નસીબે લખાયેલ કંથ
નસીબે લખાયેલ કંથ
મેઘા એક સુંદર છોકરી હતી. કુટુંબમાં એક ભાઈ, માતા, પિતા અને ઘરડાં દાદી. નાનું એવું કુટુંબ હતું. મેઘા મોટી હતી અને તેનો ભાઈ તુષાર નાનો હતો. બસ મેઘા બી.કોમ પાસ કરીને ઘરે જ હતી. માતા પિતાએ લગ્ન માટે મુરતિયા જોવાનું શરુ કરી દીધું હતુ. અચાનક એક કાર આવીને મેઘાના ઘર પાસે ઊભી રહી.
કારનો અવાજ સાંભળી તુષાર બહાર આવ્યો. જોયું તો કારમાંથી એક સજ્જન તેમના પત્ની અને દીકરા સાથે બહાર આવ્યા. તેમણે આમતેમ જોઈ તુષારને પૂછ્યું,"દીનદયાળભાઈનું ઘર આ જ ને?" તુષારએ જવાબમાં કહ્યું,"હા આજ છે. તેઓ મારા પિતા છે."
ઘરમાં આવતાં જ આવકારો મળ્યો, પાણી ધર્યુ. પછી દીનદયાળભાઈએ ઓળખાણ પૂછી.
સજ્જન બોલ્યા હું પ્રમોદ શાહ મારી પત્ની નયના અને મારો એકનો એક પુત્ર ગૌતમ. અમારી શહેરમાં કપડાની દુકાન છે. મેઘા આ બધી વાત અંદરના રૂમમાંથી સાંભળતી હતી. થોડીવારમાં મેઘા ચા નાસ્તો લઈને આવી. આવતાં જ ગૌતમને જોઈ તેને યાદ આવ્યું કે તેણે ગૌતમને જોયેલો છે. સુંદર દેખાવડો અને હસમુખો ચહેરો જોતાં જ ગમી જાય તેવો હતો. ગૌતમને મેઘા ગમી અને મેઘાને ગૌતમ. નજીકના મુર્હતમાં લગ્ન લેવાયા.
ધામધૂમથી લગ્ન પતી ગયા. સગાં સંબંધી પોત પોતાને ઘરે ગયા.
મેઘા સુશીલ અને સ્નેહાળ છોકરી હતી ઘણા જ અરમાનો સાથે પિયર છોડી સાસરે આવી હતી. સુહાગરાતના સપના સેવતી સુહાગની સેજ પર પતિની રાહ જોતી બેઠી હતી.. થોડી વારે ગૌતમ ઓરડે આવ્યો. હળવેકથી મેઘા પાસે બેઠો. ધીમેથી મેઘાનો ઘૂંઘટ ઉઠાવી માથે ચુંબન કર્યું. સુંદર પત્નીને જોઈ તેના હૈયે પણ હરખ સમાતો ન હતો. પછી હળવે હળવે બે યુવાન હૈયાની આડે આવતો મેઘાએ સજેલો શણગાર ઉતારવા લાગ્યો. મનમાં રોમાંચની અનુભૂતિ કરતા ગૌતમે ધીમે રહીને મેઘાના કમખાની કસ ખેંચી ને મેઘાના રોમ રોમમાં એક વિજળી જેવો સળવળાટ થયો. મેઘાની આંખો બંધ થઈ અને પતિના હલકા સ્પર્શથી રોમાંચિત થઈ ગઈ..
એટલામાં અચાનક ગૌતમે મેઘાના શરીર પરથી હાથ હટાવી લીધો અને ઊભો થઈને બહાર ચાલ્યો ગયો. ગૌતમનું આવું વર્તન જોઈ ડઘાઈ ગઈ કઈં જ વિચારી ના શકી, ઘરમાં નવી નવી આવેલી કંઈંજ સમજી ના શકી.
