Shobha Mistry

Children Stories Inspirational Others

3  

Shobha Mistry

Children Stories Inspirational Others

મહત્વ ઝાડનું

મહત્વ ઝાડનું

2 mins
121


"દાદા, તમે કેમ રોજ આ બધાં છોડને પાણી આપો છો ?" નાનકડા વત્સલે સવાલ કર્યો. 

"બેટા, તારી મમ્મી તને રોજ સવારે દૂધ અને નાસ્તો આપે છે ને ? એ શા માટે ?"

"દાદા, હું રોજ દૂધ પીઉં તો હું સ્ટ્રોંગ બની જાઉં. પછી મોટો મોટો થઈ જાઉં. એમ મારી મમ્મીએ કહ્યું છે."

"બસ તો બેટા, હું પણ છોડને રોજ પાણી આપું, ક્યારેક ખાતર આપું, એનાથી છોડ પણ સ્ટ્રોંગ બને. એમાંથી મોટું ઝાડ બને."

"તો દાદા, આ રસ્તા પર, જંગલમાં બધાં ઝાડ હોય તેને રોજ કોણ પાણી આપે ? ખાતર આપે ?"

"જો દીકરા, તને તારી મમ્મી દૂધ પીવડાવે, ખાવાનું ખવડાવે, કપડાં પહેરાવે. તો તારી દીદીને કેમ આ બધું ન કરે ?"

"પણ દાદા દીદી તો મોટી છે ને ? એ તો જાતે બધું કરી શકે. હું તો નાનો છું એટલે મમ્મી મને હેલ્પ કરે."

"બસ બેટા, એમ જ આ છોડ નાનો છે એને આપણે પાણી, ખાતર બધું આપીને હેલ્પ કરવી પડે. જ્યારે આ રસ્તા પરના કે જંગલમાં ઉગેલાં ઝાડ મોટાં છે. એ પોતાની જાતે જમીનમાંથી એને જે જોઈએ તે મેળવી લે. વળી તમારા મમ્મી પપ્પા પૈસા ખર્ચી શકે. એટલે તમારા લાડકોડ પૂરાં થાય. એટલે તમે કૂંડામાંના ફૂલછોડ કહેવાઓ. જ્યારે આ ગરીબ લોકોના માબાપ બિચારા પૈસા ન ખર્ચી શકે. એટલે તેમના બાળકો જાતે જ મહેનત કરી પોતાને જોઈતું હોય તે મેળવી લે. એ બધાં જંગલના ઝાડ છોડ કહેવાય." દાદાએ વિસ્તારથી સમજાવ્યું. 

"પણ દાદા આ ઝાડ છોડ કેમ રોપવા જોઈએ ? કાલે પેલાં અમિત અંકલ પણ આપણી બિલ્ડીંગના કંપાઉન્ડમાં માળી સાથે કંઈ રોપતાં હતાં."

"બેટા, તને ખબર છે આ ઝાડ છોડ તો આપણાં ફ્રેન્ડ કહેવાય."

"એ કેવી રીતે દાદા ? એ થોડી મારી સાથે રમી શકે ? મારા ફ્રેન્ડ તો મારી સાથે રોજ રમે છે."

"બેટા, એ તારી સાથે ન રમી શકે પણ તું તો એની નીચે રમવા જાય છે ને, શું કામ ?"

"દાદા, ત્યાં ઝાડ નીચે છે ને તાપ ન લાગે. વળી અમે એના પર ચડીને કેરી ને ચીકુ ને જાંબુ, એવું બધું તોડીને ખાઈએ."

"સરસ, આમ ઝાડ આપણને છાંયડો આપે, ફળ ફૂલ આપે. ઘણાં ઝાડમાંથી ગુંદર નીકળે, ઘણાં ઝાડની છાલ, મૂળ, પાન, દવા તરીકે પણ વપરાય."

"હા, ને દાદા ઝાડના પાનના તોરણ પણ બને ને ? આપણાં ઘરે પૂજા હોય ત્યારે પપ્પા પેલા કયા ઝાડના પાન તોડીને તોરણ બનાવે ? હાં, ને પેલું શું હોય તો દાદી પેલો બીટર જ્યુસ પીવડાવે ?"

"હા, બેટા પપ્પા, આસોપાલવના પાનના તોરણ બનાવે અને દાદી ગુડી પડવાના દિવસે કડવા લીમડાનાં પાનનો રસ પીવડાવે. તેનાથી આખું વર્ષ તાવ ન આવે. ઉનાળામાં અળાઈઓ ન થાય. બેટા, આમ ઝાડ છોડ આપણાં મિત્રો છે. એ આપણને ખૂબ ઉપયોગી છે. માટે આપણે ઝાડછોડ રોપવા અને ઉછેરવા જોઈએ, સમજ્યો."

દાદાએ વત્સલને ખૂબ સરસ રીતે 'ઝાડનું મહત્વ' સમજાવ્યું. 


Rate this content
Log in