નસીબે લખાયેલ કંથ-૨*
નસીબે લખાયેલ કંથ-૨*
*મારા નસીબે લખાયેલ આ કંથ,એજ ઉજાળશે મારો જીવન પંથ.-મધુકાન્તામેઘાને કોઈ વાતે દુઃખ ન હતું. દુઃખી હતી તો એ ગૌતમના વર્તાવને લીધે . એક બાજુ ગૌતમ કામ ધંધામાં પરોવાયેલો રહેતો અને મેઘા વિચારોમાં ખોવાયેલી રહેતી.સાસુ સસરાનું ધ્યાન મેઘા પર અને ગૌતમના વર્તાવ પર રહેતું. એક પારકી જણીને પોતાની કરેલ દીકરીની વ્યથા તેમનાથી જોવાતી ના હતી.તેઓ હંમેશ પ્રયત્ન કરતા કે કોઈ પણ બહાને ગૌતમ, મેધા સાથે વાતચીત કરતો રહે.ગૌતમને પણ મેઘા વિશે કોઈ ફરિયાદ ન હતી પણ ક્યારેક પોતાની યાદદાસ્તના કારણે અકળાઇ જતો. પણ મેઘાએ આ પરિસ્થિતિનો સામનો કરવા મનમાં ગાંઠ વાળી લીધી હતી. પોતાના માતાપિતા જેવા સાસુ સસરાને કોઈ જાતનું દુઃખ ના થાય એટલે પોતાના પિયરમાં પણ આ વાતનો અણસાર આવવા દીધો નહોતો.દિવસો વિતતા ગયા...હવે જ્યારે ગૌતમ શાંત બેઠેલો દેખાય એટલે મેઘા તેને હસતાં હસતાં મજાકમાં બૂમ પાડતી, "કેમ ગગન શું વિચાર કરો છો? આજ બહુ થાક લાગ્યો છે? લાવો માથું દબાવી આપું?" ગગન નામ સાંભળતાં ગૌતમ ચોંકી જતો. પણ કંઈ જવાબ ના આપતો. હવે તો અવાર નવાર સાસુ સસરા સામે પણ જમવા ટાણે, અને ચા નાસ્તો કરવા બોલાવે ત્યારે પણ ગગન કહીને જ બૂમ પાડતી. ત્યારે સાસુજી મજાકમાં કહેતાં, " કેમ મારા દિકરાનું નામ બદલી નાખ્યું? કાલે તું એને ય પૂરો બદલી નાખીશ." ત્યારે મેઘા પણ વળતો જવાબ મજાકમાં આપતી અને કહેતી, "ચિંતા ના કરો બા,ગમે તેટલો બદલાશે તોય એ ગગન તમારો હતો અને તમારો જ રહેશે."પછી બધા હસી પડતાં. વરસાદની ઋતુ હતી.શ્રાવણ મહિનો આવ્યો,ને મેઘાને માવતરના ઘરની યાદ આવી. મેઘાના માતા પિતાને પણ મેઘાની યાદ આવતી તો ક્યારેક ફોન કરી ખબર પૂછી લેતાં ક્યારેક મેઘાનો ભાઈ તુષાર આવીને બહેનને મળી જતો.પણ શ્રાવણ મહિનો એટલે તો તહેવારોનો મહિનો. એમાંય મેઘાને તો પહેલી રક્ષાબંધન હતી. એટલે પિયર જવાનો ઉમળકો વધુ હતો.પણ ગૌતમ સાથે આવશે કે નહીં તેની ચિંતા થતી હતી. જો સાથે આવે અને ચૂપચાપ બેસી રહે કે કોઈ અજુગતું કંઈ બોલે તો માતા પિતા સામે ભેદ ખુલી જાય.અને જો નહીં આવશે તો મમ્મી પપ્પાને પોતે જવાબ શું આપશે? એના માટે પણ થોડી ઉદાસ રહેતી હતી.તહેવારોનો મહિનો એટલે દુકાનમાં ઘરાકી વધુ રહેતી. એટલે ગૌતમ અને તેના પપ્પા સાથે જ ઘરે આવતા. અને થક્યા પાક્યા સૂઈ જતાં. મેઘા હવે ગૌતમને પૂછે ક્યારે અને જવાબમાં શું કહેશે તેના વિચારો કરવા લાગી. રવિવારની રજાના દિવસે દુકાન અડધો દિવસ ખોલવાની હતી તો ગૌતમ સવારે ઊઠીને ચા નાસ્તો કરવા બેઠો ત્યારે તેની મમ્મીએ જ ગૌતમને કહ્યું, "જો બેટા આજે તું ઘરે જ રહે તારા પપ્પા આજે દુકાને જઈ આવશે.તું મેઘા સાથે બજારે જા અને તેને જે ખરીદવું હોય તે ખરીદી આપ. ચાર દિવસ પછી આ તેની પહેલી રક્ષાબંધન છે,તો તારે પણ સાથે જાવું પડશે.તેને પણ તેના મમ્મી પપ્પાને મળવાનું મન થયું છે. અને દરેક સ્ત્રીને તહેવાર હોય એટલે પિયર તો સાંભરે જ. જો કે મારા પિયરમાં તારા નાના નાની તો ગુજરી ગયા અને એક ભાઈ છે તે પરીવાર સાથે અમેરિકા રહે છે એટલે હું તો ક્યાંય જાતી નથી." ગૌતમે માથું હલાવી હકાર આપ્યો. મેઘા તો રાજી રાજી થઈ ગઈ.ગૌતમ અને મેઘા બંને બજાર ગયા. રાખડી , મીઠાઈ અને બીજી પરચૂરણ વસ્તુની ખરીદી કરી. આગળ ચાલતાં બંગડીવાળાની દુકાન આવી અને મેઘા ઊભી રહી.તે ગૌતમને દુકાનમાં લઈ ગઈ અને દુકાનદારને બંગડીઓ બતાવવા કહ્યું, દુકાનદારે જુદા જુદા રંગની બંગડીઓ બતાવી, મેઘાએ લાલ, લીલી અને સોનેરી રંગની બંગડીઓ ગોઠવીને ચૂડો બનાવી ગૌતમને કહ્યું, જુવો ગગન આ કેવી લાગે છે? ગગનનું નામ સાંભળતાં જ તે ચોંક્યો અને તેની નજર બંગડી પર પડી. બંગડીનો ચૂડો જોતાં જ સૂનમૂન થઈ ગયો અને યાદોમાં સરી પડ્યો. મેઘા તેની સ્થિતિ સમજી ગઈ.અને ઝટ પટ બંગડીઓ લઈને ગૌતમ સાથે ઘરે આવી. ગૌતમ આવતાં જ રૂમમાં જઈ સૂઈ ગયો.મેઘા ને ફરી ચિંતા થવા લાગી.
