Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Mariyam Dhupli

Children Stories Inspirational


3  

Mariyam Dhupli

Children Stories Inspirational


મોરિશ્યસનો ઇતિહાસ

મોરિશ્યસનો ઇતિહાસ

23 mins 590 23 mins 590

લગભગ ૫૦૦ વર્ષ પહેલા યુરોપના ખલાસીઓ હિન્દ મહાસાગરમાં વહાણો દ્વારા ભારત અને ઇસ્ટ ઇન્ડિઝ મસાલાના વેપાર અર્થે પ્રવાસ ખેડતા હતા. તેઓ વિશાળ જહાજો થકી આ મુસાફરી કરતા હતા. યુરોપના આ ખલાસીઓમાં પોર્ટુગલના પોર્ટુગીઝ લોકોએ હિન્દ મહાસાગરમાં સૌ પ્રથમ આગમન કર્યું હતું. એ સમય દરમિયાન ખાદ્ય પદાર્થોની લાંબા સમય સુધી સાચવણી કરવા, ખાદ્ય સામગ્રીઓને સ્વાદિષ્ટ બનાવવા, રસોઈમાં સુગંધનું મિશ્રણ કરવા, ઔષધિ તરીકે તેમજ કોસ્મેટિક પદાર્થો માટે મસાલાઓનું આગવું મહત્વ હતું. પોર્ટુગીઝ લોકો પોતાના વિશાળ વહાણો થકી આ મસાલાઓના વેપાર માટે હિન્દ મહાસાગર પાર કરી ભારત અને ઇસ્ટ ઇન્ડિઝ પહોંચતા. 


૧૫મી સદીમાં પેડ્રો માસ્ક રેનસ નામક એક પોર્ટુગીઝ ખલાસીએ પોતાની મુસાફરી દરમિયાન હિન્દ મહાસાગરમાં ઘણા ટાપુઓ શોધ્યા. મોરિશ્યસ, રોડ્રિગ્ઝ અને રિન્યુ ટાપુઓની શોધ પણ પેડ્રો માસ્ક રેનસેજ કરી હતી. તેથી જ તેના નામ ઉપરથી આ ત્રણેત્રણ ટાપુઓ માસ્કારેન ટાપુઓ ( માસ્કારેન આઈલેન્ડસ ) તરીકે ઓળખાય છે.


અન્ય પોર્ટુગીઝ ખલાસીઓએ પણ હિન્દ મહાસાગરમાં ઘણા ટાપુઓની ખોજ કરી. એમાંથી મોટાભાગના ટાપુઓ પોર્ટુગીઝ નામ ધરાવે છે. જેમ કે આગાલીગ અને ડિયોગો ગસીયા. 


ક્યારેક ભારત અને ઇસ્ટઇંડીઝ તરફની પોતાની મુસાફરી દરમિયાન પોર્ટુગીઝ ખલાસીઓ મોરિશ્યસ ટાપુ ઉપર વિરામ લેતા. વિરામ લેવાનો મુખ્ય હેતુ વહાણોના  સમારકામ, ખાદ્ય પદાર્થોની પ્રાપ્તિ અને શુદ્ધ પાણી મેળવવાનો હતો. ટાપુ ઉપર તેઓ પોતાની જોડે ડુક્કર, વાંદરા, બકરા જેવા પ્રાણીઓ તેમજ ખટાશ ધરાવતા ફળોના છોડ પણ લાવતા.


જોકે પોર્ટુગીઝ લોકોએ બહુ લાંબા સમય સુધી મોરિશ્યસમાં રહેવાસ કર્યો નહીં.


૧૬મી સદીમાં હોલેન્ડથી ડચ લોકો મોરિશ્યસ ટાપુ પહોંચ્યા. પોર્ટુગીઝ લોકોની જેમ જ ડચ લોકો પણ વેપાર અર્થે હિન્દ મહાસાગરમાં સફર કરતા હતા. ડચ લોકો પણ મસાલાના વેપારમાં રસ ધરાવતા હતા. મસાલાઓના વેપાર માટે તેઓ હોલેન્ડથી ઇસ્ટ ઇન્ડિઝ તરફ નિયમિત પ્રવાસ ખેડતા હતા. 


વાન વોર્વિક નામક ડચ ખલાસી એના મિત્રો જોડે ઇસ્ટ ઇન્ડિઝની દિશામાં મુસાફરી કરી રહ્યો હતો. તેઓ મુસાફરી માટે આઠ વહાણોના કાફલા જોડે નીકળ્યા હતા. જેવા તેઓ મડાગાસ્કર ટાપુ નજીક પહોંચ્યા જ કે દરિયાઈ વાવાઝોડામાં સપડાઈ ગયા. ત્રણ વહાણો અન્ય કાફલાથી વિખુટા પડી ગયા. આમ છતાં આ ત્રણ વહાણોએ દરિયાઈ તુફાનનો સામનો કરતા પોતાનો ઇસ્ટ ઇન્ડિઝ તરફનો સફર જાળવી રાખ્યો.


વાન વોર્વિકનું વહાણ અને અન્ય ચાર વહાણ ભારે નુકસાન પામ્યા હતા અને એમને શીઘ્ર સમારકામની જરૂરિયાત હતી.ખલાસીઓ પાસે ન તો ખાદ્ય સામગ્રી બચી હતી ન તો શુદ્ધ પાણી. ખલાસીઓ અત્યંત થાકેલા અને ભયભીત હતા.


થોડા દિવસો પછી એમના વહાણ પવનના વેગ જોડે એક અજાણ્યા ટાપુના કિનારે પહોંચ્યા.ખલાસીઓ આખરે જમીન નિહાળી ખુશીથી ઉછળી પડ્યા.


ડચ ખલાસીઓ આ અજાણ્યા ટાપુ ઉપર ઈ.સ. ૧૫૯૮માં ઉતર્યા. અહીં તેઓએ થોડો વિસામો લીધો અને વહાણોનું સમારકામ કર્યું. તેઓ ટાપુની મુલાકાતે નીકળ્યા. ચારેતરફ ફક્ત જંગલ છવાયેલા હતા. પર્વતો, ખીણ અને ધોધ અત્યંત સુંદર હતા. તેઓએ ઘણા ઇબોની નામના વૃક્ષો, ચામાચીડિયા, પોપટ,ડોડો ( મોરિશ્યસનું લુપ્ત થઇ ગયેલું એક પ્રાચીન, સ્થાનિક પંખી ), કાચબાઓ જોયા. નદી અને પ્રવાહોમાં ઘણી બધી માછલીઓ પણ નિહાળી. 


ડચ લોકોએ ટાપુને ' મોરિશ્યસ ' નામ આપ્યું.જે સ્થળે તેઓએ પ્રથમ ઉતરાણ કર્યું 

હતું તે સ્થળ આજે 'ફેરની' તરીકે જાણીતું છે.


ડચ લોકોએ ટાપુ ઉપર એક જુદુંજ પંખી નિહાળ્યું. તેઓએ તેને 'ડોડો' નામ આપ્યું. મોરિશ્યસ જ એક સ્થળ હતું જ્યાં આ પંખી જોઈ શકાયું. આ સ્થાનિક અને જુદા પંખીના 

અસ્તિત્વને કારણે જ મોરિશ્યસ 'ડોડોનું ટાપુ' તરીકે ઓળખાયું. 


લુપ્ત થઇ ચૂકેલ 'ડોડો' વજનદાર શરીર ધરાવતા હતા. તેઓ ઉડી શકતા ન હતા. તેઓ ટાપુ ઉપર શાંતિપૂર્વક રહેતા હતા. પાછળથી ટાપુ ઉપર વિશ્રામ માટે રોકાતા ખલાસીઓએ 'ડોડો' પંખીઓનો શિકાર કર્યો. તેઓ ખુબજ સહેલાઈથી પકડી શકાતા હતા. એવું કહેવાય છે કે ત્રણ કે ચાર ડોડો ૧૦૦ લોકો ના જમણ માટે પૂરતા હતા. થોડાજ સમયમાં 

ડોડો લુપ્ત થયા. મોરિશ્યસની રાજધાની પોર્ટલૂઇસમાં આવેલ ' મોરિશ્યસ ઇન્સ્ટિટ્યૂટ'માં ડોડોનું મોડેલ ( નમૂનો ) નિહાળી શકાય છે. ટાપુના દક્ષિણ પૂર્વમાં સ્થિત માઓ સૌંઝ ખાતે 

ડોડોનું હાડપિંજર સઁગ્રહિત રખાયું છે.


ડચ ખલાસીઓએ પોતાના સાગર પ્રવાસ માટે ટાપુ ઉપરથી જમવાનો સારો એવો પુરવઠો   અને સ્વચ્છ પાણી મેળવી લીધા. થોડા સમયનો વિશ્રામ મેળવ્યો. ત્યારબાદ તેઓએ ઇસ્ટ ઇન્ડિઝ તરફનો પોતાનો સાગર પ્રવાસ આગળ વધાર્યો. 


મોરિશ્યસના ગ્રાન્ડ પૉ જિલ્લામાં ફેરની નામક સ્થળે ડચ લોકોના આગમનની યાદમાં એક સ્મારક ઉભું કરવામાં આવ્યું છે.


