Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational

મારું પ્રિય પુસ્તક: શ્યામચી આઈ

મારું પ્રિય પુસ્તક: શ્યામચી આઈ

12 mins
1.6K


સાને ગુરૂજી દ્વારા લખાયેલ મરાઠી પુસ્તક “શ્યામચી આઈ”એ મેં વાંચેલા પુસ્તકોમાં શ્રેષ્ઠ છે. આ પુસ્તકે મારા હૃદય પર અમીટ છાપ છોડી છે. આ પુસ્તકના ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને બીજી વિવિધ ભાષાઓમાં અનુવાદ થયેલા છે. ઉપરાંત આ પુસ્તક ચિત્રકથા તથા ઓડિયો સ્વરૂપે પણ પ્રકાશિત થયું છે. એજ આ પુસ્તકની લોકપ્રિયતા બતાવે છે. ગુજરાતીમાં તે “શ્યામની માઁ” અને “શ્યામની બા’, હિન્દીમાં “श्यामु की माँ” તથા અંગ્રેજીમાં તે “Shyam’s mother” નામે પ્રકાશિત થયું છે. “શ્યામચી આઈ” પુસ્તક પરથી બનેલુ ૧૫૩ મિનિટનું મરાઠી ચિત્રપટ તેના મૂળ નામે જ 6 માર્ચ ૧૯૫૩ના રોજ પ્રદર્શિત થયું હતું. “શ્યામચી આઈ” આ ચિત્રપટને ઈ.સ. ૧૯૫૩માં રાષ્ટ્રપતી સુવર્ણપદક મળ્યો હતો તથા ઈ.સ. ૧૯૫૪માં પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવાનું શ્રેય પણ આ ચિત્રપટને મળ્યું હતું.


“શ્યામચી આઈ”ની કથા જેટલી લાગણીસભર છે એટલી જ મનોરંજક અને બોધાત્મક છે. આ પુસ્તક સાને ગુરૂજીની આત્મકથા છે જેમાં તેઓએ તેમના મનમાં સત્ય, કરુણા અને દયા જેવા ભાવને વિકસાવનાર તેમની સ્વર્ગીય માતા યશોદાજીના ઉપદેશાત્મક પ્રસંગોના સંભારણાં મુક્યા છે.


“શ્યામચી આઈ” આ પુસ્તકનું મેં નાનપણથી તે આજદિન સુધી અનેકવાર વાંચન કર્યું છે અને દરેક વખતે મને તેમાંથી કંઇક નવું જાણવા અને શીખવા મળ્યું છે. જયારે જયારે હું આ પુસ્તક વાંચું છું ત્યારે ત્યારે મારી આંખમાંથી વહેતા અશ્રુઓને હું રોકી શકતો નથી. ખરેખર માતાપિતાની જીવનમાં શું અગત્યતા હોય છે તે સમજાવવા માટે આપણે આપણા બાળકોને આ પુસ્તક એકવાર તો જરૂર વાંચવા આપવું જ જોઈએ.


માઁ વિષય ઉપર ઘણા લેખકો અને કવિઓએ લખ્યું છે પરંતુ સાને ગુરૂજીએ “શ્યામચી આઈ” આત્મકથામાં તેમની માતા સાથેના જે પ્રસંગો આલેખ્યા છે તે બેજોડ અને અતુલનીય છે. જે મમતાની સુંગધ આ પુસ્તકમાંથી આવે છે તે બેનમુન છે. માતાના પુત્ર પ્રત્યેના બિનશરતી પ્રેમને પ્રતિબિંબિત કરતું આ પુસ્તક વાંચકને માત્ર રડાવતું જ નથી પરંતુ સાથે સાથે બોધ પણ આપે છે અને તેથી જ પ્રકાશનના ૮૪ વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ પણ તે આજેપણ મહારાષ્ટ્રના ઘરે ઘરે ઉમંગ અને ઉત્સાહપૂર્વક વંચાઈ રહ્યું છે. અત્યાર સુધી આ પુસ્તકની માત્ર મરાઠી આવૃત્તિની ત્રણ લાખથી વધુ નકલોનું વેચાણ થયું છે!


