મૌન એક સજા
મૌન એક સજા


સુલભ તેના મમ્મી પપ્પા સાથે શ્રેયાને જોવા ગયો.
શ્રેયા ખૂબ જ સુંદર ને દેખાવડી છોકરી હતી. સુલભને પહેલી જ નજરમાં શ્રેયા ગમી ગઈ.
શ્રેયાની સુલભ સાથે પહેલી મુલાકાત હતી. શ્રેયાએ પોતાની જિંદગીની શરૂઆત એક જૂઠથી કરી. શ્રેયાને આંખના નંબર હતા અને એ પણ ખૂબ જ વધારે. અને તે લેન્સ પહેરતી. પણ શ્રેયા સુલભ પાસે ખોટું બોલી કે તેને બંન્ને આંખમાં એક- એક નંબર જ છે.
થયું એવું કે એક જૂઠની પાછળ તેને હજારો જૂઠ બોલવા પડ્યા.
સાસરે આવ્યા પછી શ્રેયાને ક્યારેય મા બાપ નો પ્રેમ નહોતો મળ્યો. હંમેશા તેની સાસુ તેને ખીજાતી. ના કહેવાના વેણ બોલતી. એકવાર તો તેની ઉપર ચોરીનો જૂઠો આરોપ લગાવી તેને થપ્પડ મારી દીધી. શ્રેયા બધું મૂંગા મોઢે સાંભળતી રહી. અસત્ય અને ખોટું સાંભળવાની પણ એક હદ હોય છે.
શ્રેયા ક્યારેય સામે બોલતી નહી. તે હંમેશા ડરતી કે તેનું જૂઠ બધાની સામે આવી જશે તો!
ચાર વર્ષ બાદ સુલભ શ્રેયાથી થોડો દૂર રહેવા લાગ્યો. શ્રેયાને પણ થયું કે સુલભ બદલાઈ ગયો છે. એક દિવસ તેના ઘરે સુલભની ઓફિસમાં કામ કરતી એક સ્ત્રી આવી. એ આવતા જ સુલભ આનંદથી ઉછળી પડ્યો. અને શ્રેયા વિચારતી જ રહી.
સુલભ તે સ્ત્રીને પોતાના બેડરૂમમાં લઈ ગયો. એમ કહી ને કે પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું છે.
શ્રેયા થોડીવાર પછી ચા લઈ તેના બેડરૂમમાં ગઈ . દરવાજો ખોલતા જ શ્રેયાની આંખો ફાટી રહી ગઈ.
તે સ્ત્રી ગયા બાદ શ્રેયાને સુલભે મારી એ અલગ.
શ્રેયા હજી ચૂપ જ હતી.
ખોટું બોલવાની શરૂઆત તેને ખોટું સાંભળવાની અને ખોટું જોવાની હદે લઈ ગઈ.
મૂંગા મોઢે તે સહન કરતી રહી. ક્યારેય કંઈ ના બોલી. ને એક દિવસ તેના મૌને તેને આત્મહત્યા કરવા મજબૂર કરી દીધી.
જિંદગીમાં ક્યારેય ખોટું નાં બોલો. અને જો બોલાઈ ગયું હોય તો તરત જ સ્વીકારી લો. એક જૂઠ ને છુપાવવા હજારો જૂઠ બોલવા પડે છે.
હંમેશા યાદ રાખો, ક્યારેય ખોટું નાં સાંભળો. તમારી વિરુદ્ધ કોઈ ખોટું બોલતું હોય તો અવાજ ઉઠાવો.
આપણી નજર સમક્ષ કંઈ ખોટું થઈ રહ્યું છે તો સત્ય જાણવાનો પ્રયત્ન કરો. તેને અટકાવો.