વાન વોર્વિકના પ્રસ્થાન બાદ અન્ય ડચ ખલાસીઓ પણ ઇસ્ટ ઇન્ડિઝ તરફના પોતાના સાગર પ્રવાસ દરમિયાન મોરિશ્યસમાં નિયમિત રોકાણ કરતા હતા.


ખલાસીઓ માટે મોરિશ્યસ ખાદ્ય સામગ્રી અને શુદ્ધ સ્વચ્છ પાણી મેળવવાનું સારું માધ્યમ હતું. મોરિશ્યસ સારી આબોહવાથી સંપન્ન અને માંદગીઓ થી મુક્ત હતું. આમ, મોરિશ્યસ ખાદ્ય સામગ્રી, શુદ્ધ પાણી અને લાંબા દરિયાઈ પ્રવાસો દરમિયાન આરામ મેળવવા ખલાસીઓ માટે એક સારું પ્રવાસ - વિશ્રામ બની ગયું. 


ઈ સ ૧૬૩૮માં, ડચલોકોની મોરિશ્યસની પ્રથમ મુલાકાતના ૪૦ વર્ષ પછી આખરે તેઓએ મોરિશ્યમાં સ્થાઈ થવાનો નિર્ણય લીધો. હિન્દ મહાસાગરમાં વેપાર અંગે ડચ સિવાય અન્ય દેશના ખલાસીઓ જેવા કે ફ્રાન્સના ફ્રેન્ચ અને ઇંગ્લેન્ડના અંગ્રેજો પણ દરિયાઈ પ્રવાસ કરતા હતા. પૂર્વ તરફ પ્રવાસ કરતા સમયે અને પરત થતા સમયે લાંબા સફર પછી તેઓ પણ મોરિશ્યસ ટાપુ ઉપર વિશ્રામ માટે રોકાતા. અહીં તેઓને ખાદ્ય સામગ્રીઓ અને શુદ્ધ પાણીનો પુરવઠો મળી રહેતો. ડચ લોકો ને ભય હતો કે અન્ય દેશના લોકો ટાપુની સત્તા મેળવી લેશે. તેથી તેમણે એ પહેલાજ મોરિશ્યસમાં સત્તા સ્થાપવાનો અને સ્થાયી થવાનો નિર્ણય લઇ લીધો. 


ડચ લોકો આજે વીએ ગ્રાંપો તરીકે ઓળખાતા મોરિશ્યસના એક વિસ્તારમાં સ્થાયી થયા. આ સ્થળ ઉપર સ્થાયી થવાના કારણો આ પ્રમાણે આવરી લેવાઈ. આ સ્થળ ઉપર હાજર નદી અને પ્રવાહોનું પાણી વપરાશ માટે પૂરતું હતું. અહીં ઉપસ્થિત જંગલોના પ્રાણીઓ થકી માંસ મળી રહેતું. ઘર બાંધવા માટે સપાટ જમીન ઉપલબ્ધ હતી. બાંધકામ માટેની સામગ્રી જંગલોમાંથી સહેલાઈથી મળી રહેતી. વહાણોને સુરક્ષિત રાખવા માટે ખાડી તેમજ દરિયાઈ ખોરાક માટે સમુદ્ર ઉપલબ્ધ હતો. 


દુશમ્નો સામે સ્વરક્ષણ માટે ડચ લોકોએ વીએ ગ્રાંપો પર એક કિલ્લો બાંધ્યો. આ કિલ્લાનું નામ ' ફોર્ટ ફ્રેડરીક હેન્ડ્રિક ' રાખ્યું. કિલ્લા નજીક તોપ ગોઠવવામાં આવી. 


રહેવાસ દરમિયાન ડચ લોકોએ ટાપુ ઉપર બંદરને અન્ય સ્થળો સાથે જોડતા રસ્તાઓ બનાવ્યા. તેઓએ તાડના વૃક્ષો અને લાકડામાંથી ઝુંપડીઓ તૈયાર કરી. ખેતી માટે જમીન ખેડી. શક્કરિયા, મકાઈ, વટાણા અને કઠોળ ઉગાડ્યા. ધુમ્રપાન ના શોખીન હોવાથી તમાકુની રોપણી કરી. કોબી જેવી શાકભાજી, દ્રાક્ષ, મોસંબી, કેળા અને લીંબુ જેવા સ્વાસ્થ્યકારી ફળો પણ ઉગાડ્યા. તેઓ પોતાની જોડે શેરડી લાવ્યા, જે આજે પણ મોરિશ્યસનો મુખ્ય પાક છે. પોતાની જોડે જાવાના હરણો લઇ આવ્યા. ગાય, બકરા અને ડુક્કર ઉછેર્યા. 


ખોરાક માટે તેઓ ખાડી અને પ્રવાહોમાંથી માછલી પકડતા. આ ઉપરાંત તેઓએ ચામાચીડિયા, કાચબા તેમજ ડોડો, કબૂતર પોપટ અને જંગલી બતકોનો શિકાર કર્યો. 


ડચ રાજ્યપાલ વાન દેર સ્ટેલ પ્રથમ રાજ્યપાલ હતા જે ટાપુ પર ગુલામો લઇ આવ્યા. તેઓ મડાગાસ્કર ટાપુ થી ગુલામો લાવ્યા. 


ટાપુ ઉપર ડચ લોકોની મુખ્ય પ્રવૃત્તિ નિકાસ માટે એબોની વૃક્ષો કાપવાની હતી. વૃક્ષો કાપવા તેઓ ગુલામો લઇ આવ્યા. વૃક્ષો કાપી એના લાકડા વહાણો ઉપર ગુલામો લાદતા. એબોની વૃક્ષના લાકડા સારી ગુણવત્તા ધરાવતા હોવાથી હોલેન્ડમાં ઊંચી કિંમતે એમનું વેચાણ થતું. આ લાકડામાંથી હોલેન્ડમાં ઊંચી ગુણવત્તા વાળું ફર્નિચર તૈયાર થતું. 


પરંતુ મૌસમી વાવાઝોડાએ એમનું જીવન ટાપુ ઉપર મુશ્કેલ બનાવ્યું. વાવાઝોડાને કારણે એમની ઝુંપડીઓ અને પાક નાશ પામ્યાં. ઉંદરોના ઉપદ્રવથી પાકને મોટું નુકશાન પહોંચ્યું. ક્યારેક ક્રાંતિકારી ગુલામો પણ સ્થાયી લોકો ઉપર હુમલો કરતા. 


આ બધા કારણોના પરિણામ સ્વરૂપ આખરે ઈ સ ૧૭૧૦માં ડચ લોકો મોરિશ્યસ છોડી ગયા. 


તેઓના ગમન પછી અંગ્રેજ તેમજ અન્ય દેશના ખલાસીઓ ખાદ્ય સામગ્રી અને શુદ્ધ પાણી માટે ઘણી વાર મોરિશ્યસમાં રોકાણ કરતા. દરિયાઈ લૂટેરાંઓ પણ મોરિશ્યસનો છુપાવાના સ્થળ તરીકે ઉપયોગ કરતા. તેઓ ખાડીમાં છુપાઈ ભારત અને પૂર્વથી આવતા જતા વહાણો ની રાહ જોતા. આ વહાણ મસાલાઓ, સુતરાઉ કાપડ, કિંમતી પથ્થરો અને અન્ય સામાનનું વહન કરતા. સમુદ્રી લૂટેરાંઓ આ વહાણો ઉપર હુમલો કરી લૂંટ મચાવતા. એવું કહેવાય છે કે સમુદ્રી લૂટેરાંઓ એ તેઓનો ખજાનો મોરિશ્યસ અને રૉડ્રિગ્સ ના દરિયાકાંઠે છુપાવ્યો હતો. આજે પણ લોકો એ ખજાનાની શોધમાં છે. ઓલિવિર લે વાસે, જે લા બ્યુસ તરીકે પણ જાણીતો હતો, હિન્દ મહાસાગરનાં પ્રખ્યાત સમુદ્રી લૂટેરાંઓમાંનો એક હતો. એવું માનવામાં આવે છે કે એણે પોતાનો ખજાનો મોરિશ્યસના દક્ષિણી સમુદ્રી તટ પર છુપાવ્યો હતો. 


તે સમયે ફ્રાન્સના ફ્રેન્ચ લોકો બોબો આઇલેન્ડ (જે આજે રિન્યુ આઇલેન્ડ તરીકે ઓળખાય છે ) 

માં સ્થાયી હતા. તુફાની હવાઓ ને કારણે બોબો ટાપુનું બંદર ખલાસીઓ માટે સુરક્ષિત ન રહ્યું. મોરિશ્યસમાં છુપાયેલા દરિયાઈ લૂટેરાંઓ તેમના વહાણો પર હુમલો કરતા. ઉપરાંત અન્ય દેશના વહાણો પણ મોરિશ્યનો પ્રવાસ - વિશ્રામ તરીકે ઉપયોગ કરતા. તેથી ૧૭૧૫માં ફ્રેન્ચ લોકોએ મોરિશ્યસનો કબજો મેળવવાનો નિર્ણય લીધો. મોરિશ્યસમાં એમનાં સ્થાયી થવાના મુખ્ય ત્રણ કારણો હતા. ૧. હિન્દ મહાસાગરમાં સુરક્ષિત રીતે વેપાર કાર્યરત રાખવા ૨. પોતાને દરિયાઈ લૂટેરાંઓ અને દુશમનના વહાણોથી સુરક્ષિત રાખવા 3. ભારત અને પૂર્વ તરફના તેમના પ્રવાસ દરમિયાન ટાપુનો પોતાના ખલાસીઓ માટે પ્રવાસ - વિશ્રામ તરીકે ઉપયોગ કરવા. 


