The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Dina Vachharajani

Others

4.0  

Dina Vachharajani

Others

મત કરો

મત કરો

3 mins
11.8K


હેઇ..'મત કરો 'ચાચા આયે...એય ,બુઢ્ઢે ચાચા, કહાં ચલે? નાના પહાડી ગામની એક દુકાનને ઓટલે બેઠેલા તોફાની છોકરાઓ ઝડપથી ચાલ્યા જતા એક વૃધ્ધ શખ્સ ની મજાક કરતા હસી રહ્યાં હતાં. પેલો લાંબો ઉનનો કોટ, મફલર ને માથે ઊનની જ હિમાચલી ટોપી પહેરેલ વૃધ્ધ હાથમાં લાકડી લઇ જાણે જલદી કોઇ કામ પતાવવાનું હોય તેમ ચાલ્યો જતો હતો.આ મજાક કે આસપાસનું વાતાવરણ જાણે એના પર કંઇ અસર જ નહોતાં કરતાં. આ શખ્સ -રામલાલનો આ રોજનો ક્રમ હતો. એ ક્યાં જશે એ પેલા મજાક કરતાં છોકરાઓને પણ ખબર હતી !

આ રામલાલનો પણ એક જમાનો હતો..આજ પહાડી ગામમાં એનો જન્મ. બીજી તરફ આવેલા પહાડોના ઢોળાવવાળી બહોળી જમીનનો એ માલિક. ખેતીની આવક, ઘેટાં-બકરાંના પાલનમાંથી ઉપજતી આવકથી પૈસાની છૂટ હતી.ગામનો મુખી ગણાતો. ભોલેનાથની કૃપાથી શાંત પત્નીને ત્રણ -ત્રણ પુત્રોનો પરિવાર હતો. પુત્રો થોડા મોટા થયાં કે કામ પણ સંભાળવા માંડ્યા. એમને પરણાવ્યા પણ ખરાં. હવે રામલાલ પાસે ઘણો સમય બચતો. શિયાળામાં તો ગામ આખું બરફમાં થીજી જતું. ગરમીમાં બરફ પીગળી પગદંડી ઓ ખુલ્લી થતાં જ સામેના ઊંચા પહાડ પર આવેલા સદીઓ જૂના શિવજીના મંદિરમાં અનેક લોકો યાત્રાએ આવતાં. પગપાળા કે ઘોડા પર.રામલાલ પણ એમની સાથે જોડાતાં ને આખી સીઝનમાં યાત્રાળુઓના ગાઇડ બનવાનું મનગમતું કામ કરતાં..એમનો નાનો પુત્ર પણ એમની સાથે જોડાતો.કમાણી ને પુણ્ય બંને મળતું.

લગભગ દસકા પહેલાં આ શાંત પહાડોમાં જાણે હલચલ મચી ગઇ. સરકારે આ આખા વિસ્તાર ને પર્યટક ધામ તરીકે વિકસાવવા નું નક્કી કર્યુ. પહાડો તોડી રસ્તાં -વહેતી નદીઓ આડા પુલ ને કાંઠે કાંઠે અનેક ધર્મશાળા -હોટલો બનવાનું કામ જોરજોરથી ચાલવા માંડ્યું. અનેક ધંધા વાળા ખુશ હતાં. સરકારની તિજોરી પણ કરવેરામાંથી ભરાવાની હતી.ખુરસી પર બિરાજમાન પ્રધાનોને તો આટલા મોટા પ્રોજેક્ટમાં મહાદેવની મહેરબાની જ દેખાતી હતી. ફક્ત એક રામલાલ બેચેન હતો. ગામલોકોને ભેગા કરી એણે આ પ્રોજેક્ટનો વિરોધ કરવા સમજાવ્યા..એ કહેતો "મત કરો ઐસા-મહાદેવ રુઠેંગે-પ્રલય હોગા-સત્યાનાશ હોગા" પણ બધાને તો રસ્તા બનાવવા પહાડી જમીન ખરીદી રહેલી સરકારનાં પૈસામાં રસ હતો ! એના પોતાના છોકરાઓ એ પણ એની ઇચ્છા વિરુધ્ધ જમીન વેંચી રોકડાં કરી લીધાં..એ બિચારો એકલો તાલુકા-જિલ્લા મથકની કચેરીઓમાં પણ જઇ આવ્યો -સાહેબોને આમ ન કરવાનું સમજાવવા પણ કામ તો ન અટક્યું ...ઘણાં પહાડો પર, જ્યાં પહેલાં દેવદારનાં વન હતાં ત્યાં વાહન ઉભવા માંડ્યા. રામલાલ હજુ બોલતો રહેતો---સત્યનાશ હોગા. એના શબ્દો સાચા પડતાં હોય તેમ થોડા વખત પહેલાં આભ ફાટ્યું ને ખોદાયેલા પહાડોની જમીન ધસી પડતાં ને નદીનાં તૂટેલા કિનારાં ફાટતા પાણી ને માટી નું પ્રચંડ પૂર આવ્યું. આસપાસના અનેક ગામ તણાઈ ગયાં. રામલાલનાં ગામમાં પણ વિનાશ ને મોત એ તાંડવ મચાવ્યું. એમનો ખુદનો નાનો દિકરો પણ તણાઈ ગયો...ઘરનાં લોકો, ખાસ તો નાના દિકરાની વહુ રામલાલને જ આ માટે દોષી માનવા માંડ્યા. રામલાલના મનહુસ શબ્દો ને કારણે જ આમ થયું એમ એ રોજ લડતી. એ દિવસથી રામલાલ જાણે બદલાઇ ગયાં. પણ રામલાલને છોડીને બીજું તો કંઈ નહોતું બદલાયું. એ જ ગામ..એ જ સરકાર...પહાડો તોડવાનો, જંગલો કાપવાનોને અનેક બાંધકામ બાંધવાની એજ હલચલ.....પણ, રામલાલ હવે ગૂમશૂમ ને ચૂપ જ રહે છે.આખો દિવસ ઘરમાં રહે પણ સવારે એકવાર એ અચૂક બહાર નીકળે-- જેમ આજે નીકળ્યાં હતાં..

રામલાલ ઝડપથી ચાલતાં ત્યાં પહોંચ્યા જ્યાં પહાડ તોડી રસ્તો બની રહ્યો હતો. એક એક મજૂરનો હાથ પકડી એ બોલી રહ્યાં હતાં "મત કરો-મત કરો" ઘણીવાર સુધી આમ દોડાદોડી કરી થાક્યા કે સામેના પહાડ પર ઊંચે બિરાજેલા ભોલેનાથને બે હાથ જોડતાં એમની આંખમાંથી આંસુ સરી પડ્યાં. એ જોઇ કોઇ ડાહ્યો માણસ બોલ્યો " લે આ ગાંડો ! તો રડે છે..."


Rate this content
Log in