મમત્વની લાગણી
મમત્વની લાગણી


મિસિસ મેરી,તેના પતિ અને તેની 2 વર્ષની લાડકી દીકરી પ્રાણી સંગ્રહાલયમાં ફરવા ગયા.મેરીના પતિને તો તેની ઓફિસના સહકાર્યકર મળી ગયા એટલે એ તો એમની જોડે ગપ્પે લાગી ગયા.
"હે ભગવાન,હવે જહોન તો વાતે વળગી ગયા,ચાલ દીકરી રોઝ હું જ તને ફેરવીશ."મિસિસ મેરી થોડું અકળાતાં બોલ્યા અને રોઝને તેડીને પહેલા પાંજરા સમક્ષ ગયા.
પાંજરું તો સસલાંઓનું હતું. સાત-આંઠ સસલાંઓ ફુદક-ફુદક કરી રહ્યા હતા.મિસિસ મેરીએ એક કોબીના પાનનો ટુકડો એક સસલાં સમક્ષ ધર્યો, તો એને પોતાના તીક્ષણ નાના દાંતો વડે તે કુણું પાન ખાવાનું ચાલુ કર્યું,તે જોઈ રોઝને ખૂબ જ મજા પડી તે હસતી-હસતી તાળીઓ પાડવા લાગી. ત્યાંથી તેઓ આગળ ચાલ્યા બીજું પાંજરું મોરનું હતું, એ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે મોર કળા કરી જ રહ્યો હતો એ દ્રશ્ય મેરીએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધું. મેરીને એ જાણીને ખુશી થઇ રહી હતી કે રોઝને પણ ત્યાં મજા આવી રહી હતી. ઘણા પાંજરા તેઓ ફર્યા. સિંહની ત્રાડ સાંભળી તો રોઝ ડરી જ ગઈ હતી તેથી ત્યાંથી જલ્દી નીકળી હવે માં-દીકરી એક બીજા પાંજરા સમક્ષ આવ્યા.
પહેલી નજરે તો પાંજરામાં કોઈ દેખાયું નહિ મેરીને, તેથી તે આગળ ચાલવા જતી હતી, ત્યાં જ રોઝ પાંજરાના ખૂણા તરફ જોઈને તાળી પાડી રહી હતી. મેરીએ પણ તે દિશામાં
નજર દોડાવી ત્યાં એક ચિમ્પાન્ઝીનું બચ્ચું પોતાની માતા સાથે ગેલ કરી રહ્યું હતું. તેની માતા તેને હવામાં ઉછાળતી અને પકડતી એટલે ચિમપાન્ઝીનું બચ્ચું ચિચયારી મારતું. આ જોઈ મેરીને પણ ગમ્મત સૂઝી તે પણ રોઝને હવામાં ઉછાળીને રમવા લાગી, આખું વાતાવરણ બે માતા-પુત્રીઓના અવાજથી ગુંજી ઉઠયું, એક બાજુ રોઝની ચિચિયારી તો બીજી બાજુ ચિમ્પાન્ઝીના બચ્ચાંની. એ માતા ચિમ્પાન્ઝીને પણ મેરીને પોતાની નકલ ઉતારતા જોઈ મજા આવી, આજુબાજુથી પસાર થતા લોકો પણ બન્ને માતાઓની આ મસ્તી જોઈ આનંદિત થઇ ગયા, ત્યાં જ મેરીના હાથમાંથી રોઝ છટકી, બન્ને માતાઓ મેરી અને ચિમ્પાન્ઝીથી ચીસ પડાઈ ગઈ... વખતે આવીને જોહને રોઝને ઝાલી લીધી, સાથે જ આજુબાજુના વાતાવરણમાં પણ હાશકારો વ્યાપી ગયો. મેરીએ જોયું તો એ માતા ચિમ્પાન્ઝી અને તેનું બચ્ચું પણ પાંજરામાં તેઓની તરફ આવી ગયા હતા અને રોઝ બચી ગઈ એટલે એ માતા ચિમ્પાન્ઝી અને તેનું બચ્ચું પણ તાળી પાડી રહ્યા હતા.
બન્ને માતાઓ ચિમ્પાન્ઝી અને મેરીની આંખો ભીની હતી. મેરીના મનમાં વિચાર આવ્યો કે ભલે માણસ હોય કે પ્રાણી દરેક માતાઓની પોતાના બચ્ચાઓ માટે 'મમત્વની લાગણી' સરખી જ હોય છે. મેરીએ પોતાની પાસે રહેલા તમામ ફળો તે માતા ચિમ્પાન્ઝીને આપી દીધા અને તે માતા ચિમ્પાન્ઝી પોતે જેમ રોઝને ખવડાવે તેમ જ તેના બચ્ચાને એ ખવડાવા લાગી.