તેઓએ ટાપુને ' ઇલ દે ફ્રાન્સ ' ( ફ્રાન્સનું ટાપુ )નામ આપ્યું. 


બોબો ટાપુ ઉપરથી કેટલાક ફ્રેન્ચ લોકો અને 

એમના કુટુંબ 'ઇલ દે ફ્રાન્સ 'માં સ્થાયી થવા આવ્યા. ઈ સ ૧૭૨૨માં પહેલા ફ્રેન્ચ રાજ્યપાલ ( ગવર્નર ) ડેનિસ દે નયોન ફ્રાન્સથી કેટલાક લોકો અને તેમના કુટુંબના સમૂહ જોડે આવી પહોંચ્યા. તેઓ પોતાની જોડે ગુલામો પણ લાવ્યા. ફ્રેન્ચ રાજ્યપાલે ગ્રાંડપો વિસ્તારમાં વસવાટ કર્યો. 


અહીં વસવાટ કરનારાઓને નદી અને પ્રવાહોના કાંઠે જમીન આપવામાં આવી. તેઓએ લાકડાના ઘરો બાંધ્યા અને તાડના પાંદડાઓની છત બનાવી. પાક ઉગાડવા તેઓએ જમીન સાફ કરી. મડાગાસ્કર ટાપુ થી લાવવામાં આવેલા ગુલામોએ તેમની મદદ કરી. પરંતુ ડચ લોકોની જેમજ ફ્રેન્ચ લોકોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જીવન ટકાવવા માટે તેમને માછીમારી અને શિકારનો આધાર લેવો પડ્યો. 


ફ્રાન્સથી ઘણા લોકો 'ઇલ દે ફ્રાન્સ 'ટાપુ ઉપર સ્થાયી થવા આવી પહોંચ્યા. જેમાં અધિકારીઓ, ખેડૂતો, કુશળ કારીગરો તેમજ 

પશ્ચિમ આફ્રિકા, મોઝામ્બિક, મડાગાસ્કર અને 

ભારતથી લાવવામાં આવેલા ગુલામો હતા.

ટાપુ ઉપરની વસ્તી વધવાને કારણે વધુ ખાદ્ય સામગ્રી ની જરૂર હતી. જેથી કરી વધેલી વસ્તી અને ટાપુ ઉપર બોલાવવામાં આવેલા ખલાસીઓનું પેટ ભરી શકાય. ખેડૂતોએ પાક અને શાકભાજી ઉગાડ્યા. તેઓએ પ્રાણીઓ અને મરઘાં પણ ઉછેર્યા. 


વધતી જતી વસ્તીને કારણે અન્ય ટાપુઓ ઉપરથી પણ ખોરાકની આયાત કરવામાં આવી. રોડ્રિગ્સ ટાપુ ઉપરથી માછલી અને કાચબાઓ, રિન્યુ ટાપુ ઉપરથી અનાજ તેમજ માડાગાસ્કર ટાપુ ઉપરથી ગાય અને ચોખા ની આયાત કરવામાં આવી. 


ફ્રાન્સના શાસન દરમિયાન ટાપુ ઉપર મકાઈ, ચોખા, કોફી અને ઘઉં જેવા પાકો ઉગાડવામાં આવ્યા. ડુક્કરો, મરઘાઓ, ગાય, ઘેંટા, બકરાઓ અને બતકો ઉછેરવામાં આવ્યા. 


બર્ટ્રાન્ડ ફ્રાંસ્વા માંહે દે લાબુદોને નો જન્મ ફ્રાન્સના સેન્ટ માલોમાં થયો હતો. દસ વર્ષની આયુમાંજ એણે દરિયામાં મુસાફરી કરવી શરૂ કરી દીધી હતી. દરિયાઈ સફર અને વેપાર થકી એણે ઘણું બધું શીખ્યું હતું. મોટો થઇ તે એક ધનવાન વેપારી બન્યો. 


ઈ સ ૧૭૩૫માં લાબુદોને ઇલ દે ફ્રાન્સનો રાજ્યપાલ બન્યો. જયારે તે આવ્યો તેને ટાપુ ઉપર કેટલાક સારા ઘરો અને કેટલીક તાડના પાંદડાંઓથી ઢાંકાયેલી ઝુંપડીઓ નિહાળી. 


માંહે દે લાબુદોને એ કૃષિનો વિકાસ કર્યો. ખેતરોમાં કામ કરવા માટે એણે ગુલામો મંગાવ્યા. એણે બ્રાઝિલથી કસાવા ની રજુઆત કરી. અરેબિયા થી એણે કોફીના છોડ લાવી એની ખેતીને પ્રોત્સાહન આપ્યું. કપાસ અને ઈન્ડિગો પણ ઉગાડવામાં આવ્યા. 


લાબુદોને એ શેરડીની ખેતીનો પણ વિકાસ કર્યો. શાકરના બે કારખાના બાંધવામાં આવ્યા. એક વિલબાગ અને એક ફેરની નામક સ્થળ ખાતે. ખલાસીઓ અને સ્થાનિકો માટે શાકર અને એરેક નું ઉત્પાદન કરવામાં આવ્યું. 


મોરિશ્યસના પેમ્પલેમૂસ સ્થળ ખાતે લાબુદોને એ પોતાનું રહેઠાણ બનાવ્યું, જેને 'મોં પ્લેઝએ'

નામ આપ્યું. ત્યાં એનો એક બગીચો હતો જ્યાં એણે શાકભાજીઓ ઉગાડી. લાબુદોને ના સમય દરમિયાન રોડ્રિગ્ઝ ટાપુ ઉપર કેટલાક માછીમારો અને શિકારીઓ રહેતા હતા. તેમણે ઇલ દે ફ્રાન્સ માટે માછલી અને જમીન પર ચાલતા કાચબાઓ નિકાસ કર્યા. 


આજે મોરિશ્યસના સર શિવ સાગર રામગુલામ બોટાનીકલ ગાર્ડનમાં જુના શાકરના કારખાના નો એક નમૂનો (મોડેલ) નિહાળી શકાય છે.


ઇ સ ૧૭૩૫માં લાબુદોને ના આગમન પહેલા 

રહેવાસીઓ પોતાનો વધેલો સમય પીણાં ઘરોમાં પસાર કરતા હતા. લાબુદોને એ રહેવાસીઓનું જીવન આનંદમય બનાવવા પ્રયાસ આદર્યો.તેણે લોકોના ભેગા મળવા માટે કોન્સર્ટ,નૃત્યો અને સામાજિક મેળાઓ યોજ્યા. દર મહિને રાજધાની પોર્ટલૂઇસમાં આવેલ શાનદેમોઝ સ્થળ ખાતે તાલીમબદ્ધ સૈનિકોનો પ્રદર્શન કાર્યક્રમ પણ યોજાતો. 


લાબુદોને ના ગમન પછી અન્ય ફ્રેન્ચ રાજ્યપાલે 'લે સાતો દે રિજ્વી ' બાંધ્યું. આ 

મકાન ટાપુ પર રહેતા રાજ્યપાલોનું રહેઠાણ બન્યું. આજે આ ઇમારત રિપબ્લિક ઓફ મોરિશ્યસ ના રાષ્ટ્રપતિનું અધિકારી મકાન છે.


પીએ પ્વા અન્ય ફ્રેન્ચ વહીવટકર્તા હતો જેણે ખેતીનો વિકાસ કર્યો. તે અન્ય દેશોમાંથી ફળો અને ઔષધીય છોડ લઇ આવ્યો અને ટાપુ ઉપર ઉગાડવાની શરૂઆત કરી. 


એ સમયમાં માંસને સાચવવા, સંગ્રહવા અને ભોજનમાં સ્વાદ ઉમેરવા મસાલાઓનો ઉપયોગ થતો. આ મસાલાઓ યુરોપમાં ખુબજ ઊંચી કિંમતે વેચાતા હતા. તેથી પીએ પ્વા એ મસાલાઓના છોડ પણ ઉગાડ્યા. 


પીએ પ્વા એવોકાડો, નારિયેળ ,કેરી, અયપના, બ્રેડ ફ્રૂટ જેવા ફળો ટાપુ ઉપર રજૂ કર્યા. તેણે સુંદર 'બોટાનીકલ ગાર્ડન ઓફ પેમ્પલેમૂસ ' બનાવ્યું. જે આજે પણ સહેલાણીઓથી ઉભરાયેલું રહે છે. તેણે આ બગીચામાં જુદી જુદી જાતના દુર્લભ છોડો ઉગાડ્યા. તેણે લવિંગ અને જાયફળ જેવા મસાલાઓની લણણી પણ શરૂ કરી.એના બીજ અને છોડની પછી ટાપુના જુદા જુદા ભાગોના રહેવાસીઓ ને વહેંચણી કરવામાં આવી. 


