મોટુ પતલુ
મોટુ પતલુ
પતલુ : યાર મોટુ ! આખુ ફુરફુરી નગર દિવાળીની તૈયારીમાં લાગી ગયું છે. આપણે પણ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ...
મોટુ : હા યાર પતલુ ! મિઠાઈ, સમોસા, મઠિયા, ચોળાફળી...(હોઠ પર જીભ ફેરવતા.)
પતલુ : તને તો બસ પેટપૂજાની જ પડી છે.. લક્ષ્મીપૂજન, સાફસફાઈ, દીવા, રંગોલી એ પણ બધુ હોય દિવાળીમાં.. માત્ર ખાવાની જ વાત તારે તો. (મોં બગાડતા પતલુ બોલે છે.)
મોટુ : હા યાર ! સોરી બસ ! ચાલ થોડા બહાર જઈને સમોસા ખાઈ આવીએ એટલે તાકાત આવી જાય પછી તૈયારી કરીએ.
પતલુ : જોયુ ? તારે કોઈપણ કામ કરતા પહેલા સમોસા વગર ના ચાલે..
(બંને હસતા હસતા બજાર તરફ નીકળે છે.)
મોટુ : અરે પતલુ ! જો ડો. જટકા આ બાજુ આવી રહ્યા છે...
પતલુ : કેમ છો ડો. જટકા ? ચાલો સમોસા ખાવા. એ બહાને થોડા ગપ્પા મારશું.
ડો. જટકા : ઓહ ! જરૂર જરૂર મારા ભાઈ ! ચાલો ચાલો... (ત્રણેય સમોસાનો ઓર્ડર આપે છે.)
ડો. જટકા : અત્યારમાં તમે ક્યાં નીકળ્યા બંને જણા ?
મોટુ : દિવાળી આવે છે તો થોડી ખરીદી કરવા જઈએ છીએ.
પતલુ : હા ! ઘરની સાફસફાઈ પણ કરવાની છે, પણ આ મોટુને તો સમોસા ખાઈને પડ્યા રહેવું છે. લાગે છે કે મારે એકલાને માથે જ સફાઈ આવશે. (મોટુને ધબ્બો મારતાં કહે છે.)
ડો. જટકા : અરે ! મારા ભાઈઓ જરા પણ ચિંતા ના કરો. મેં મારી લેબમાં એક સ્પ્રે ઈન્વેન્ટ કર્યું છે. એ ઘરમાં ચારેબાજુ છાંટતા સફાઈ થઈ જાય છે. કોઈ ઝંઝટ નહિ, કોઈ મહેનત પણ નહિ.
મોટુ : શું વાત કરો છો ? એવું સ્પ્રે ? અમને પણ જોઈએ છે. પ્લીઝ (પતલુ પણ જોડે હાથ જોડવા લાગે છે.)
ડો. જટકા : કેમ નહિ મારા ભાઈ ? ચાલો મારી સાથે... (ત્રણેય ડો. જટકાની લેબ પર પહોંચે છે.)
ઘસીટારામ : અરે ! આ મોટુ પતલુ ડો. જટકાની સાથે ?
મોટુ : કેમ છે ? ઘસીટારામ (ઘસીટારામને ધબ્બો મારતાં)
ઘસીટારામ : સારુ છે. (મોં બગાડતા)
ડો. જટકા : ઘસીટારામ.. આપણે સફાઈ માટે જે સ્પ્રે ઈન્વેન્ટ કર્યું છે એ મોટુ પતલુને આપો.
ઘસીટારામ : (સ્પ્રે આપતાં) લો...
મોટુ પતલુ : થેન્ક્યુ ડો જટકા..
ડો. જટકા : વેલકમ મારા ભાઈ ! પણ આ સ્પ્રેના ઉપયોગ વિશે જાણી લો. આ સ્પ્રે ઘરમાં ચારે બાજુ એક જ વાર છાંટવાનું. જો તે એક જ જગ્યાએ વધારે છંટાઈ ગયું તો એ જગ્યા પર રહેલી વસ્તુ ગાયબ થઈ જશે. અને....
મોટુ પતલુ : (અધવચ્ચેથી વાત કાપતા) ઓકે ઓકે ડો. જટકા.. અમે ધ્યાન રાખીશું... બાય...
