STORYMIRROR

Madhukanta Panchal

Others

2  

Madhukanta Panchal

Others

મેના -૨

મેના -૨

4 mins
14.2K


ક્યાં કળી શકાયું છે કે જીંદગી આ કયા રસ્તે લઈ જાય છે? 
-મધુકાન્તા

અજવાળું થાતાં જ મેનાને થોડી હિંમત આવી. બાળકીને લઈને ચાલવા લાગી. ક્યાં જવું, કેવી રીતે જવું કંઈ જ વિચારી શકતી ના હતી પણ હા તેને એક વાત ખબર હતી કે હાલ તો હું આ અજાણી રાહ પર એકલી થઈ ગઈ છું. પિયર જવાનો હરખ આથમી ગયો કારણ હવે જો બાળકીને લઈને પિયરે જાય તો ભાભીના રાજમાં ભાઈનું કાંઈ ચાલે એમ નહોતું એટલે કાયમ માટે ત્યાં રહી શકે નહીં એટલે પિયરની વાટને ભૂલાવી દીધી અને ચાલવા લાગી જ્યાં નસીબ લઈ જાય ત્યાં.

મન નીકળી પડ્યું છે કોઈ અજાણી રાહ પર,
મંજીલ પણ મળી જાશે ક્યારેક એજ રાહ પર.
-મધુકાન્તા

મનમાં ભગવાનને યાદ કરતી જાય ને ચાલતી જાય. ઘડીકમાં માસૂમ બાળકી સામે જુવે, ઘડીકમાં આકાશ તરફ જુવે. રાતના બનાવથી તેને ભગવાન પર થોડો ભરોસો વધવા લાગ્યો. કહેવાય છે કે જે વ્યક્તિ સાચી શ્રધ્ધાથી પોતાને ભગવાનના શરણમાં મૂકી જૂકે છે ત્યારે ભગવાન પણ જાણે તેની આંગળી પકડવા તૈયાર થઈ જાય છે. અજવાળું વધતું જાય છે ધીમે ધીમે લોકોની થોડી અવર જવર થતી દેખાય છે. લગભગ સવારના સાત વાગવા આવ્યા હતા. સવારમાં કામે જતાં અને મજૂરી કરતાં લોકો ચાની લારી પર ઊભેલા જોવા મળે છે. મેનાને ત્યાં જઈ બાળકી માટે થોડું દૂધ માંગવાની ઈચ્છા થઈ. તે આગળ ચાલી અને ચાની લારી પાસે આવીને ઊભી રહી. શરીર થાકેલું હતું. લઘર વઘર કપડાં હતાં. ઘણું ખરું સવારમાં આવી વ્યક્તિ સામે કોઈ જોતું નથી. પણ એક મજૂર ચાવાળાને ચાના પૈસા ચૂકવતા કહે, ભાઈ લો આ બે કપ ચાના પૈસા અને આ બેનને એક કપ ચા આપી દો. ચાવાળાએ મેના સામે જોયું અને ચા આપવા લાગ્યો. મેના કહે, "ભાઈ મારી પાસે ફક્ત આ બાળકી માટે દૂધના આપી શકું એટલા જ પૈસા છે તો મને કપભર દૂધ આપો." ચાવાળો કહે, "બેન આ ચાના પૈસા તો એક ભાઈ આપીને ગયા છે જુવો ત્યાં પેલા જાય." મેના જોતી જ રહી અને તેની આંખ છલકાઈ ગઈ અને મનમાં જ ભગવાનનો આભાર માનવા લાગી કે,"હે ભગવાન તુ દયાળુ છે તેમના પર પણ દયા કરજે."

કોઈના એક મીઠા બોલથી જો આંખો છલકાઈ જાય,
તો સમજવું કે ભગવાનના કોઈ આશીર્વાદ મળી ગયા. 
-મધુકાન્તા

