મેના
મેના
ભીખો એક હાથલારી ચલાવતો નવજુવાન કુટુંબમાં માતાપિતા અને બહેન રૂપા સાથે રહેતો હતો. માતા પિતા પણ ફેરીનું નાનું મોટું કામ કરી થોડું કમાઈ લેતા. રૂપા સોળ વરસની હતી અને ભીખો વીસ વરસનો. ભીખાના લગન માટે છોકરી શોધવાનું ચાલુ હતું સાથે રૂપાના લગનની પણ માતાપિતાને ચિંતા હતી. આ ભીખાના લગન થઈ જાય તો તેની પત્ની પણ કામમાં સાથ આપશે એવું વિચારી મેના નામની સુંદર છોકરી સાથે ભીખાના લગન કરાવ્યા. થોડુંક ભણતર થયેલું એટલે મેના લખી વાંચી શકતી હતી. લગનના એકાદ મહિના પછી સાસુએ કામ માટે ફેરી પર સાથે આવવા કહ્યું,"મેના ચાલ હવે સાથે મળીને કામ કરીશું તો ઘર નો નિભાવ થાશે અને લગનનો ખર્ચો નીકળશે. અને હજુ રૂપાના પણ લગન કરવાના છે." આ સાંભળી મેનાએ સાફ ના પાડી કહ્યું,"ના હું ફેરી પર નહીં જાઉં, હું ઘરનું બધું કામ કરીશ." સાસુ અને વહુ આ બે શબ્દ આવે એટલે તેને લગતી ઘણી વાતોનો લોકોમાં જુદા જુદા દ્રષ્ટિકોણથી પ્રભાવ પાડે છે. મેનાની ના સાંભળતાં જ સાસુના મનમાં અનેક વાતો ઘર કરવા લાગી.
ભીખો ઘરે આવ્યો અને તેની માએ દીકરા સામે રામ કહાણી ચાલુ કરી. "તારી વહુ કામ કરવાની ના પાડે છે, કહે છે હું કામ નહીં કરું."
ભીખો મેના પર તાડૂક્યો,"કેમ કામ કોણ કરશે? ખાવા જોઈએ તો કામ તો કરવું પડશે." મેના શાંતિથી સાંભળી રહી. પછી થોડીવારે બોલી,"મા મેં કામ કરવાની ક્યાં ના પાડી છે? મેં તો ફેરી પર આવવાની ના પાડી છે બાકી ઘરનું બધું જ કામ કરવા તૈયાર છું. હું ઘરના કામ પતાવી થોડું ઘેર બેઠાં જ કામ કરી શકું છું." આ સાંભળી કોઈ કંઈ બોલ્યું નહીં પણ સાસુ વહુની નજરમાં ખટરાગ થઈ ગયો. પછી તો દર બે દિવસે નાની નાની વાતોમાં એકબીજાની ખામીઓ કાઢી ખટરાગ થતો રહેતો. એમાં ઘરે રહેતી જવાન રૂપાને ભાભીની હયાતી ખટકતી એટલે તે પણ થોડોક બોલવાનો મોકો લઈ લેતી.
આમને આમ વરસ થવા આવ્યું. મેનાને સારા દિવસો હતા. ઘરમાં ભલે થોડો કંકાસ હોય તો પણ સ્ત્રી તેના નવા આવનાર બાળક માટે બધું દુઃખ ભૂલી સુખની થોડીક ક્ષણો માણી લેતી હોય છે તેમ મેના પણ તેના આવનાર બાળક માટે ખુબ ખુશ હતી. જ્યારે કામથી પરવારે ત્યારે નવરાશની પળોમાં બાળક માટે સપના જોતી હરખાતી.