આ પુસ્તકના લેખક સાને ગુરૂજીનું મૂળ નામ “પાંડુરંગ સદાશિવ સાને” હતું. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, સમાજવાદી વિચારક, સામાજિક કાર્યકર અને મરાઠી સાહિત્યકાર હતા. તેમનો જન્મ ૨૪ ડીસેમ્બર ૧૮૯૯માં અને મૃત્યુ ૧૧ જુન ૧૯૫૦માં થયું હતું. સાને ગુરૂજીએ ઈ.સ. ૧૯૩૦ થી ઈ.સ. ૧૯૫૦ દરમિયાનના તેમના જીવનના છેલ્લા વર્ષોમાંથી લગભગ છ વર્ષથી છ મહિના સુધીનું જીવન ધૂલે, નાસિક, જલગાંવ અને યરવડાની જેલમાં જ વિતાવ્યા છે. ઈ.સ. ૧૯૩૩માં જયારે સાને ગુરૂજી નાસિક જેલમાં હતા ત્યારે આખો દિવસ કામ કરતા અને રાતે તેમનું મન જગતમાતા, ભારતમાતા અને જન્મદાત્રી માતાના વિચારોથી રંગાઈ જતુ હતું. આ ત્રિવેણી વિચારોના સંગમથી અનાયાસે શ્યામચી આઈ જેવી અદભૂત કૃતિનું સર્જન થયું છે. બન્યું એવું કે જયારે સાને ગુરૂજી નાસિક જેલમાં હતા ત્યારે દરરોજ રાતે તેમના સાથીઓને તેમની માતા સાથેના યાદગીરીરૂપ પ્રસંગો કહી સંભળાવતા હતા. માતા-પુત્રની આ જોડીના પૌરાણિક પ્રસંગો જેવી અનુભૂતિ કરાવતા પ્રસંગો સાંભળતા સાંભળતા જેલના સહુ સાથીદારોના આંખમાંથી અશ્રુના ઝળઝળિયાં વહી નીકળતા. સહુને સાને ગુરૂજીએ કહી સંભળાવેલા પ્રસંગો ખૂબ ગમ્યા અને તેથી જ તે સહુ સાથીઓએ સાને ગુરૂજીને એ યાદો વ્યવસ્થિત રીતે લખવાનો આગ્રહ કર્યો. આમ સાને ગુરૂજીના એ સાથીદારોના આગ્રહનું પરિણામ એટલે પ્રારંભ અને અંત સાથે કુલ બેતાલીસ રાતોને વર્ણવતી કૃતિ એ “શ્યામચી આઈ” છે.


આ પુસ્તકની છત્રીસ રાતો સાને ગુરૂજી એ ૯ ફેબ્રુઆરી ૧૯૩૩ થી ૧૩ ફેબ્રુઆરી, ૧૯૩૩ ના પાંચ દિવસ દરમિયાન નાસિક જેલમાં જ લખી હતી અને બાકીની નવ રાતો તેમણે જેલમાંથી છૂટ્યા પછી લખી હતી. આમ કુલ પિસ્તાલીસ રાતોમાંથી ત્રણ રાતને બાદ કરી માત્ર બેતાલીસ રાત્રિનું પુસ્તક તૈયાર કરી તેમણે ઈ.સ. ૧૯૩૫માં પ્રકાશિત કર્યું હતું. જેની કિંમત એક રૂપિયો હતી. જોકે એ અપ્રકાશિત ત્રણેય રાતોમાં શું યાદો હતી તે પ્રશ્ન જિજીવિષાનો અને ઉત્સુકતાનો છે પરંતુ તેનો જવાબ આજદિન સુધી કોઈને મળ્યો નથી. સાને ગુરૂજીએ પણ તેમની પુસ્તકની પ્રસ્તાવનામાં કે અન્યત્ર તેનો કોઈ ખુલાસો કર્યો નથી. કહેવાય છે કે અદભુત કૃતિઓનું સર્જન લેખકોએ તેમના લોહીના સિંચનથી કર્યું હોય છે પરંતુ સાને ગુરૂજીએ તેમના માતાને વર્ણવતા પ્રસંગોનું સિંચન તેમના અશ્રુઓથી કર્યું છે. તેમાંના દરેક શબ્દો સાને ગુરૂજીએ ડુમો ગળે ઉતારી અને આંખમાંથી આવતા અશ્રુઓને રોકી કાગળ પર ઉતાર્યા છે.