પણ હજી ટાપુનો મોટો ભાગ જંગલોથી છવાયેલો હતો. રસ્તાઓ અને પુલો ન હતા. ફક્ત પગદંડીઓ હતી. પોર્ટલૂઇસ અને ગ્રાંપો પણ પગદંડીથીજ જોડાયેલા હતા. એક સ્થળેથી અન્ય સ્થળે મુસાફરી કરવા લોકોને લાંબા અંતરો પગપાળા કાપવા પડતા. 


ફ્રેન્ચ શાસન દરમિયાન મુસાફરી માટે રસ્તાઓ બનાવવામાં આવ્યા. લોકો ઘોડાઓ ઉપર, બળદગાડીમાં અને પાલકીમાં મુસાફરી કરતા થયા. સામાન ની હેરાફેરી ખચ્ચરો અને બળદગાડીઓ દ્વારા થતી. સાગર કાંઠે વસતા લોકો પોર્ટલૂઇસ મુસાફરી કરવા માટે અને સામાન મોકલાવવા માટે નાવડીઓનો ઉપયોગ કરતા. ફ્રેન્ચ લોકો ભારતમાં બંગાલ અને પોન્ડિચેરીથી કુશળ કારીગરો લઇ આવ્યા. જેઓએ ટાપુના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. અન્ય દેશોમાંથી પણ મુક્ત કારીગરો જેવાકે ખેડૂતો, વેપારીઓ,દુકાનદારો, વહાણ બાંધનારાઓ અને સુથાર વગેરે ને પણ ટાપુ ઉપર આવવા પ્રોત્સાહિત કર્યા. 


ફ્રેન્ચ રાજ્યપાલ ગવર્નર વિકોમ દે સુવીયાક એ મોરિશ્યસની સાવાન નદીના તટ ઉપર એક નાનું બંદર બંધાવ્યું.સાવાન જિલ્લાના દરિયા કાંઠે વસતા લોકોએ નાવડી દ્વારા સામાન પોર્ટલૂઇસ મોકલાવવા આ બંદરનો ઉપયોગ કર્યો. 


કેપટન જનરલ ચાર્લ્સ ડિકન ઇલ દે ફ્રાન્સ નો અંતિમ રાજ્યપાલ હતો. તેણે નવા કાયદાઓ બનાવ્યા.તેણે ટાપુની સૌ પ્રથમ કોલેજ પોર્ટલૂઇસ ખાતે ઉભી કરી. પહેલા જે લીસી કોલોનિયલ અને પાછળથી રોયલ કોલેજ તરીકે ઓળખાય.


ચાર્લ્સ ડિકન એ ટાપુના દક્ષિણ પૂર્વમાં લા શો નદીને કાંઠે એક નવું ગામ રચ્યું. ગામનું નામ રાજ્યપાલ માંહે દે લાબુદોને ને માન આપવા મહેબુ રાખવામાં આવ્યું. આ ગામ જ્યાં ડચ અને ફ્રેન્ચ લોકોએ વસવાટનો પાયો નાખ્યો હતો એ સ્થળ એટલેકે વીએ ગ્રાંપોથી બહુ દૂર ન હતું. 


તેણે સૈનિકો માટે સિપાઈ ખાના બાંધ્યા. વરસાદના પાણી ના નિકાલ માટે ગટરો ધરાવતા વિશાળ રસ્તાઓ બનાવ્યા. ગ્રામજનોએ ઘરો બાંધ્યા અને દુકાનો પણ બનાવી. તેમણે પોતાના ખેત ઉત્પાદનો નાવડીઓ થકી પોર્ટલૂઇસ મોકલાવ્યા. ગ્રામજનોની મુખ્ય પ્રવૃત્તિ વેપાર અને માછીમારી હતી. 


ફ્રેન્ચ શાસનના અંત સુધીમાં ટાપુઓના રહેવાસીઓનું જીવન ઘણું બદલાઈ ચૂક્યું હતું. મોટાભાગના રહેવાસીઓ સુસજ્જ ઘરોમાં 

રહેતા હતા. ઘરો લાકડાઓ અને પથ્થરોમાંથી બનતા હતા. રવિવારે રહેવાસીઓ ચર્ચમાં 

પ્રાર્થના કરવા જતા. તેઓ ડાન્સ પાર્ટીઓનું 

આયોજન કરતા. આ પ્રસંગ ઉપર તેઓ ફેશનેબલ વેશભૂષા પહેરી એકબીજાને મળતા. 


આમ ડચ શાસન ની સરખામણીમાં ફ્રેન્ચ શાસન વધુ સફળ અને પ્રગતિકારી નીવડ્યું. કૃષિ ક્ષેત્ર, વાહનવ્યવહાર, શિક્ષણ, વ્યવસાય અને બાંધકામ ના ક્ષેત્રમાં ટાપુ એ ઘણી પ્રગતિ સાધી. 


૧૮મી સદીમાં માસ્કારેં ટાપુઓ તરીકે ઓળખાતા મોરિશ્યસ, રિન્યુ અને રોડ્રિગ્ઝ ત્રણેત્રણ ટાપુઓ પર ફ્રાન્સની સત્તા હતી. વધુ લોકો ઇલ દે ફ્રાન્સ એટલે કે મોરિશ્યસ અને રિન્યુમાં રહેતા હતા. રોડ્રિગ્ઝમાં ખુબજ અલ્પ લોકોનો વસવાટ હતો. 


રોડ્રિગ્ઝ ટાપુ ઉપર મોટેભાગે માછીમારો હતા.કેટલાક ખેડૂતો અને ગુલામો પણ હતા જેઓ મકાઈ,માયોક, કોફી અને ચોખા ઉગાડતા હતા. ફિલિબર્ટ મારાંગો એક ફ્રેન્ચ અધિકારી હતો. રોડ્રિગ્ઝનો હવાલો એની પાસે હતો. એની પાસે નાનકડું ખેતર હતું જે 'લ'ઓરેન્જરી' તરીકે જાણીતું હતું. આ ખેતર બે ઓ હૂત ની નજીક હતું. 


જોકે ખોરાક અને શુદ્ધ પાણીની જરૂરિયાત અર્થે અંગ્રેજી વહાણો પણ રોડ્રિગ્ઝની મુલાકાત લેતા. 


૧૮મી સદીના અંતમાં હિંદમહાસાગરમાં ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે ઘણા યુધ્ધો થયા. યુધ્ધો દરમિયાન કેટલાક ફ્રેન્ચ ખલાસીઓને અંગેજી વહાણો પર હુમલો કરવાની પરવાનગી મળી હતી. તેઓ 'કોર્સેયર્સ ' તરીકે ઓળખાતા.


રોબર્ટ સુરકોફ એક જાણીતો કોર્સેયર્સ હતો. તે 'કોર્સેયર્સ નો રાજા' તરીકે ઓળખાતો. કોર્સેયર્સ પોર્ટલૂઇસથી સમુદ્રી સફર ખેડી કિંમતી સામાનનું વહન કરતા અંગ્રેજી વહાણો પર હુમલો કરી એમનો કબ્જો મેળવી લેતા.તેઓ નાની, સાંકડી નાવોનો ઉપયોગ કરતા. અંગ્રેજોએ ઘણા વહાણો અને કિંમતી સામાન ગુમાવ્યા. 


ઘણા વહાણો ગુમાવ્યાને કારણે અંગ્રેજોએ ઇલ દે ફ્રાન્સ પર સત્તા મેળવવાનો નિર્ણય લીધો. જેથી હિંદ મહાસાગરમાં સુરક્ષિતપણે વેપાર નું વહન કરી શકાય. તેથી તેમણે ફ્રેન્ચ લોકો વિરુદ્ધ હુમલાની યોજના ઘડી. 


પહેલા અંગ્રેજી સૈનિકો રોડ્રિગ્ઝમાં ઉતર્યા. ટાપુ ઉપર તેમના ઉતરાણ ને અવરોધવા ન સૈનિકો હતા અને ન કિલ્લાબંધી. તે સમયે રોડ્રિગ્ઝમાં ત્રણ ફ્રેન્ચ રહેવાસીઓ અને લગભગ ૭૦ થી ૮૦ ગુલામો હતા. ઓગષ્ટ ૧૮૦૯માં અંગ્રેજોએ સરળતાથી રોડ્રિગ્ઝ ટાપુ કબ્જે કરી લીધું. 


રોડ્રિગ્ઝમાં અંગ્રેજોએ એક કિલ્લો બાંધ્યો અને એને 'ફોર્ટ ડંકન 'નામ આપ્યું. રોડ્રિગ્ઝ ટાપુનો ઉપયોગ અંગ્રેજોએ ફ્રેન્ચ કોર્સેયર્સ ને અંગ્રેજી વહાણો પર હુમલો કરતા અટકાવવા માટેના એક પડાવ તરીકે કર્યો. 


ત્યારબાદ જુલાઈ ૧૮૧૦માં અંગ્રેજોએ હુમલો કરી રિન્યુ ટાપુ પણ કબ્જે કરી લીધું. હવે ફક્ત ઇલ દે ફ્રાન્સનો કબ્જો મેળવવો બાકી રહ્યો. 


