મુસાફરી
મુસાફરી
અંકિત નામનો યુવક હતો. તે નાનપણથી જ ફરવાનો શોખીન. દરિયામાં,હવાઈ જહાજ, પર્વતો પર અલગ અલગ જગ્યાએ તે ફરવા નીકળી પડે.
એક વખત એક મોટું જહાજ દરિયાઈ મુસાફરી માટે નીકળ્યું. અંકિતભાઈ તો પોતાનો સામાન લઈ જહાજમાં બેસી ગયા. પાણીમાં મુસાફરીની એને ખૂબ મજા પડી. અલગ અલગ આઠથી દશ દરિયાઈ સ્થળોનો પ્રવાસ કર્યો.
એક દિવસ તે જહાજ એક નિર્જન ટાપુ પર પહોંચી ગયું. ત્યાં કોઈ માણસ તો શું પણ વનસ્પતિ સિવાય અન્ય કોઈ જીવજંતુ પણ જોવા ન મળે. રાત્રિરોકાણ આ ટાપુ પર કરી સવારે જહાજ ઉપડવાનું હતું. અંકિતભાઈએ વિચાર્યું આખી રાતનો સમય છે મારી પાસે. એ પોતે એક ક્રિએટિવ વ્યક્તિ હતા. કંઇક નવું નિરિક્ષણ કરી નિર્માણ કરવું તેને માટે ચપટીમા થઈ જાય. પ્રકૃતિપ્રેમી. એટલે આ દિવસનો તે ફાયદો ઉઠાવવા માંગતો હતો. પછી શું ? કોઈને પણ કહ્યાં વિના નીકળી પડ્યા. ટાપુ પર ફરવા. જાણે એ તેમનું કોઈ જાણીતું ગામ હોય. એ તો એકલા જ પોતાનો સામાન લઈ નીકળી પડ્યા. ચાલતાં ચાલતાં બહું દૂર નીકળી ગયું. સવાર સુધીમાં જહાજ પાસે પહોંચવું મુશ્કેલ હતું.
અંકિતભાઈ મોડી સવારે કિનારા પર પહોંચ્યા તો જહાજ ન મળે. જહાજ તેને મુકી જતું રહ્યું. તેને એમ હતું કે જહાજ તેની રાહ જોશે. પણ એવું થયું નહિ.અંકિતભાઈ મુંઝાયા. હવે શું કરવું. ત્યાંથી જવા કોઈ હોડી મળવી મુશ્કેલ હતી. ત્યાં કોઈ આવે એ પણ શક્ય ન હતું. ખાવા માટે માત્ર વનસ્પતિ સિવાય કશું જ ન હતું.
બહાર નીકળવું કઈ રીતે. કંઈ સુઝતું ન હતું. આમ ને આમ રાતનો સમય થઈ ગયો. કદાચ કોઈ સામાન્ય માણસ હોય તો તે બીકથી જ અડધો થી જાય. પણ આ તો ભાઈ પ્રકૃતિપ્રેમી અને ફરવાના શોખીન. કંઈ ન હોય તેમાંથી પણ નવું નિર્માણ કરી લે એવા. અંધારુ થઈ જાય એ પહેલાં એક ઝાડ પરથી ફળ તોડી લાવ્યો અને ખાધા. પોતાના થેલામાં ઓઢવા સાથે એક સાદર હતી. અને ચાર લાકડી લયાવી એક તંબુ બાંધીને સુતો. પણ આ નિર્જન ટાપુ પરથી બહાર નીકળવાના વિચારમાં નિંદર જ ન આવી.
બીજા દિવસની સવાર પડી. બીજા દિવસે સવારે ઊઠ્યો ત્યાં તેને એક વિચાર આવ્યો, વનસ્પતિ ઘણી છે તેના લાકડાં કાપી અને એક હોડી બનાવું તો. પણ પ્રશ્ન એ કે લાકડું કાપવું કંઈ રીતે તેની પાસે કુહાડી જેવું કોઈ સાધન તો હતું નહિ. એને થયું અહિં પથ્થર તો છે. જો કોઈ અણીદાર પથ્થર મળી જાય તો. શક્ય છે. તે તો પથ્થર નાં ટુકડા ભેગા કરવા માંડ્યો. ઘણાં પથ્થર ભેગા કર્યા તેમાંથી અણીદાર પથ્થરો શોધી ઝાડ કાપવાની શરુઆત કરી.
