Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

મદદ

મદદ

1 min
14.4K


પપ્પાના જન્મ દિવસે ભેટ આપવા કેટલા દિવસોથી ભાવિકે  બચત કરી ૧૦૦ રૂપિયા ભેગા કરી રાખ્યા હતા. આજે શાળાએથી પરત થતા પોતાની બચતથી એક સરસ ભેટ પસંદ કરી ગીફ્ટશોપના કાઉન્ટર ઉપર પહોંચ્યો.

એની આગળ ઊભેલ એક ખુબજ વૃદ્ધ વડીલને કાઉન્ટર ઉપરથી સ્ત્રી સમજાવી રહી, "તમે બરાબર ન વાંચ્યું, ૨૭૫ નહિ ૩૭૫ છે એની કિંમત.." એ સાંભળી વડીલ નિસાસો નાખી રહ્યા:" આટલા તો નથી. પણ મારા પૌત્ર ને આજ રમકડું જોઈતું હતું." પાછળ ઊભેલા ભાવિકે પોતાના ૧૦૦ રૂપિયા સ્ત્રીને આપી દીધા. "એમને રમકડું આપી દો.." પોતે પસંદ કરેલ ભેટ એ કાઉન્ટર પર મૂકી જવા લાગ્યો. ત્યાંજ સ્ત્રીએ એને અટકાવ્યો: "આપ અમારી દુકાનના ૧૦૦૦માં ગ્રાહક છો તેથી દુકાન તરફથી સરપ્રાઈઝ વિજેતા બનો છો. આપે પસંદ કરેલ ભેટ બિલકુલ ફ્રી.." ઉત્સાહમાં ઉછળતો ભાવિક પોતાની ભેટ પકડી રહ્યો.

વૃદ્ધ વડીલ પ્રેમથી એના માથા પર હાથ ફેરવી રહ્યા: "જે અન્યને મદદ કરે ઈશ્વર એની મદદ કરે." વડીલની સાથે સાથે ખુશ થતો એ દુકાનમાંથી બહાર નીકળ્યો. બંનેનાં જતાં જ કાઉન્ટર પરની સ્ત્રી એ પોતાના પર્સમાંથી ૧૦૦ રૂપિયા કાઢી ચુપચાપ કાઉન્ટરના હિસાબમાં મૂકી દીધા!


Rate this content
Log in