ઓગષ્ટ ૧૮૧૦માં અંગ્રેજોએ ગ્રાંપોમાં ફ્રેન્ચ ઉપર હુમલો કર્યો. પ્રથમ તેમણે બંદરના સાંકડા પ્રવેશ પર સ્થિત નાનકડા ટાપુ ઇલ દે લા પાસ કબ્જે કર્યુ. બંદરનું રક્ષણ કરવા ફ્રેન્ચ લોકોએ એની ઉપર એક કિલ્લો બાંધ્યો હતો. 


જેવા અંગ્રેજી યુદ્ધ વહાણો ખાડીમાં પ્રવેશ્યા ફ્રેન્ચ લોકોએ એમની ઉપર હુમલો કર્યો. બન્ને વચ્ચે વિનાશક યુદ્ધ થયું. યુદ્ધ દરમિયાન અંગ્રેજી યુદ્ધ વહાણો છીછરા અને રેતાળ વિસ્તારમાં સપડાઈ ગયા. ખાડીમાં આગળ વધવું એમની માટે મુશ્કેલ થઇ પડ્યું. 


આખરે ગ્રાંપો ના યુદ્ધમાં ફ્રેન્ચ લોકોની જીત થઇ. 


બન્ને, અંગ્રેજ કપ્તાન વીલુગબી અને ફ્રેન્ચ કપ્તાન ડયૂપેરે ગંભીર રીતે ઘાયલ થયા. તેઓને મહેબુ સ્થિત રેસિડન્સ ઓફ રૉબિલાર્ડ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા. આજે આ ઇમારત ' નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમ ' તરીકે જાણીતી છે. 


ગ્રાંડપો ના યુદ્ધમાં થયેલી હાર બાદ અંગ્રેજો રોડ્રિગ્ઝ ટાપુ પરત થયા. ત્યાં જઈ તેમણે ઇલ દે ફ્રાન્સ ઉપર નવો હમલો કરવાની યોજના ઘડી. નવેમ્બર ૧૮૧૦માં તેઓ ટાપુના ઉત્તર કાંઠે સ્થિત કૅપ માલહેરોં સ્થળ પર ઉતરાણ કર્યુ. આ વખતે તેઓ વધુ યુદ્ધ વહાણો, હથિયારો તેમજ વધુ અંગ્રેજી અને ભારતીય સૈનિકો જોડે આવ્યા.અંગ્રેજી સૈનાએ ટાપુની રાજધાની પોર્ટલૂઇસ તરફ કુચ કરી.ફ્રેન્ચ રાજ્યપાલ, ડિકન સમજી ગયા કે તેઓ અંગ્રેજો સામે લડી શકવા સક્ષમ નથી.તેમની પાસે ઘણા ઓછા સૈનિકો અને હથિયારો હતા. તેથી તેમણે અંગ્રેજો સામે હથિયાર નાખી દીધા. આમ, ઈલ દે ફ્રાન્સમાં ફ્રેન્ચ શાસનનો અંત આવ્યો. અંગ્રેજોએ ટાપુની સત્તા મેળવી લીધી. અંગ્રેજોએ ટાપુ નું નામ બદલી ફરીથી ' મોરિશ્યસ ' રાખી દીધું. 


૧૯મી સદીમાં બ્રિટેન એ ઘણા દેશો જીતી એમની પર રાજ કર્યુ. આ દેશોથી બ્રિટિશ સામ્રાજ્ય રચાયું. એ દરેક દેશ બ્રિટિશ કોલોની કહેવાયું. બ્રિટેન દ્વારા નિમાતા રાજ્યપાલ આ દરેક કોલોનીનું શાસન ચલાવતા. 


ઈ સ ૧૮૧૦માં બ્રિટેને જયારે ઇલ દે ફ્રાન્સ પર કબ્જો જમાવ્યો ત્યારે ટાપુ એક બ્રિટિશ કોલોની બન્યું અને બ્રિટિશ સામ્રાજ્યનો હિસ્સો બન્યું. 


અંગ્રેજોએ એને ફરી ' મોરિશ્યસ ' નામ આપ્યું. આ સિવાય હિન્દ મહાસાગરના અન્ય કેટલાક ટાપુઓ પણ બ્રિટિશ નિયંત્રણ હેઠળ આવ્યા.જેમાં આ ટાપુઓનો સમાવેશ થાય છે. 


૧. રોડ્રિગ્ઝ 

૨. સેન્ટ બ્રાન્ડો 

૩. આગાલીગ 

૪. સેશેલ 

૫. ચાગોસ આરચીપેલાંગો 


આ બધાજ ટાપુઓ મોરિશ્યસને અવલંબિત થયા.મોરિશ્યસ ના રાજ્યપાલજ આ બધા અવલંબિત ટાપુઓનું શાસન સંભાળતા. ફક્ત રિન્યુ ટાપુ બ્રિટિશ કોલોની ન બન્યું. આજે પણ રિન્યુ ટાપુ ફ્રેન્ચ સત્તા હેઠળ જ છે.


મોરિશ્યસ પર સત્તા સ્થાપ્યા પછી સર રોબર્ટ ફાર્કુહા પહેલા અંગ્રેજી રાજ્યપાલ બન્યા. તેઓએ રહેવાસીઓને શાંતિથી રહેવાની છૂટ આપી. રહેવાસીઓ પોતાના રહેઠાણો અને સંપત્તિનો કબ્જો રાખી શક્યા. તેઓને પોતાના ધર્મ, ભાષા અને સંસ્કૃતિ જાળવી રાખવાની સંપૂર્ણ છૂટ મળી. બહુ મોટા ફેરફારો આવ્યા નહીં. 


સર રોબર્ટ ફાર્કુહા એ ખાંડના ઉદ્યોગને વિકસાવવા માં મદદ કરી. એ સમયે રહેવાસીઓ ફક્ત મકાઈ, ઘઉં, માયોક, કપાસ અને કેટલીક શેરડીઓ ઉગાડતા. કોફી, લવિંગ અને ઈન્ડિગો જેવા અન્ય પાકો પણ ઉગાડવામાં આવતા. ફાર્કુહા એ જોયું કે આ પાક વાવાઝોડાથી સરળતાથી નુકશાન પામતા. શેરડીનો પાક વાવાઝોડા સામે વધુ ટકી રહેતો. તેથી તેણે રોપણી કરનારાઓને વધુ શેરડી ઉગાડવા માટે પ્રોત્સાહન આપ્યું. 


એ સમયે પહોળી પગદંડીઓ જ માત્ર શ્રેષ્ઠ રસ્તાઓ હતા. લોકો પગપાળા ચાલતા, ઘોડા પર અને પાલકીઓમાં સવારી કરતા. ઘોડાગાડી નો ઉપયોગ થતો. સર રોબર્ટ ફાર્કુહાએ માલસામાનના પરિવહન માટે અને મુસાફરીને સગવડપૂર્ણ બનાવવા માટે ઘણા મોટા પાકા રસ્તાઓ બનાવ્યા. એમણે પોર્ટલૂઇસ થી મહેબુ અને સુવિયક સુધી મુખ્ય રસ્તો તૈયાર કરાવ્યો. બીજી ઘણી પગદંડીઓ સારા રસ્તાઓમાં પરિવર્તન પામી. આ રીતે ડચ સમયના જંગલો, ફ્રેચ સમયની પગદંડીઓ અને કાચા રસ્તાઓ આખરે પાકા રસ્તામાં પરિણમ્યા. 


મોરિશ્યસ દ્વારા અન્ય અવલંબિત ટાપુઓનું પણ સંચાલન થયું. મોરિશ્યસથી કેટલાક લોકો કામ કરવા અને જીવનનિર્વાહ અર્થે આ ટાપુઓ પર ગયા. આ ટાપુઓની મુખ્ય પ્રવૃત્તિ માછીમારી હતી. આગાલીગ અને ચાગોસ આરચીપેલાંગો માં નારિયેળનો પાક પણ ઉગાડાતો. તેલ અને સાબુ ના ઉત્પાદન માટે આ ટાપુઓ પરથી મોરિશ્યસમાં નારિયેળની નિકાસ થતી. કેટલાક ટાપુઓ મોરિશ્યસને ખાતર પણ પૂરું પાડતા. 


ડચ શાસન ,ફ્રેન્ચ શાસન અને અંગ્રેજી શાસન દરમિયાન ટાપુ ઉપર સૌથી દયનિય પરિસ્થતિ ગુલામોની હતી. તેઓ જંગલો સાફ કરતા, માટી નાખતા, ખાદ્ય છોડો અને શેરડીઓ ઉગાડતા. તેઓ પ્રાણીઓ ઉછેરતા અને સાકરના કારખાનાઓમાં પણ કામ કરતા. તેઓ માલસામાનનું વહન કરી બળદગાડી અને નાવડી દ્વારા પોર્ટલૂઇસના બજાર સુધી પહોંચાડતા. કેટલાક ગુલામો ઘરમાં નોકર તરીકે પણ કામ કરતા. અન્ય ગુલામો રસ્તાઓ અને પુલો બાંધતા. 