छेडके यूँ मुजे आपका छोड जाना,
कोई तो वजूद होगा ईस राजका।
-मधुकान्ता
વિચારોમાં રાત તો વિતી ગઈ. સવાર પડી જલ્દી જાગીને નિત્યક્રમ પતાવી મેઘા રસોડામાં ગઈ ત્યાં સાસુ ચા નાસ્તો બનાવી રહ્યા હતા વહુને જોઈ ખુબ ખુશ થયા. સાસુને પગે લાગી મદદ કરવાનું કહ્યું. મેઘા ચા નાસ્તો લઈને બહારના રૂમમાં આવી જ્યાં તેના સસરા બેઠા હતા. સાસુ સસરા સાથે બેસીને ચા નાસ્તો કર્યો. સાસુએ ગૌતમ વિશે પૂછ્યું તો મેઘાના મોઢા પરના હાવભાવ થોડા બદલાઈ ગયા પણ કંઈજ બોલી ના શકી. થોડીવારે ગૌતમ આવીને બેઠો. બધા સાથે તેણે પણ ચા નાસ્તો કર્યો અને બહાર જાઉં છું કહી નીકળી પડ્યો. મોડી રાત્રે ઘરે આવ્યો બહાર જમીને આવ્યો છું કહી પોતાની રૂમમાં જતો રહ્યો. મેઘા પણ રૂમમાં આવી તોગૌતમ સૂતો હતો પછી તે પણ સૂઈ ગઈ. અચાનક જાગીને જોયું તો ગૌતમ રૂમમાં ન હતો દરવાજો ખુલ્લો હતો. મેઘા પાછળ પાછળ ગઈ તેને જોયું તો ગૌતમ દૂર જઈને બેઠો અને રડવા લાગ્યો. અને બોલી રહ્યો હતો ધરા તું તારા ગગનને છોડીને ક્યાં ચાલી ગઈ... કેમ દેખાતી નથી..
મેઘાના કાનમાં ધરા અને ગગન નામનો પડઘો પડ્યો અને તે એકદમ ચોંકી ગઈ. તેના મનમાં અનેક સવાલોએ ચળવળ શરૂ કરી, કોણ હશે આ ધરા અને આ ગૌતમ પોતાને ગગન કહે છે તો શું ગૌતમ એ શાહ કુટુંબનો વારસ નથી? કોણ છે આ ગગન? આવા તો ઘણા સવાલોના જવાલો મેળવવા મગજ સાથે લડતી રહી.
સવાર થઈ પ્રમોદ શાહ અને તેમના પત્ની નયના ચા નાસ્તો કરી રહ્યા હતાં. ત્યારે મેઘાએ હિંમત કરી ગૌતમના આવા વર્તન વિશે પૂછવાનું નક્કી કર્યું. ચા નાસ્તો પતી ગયા પછી મેઘાએ હળવેકથી કહ્યું,"મમ્મી પપ્પા મારે તમને ગૌતમ વિશે પૂછવું છે." આ સાંભળી પ્રમોદ શાહ અને તેમના પત્ની એકદમ ચોંકી ગયા. જેનો એમને ડર હતો. મેઘાએ કહ્યું,"આ ગગન કોણ છે? ધરા કોણ છે? ગૌતમ ધરાને યાદ કરી રડે છે અને પોતાને ગગન કહે છે.." આમ રાતે બનેલી ઘટના વર્ણવી.
આ સાંભળી પ્રમોદ શાહના આંખમાં આંસુ આવી ગયા તેમણે સચ્ચાઈ પરથી પરદો ઉઠાવાનું જરૂરી જણાયું કારણ ગૌતમ અને મેઘાની જીંદગીનો સવાલ હતો.