સાને ગુરૂજીએ લેખ, વાર્તા, કવિતા નવલકથા સ્વરૂપે અધધ.. કહેવાય એટલું સાહિત્ય સર્જન કર્યું છે. પરંતુ તેમનું પોતાનું પ્રિયથી અતિપ્રિય કહેવાય એવું પુસ્તક તો “શ્યામચી આઈ” જ હતું. સાને ગુરૂજીનું મૂળ નામ પાંડુરંગ હતું પરંતુ ઘરે બધા તેમને પંઢરરીનાથ કહીને બોલાવતા. જયારે સાને ગુરૂજીને પોતાને “રામ” આ નામ ખૂબ ગમતું હતું. “શ્યામચી આઈ” આ પુસ્તક લખતી વેળાએ સાને ગુરૂજીએ પોતાનું નામ “શ્યામ” પસંદ કર્યું કારણ તેમની માતાનું નામ યશોદા હતું. આગળ જતા સાને ગુરૂજીએ શ્યામ નામથી જ કેટલાક લખાણો પણ લખ્યા હતાં.


“શ્યામચી આઈ” પુસ્તકની વિશેષતા એ છે કે... તેમાં બેતાલીસ જેટલી ટૂંકી વાર્તાઓ હોવા છતાંયે તે એકબીજા સાથે અદભુત રીતે સંકળાઈને એક સંપૂર્ણ નવલકથાનું પોત આપે છે! જાણે કે મજાના મોતી પરોવીને એક સુંદર મજાની માળાનું સર્જન ન થયું હોય! વળી ફક્ત સંપૂર્ણ નવલકથા જ નહીં પરંતુ તેમાં આલેખેલા વાર્તાઓનાં શીર્ષક પણ અત્યંત બોધદાયી છે. ઉ.દા. ઈશ્વરને સહુ પ્રિય, બંધુ પ્રેમની કેળવણી, કરજ એટલે જીવતાજીવ નરક, તું ઉંમરથી મોટો નથી... મનથી, વગેરે વગેરે... વળી તેના પ્રત્યેક વાક્યો ચોટદાર અને સંવેદનશીલ છે. પુસ્તકનું કોઇપણ વાક્ય વાંચતા વાંચતા વાંચકની આંખની કોર ભીની થઇ જ જાય છે. કોરી આંખે આખા પુસ્તકનું વાંચન કરવું લગભગ અશક્ય છે.


શરૂઆતની કથાઓ હળવાશ ભરેલી અને મનોરંજક છે, તે ઘરેબેઠા આપણને કોંકણના સુંદર ગ્રામ અને તેની આસપાસના નયનરમ્ય પરિસરની સહેલ કરાવે છે. પરંતુ જેમ જેમ વાર્તા આગળ વધતી જાય છે તેમ તેમ વાંચક લેખકની સમસ્યાઓ, તેના પડકારો અને તેના કુટુંબની સમસ્યાઓ વિશે પરિચિત થતો જાય છે. આખરે માતાના સકારાત્મક વલણ અને બધી સમસ્યાઓમાંથી પસાર થતાં થતાં ભગવાન પ્રત્યેની તેમની ઊંડી શ્રદ્ધા ને પરિણામે સાને ગુરૂજીને દરેક સમસ્યાનો કેવો ઉકેલ મળે છે તે જાણી વાંચક ગદગદિત થઇ જાય છે.

