અબળા હતી, હું બીજું શું કરતી?
અબળા હતી, હું બીજું શું કરતી?
અચાનક એકબંધ બારણા પાસે આવીને ઊભા રહ્યા બુધાલાલ.
એક વરસનો પુત્ર અને નવી સવી પત્નીને મૂકી બુધિયો અડધી રાતે કોઈને જાણ કર્યા વગર ઘર છોડી ચાલ્યો ગયો હતો તે આજે બાવીસ વરસ પછી ગામમાં પાછો ફર્યો હતો.કોઈએ ઓળખ્યો નહીં. પૂછપરછ પણ કયા મોઢે કરે. આમ તેમ જોયા પછી ગામકૂવાની વાટે જઈ બેઠો.સામેથી એક સ્ત્રી ને બેડું ઉપાડી જાતાં જોઈ. પાછળ પાછળ એક ગરીબના ઝૂંપડા સુધી ગયો જ્યાં એ સ્ત્રી એ બેડું ઉતાર્યું.અચાનક પગરવ સાંભળી સ્ત્રીએ પાછળ વળી જોયું.બંને એકબીજા સામે મૌન બની જોતાં રહ્યા.બાવીસ વરસ પહેલાનો કાળ યાદ આવ્યો.....બંન્ને ની આંખો ભરાઈ આવી બુધાલાલને પણ પસ્તાવો થતો હતો કે બાવીસ વરસમાં ક્યારેય બાળક કે પત્નીની ખબર લીધી નહોતી. સામે સ્ત્રીને દુઃખ હતું પણ પોતાના નિર્ણયથી પસ્તાવો ના હતો. થોડીવારે સ્વસ્થ થઈ સ્ત્રી બોલી,
અબળા હતી, હું બીજું શું કરતી?
એક બાજુ જમાનાનો માર હતો.
બીજું, માથે બે પેટનો ભાર હતો.
એ પારકાં ન હતાં પોતાના હતાં.
અધિકાર વગર લૂંટાવા કરતાં,
અધિકાર સાથે સમર્પણ સારું.
બુધાલાલ કંઈ પણ બોલી ના શક્યા કે ના કોઈ સફાઈ આપી. ફરી ગામને રામ રામ કરી ચાલતાં થયા.આજે એ સ્ત્રી એટલે કે બુધાલાલની પરણેતર અને બાવીસ વરસનો પુત્ર એ કહેવાતા ગરીબ વ્યક્તિ રામલાલ સાથે આરામથી રહે છે.