દિવસના અંતે માંડ એકાદ લાકડું કાપી શક્યો. એણે વિચાર્યું આમ તો કેટલા દિવસ નીકળી જશે. બીજો કંઈક વિકલ્પ પણ વિચારી લેવાય. આથી તેણે પોતાની પાસે રહેલા એક લાલ શર્ટને લાકડીમા બાંધી દિધો. અને તેના પર ઝાડના પાંદડાથી મદદ લખી નાખ્યું.
જો કોઈ પણ દેખાય તો આ લાકડી ઉંચી કરી મદદ માગી શકાય. પણ આ તો નિર્જન ટાપુ. ભાઈ ત્યાં આવવાની હિંમત કોણ કરે. અંકિતભાઈ દરિયામાંથી જે કંઈ વસ્તુઓ તરીને આવે એ પોતાની પાસે ભેગી કરે. કયારેક કામ લાગી જાય. આને સાથે લાકડા કાપવાનું ચાલુ રાખે.
થોડાં દિવસોમાં તે એણે દરિયામાં તણાઈને આવેલ એક ઢગલો વસ્તુઓ ભેગી કરી લિધી. બે મહિનાનો સમય થયો ત્યાં ધીમે ધીમે ચારેક મોટા લાકડા કાપી લિધા. તેને વિચાર આવ્યો, નાનપણમાં ભણવામાં આવતું માછલી ધારારેખીય આકાર ધરાવે છે. તેણે તે જ આકારે લાકડા જોડવાનું વિચાર્યું. પણ આ લાકડા જોડવા કંઈ રીતે. ત્યાં દોરી કે ખીલી તો હતી નહિ. તેણે ભેગી કરેલી વસ્તુઓનો ઢગલો ખોલવા માંડ્યો. કંઈ મળી જાય. ત્યાં એક વિમાન નીકળ્યું તેણે તરત પેલી લાકડી ઉંચી કરી. પણ વિમાનમાં બેસેલા કોઈને સમજાયું નહિ. એને એમ હલો કહે. અંકિતભાઈને થયું તે સમજ્યા નહિ.
તેણે ઢગલામાંથી કપડાંના ટુકડા ભેગા કર્યા. તેને વળ ચડાવીને દોરી જેવું બનાવ્યું. અને લાકડાને હોડી જેવો આકાર આપ્યો. લગભડ સાત આઠ મહિના જેટલો સમય પસાર થઈ ગયો હશે. સાથે એણે લાકડીની ડાળીથી મોટા અક્ષરે મદદ એવુ લખ્યું.
એક દિવસ સવારે પોતાની હોડી લઈને નીકળી પડ્યો. સાથે એક મોટું લાકડું લિધુ જે હોડી ચલાવવાનું કામ કરે. બરાબર અધવચ્ચે પહોંચી ગયા પછી ધીમે ધીમે કપડાથી બનાવેલી આ દોરી છુટવા લાગી. હવે આગળ પહોંચવું દૂર હતું અને પાછળ જવું મુશ્કેલ. શુ કરવું? જો થોડોક સમય વધારે ગયો તો પોતાનું દરિયામાં ડૂબી જવું નિશ્ચિત હતું.
પણ જેને રામ રાખે તેને કોઈ ન ચાખે. બરાબર એ જ સમયે સામેથી એકભાઈ હોડી લઈ આવી રહ્યો હતો. અંકિતભાઈએ તેને જોયા. એટલે મોટેથી બૂમો પાડી. અને એ ભાઈએ સામે જોયું એટલે પોતાની પાસે મદદ લખેલા અક્ષરો ઉંચા કરી મદદ માગી. તે ભાઈ હોડી લઈ આવી પહોંચ્યા અને અંકિતભાઈ ની જીવમાં જીવ આવ્યો.