પ્રમોદ શાહે વાતની શરૂઆત કરી,"બેટા સાંભળ, અમારું જીવન સુખી હતું. અમારે કોઈ સંતાન ન હતું. એક દિવસ અમે બહારગામથી આવી રહ્યા હતા ત્યારે એક સુંદર યુવાન બેહોશ હાલતમાં પડ્યો હતો આજુબાજુ નજર કરી કોઈ દેખાયું નહીં. ગાડી ઊભી રાખી અમે તેની પાસે ગયા. તેના કપાળમાં લાગેલું હતું. અમે તેને અમારી સાથે ઘરે લઈ આવ્યા થોડી સારવાર કરી તેને ભાન આવ્યું પણ તેને પૂછપરછ કરતાં જણાયું કે તેને કઈં જ યાદ નથી. થોડા દિવસમાં તે સ્વસ્થ થઈ ગયો અમે તેને ગૌતમ નામથી બોલાવા લાગ્યા. તે પણ અમને મમ્મી પપ્પા કહીને બોલાવા લાગ્યો. પણ અચાનક તેને યાદ આવી જાતા ઉંઘમાંથી બેઠો થઈ રડવા લાગતો અને ધરા ધરા એવી બૂમો પાડતો. અમને પણ તેના આ વર્તનથી ખૂબ દુઃખ થયું. મેં તેના વિશે જાણવા તપાસ શરૂ કરી. જાણવા મળ્યું કે, ધરા એક ગરીબ કુટંબની છોકરી હતી માતાપિતા નાનપણમાં જ મરી ગયા હતા. કાકા કાકી પાસે રહીને મોટી થઈ હતી. ઘરના કામ કરાવવા કાકીએ વધુ ભણાવી નહીં. પણ દેખાવડી અને ખૂબ માયાળુ છોકરી હતી. તેને એક ગગન નામના છોકરા સાથે પ્રેમ હતો. ગગન ક્યાંથી આવેલો એ તો કોઈને જાણ નથી પણ તે પણ અનાથ હતો. પોતાની મહેનતથી થોડું ઘણું ભણ્યો હતો. ધરા વિશે જાણી તેને દયા આવી તેનું દુઃખ તે સમજી શકતો હતો. બન્ને સમદુખિયા હતા એટલે ગગને ધરાને પોતાની જીવનસંગિની બનાવાનો નિશ્ચય કર્યો. તેઓ બન્ને રોજ નદી કિનારે એકાંતમાં મળતાં. ખૂબ ખૂબ વાતો કરતાં અને જીંદગીના સપના સજાવતા. એક વખત અચાનક ઓઢણી ઉડીને નદીમાં ગઈ તો ધરા તેની પાછળ ગઈ એટલામાં નદીનો બંધ તૂટવાથી અચાનક પાણી ધસી આવ્યા અને ધરાએ સમતુલન ગુમાવ્યું. ઘડીભરમાં તો ધરા વહેણ સાથે તણાઈને પાણીમાં ગરકાવ થઈ ગઈ. ગગન બૂમો પાડવા લાગ્યો આજુબાજુ આવતા જતા લોકો આવીને ગગનને સમજાવી નદીના વહેણથી દૂર લઈ ગયા. ધરાના કાકાકાકીને વાતની ખબર પડી. તેમણે પણ તેના નામનું નાહી નાખ્યું. ગગન ધરાની યાદમાં ઝાડને માથું કૂટતો ધરા ધરા એવી બૂમો પાડતો અને પછી શાંત થઈ જાતો. અમને પણ આવી જ હાલતમાં મળેલો. અમારે કોઈ સંતાન ના હોવાથી અમે તેને અમારો જ દીકરો માની સાથે રાખ્યો અને ઘર બદલી બીજે રહેવા જતા રહ્યા જેથી કોઈને આ વાતની ખબર ના પડે. જ્યારે પણ થોડીવાર માટે તેની યાદદાસ્ત પાછી આવે છે ત્યારે તે ક્યાંક એકલો બેસી રડે છે અને ધરા ધરા કરીને બૂમો પાડે છે. પછી થોડીવારમાં શાંત થઈ જાય છે. આના સિવાય તેને કંઈ જ યાદ નથી. આ આખી વાત સાંભળતાં મેઘાની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી.
તે અચાનક સ્વસ્થ થઈને સાસુ સસરાને પગે લાગી અને કહ્યું, તમે ચિંતા ના કરશો..
મારા નસીબે લખાયેલ આ કંથ,
એજ ઉજાળશે મારો જીવન પંથ
