો એની રાહ જોઈ રહી હતી.

સોહમને જોતાંજ એ આંખોમાં થોડી ચેતના પ્રસરી. સોહમ બાજુના ટેબલ પર ગોઠવાયો. શું કહેવું એની મથામણમાં પડેલા સોહમને સંબોધીને એ મુશ્કેલીથી બોલ્યાં:

"બેટા, તું અમારો બહુ ખ્યાલ રાખે છે. તેથીજ તો આજે પોતાનું બધુંજ કામ છોડી આ વૃદ્ધા માટે અહીં દોડી આવ્યો!" સોહમને થોડો આંચકો લાગ્યો. હાંફતાં શબ્દોથી ઝંખવાળો પડી ગયેલો સોહમ નીચી નજરે ચુપચાપ બધું સાંભળી રહ્યો હતો.

"બેટા, આ ગરીબ પાસે તને આપવા માટે કશું નથી. મારી બધીજ પૂંજી મારી દીકરી છે, જે હું તને પહેલેથીજ આપી ચૂકી છું."

લાગણીવેડામાં ન માનનારો માણસ આજે આ શબ્દોથી કોઈ જુદીજ ભાવના અનુભવી રહ્યો હતો.

"હું ઈશ્વર પાસે હંમેશા તારી સફળતા માટે સતત પ્રાર્થના કરતી આવી છું. આજે મરતા પહેલા હું તને એજ આશીર્વાદ આપીને જવા ઈચ્છું છું કે તું જીવન માં હંમેશાં સફળતા પામે. તને કદી કોઈ નુકસાનનો સામનો કરવો પડે નહીં !"

બે વૃદ્ધ આંખો મીંચાઈ ગઈ. બીજી બે આંખો ધીરે ધીરે ઊઘડી રહી હતી. ઢીલા પગલે સોહમ આઈ.સી.યુ.માંથી બહાર આવ્યો. સોહમનો ચહેરો જોઈ શ્રુતિ બધું સમજી ગઈ અને એ સીધી આઈ.સી.યુ.માં દોડી ગઈ.

સોહમને મિટિંગમાં ન જવાથી જે નુકસાન થયું હતું એનાં કરતા વધારે મોટું નુકસાન થવાનો અનુભવ થઈ રહ્યો હતો. વાઈબ્રેટ થઈ રહેલા મોબાઈલે એને સચેત કર્યો. એણે ફોન ઉઠાવ્યો. સેક્રેટરીનો અવાજ સાંભળ્યો:

"ઈટ્સ અનબિલીવેબલ સર ! કોન્ટ્રેક્ટ આપણને મળી ગયો છે. આકસ્મિક સંજોગોને લીધે તમારા પ્રતિસ્પર્ધી પણ મિટિંગમાં ન આવી શક્યા. પ્રપોઝલના ડોકયુમેન્ટના આધારે નિર્ણય લેવાનું નક્કી થયું અને આપણા પ્રપોઝલથી ઈમ્પ્રેસ થઈ કોન્ટ્રેક્ટ આપણી કંપનીને આપવામાં આવ્યો."

સોહમે ફોન કટ કર્યો. એ જાણી ચૂક્યો હતો કે એ ચમત્કાર નહીં એક માના હૃદયનાં ઊંડાણમાંથી નીકળેલા આશીર્વાદ હતા! પોતાની જાત પર શરમાતો સોહમ ધ્રુજતા પગે બાજુનાં બાંકડા પર ફસડાઈ પડ્યો.


Rate this content
Log in