મધુરજની
મધુરજની




શાંત પાણીમાં જેમ નાવ આગળ વધે, તેમ પૂનમનો ચંદ્ર ચોખ્ખા આકાશમાં આગળ વધી રહ્યો હતો. રાતના ત્રણ વાગવા છતાં તન્વીની આંખોમાંથી ઊંઘ જાણે કે ગાયબ થઇ ગઇ હતી.
પલંગ પરથી ઊભી થઇ તે ઝરૂખામાં આવી, અનિમેષ નજરે ચાંદને તાકતી ઊભી રહી, આવી તો કેટલીય રાતો ની રાતો સખીઓ સાથે વાતો કરતાંને રમતાં રમતાં વિતાવી હતી. મા ના ખોળામાં માથું મૂકી ને સૂઇ જવુ તો તેને એટલું ગમતું કે મોટી થઇ ત્યારેય ઘરનાં બધા એને ઘેલી કહેતાં છતાંય રોજ મા ની સોડમાં ભરાઇને સૂઇ જતી.
મા યાદ આવતા જ તેની આંખો ભરાઇ આવી, ઘર યાદ આવ્યું, ઘરમાં બધાની તે ખૂબ જ લાડકી હતી, ઘરની એક એક નાની મોટી ચીજવસ્તુઓ તેને વહાલી હતી તેણે અને મમ્મી એ હાથ શો પીશ બનાવી ઘરને સુંદર રીતે સજાવ્યુ હતું, મા-પપ્પા, નાનો ભાઇ અને બહેનપણી ઓ સાથે વિતાવેલી એક એક પળ, જાણે જીવાય ગયેલી જિંદગી ના હસીન ચિત્રો તેની સમક્ષ જીવંત થઇ રહ્યા હતા.
આંખે ખારા ખારા આંસુઓનો દરિયો ઉભરાયો આજે ખરેખર તેની આંખો મા આંસુ ઓનો દરિયો જ ઉભરાયો હતો ને આજે તેના લગ્ન થયા હતા, વિદાય વેળાએ માને ગળે વળગી ને તે કેટલું રડી હતી, ભાઇને શોધતી આંખો પિતાજી પર ઠરી હતી પિતાજીની દયામણી મુખમુદ્રા જોઇ ને તો તેના પગે જાણે કોઇએ લોખંડની બેડી નાખી દીધી હોય તેમ ભારે થઇ ગયા, ભાઇના હાથના સહારે તે આગળ વધી.
નાની હતી ત્યારે ઢીંગલાં- ઢીંગલી ને પરણાવતી અને ખુબ ખુશ થતી, પણ પોતાના લગ્નની વિદાય વેળા આટલી કપરી બની જશે એમ તો તેણે વિચાર્યું જ ન હતું.
સાસરિયાં ને પોતાનું ઘર બનાવવા માટેની માની શિખામણો અને વહાલ ભરીને તન્વી ગાડીમાં પહેલાથી જ ઉતાવળ કરીને ચડી ગયેલા સાસરિયાં ઓ જોડે પતિની બાજુમાં બેઠી.
એક પક્ષી જેમ નવો માળો બનાવવા અને સજાવવા મહેનત કરે તેમ તન્વી પણ પોતાની લાગણીઓ અને આંસુઓને રોકીને,થોડા ગભરાટ છતાંય મક્કમ મને સાસરિયાં સાથે ભળી જવાનો પ્રયત્ન કરવા લાગી. ગાડીમાં બધા શાંત બેઠા હતા નાની નણંદ તેની સાથે મજાક કરતી હતી તેણે તેની વાતોમાં ધ્યાન આપ્યું.
લગ્ન વિધિ મોડી પતી હતી એટલે પહોંચતા સ્વાભાવિક મોડુ જ થઇ ગયું હતું, બધાં ખૂબ થાકી પણ ગયા હતાં એટલે બાકીની વિધિઓ સવારે પતાવવાનું નક્કી કરી બધાએ સુવાની જ તૈયારી કરવા માંડી.
તન્વી ફૂલોથી સજાવેલા પલંગ પર મૂઝાંતી મૂઝાંતી બેઠી હતી, મનમાં ઉદ્દભવતી લાગણીઓને જાણે પોતે જ સમજી શકતી ન હતી. આ રાત માટે તો સખીઓએ તેને જાતજાતની શિખામણો આપી હતી, અને તું એટલી સુંદર છે ને કે જો જેને તારો વર તો તને છોડશે નહીં ને એમ કહીને તેની ઠેકડી પણ ઉડાડી હતી અને ખરેખર લગ્નના જોડામાં સંપૂર્ણ સજેલી તે જાણે રૂપરૂપનો અંબાર લાગતી હતી. મિલનના મીઠા સમણાં જોતી તે અચાનક ચમકી, સામે પોતાના પતિને બેઠેલો જોતાં જ તે શરમાઇને નજરો ઢાળી ગઈ.
સ્પર્શનો આનંદ માણતી માણતી મધુર સ્વપ્નમાં તે જાણે પરીઓ સાથે વિહરવા લાગી.
ત્યાં જ પરીઓ ગાયબ થઇ ગઇ, મધુર સ્વપ્ન જિંદગીની કડવી યાદ બની ગયું.
અસમર્થ પૂરૂષ બાજુમાં પડ્યો હાંફતો હતો, તે તેને જોઇ રહી, નજરો ન સહેવતા ચૂપચાપ તે તેને પથારીમાં જ તરફડતી છોડીને રૂમમાંથી બહાર ચાલ્યો ગયો, ક્યાંય સુધી પથારીમાં પડી પડી તે રડતી રહી. મધુરજની નાં મધુર સપનાઓ તેના પતિની જેમ જ હાંફી રહ્યાં, આખરે થાકીને તે બહાર ઝરૂખામાં આવીને ઊભી રહી.
વરસાદ નાં ઠંડા ટીપાઓનો શીતળ સ્પર્શ શરીરને થતાં જ તે ચમકી,આમ અહીં ઊભા ઊભા જ કેટલો સમય વીતી ગયો હતો તે પણ તેને ભાન રહ્યું ન હતું,તેને વરસાદમાં પલળવુ જરાય પસંદ ન હતું કેમકે વરસાદ માં પલળતાં જ તેને શરદી થઈ તાવ આવી જતો પણ આજે તે વરસાદમાં જ ઊભી રહી કદાચ મનમાં લાગેલી અજંપાની આગ વરસાદથી ધોવાઇ જાય.