ગુલામો નાની ઝૂંપડીઓમાં ગુલામો માટેના જુદા આંગણામાં રહેતા ,જે 'કેમ્પ દે નુઆ ' ( કાળા લોકોનું કેમ્પ ) તરીકે ઓળખાતું. આ આંગણું તેમના માલિકોના ઘરની નજીક હતું. 


ગુલામોનું જીવન ખુબજ કપરું હતું. તેઓ સ્વતંત્ર ન હતા. તેઓ ન જમીન ખરીદી શકતા હતા ,ન પોતાનું ઘર બાંધી શકતા હતા. તેઓ ન તો પોતાના માલિકોને છોડી શકતા હતા, ન તો દેશ છોડી જઈ શકતા હતા. તેમને પગમાં જોડા પહેરવાની પણ અનુમતિ ન હતી. નાની ભૂલોને કારણે પણ તેમને ખુબજ સખ્ત અને કષ્ટદાયક સજાઓ મળતી. જમવામાં તેઓને ફક્ત મકાઈ અને માયોક મળતા. સવારથી સાંજ સુધી તેઓ પોતાના માલિકો માટે કામ કરતા. કેટલીક ગુલામ સ્ત્રીઓ માલિકોના ઘરમાં નોકરાણી તરીકે સેવા આપતી અને એક નાની ભૂલને કારણે પણ સજાઓ ભોગવતી. ગુલામોને સાંકળોથી બાંધી રાખવામાં આવતા. ઇલ દે ફ્રાન્સમાં ફ્રેન્ચ શાસન દરમિયાન ઈ સ ૧૮૦૭માં ટાપુ ઉપર ૬૫૦૦૦ જેટલા ગુલામો હતા. 


કેટલાક ગુલામો માલિકોથી ભાગી ઊંડા જંગલો, ખીણો અને ગુફાઓમાં છુપાઈ જતા. આ ભાગી જતા ક્રાંતિકારી ગુલામો ' મરૂન સ્લેવસ ' તરીકે ઓળખાતા. મરૂન સ્લેવસ એ લે મોન બરાબાન નામના પહાડને પોતાના છુપાવવાનું સ્થળ બનાવ્યું. ત્યાં તેઓને પકડી પાડવું મુશ્કેલ હતું. ક્યારેક આ ગુલામો ખોરાક મેળવવા ખેડૂતો પર હુમલો કરી લૂંટ મચાવતા. કેટલીકવાર ખેતરોને આગ પણ લગાડતા. રહેવાસીઓ તેમનાથી ખુબજ ડરતા. જે મરૂન સ્લેવસ પકડાઈ જતા તેમને ખુબજ પીડાદાયક સજાઓ મળતી. મકાબી, મઁગલકાં અને ડીઆમાંમૂવ કેટલાક જાણીતા ગુલામો હતા. મોરિશ્યસના કેટલાક સ્થળો હજી પણ તેઓના નામ ધરાવે છે. 


આ ગુલામોની યાદમાં લે મોન બરાબાન પહાડને યુનેસ્કો દ્વારા ' વર્લ્ડ હેરિટેજ સાઈટ ' ઘોષિત કરવામાં આવ્યો છે. ૧ ફેબ્રુઆરી ૨૦૦૯માં ' લા રુટ દે ઍસ્કલાવ ' ના ભાગ તરીકે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 


૧૯મી સદીમાં બ્રિટેનમાં ઘણા લોકો ગુલામીપ્રથાના વિરુદ્ધ હતા. તેઓ માનતા હતા કે અન્ય માનવીઓને ગુલામ તરીકે રાખવું ખોટું હતું. તેથી અંગ્રેજોએ બ્રિટિશ સામ્રાજ્યમાંથી ગુલામો નો વેપાર અને ગુલામીપ્રથા નાબૂદ કરવાનો નિર્ણય લીધો. 


ઈ સ ૧૮૩૫માં મોરિશ્યસ અને એને અવલંબિત અન્ય ટાપુઓમાં ગુલામીપ્રથાનો અંત આવ્યો. ગુલામીપ્રથાની નાબૂદીની સ્મૃતિમાં મહેબુ ખાતે પોઇન્ટ કેનન નામના સ્થળે એક સ્મારકની સ્થાપના કરવામાં આવી છે. 


ગુલામીપ્રથા નાબૂદ થયા પછી ગુલામો ફરીથી એજ મુશ્કેલ જીવન જીવવા ઇચ્છતા ન હતા. 2oo જેટલા મુક્ત ગુલામો એ ટાપુના આંતરિક વિસ્તારમાં સ્થળાંતર કરી પોતાના મકાનો બાંધ્યા. તેમણે એક નવું ગામ ઉભું કર્યુ જે આજે ફિનિક્સ તરીકે ઓળખાય છે. કેટલાક ગુલામો એ રાજધાની પોર્ટલૂઇસ જઈ સુથારીકામ અને કડિયાકામ કર્યુ. કેટલીક સ્ત્રીઓએ સીવણ કરી ગુજરાન ચલાવ્યું. કેટલાક ગુલામો એ જમીન ખરીદી, શાકભાજી ઉઘાડી અને કેટલાક ખેડૂત બન્યા. કેટલાક ગુલામો દરિયાકાંઠે વસી માછીમાર બન્યા તો કેટલાક ટાપુ છોડી અન્ય અવલંબિત ટાપુઓ ઉપર જતા રહ્યા. 


ગુલામીપ્રથાની નાબૂદીની સ્મૃતિમાં દર વર્ષે મોરિશ્યસમાં ૧ ફેબ્રુઆરી જાહેર રજા હોય છે. એ દિવસે ટાપુ ઉપર ગુલામીપ્રથાની નાબૂદીની ઉજવણી મનાવાય છે. 


ગુલામો મુક્ત થયા પછી રહેવાસીઓને શેરડીના ખેતરોમાં કામ કરવા માટે વધુ લોકોની જરૂર પડી. તેથી અંગ્રેજો ભારત જઈ શેરડીના ખેતરોમાં કામ કરવા માટે મજૂરો લઇ આવ્યા. ભારતથી આવેલા આ મજૂરો પાંચ વર્ષના કરાર કરી આવતા. તેઓ ' ઇન્ડિયન ઇન્ડેનચડ લેબરર ' કહેવાતા. આ ઇન્ડેન્ટેડ લેબરર કે મજૂરો ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી આવતા. તેમનો દરિયાઈ સફર ખુબજ લાંબો અને મુશ્કેલ રહેતો. કેટલાક મજૂરો માંદગીમાં પટકાઈ સફરની વચ્ચેજ મૃત્યુ પણ પામતા. પહેલા ફક્ત મજૂર પુરુષો જ આવ્યા. પાછળથી અન્ય મજૂરો પોતાની પત્ની અને બાળકો સાથે આવ્યા. તેમણે ટાપુની રાજધાની મોરિશ્યસમાં ઉતરાણ કર્યુ. મજૂરો સિવાય ટાપુ પણ અન્ય ભારતીય ઇમિગ્રન્ટ પણ હતા. જેમાં ભારતીય વેપારીઓ અને ફેરિયાઓનો સમાવેશ થાય છે. 


ભારતથી કરાર કરી આવતા મજૂરો મુખ્ય ત્રણ ભારતીય બંદરોથી આવતા.


૧. બોમ્બે ( મુંબઈ )

૨. મદ્રાસ ( ચેન્નાઇ )

૩. કલકત્તા ( કોલકત્તા )


જયારે ભારતીય ઇન્ડેનચડ મજૂરો પોર્ટલૂઇસ પર ઉતરતા તેઓ બે દિવસ માટે ઇમિગ્રેશન ડેપો ઉપર રોકાતા. આજે જે સ્થળ અપ્રવાસીઘાટ તરીકે પ્રસિદ્ધ છે. અહીંના મ્યુઝિયમ માં સંગ્રહાયેલ ભારતીય મજૂરોના જીવનની ઝાંખી સહેલાણીઓને અત્યંત પ્રભાવિત કરે છે. 


ત્યારબાદ મજૂરોને સીધા ટાપુના જુદા જુદા પ્રદેશોમાં સ્થિત શેરડીના ખેતરોમાં મોકલી દેવામાં આવતા. શેરડીના ખેતરોમાં ભારતીય મજૂરો લાંબા કલાકો સુધી સખ્ત પરિશ્રમ કરતા. તેઓ જમીન સાફ કરતા. પથ્થરો હટાવતા, શેરડી વાવતા અને લણણી કરતા તેમજ ખાંડના કારખાનાઓમાં કામ કરતા. 


ભારતીય ઇન્ડેનચડ મજૂરોના આગમન થી શેરડીની ખેતી હેઠળના વિસ્તારોમાં સતત વૃદ્ધિ થતી ગઈ. ૧૮૧૦માં ૧૫૦૦૦ હેકટર જમીન ઉપર ખેતીનું ઉત્પાદન થતું હતું જે વધીને ૧૮૭૦માં 135000 સુધી પહોંચી ગયું. આમ મોરિશ્યસના ખાંડ ઉદ્યોગના વિકાસમાં ભારતીય મજૂરોનો ફાળો કેન્દ્રસ્થાને રહ્યો. એ સમયે ટાપુ ઉપર ૩૩૩ ખાંડના કારખાનાઓ હતા. મોરિશ્યસ ખાંડની મોટા પાયે નિકાસ કરતી, આર્થિક મહત્વ ધરાવતી બ્રિટિશ કોલોની બની ચૂક્યું હતું. આ ખાંડ ની નિકાસ ઇંગ્લેન્ડ તેમજ 

અન્ય દેશોમાં પણ થતી. આ નિકાસથી મોરિશ્યસ આર્થિક રીતે ઘણું સમૃદ્ધ થયું. વેપારમાં ખુબજ પ્રગતિ થઇ અને પોર્ટલૂઇસ 

હિન્દ મહાસાગરનું મહત્વનું બંદર બની ગયું.


