મન મંથન સ્વનું - ૧૪
મન મંથન સ્વનું - ૧૪
આપણે જોયું કે મનોબળ મજબૂત અને મહેચ્છા સબળ તમારો સંબંધ બ્રહ્માંડ સાથે જોડાય જાય. તમે તમારા વિચારોનાં માલિક છો. ધ્યાન ધરી તમે તમારા બેકાબૂ મનને કાબૂમાં જરૂર કરી શકો છો. હું નથી માનતી કે મનને ધ્યાનસ્થ કરવા એકાંત કે સવારના ચાર વાગે ઊઠીને જ કે પછી રમ્ય જગ્યાની જરૂર હોય. એ પળ તો તમારે ઊભી કરવાની હોય છે. તમે શૂન્ય મનથી શરું કરો ,કલાકો ના કલાકો કરવાની જરૂર નથી. બેથી ચાર મિનિટ કે પછી ગમે તો ચારથી દસ મિનિટ બહુ થઈ ગયું. મનનો ઉદ્વેગ શાંત કરો એટલે ક્રોધ, ઉદ્વેગપણું, ખોટા ખરાબ વિચારો અને તમારી મૌલિકતા બધું ધીરે ધીરે સમજાશે. એ જ ખરૂ ધ્યાન બનશે.
ચિત્તની એકાગ્રતા માટે થોડીવાર વિચારો હું જ્યાં છું ત્યાંજ યોગ્ય છું, પછી મારા વિચારોનો માલિક છું. સરસ ઉદાહરણ કે બહાર નીકળ્યા છો, અચાનક વરસાદ પડવા માંડે..છત્રી લાવ્યા નથી તેવે સમયે વિચાર આવે કે હું ભીનો થઈશ તો મારો શરદીનો કોઠો છે, તો પટકાય જઈશ તેથી કોઈ પણ જગ્યાએ આશરો લો છો ને..? પડતાં વરસાદને ઝેલો છો..ચુપચાપ બંધ થવાની રાહ જુઓ છો..તે જ તમારું ખરું ચિંતન છે.
માંદા ન થવામાંથી સ્વ બચાવનું ચિંતન, તેવો જ સમય મન બિમાર છે, નિરાશ છે કે ઉદ્વેગમય છે, કે કોઈ સાથે તકરાર બોલાચાલી થઈ છે ને સ્વમાન ઘવાયું છે તેવે સમયે મનને અહંકારથી મુક્ત કરવા બેથી ચાર મિનિટ મનન કરો ..ટાઢા પડો જરૂર જ પેલા વરસાદ બંધ થવાની રાહ જોતા મન જેવું મન કરી નાંખો બધો જ મનનો ભાર હળવો થશેને વિચાર આવશે..મારા વિચારોનો માલિક તો હુંજ છું બધો જ તનનો વીજ પ્રવાહ ઊર્જા બની જશે. મને કવયિત્રી ગંગાસતીનું ભજન ખૂબ જ ગમે છે..
વીજળીને ચમકારે
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઈ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઈ !
ગંગાસતી
કેવી સુંદર સમજ .પહેલા પણ સ્ત્રી કવયિત્રી પોતાના મૌલિક વિચાર ડર્યા વગર લખી શકતા એ આ ઉત્તમ ભજન પરથી જાણી શકીએ..કેવું આધ્યાત્મિક ચિંતન..કેવો વીજ પ્રવાહ..આપણે વાંચીએ છીએને અનુભવીએ છીએ. મનને જરૂર બે ચાર કે દસ મિનિટ કે દસ સેકન્ડમાં તમારા વશમાં કરો .ક્રોધ નાશ થશે સાથે ઈર્ષા પણ નાશ પામશે. તમસ પ્રકૃતિમાં જરૂર અદભૂત ચમત્કાર પામશો.માન ને મરતબાની ઈચ્છા ફળીભૂત થશે. શા માટે ક્રોધ કે અવિચારી વિચાર કરી લોકોથી અળગા થઈ જીવન વિતાવવું. ડગલે પગલે હું ને મારું માન જરૂર એકલતાના માર્ગે વાળે...તો સર્વમાં પ્રેમની ભાવના શોધો આપો નહિ તો પામો..તક ને ન ગુમાવો ન તકવાદી બનો ચિંતનવાદી મનમંથન કરો..સર્વ આસપાસ દ્રશ્યમાન થશે.
તક
તકવાદી જિંદગી
તકવાદી વિચારશરણી
તકવાદી સફર
છતાં જીવનની નાવ
ક્યાં છે વિચારોનો અભાવ...!
માનવ તારો સ્વભાવ
સ્વાર્થી પણ કરે દેખાવ
નિ:સ્વાર્થી વિસંવાદીત
ક્યાં છે બુરાઈના અભાવ...!
ચાહત ને ચાહથી પામવું
ફોરમને તનમનથી ચાહવી
પણ બદબૂમાં જ ઘોળવી
એ તો આદતને પરમાવવી
ક્યાં છે મહેકનો અભાવ...!
તક જ બને તકવાદી,
તક જ બને વિચારવાદી,
તક જ બને ફરમાનવાદી,
તક જ બને આશાવાદી,
તક જ વીજળીનો પ્રવાહ,
તક જ બને પથક પંથ...!