અચાનક એક સાંજે ભીખો આવ્યો અને મેનાને તાડૂક્યો,"ક્યાં છે? અહીં આવ મને હજાર રુપિયા આપ.." મેના ભીખાને જોઈ થોડી ગભરાઈ. ભીખો આજે તો ખરાબપોરે કામેથી પાછો આવ્યો હતો અને નશો કરીને આવ્યો હતો. ક્યારેક રાત્રે થોડું પીતો હતો પણ શાંતિથી જમીને સૂઈ જતો હતો. પણ આજે તેના તેવર કઈંક જુદા લાગતા હતા. મેનાએ આવનાર બાળકના ખરચ માટે જમા કરેલા રુપિયા આપવાની ના પાડી, એટલે નશામાં ધૂત ભીખાએ મેનાને ધોલધપાટ કરવા માંડી એટલામાં મેના નીચે પડી ગઈ અને તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ભીખો મેનાની પેટીમાંથી હાથમાં આવ્યા એ બધા રુપિયા લઈ બહાર જતો રહ્યો. મેના કણસતી રહી, અને રૂપા આ વાતથી અજાણ બની ઘરની બહાર નીકળી ગઈ અને બહેનપણીના ઘરે જઈ બેઠી. મેના બેહોશ થઈને પડી હતી એટલામાં પાડોશી બેને આ જોયું અને તરત મેનાને પાણી છાંટી હોંશમાં લાવી પાણી પીવડાવ્યું, પણ મેના પેટ પર હાથ રાખી ખૂબ પીડાથી કણસતી હતી તો તે પાડોશણે રૂપાને બૂમ પાડીને બોલાવી અને દવાખાને લઈ ગયા. ત્યાં થોડીવારે જાણવા મળ્યું કે મેનાના ગર્ભમાં રહેલ બાળક ઈજા થવાથી મૃત્યુ પામ્યુ છે. તાત્કાલિક સારવારથી મેનાનો જીવ તો બચી ગયો પણ તે હવે ખૂબ ઓછું બોલતી અને ચૂપચાપ બેસી રહેતી. પહેલાં જેવો કોઈ આનંદ કે ઉમળકો રહ્યો ના હતો. ભીખો ખોટી સંગતે જુગાર અને દારૂના રવાડે ચડી ગયો હતો. કામધંધો છોડી જુગાર રમવા બેસી જાતો, કમાયેલા રુપિયા હારીને આવતો તો કોઈ વખત જીતે તો મિત્રો સાથે દારૂની પાર્ટી કરતો. આ સિલસિલો હવે રોજનો ક્રમ બની ગયો હતો. તેમાં જો ઘરમાં કોઈ બાબતે ખટપટ થાય તો બધો ગુસ્સો મેના પર નીકળતો.
આમને આમ મેના ફરી ગર્ભવતી બની પણ ભીખાને તે માટે કોઈ જ આનંદ જેવું જણાતું ના હતું. તે મેના પ્રત્યે બેધ્યાન રહેતો. એક સાંજે મેનાએ એક બાળકીને જન્મ આપ્યો. મેનાના મોઢા પર કોઈ ખુશી જણાતી ના હતી અને દીકરીના જન્મથી સાસુ સસરા પણ નારાજ હતા. મેનાને દીકરી માટે માન હતું પણ "તેના ભવિષ્યનું શું? શું એને પણ મારી જેમજ...?" એ વિચારોથી દુઃખી હતી. એકાદ મહિનો જેમ તેમ વિત્યો. સુવાવડમાં અપૂરતું પોષણ અને ઘરના કામની જવાબદારીથી તેનું શરીર ક્ષીણ થતું જતું હતું. આંખો ઊંડી ઉતરી ગઈ હતી. દૂધપીતી બાળકી હતી તેના માટે તેને પેટપૂરતું ભોજન જરૂરી હતું તેમાં ભીખાની બેદરકારી ભર્યો વ્યવહાર તેને વધુ દુઃખી કરતો હતો. ભીખો જુગાર અને દારૂથી તો ટેવાયો હતો સાથે એક છોકરીના લફરામાં ફસાયો હતો. આ છોકરી તેની સાથે લગન કરવા દબાણ કરતી હતી. ભીખાએ મેનાને દૂર કરવાનો વિચાર કર્યો. કહેવાય છે કે તોફાન આવવા પહેલાં શાંતિ છવાય છે. તેમ હવે થોડા દિવસથી ભીખો મેના સાથે સારો વ્યવહાર કરવા લાગ્યો. મેનાને મન થોડી ખુશી થઈ અને તે દુઃખ ભૂલી થોડું હસતી થઈ.