આ આર્થિક અને વૈપારીક સમૃદ્ધિને કારણે 

મોરિશ્યસ ' ઘી સ્ટાર એન્ડ કી ઓફ ઇન્ડિયન 

ઓસિયન ' ( હિન્દમહાસાગર નો સિતારો અને ચાવી )તરીકે ઓળખાયું.


જોકે આજે ' કેન્દ્રિયકરણ ' ની પ્રક્રિયાને કારણે ટાપુ ઉપર ફક્ત ૩ જ ખાંડના કાર્યરત કારખાનાઓ બચ્યા છે. કેટલાક બંધ કારખાનાઓ સઁગ્રહાલયમાં પરિવર્તન પામ્યા છે. 


આ ભારતીય મજૂરો એમને ફાળવવામાં આવેલા આંગણાં માં રહેતા. તેમની ઝૂંપડીઓ લાકડા અને શેરડીના પાંદડાંઓથી તૈયાર થતી. ઓરડાઓ ખુબજ નાના અને અગવડભર્યા હતા. આ ઝૂંપડીઓ આગ અને વાવાઝોડાથી સરળતાથી નાશ પામતી. 


દર મહિને મજૂરોને પાંચ રૂપિયાનો માસિક પગાર મળતો. આ ઊપરાંત તેઓને રોપણી કરનારાઓ તરફથી ચોખા, દાળ ,ખારી માછલી અને તેલ અનાજ સ્વરૂપે મળતા. 


શેરડીના ખેતરો પર ભારતીય ફેરિયાઓ પણ ભારતીય મજૂરોને જીવનજરૂરી સામાન વેચવા આવતા. પાછળથી ચાઇનીસ ઈમિગ્રન્ટોએ શેરડીનાં ખેતરો નજીક દુકાનો બનાવી. ભારતીય મજૂરો ખાદ્ય સામગ્રીઓ અને એમને જોઈતી અન્ય વસ્તુઓ આ ચાઇનીસ દુકાનોમાંથી ખરીદતા. 


મોરિશ્યસના મહાત્માગાંધી ઇન્સ્ટિટ્યૂટ ફૉક મ્યુઝિયમમાં ભારતીય ' ઇન્ડેનચડ ' મજૂરોએ ઉપયોગમાં લીધેલ વસ્તુઓ અને વાસણો ને સાચવવામાં અને સંગ્રહવામા આવ્યા છે. 


પાંચ વર્ષનો કાર્ય કરાર પૂરો કર્યા પછી આ ભારતીય મજૂરોને મોરિશ્યસમાં રહેવાની અથવા તો ભારત પરત ફરવાની સંપૂર્ણ છૂટ હતી. મોરિશ્યસની જીવનશૈલીથી રાજી મોટાભાગના ભારતીય મજૂરોએ મોરિશ્યસ માંજ રહેવાનો નિર્ણય લીધો. 


આજે પણ ટાપુ ઉપર બાંગ્લાદેશ ,શ્રીલંકા, ચાઈના ,ભારત અને અન્ય દેશોથી કાર્યકરો કાર્ય કરાર કરી કાપડ ઉદ્યોગ અને બાંધકામ ક્ષેત્રમાં કાર્ય કરવા આવે છે. જોકે હવે એમને વિમાનની ટૂંકી ,આરામદાયક મુસાફરી, પગારના ઉચ્ચ ધોરણો, આધુનિક સગવડભર્યા મકાનો, સારવાર સંબંધી ગુણવત્તાયુક્ત સેવાઓનો લાભ મળે છે. 


ટાપુ ઉપર આવેલ ઇમિગ્રન્ટ લોકોમાં ચાઇનીસ ઈમિગ્રન્ટનું પણ આગવું મહત્વ હતું. આગળના ચાઇનીસ ઇમિગ્રન્ટ ૧૮મી સદીના અંત તરફ ચાઇના ના કેન્ટન (ગુઆંગઝુ)  શહેરથી પોર્ટલૂઇસ પહોંચ્યા. 


તેમણે રાજધાની પોર્ટલૂઇસમાં મોચી, સુથાર, લુહાર અને દરજી તરીકે કામ કર્યુ. આ ચાઇનીસ કાર્યકરો સ્વતંત્ર કાર્યકરો હતા. તેઓએ પોર્ટલૂઇસના એક વિસ્તારમાં વસવાટ કર્યો જે આજે ચાઈના ટાઉન તરીકે ઓળખાય છે. 


૧૯મી સદી માં અંગ્રેજી શાસન દરમિયાન ટાપુ ઉપર ચાઇનીસ વસ્તી વધી. ચાઇનીસ લોકોએ શેરડીના ખેતરો નજીક વસવાટ કર્યો અને ટાપુના જુદા જુદા ગામડામાં નાની દુકાનો ખોલી. તેઓ ભારતીય ઇન્ડેનચડ મજૂરોને વિવિધ સામાનો વેચતા. જેમાં ખાદ્ય પદાર્થો, ટોપીઓ, સાયકલ સાંધવાનો સામાન અને ઘરેણાંનો સમાવેશ થતો. તેઓ શેરડીના ખેતરોમાં કામ કરતા ભારતીય મજૂરોને ઉધારની સુવિધા પણ પૂરી પાડતા. અંગ્રેજી શાસન દરમિયાન શેરડીના ખેતરોમાં ઇન્ડેનચડ મજૂરો તરીકે કામ કરવા માટે પેનાંગ અને સિંઘાપોરથી ચાઇનીસ મજૂરો લાવવામાં આવ્યા હતા. પરંતુ મોરિશ્યસની કાર્ય શરતોથી સંતુષ્ટ ન હોવાને કારણે મજૂરોને ફરીથી ચાઈના પરત મોકલાવવામાં આવ્યા.


અંગ્રેજી શાસન દરમિયાન ટાપુ ઉપર મંદિર, મસ્જિદ અને પગોડા ( ચાઇનીસ ધાર્મિક ઇમારત )બન્યા. જેમાં ભારતીય અને ચાઇનીસ લોકો પોતાનો ધર્મ પાળતા. સાંજના 

સમયે તેઓ પોતાના ધર્મ સ્થળે ભેગા થઇ ધાર્મિક પુસ્તકોનું પઠન કરતા. 


ટાપુ ઉપરના લોકોનું જીવન હંમેશા સરળ ન હતું. ૧૯મી સદીમાં ઘણા લોકો ટાપુના એક માત્ર શહેર પોર્ટલૂઇસમાં રહેતા હતા. તેઓ ખીચોખીચ ભરેલા ઘરોમાં રહેતા. નહેરો અને ગટરોના અભાવે ઘણું પ્રદુષણ અને મચ્છરોનો ઉપદ્રવ હતો. લોકો વિવિધ માંદગીઓ થી પીડાતા. ગામડાઓમાં અને શહેરમાં કોલેરા અને મલેરિયા ની જીવલેણ માંદગીઓ થકી ઘણા લોકો મૃત્યુ પામ્યા. બીમાર લોકો ના ઈલાજ માટે નામનીજ હોસ્પિટલ અને ઘણા ઓછા તબીબો હતા. 


અંગ્રેજી શાસન દરમિયાન ટાપુ ઉપર રેલ્વે ની શરૂઆત થઇ. ઘણા લોકો પોર્ટલૂઇસ છોડી પ્લેન વિલિએમ જિલ્લાના સ્વસ્થ વાતાવરણ ધરાવતા સ્થળો ઉપર જતા રહ્યા. દરરોજ ઘણા લોકો પોર્ટલૂઇસ થી અથવા પોર્ટલૂઇસ તરફ ટ્રેન દ્વારા મુસાફરી કરતા. 


ત્યારબાદ સરકાર તરફથી સ્વાસ્થ્ય સંબંધિત સગવડો પુરી પાડવામાં આવી. લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા જળાશયો અને ફુવારાઓ બનાવવામાં આવ્યા. હોસ્પિટલ અને દવાખાનાઓ બાંધવામાં આવ્યા. 


ફ્રેન્ચ સમય દરમિયાન પોર્ટલૂઇસમાં થોડી શાળાઓ હતી. શાળાઓ દૂર હોવાને કારણે બધાજ બાળકો શાળાએ જઈ શકતા ન હતા. જયારે અંગ્રેજો આવ્યા ત્યારે સરકાર અને મિશનરી સંસ્થાઓ ના સહકારથી વધુ શાળાઓ ઉભી કરવામાં આવી. 