મેનાએ ચા પીધી. પછી બાળકીને દૂધ પીવડાવ્યું અને ત્યાંજ છાંયડે થોડીવાર બેઠી. હવે આગળ શું? જીવતાં રહેવા જમવું જરૂરી છે. તેણે જોયું કે ચાની લારી પાસે એક બેન આવીને ઉભા રહ્યાં અને થોડી વાતો કરી ચાના વાસણ ધોવા લાગ્યા. જે ચાવાળાની પત્ની કાશી હતી. મેના ને થયું કે જો આ વાસણ હું ધોવું તો મને થોડું પેટપૂરતું મળી જાશે. એમ વિચારી તે ફરી લારી પાસે આવીને ચાવાળા ભાઈને વિનંતી કરી,"ભાઈ આ વાસણ હું ધોઈ આપું?" કાશી મેના સામે જોવા લાગી,"ના હું ધોઈ નાખીશ." ચા વાળાને થયું કે આ બેન સવારથી આ બાળકીને લઈને અહીં જ છે હજું, તેને ક્યાં જવું હશે? તેને કદાચ ભૂખ લાગી હશે. એટલે વાસણ ધોઈને ભૂખ ભાંગવા માંગતી હશે. છે ઈમાનદાર, કારણ ચાના પૈસા ના હોવાથી ચા પીવાની પણ ના પાડતી હતી. થોડીવારે ચાવાળાએ પત્ની કાશીને સવારની વાત કરી સાંભળી કાશીએ મેનાને પૂછપરછ કરી. મેનાએ આખી ઘટના કહી સંભળાવી મેનાની આંખોમાં આંસુઓની ધારા વહેતી હતી. મેનાની આખી વાત સાંભળી કાશીની આંખમાં પણ પાણી છલકાઈ ગયાં. એણે ભગવાનનો ઉપકાર માન્યો કે મારો પતિ ભલે ચાની લારી ચલાવે છે પણ ચા સિવાય કોઈ વ્યસન નથી. પોતે સ્વસ્થ થઈ મેનાને સાંત્વના આપી. મેનાની મદદ કરવાની બન્ને પતિપત્નીની ઈચ્છા હતી. પણ કરવી શી રીતે? તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં કાશીના સાસુ-સસરા, જેઠ- જેઠાણી અને એક કુંવારો દિયર રહેતો હતો. સાથે કાશીનો એક દીકરો પણ હતો. એટલે ઘરે રાખી શકાય નહીં અને આવી હાલત જાણ્યા પછી મેનાને એકલી મૂકવા મન માનતું ન હતું. ખૂબ વિચાર્યા પછી કાશીએ તેના પતિને વાત કરી,"મેનાને મારા પિયર મારા મા બાપુને ત્યાં રાખીએ તો કેવું?" પતિને કાશીની વાત ગળે ઉતરી.

કાશી તેના માતાપિતાનું એક જ સંતાન હતી અને અહીં બહોળા કુટુંબમાં પરણાવી હતી. મોટું કુટુંબ એટલે કામ પણ વધારે અને જવાબદારીઓ પણ વધારે એટલે કાશી માતાપિતાની સંભાળ રાખી શકતી ન હતી. માતાને કૅન્સરની બિમારી હતી એટલે ઘણુંખરું કાશીના પિતા જ કામમાં મદદ કરતાં હતાં. એટલે તેણે મેનાને ત્યાં રાખવાનું વિચાર્યું. કાશીના પતિને પણ કાશીનો આ વિચાર સાંભળી ખુશી થઈ. કારણ ક્યારેક કોઈ પુરુષ પત્નીની વિરુધ્ધ જઈ કોઈ અજાણી સ્ત્રીની મદદ કરવા જાય તો પત્ની સાથે જ યુધ્ધ થઈ જાય છે. જ્યારે કાશીની સમજદારી પર તેના પતિને ગર્વ થયો. તેમણે સાથે મળીને ચા નાસ્તો કર્યો અને ત્યાંજ થોડો આરામ કરી સાંજે ઘરે ગયાં. ઘરે મેનાને જોઈ બધા એકબીજા સામે જોવા લાગ્યા.

પિયરના ગામની છે એમ કાશીએ મેનાની ઓળખ આપી. બધા જમીને સૂઈ ગયા. થાકેલી હારેલી મેનાને વાતનો વિસામો મળ્યો. એટલે તેને જમીને ઊંઘ આવી ગઈ બાળકી પણ ભરપેટ દૂધ પીને સૂઈ ગઈ. કાશી સવારે વહેલા જાગીને મેનાને જગાડી. મેનાને પોતાના કપડાં પહેરવા આપ્યાં મેના નાહીને કપડાં પહેરી તૈયાર થઈ ગઈ બાળકીને પણ નવડાવીને તૈયાર કરી દીધી. આજે બાળકી અને મેના બંને નું રૂપ ખીલ્યું હતું મેના સુંદર દેખાતી હતી. મેના પાસે પણ થેલીમાં એક જોડી કપડાં હતા તે લઈ કાશી મેનાને બાળકી સાથે પોતાના પિયરની વાટે ચાલી... ત્યાં સવારે કાશીના દિયરની નજર મેના પર પડી.

બસમાં બેઠીને મેના વિચારવા લાગી અને મનોમન બબડી,
"હું ક્યાં જાઉં છું અને કોના ઘરે જાઉં છું?
પિયરે જાવા નીકળી હતી અને પિયરે જ જાઉં છું." 


Rate this content
Log in