અચાનક એક દિવસ ભીખાએ મેનાને તેના પિયરે જવાની વાત કરી મેના પિયરનું નામ સાંભળી હરખાઈ ગઈ અને ખુશી ખુશી જવા તૈયાર થઈ. પિયરની વાટ છોડી જુદા રસ્તે જતાં અધવચ્ચે ભીખાએ રીક્ષાને ઊભી રખાવી અને ઉતરી ગયાં. ત્યાંથી ચાલતાં જવા લાગ્યાં સાંજના ઓળા ઉતરી આવ્યા હતાં,રસ્તો સૂમસામ હતો, ભૂખ પણ લાગી હતી પણ પિયર જાવાના હરખમાં મેનાએ ભૂખને પણ ભૂલાવી દીધી હતી પણ બાળકને તો ખોરાક જરૂરી છે અને તે પણ માના પેટમાં જાય તો બાળકના પેટમાં જાય. બસ ભીખાને તો મેનાથી પીછો છોડાવવો હતો. તેણે મેનાને થોડીવાર થાક ખાવા બેસાડી આવું છું કહીને ગયો. દોઢ મહિનાની ધાવતી બાળકી અને અશક્ત શરીરથી થકાન અનુભવતી મેના જરાક હવાની લહેર આવતાં સૂઈ ગઈ. પછી બાળકીના રડવાના અવાજથી જાગી ગઈ અને આમતેમ જોવા લાગી. ભીખો ક્યાંય દેખાતો ન હતો. વાટ જોવાની આશમાં થોડીવાર ગભરાઈને બેસી રહી. અંધારું વધતું હતું તેમ મેનાના મનમાં ડર વધતો જતો હતો. હવે તે સૂમસામ રસ્તો હોવાથી વધુ ગભરાવા લાગી. તેને મરવાનો નહીં પણ એક સ્ત્રી જાત હોવાનો ડર વધુ લાગતો હતો. તે બાળકીને લઈને ચાલતી ચાલતી મોટા રસ્તા પર આવી જ્યાં મોટી ગાડીઓ અને વાહનોની અવર જવર હતી. ભૂખથી તળમળતી, થાકેલી સાવ નીરસ થઈ એક નાના ઝાડ પાસે જઈને બેઠી જ્યાં થાંભલા પરની લાઈટનું થોડું અજવાળું આવતું હતું. વાહનોમાંથી આવતાં જતાં લોકો જરા તેની તરફ ડોકિયું કરી લેતા હતા. માંગવું તો કોની પાસે માંગવું? કેવી રીતે માંગવું? જ્યાં કોઈ ચાલીને જનારની અવર જવર ન હતી. અજાણી જગ્યા હતી અને અંધારું હોવાથી બીજે પણ જઈ શકાય તેમ ના હતું. અડધો કિલોમીટર જેટલા અંતરે આગળ જઈ એક ખટારો ઊભો રહ્યો. તે જોઈ મેનાને થોડી હિંમત આવી. તેમાંથી બે પડછંદ કાયા ધરાવનાર પંજાબી ડ્રાઈવરો હાથમાં દારુની બાટલી લઈને નીચે ઉતર્યા. પણ અજાણ્યા વ્યક્તિ સામે સૂમસામ સ્થળ પર હાથ ફેલાવવો કઈ રીતે? તે ચૂપચાપ બેસી રહી.
પેટની આગથી પોતાના માટે નહીં પણ પોતાના કાળજાના ટુકડા જેવી દીકરી માટે દુઃખી હતી. એટલે તે હિંમત કરીએ ચાલતી ચાલતી ગઈ જ્યાં આ ડ્રાઈવરો બેઠા હતા. લાંબે ઉભી રહી હાથથી ઇશારો કરી ખાવા માટે માંગણી કરી. આ ડ્રાઈવરો પીવામાં મશગૂલ હતા. તેમને તેની માંગણી પર ધ્યાન ન આપ્યું પણ તેના શરીરને ધારી ધારીને જોવા લાગ્યા. મેના તેમનો ઇરાદો સમજી ગઈ અને તરત પાછી જ્યાં બેઠી હતી ત્યાં જઈને બેસી ગઈ. હવે તેને બાળકીના માસૂમ ચહેરા સામે જોવાતું ના હતું, ભૂખ સહન થતી ન હતી. એક જીવને રઝળતું મૂકીને મરી જવું પણ સહેલું ન હતું કારણકે તે એક મા હતી. કહેવાય છે કે એક લાચાર સ્ત્રી જે એક મા પણ છે તે પોતાની ખુશી માટે કોઈ ખોટું પગલું ભરતી નથી. મેના બસ એક નજર ઉપર આકાશ તરફ જુએ છે અને ભગવાનને યાદ કરે છે. કે,
હે ઈશ્વર! આજે તું છે, હું છું અને આ કાળી રાત છે,
આપણી ત્રણે વચ્ચે તારી આ નાજુક દીકરીની જાત છે.
-મધુકાન્તા
આમ કહી ફરી તે બાળકીને લઈ તે ડ્રાઈવરો ના સામે જઈ ઊભી રહી. અને તેમની સામે એકી ટસે લાચાર નજરે જોવા લાગી અને કહેવા લાગી,
આંખોના ઊંડાણને ના નીરખો તમે,
આ પાંપણના પલકારાને સમજો.
આ સુશ્ક કાયાને ના નીરખો તમે,
આ હ્રદયમાં રહેલી વેદનાને સમજો.
-મધુકાન્તા
મેનાને ફરીથી સામે ચાલીને આવેલી જોઈ ડ્રાઈવરોને થોડોક ડર લાગ્યો કે કદાચ આ કોઈ પોલીસનું તો કાવતરું નહીં હોય? ડરથી થોડીવારમાં અડધો નશો તો ઊતરી ગયો પછી સ્વસ્થ થઈને મેનાને ખાવાનું અને પાણી આપ્યું. થોડી ભૂખ શમી અને મેનાને રાહત થઈ. રાત વહી ગઈ અને સવારના સૂર્યના કિરણો આંખો પર પડતાં આંખો ચોળતી જાગીને જોયું તો ઊભેલો ખટારો પોતાને રસ્તે જઈ રહ્યો હતો અને મેના પોતાને રસ્તે જ્યાં નસીબ લઈ જાય ત્યાં..
ક્યાં કળી શકાયું છે કે જીંદગી આ કયા રસ્તે લઈ જાય છે?