રેવરેન્ડ જેન લેબરન એક મિશનરી હતા. તેમણે પોર્ટલૂઇસ તેમજ ગામડાઓમાં પણ શાળાઓ બંધાવી. તેઓ ઇચ્છતા હતા કે ગરીબ કુટુંબના બાળકો પણ શિક્ષણ ગ્રહણ કરે. ત્યરબાદ સરકાર અને મિશનરી સંસ્થાઓએ મુખ્ય ગામડાઓમાં પણ શાળાઓ શરૂ કરી. 


આજે મોરિશ્યસમાં ૧૬ વર્ષની આયુ સુધી ફરજીયાત મફત શિક્ષણ મળે છે. બધાજ ગામડાઓ અને શહેરોમાં શાળાઓ ઉપલબ્ધ છે. પ્રાથમિક શાળાના બાળકોને સરકાર મફત પાઠ્યપુસ્તકો પૂરા પાડે છે. હોસ્પિટલ અને દવાખાનાઓમાં મફત ઈલાજ કરવામાં આવે છે અને મફત દવાઓ આપવામાં આવે છે. 


૨૦મી સદીમાં અંગ્રેજો ઘણા યુધ્ધોમાં સંડોવાયા હતા. આ યુધ્ધો પછી અંગ્રેજોને લાગ્યું કે કોલોનીઓ પર શાસન જાળવવું ઘણું ખર્ચાળ હતું. આ કોલોનીઓમાં રહેતા નાગરિકો પણ પોતાની સ્વતંત્રતા ઝંખતા હતા. પરિણામ સ્વરૂપે ૨૦મી સદીમાં ઘણી કોલોનીઓ સ્વતંત્ર થઇ. 


મોરિશ્યસમાં પણ લોકો સ્વતંત્ર શાસન ઇચ્છતા હતા. સર શિવસાગર રામગુલામ તેઓમાંના એક હતા. રાષ્ટ્રપિતા સર શિવસાગર રામગુલામ લોકોને યોગ્ય શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા ઇચ્છતા હતા. તેમણે લોકોને વધુ સારું જીવન આપવા ઘણાં કાર્યો કર્યા. તે સમયે એક લોકોનું જૂથ મોરિશ્યસ બ્રિટિશ કોલોની બની રહે એ પક્ષમાં હતું. આ પક્ષના નેતા સર ગાયતાન જ્યૂવાલ હતા. તેઓ વ્યવસાયે એક વકીલ હતા. ચૂંટણી કરવામાં આવી. વધુ લોકોએ સ્વતંત્રતા મેળવવાના પક્ષમાં મત આપ્યો. 


આખરે ૧૨ માર્ચ ,૧૯૬૮ ને દિવસે આખરે મોરિશ્યસ સ્વતંત્ર થયું. સર શિવસાગર રામગુલામ સ્વતંત્ર મોરિશ્યસના સૌ પ્રથમ પ્રધાનમંત્રી બન્યા. સ્વતંત્રતા ઉજ્વણીનો કાર્યક્રમ રાજધાની પોર્ટલૂઇસ સ્થિત શાનદેમોઝ ખાતે યોજાયો. કાર્યક્રમમાં બ્રિટિશ રાજ્યપાલ સર જોન શૉ રેની અને સર શિવસાગર રામગુલામ ની ઉપસ્થતિ મુખ્ય હતી.


બ્રિટેન નો યુનિયન જેક ( ધ્વજ )

મોરિશ્યસના ધ્વજથી બદલી પામ્યો. ચાર મુખ્ય રંગો પૈકી ( ઉપરથી નીચેના ક્રમમાં )લાલ, ભૂરો ,પીળો અને લીલો રંગ ચાર પટ્ટાઓના આકારમાં ગર્વથી ફરકી રહ્યો.


ત્યારથી મોરિશ્યસ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિત્વો થકી સરકારની સ્વ રચના કરતો સ્વતંત્ર દેશ છે. જોકે ઈ સ ૧૯૬૮ થી ઈ સ ૧૯૯૨ સુધી બ્રિટેનની રાણીજ રાજ્યના વડા તરીકે સત્તામાં રહી. મોરિશ્યસનો ગવર્નર જનરલ ( સર્વોપરી શાસક ) બ્રિટેનની રાણી નું પ્રતિનિધિત્વ કરતો. સર જોન શૉ રેની પ્રથમ ગવર્નર જનરલ હતા. સર અબ્દુલ રહમાન ઓસમાન પ્રથમ ગવર્નર જનરલ હતા જે મોરિશ્યન હતા. 


આખરે ૧૯૯૨માં મોરિશ્યસ પ્રજાસત્તાક બન્યું. હવે બ્રિટેનની રાણી રાજયના વડા પદે ન રહી. દેશનો પોતાનો રાષ્ટ્રપતિ હતો. સર વિરાસામી રિંગડું મોરિશ્યસના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. 


આમ ,૧૯૬૮માં ટાપુ સ્વતંત્ર થયું અને ૧૯૯૨માં પ્રજાસત્તાક બન્યું. મોરિશ્યસમાં ૧૨ માર્ચનો દિવસ રાષ્ટ્રિય દિવસ તરીકે ઓળખાય છે. આ દિવસે જ સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી એકસાથે કરવામાં આવે છે. 


લુપ્ત થયેલું ડોડો પંખી દેશનું રાષ્ટ્રિય પંખી છે. ટ્રોચેસીઆ નામનું નારંગી પડતા લાલ રંગનું ,સુંદર ફુલ દેશનું રાષ્ટ્રિય પુષ્પ છે. શેરડી દેશનો રાષ્ટ્રિય પાક છે. દેશનું રાષ્ટ્રગીત ' મધરલેન્ડ ' છે. જેના શબ્દો જેન જયોર્જ પ્રોસપર એ લખ્યા છે અને સઁગીત ફિલિપ જૉનચી એ રચ્યું છે. દેશના કોર્ટ ઑફ આર્મ્સમાં દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની ની ઝાંખી કરાવતા શેરડી, વહાણ, તારો, ચાવી, સાંબર, ડોડો અને તાડના વૃક્ષ જેવા સૂચક પ્રતીકોનો ઉપયોગ થયો છે. દેશનું નાણું મોરિશ્યસ રૂપિસ [ RS ] કહેવાય છે. દેશની રાજધાની પોર્ટલૂઇસ છે. વસ્તી લગભગ ૧૨૭૫૯૮૬ જેટલી છે. ટાપુનો વિસ્તાર ૨૦૪૦ કિલોમીટર સ્કવેર છે. 


ટાપુના કુલ નવ જિલ્લાઓ છે :

૧. પોર્ટલૂઇસ 

૨. પેમ્પલેમુસીસ 

૩. મોકા 

૪. રિવયે નુઆ  

૫. પ્લેન વિલિએમ 

૬. ફ્લેક 

૭. રિવયે દુ રામપાત 

૮. ગ્રાંપો 

૯. સાવાન 


ડચ, ફ્રેન્ચ અને અંગ્રેજી શાસન હેઠળ રહી ચૂકેલ મોરિશ્યસ ટાપુ ઉપર આજે પણ એ દરેક દેશની સંસ્કૃતિ ની ઊંડી છાપ નિહાળી શકાય છે. ખાસ કરીને ફ્રેન્ચ અને અંગ્રેજી સંસ્કૃતિ નું પ્રભુત્વ અહીંના લોકજીવનમા સાફ પ્રતિબિંબિત થાય છે. અહીંની ઐતિહાસિક ઇમારતો અને સ્મારકો આજે પણ ટાપુનો ઇતિહાસ મૌનપૂર્વક વર્ણવે છે. 


ગુલામો, કાર્યકરો ,કારીગરો ,મજૂરો ,વેપારીઓ તરીકે ટાપુ ઉપર આવી પહોંચેલ લોકોની નવી પેઢી આજે આ દેશની જનતા છે. જુદા જુદા દેશથી પોતાની જોડે લઇ આવેલ ભિન્ન સંસકૃતિઓ વડે તેમણે આ ટાપુને સુંદર મેઘધનુષી બનાવ્યું છે. અહીં જુદી જુદી ભાષાઓ બોલાય છે. ભિન્ન ધર્મો પળાય છે. દરેક દેશનું ભોજન અહીંના સ્ટ્રીટ ફૂડ અને રેસ્ટોરાંમાં મળી રહે છે. અહીં મંદિર ,મસ્જિદ ,પગોડા ,દેવાલય ,એમ ભિન્ન ધાર્મિક સ્થળો એકજ વિસ્તારમાં એક સાથે સરળતાથી નિહાળી શકાય છે. વિવધતામાં એકતા આ બિનસાંપ્રદાયિક રાષ્ટ્રની શક્તિ છે. ભારત મૂળના હિન્દૂ ધર્મના લોકો અહીંની બહુમતી છે. 


ઐતિહાસિક મહત્વ ધરાવતું આ ટાપુ આજે વિશ્વના શ્રેષ્ઠ સહેલાણી સ્થળોમાંનું એક છે. એની પ્રાકૃતિક સુંદરતા, રમણ્ય વન, ભૂરા દરિયાઓ, ધોધ,ખીણ,પ્રવાહો એને સાચેજ ધરતીનું સ્વર્ગ કહેવા લલચાવે છે. 


Rate this content
Log in