Mehul Patel

Children Stories Inspirational

3  

Mehul Patel

Children Stories Inspirational

નિષ્ઠાવાન વિદ્યાર્થી

નિષ્ઠાવાન વિદ્યાર્થી

2 mins
231


એક હતો બાળક. નામ તેનું મેહુલ. તે ધોરણ ૪ માં ગામની જ પ્રાથમિક શાળામાં ભણતો. તે ભણવામાં હોશિયાર પણ ખૂબજ તોફાની અને મસ્તીખોર.

કોઈક દિવસ મિત્રો સાથે આંબાની કાચી કાચી કેરીઓ પાડી આવે અને રખેવાળની ફરિયાદ લઇ આવે તો, કોઈક વાર ભર બપોરે તોફાન મસ્તી કરીને બધાની ઊંઘ હરામ કરે ! 

પણ, તેને હંમેશાં સાચું બોલવાની ટેવ અને અભ્યાસ તેમજ દરેક કાર્ય માં નિષ્ઠાવાન. જે તેણે દાદા તેમજ ગુરુજનો જોડેથી સાંભળેલી વાર્તાઓ તથા અનુભવો થકી શીખેલો.

 નિત્યક્રમ મુજબ આ બાળક એક દિવસ મિત્રો સાથે બહાર રમવા ચાલ્યો ગયો. ત્યારે અજાણતાં એક દરવાજામાં તેના જમણા હાથનો અંગુઠો કપાઈ જાય છે અને તે લોહી લુહાણ હાલતમાં ઘરે જાય છે. લોહી બંધ થવાનું નામ જ લેતું નથી. ત્યારે તેના દાદી તેને દવાખાને લઈ જાય છે. અને દાક્તર સાહેબ કહે છે,"ટાંકા લેવા પડે તેમ છે !." અને દાક્તર સાહેબ કપાયેલા અંગૂઠા પર ટાંકા લે છે અને તેના પર મલમ લગાવીને પટ્ટી બાંધે છે.

 આ બાળક તેની દાદી સાથે ઘરે આવે છે. આજુ બાજુના લોકો ખબર અંતર પૂછવા ઘરે આવે છે, ત્યાં તો આ બાળક મિત્રો સાથે રમવા ચાલ્યો જાય છે.. સાંજે ઘરે પાછો આવે છે ,અને કપાયેલો અંગૂઠો પલડે નહીં તે રીતે હાથ પગ ધોઈને શાળાનું ગૃહકાર્ય કરવા બેસી જાય છે.

આ બાળક નો અંગઠો એજ હાથ નો કપાયો હોય છે કે જે હાથે જ તે લખવાની, ખાવાની તેમજ મોટા ભાગની બધી જ ક્રિયાઓ કરતો હોય છે. આ બાળક તેના ગુરુજી એ તેને ગુજરાતી નિબંધ લખવા આપેલો તે લખવા બેસે છે. બાળક હોશિયાર હોવાથી વર્ગમાં અન્ય હોશિયાર અને સુંદર અક્ષર કાઢતા બાળકો સાથે સુંદર અક્ષર ને લઈને હરીફાઈ થતી. અને લખવાની શરૂઆત કરતાં જ તેને અનેક ઘણી પીડા થવા લાગે છે.અને અંગુઠા પર બાંધેલાં પાટા પરથી લોહી બહાર આવે છે. આ દ્રશ્ય તેની મોટી બહેન જુએ છે. અને તેને તેના તોફાની ભાઈ ની પીડા જોઈ દયા આવે છે. અને કહે છે," લાવ, મેહુલ ! હું તને લખી આપું..!., જેથી તારા અક્ષર પણ ના બગડે અને તને દર્દ પણ ના થાય..!." ત્યારે નાનો ભાઈ મેહુલ તેની બહેન ને કહે છે કે," મારું ગૃહકાર્ય હું જાતેજ કરીશ, ભલે મને દર્દ થાય, ભલે હું આવતી કાલે નિબંધમાં સારા માર્ક્સ ના લાવી શકું. પણ પ્રયત્ન તો હું જાતેજ કરીશ, જ્યારે મારી અંગૂઠાની તકલીફ દૂર થશે ત્યારે સારા અક્ષર આવશે...!. દાદા એ મને રાત્રે ખુલ્લા આકાશ નીચે ઊંઘતી વખતે કહેલી વાર્તા ઓ અને અનુભવોના વર્ણન થકી શિખવેલ સત્ય અને નિષ્ઠાના મૂલ્યનું શું ?"

અને પોતાના તોફાની અને મસ્તીખોર નાના ભાઈ ના મોઢે આવી નિષ્ઠાની વાતો સાંભળીને બહેનને ખૂબજ ગર્વ થાય છે. અને મનોમન વિચારે છે, કે "સાચી કસોટી તો સંકટ સમયે જ થાય છે."અને બીજી તરફ નાનો ભાઇ મેહુલ અનેક ઘણા દર્દમાં પણ દર્દ ને ભૂલીને કપાયેલા અંગૂઠા વડે જાણે નિષ્ઠાની પરીક્ષામાં પાસ થયો હોય તેમ ઉલ્લાસથી લખવા લાગે છે. 


Rate this content
Log in