>
(ડો. જટકા અને ઘસીટારામ મોટુ-પતલુને જતા જોઈ રહે છે...)
મોટુ : પતલુ યાર ! શોપીંગ તો થઈ ગઈ, હવે સફાઈ બાકી રહી એ કાલે કરીશું. એમ પણ સ્પ્રે જ છાંટવાનું છે ને.. પછી શું ચિંતા ?
પતલુ : હા યાર મોટુ ! આ શોપિંગ બેગ, ચાંદીના સિક્કા અને કેશ બધુ તિજોરીમાં મૂકી દીધું છે. બાકી કામ કાલે... (કહી મોટુ-પતલુ પથારીમાં લંબાવી દે છે.)
સવાર પડતાં પતલુ સફાઈ કરવા સ્પ્રે છાંટવાનું શરૂ કરે છે.
મોટુ : યાર પતલુ ! શું સવાર સવારમાં ચાલુ કરી દીધું ? પહેલા સમોસા તો ખાઈ લઈએ...
પતલુ : તું ખાલી લે ભાઈ ! હું આ સ્પ્રે કરીને પછી ખાઈ લઈશ...
મોટુ : (પગમાં કંઈક વસ્તુ અથડાતા બેલેન્સ ગુમાવે છે અને પતલુને ધક્કો લાગી જાય છે.) બાપા પતલુ...
પતલુ : ઓ ઓ ઓ ! મરી ગયો... (હાથમાં સ્પ્રે વધારે દબાવાઈ જાય છે અને વધારે છંટકાવ થઈ જાય છે.)
મોટુ-પતલુ માંડ માંડ બેલેન્સ જાળવીને ઊભા થાય છે ને જુએ છે તો....
પતલુ : ઓ માય ગોડ ! તિ.. તિ. તિજોરી...
મોટુ : તિજોરી ગાયબ ! (બંનેને ચક્કર આવી જાય છે.)
પતલુ : મોટુ.. ઈન્સ્પેક્ટર ચિંગમ પાસે ચાલ જલદી...
બંને પોલીસસ્ટેશન જઈ ઈન્સ્પેક્ટર ચિંગમને વિગતવાર વાત કરે છે.
ઈન્સ્પેક્ટર ચિંગમ : વોટ ? સ્પ્રે છાંટવાથી તિજોરી ગાયબ થઈ ગઈ એમાં હું શું કરી શકું ? આમાં તો ડો. જટકા જ કંઈક કરી શકે... એમની પાસે જ જઈએ.
(મોટુ-પતલુ અને ઈન્સ્પેક્ટર ચિંગમ ડો.જટકાની લેબમાં પહોંચે છે.)
મોટુ-પતલુ : (રડતા રડતાં) ડો જટકા ! અમે બરબાદ થઈ ગયા...
ડો. જટકા : અરે પણ થયું શું ?
ઈન્સ્પેક્ટર ચિંગમ ડો. જટકાને સંપૂર્ણ વિગત જણાવે છે. વાત સાંભળી ડો. જટકા અને ઘસીટારામ જોરજોરથી હસવા લાગે છે.
મોટુ-પતલુ : (આશ્ચર્યથી) અમારી આ અવદશા જોઈ તમને હસવુ આવે છે ?
ડો. જટકા : (મહામહેનતે હસવુ રોકતા કહે છે) સોરી સોરી.... પણ તમે મારી પૂરી વાત સાંભળ્યા વગર સ્પ્રે લઈ ચાલ્યા ગયા હતા. વાત એમ છે કે, એ સ્પ્રેથી સફાઈ થઈ જાય છે પણ જો વધારે છંટકાવથી કોઈ વસ્તુ ગાયબ થઈ જાય તો પણ 30 મિનિટ પછી સ્પ્રેની અસર ઓછી થતા તે પાછી આવી જાય છે. તમારી તિજોરી અત્યારે એ જ જગ્યાએ હશે. એ સ્પ્રે માત્ર કચરો જ ગાયબ કરી શકે છે.
ઈન્સ્પેક્ટર ચિંગમ, ઘસીટારામ અને ડો.જટકા મોટુ-પતલુની સામે જોઈ ખડખડાટ હસી પડે છે.
બિચારા મોટુ-પતલુ પોતાની મૂર્ખામી પર શરમાઈને નીચું જોઈ જાય છે...