વાર્તામાં કેટલીક પંક્તિઓ ખૂબ ચોટદાર છે. જેમકે ...

- દરેક માતા તેના બાળકને જરૂર પ્રેમ કરે છે પરંતુ જે માતા બધા બાળકોને પ્રેમ કરે છે તે માતા મહાન છે.

- ગાય અને ચરખો ભારત દેશના દેવીદેવતા છે. જે દિવસથી તેઓની ઉપેક્ષા કરવાનું શરૂ થયું તે દિવસથી આપણા સહુના દુર્ભાગ્યની શરૂઆત થઈ.

- ભગવાનને તમે પ્રેમથી જે આપશો તે એ સ્વીકારશે. જો તમે ભગવાનને પ્રેમ અને ભક્તિથી કાંકરા પણ આપશોને તો પણ એ તેને ગોળના ગાંગડા તરીકે સ્વીકારશે.

- બેટા, પગ ગંદા ન થાય તે માટે જેટલી કાળજી લે છે એટલી જ કાળજી મન ગંદુ ન થાય તે માટેની લેજે.

- આપસી દુશ્મનાવટ એ મહાભારતના સમયથી ભારતને લાગેલો શ્રાપ છે.

- ઈશ્વરે જેમને હાથપગ આપ્યા છે તેમને બધુંજ કરતાં આવડે, માત્ર મનમાં હોવું જોઈએ.

- ગાય રસ્તામાં દેખાઈ એટલે તેને બે હાથ જોડી નમસ્કાર કરવું તેને ગૌપુજા ન કહેવાય.

- શ્રમ સિવાય કંઇ લેવું નહીં અને કોઈને શ્રમ કર્યા વગર કશું આપવું પણ નહીં. જે રાષ્ટ્રમાં શ્રમની પૂજા થાય છે તે પ્રગતિ કરે છે. બાકીના અધોગતિ કરે છે.


આવા ઘણા ચોટદાર સંવાદો આ પુસ્તકમાં છે વળી તેના દરેક પ્રકરણો પણ સચોટ રજૂઆત સાથે આપણને જીવન જીવવાની વાસ્તવિકતા બતાવી જાય છે. તે આપણને માર્ગ દેખાડતાં ભોમિયાની ગરજ સારે છે. આ પુસ્તકને તમે એકીબેઠકે વાંચી પૂર્ણ કરી શકો છો પરંતુ મારા મતે એમ ન કરતાં રોજેરોજ માત્ર એક પ્રકરણ વાંચી તેના પર આત્મમંથન કરવું જોઈએ. વિચારો ... ચિંતન કરો કે... હું આ નૈતિકતાઓને મારા જીવનમાં કેવી રીતે અમલમાં લાવી શકું? આ પુસ્તકમાં મારા મનગમતા કેટલાક પ્રસંગો પર નજર ફેરવીએ.


બાળપણના એક પ્રસંગમાં પાણીનો ખૂબ ડર લાગતો હોવાથી શ્યામ તરવાનું ટાળીને પોતાના ઘરે આવીને છુપાઈ જાય છે. આ જોઈ તેના મિત્રો તેને “બીકણ” “બીકણ” કહીને ચીઢવે છે. હવે કોઈપણ માતાને પોતાના પુત્રને દુનિયા બીકણ કહે તે કેવી રીતે ગમે! શ્યામની માતાને પણ શ્યામને તેના મિત્રો બીકણ કહે છે તે જરાયે ગમ્યું નહીં. દિકરાના મગજમાંથી પાણીનો ડર દૂર કરવા માટે શ્યામની માતા તેને કડકાઈથી ખેંચી ને તેના મિત્રો જે કૂવામાં સ્નાન કરતાં હોય છે ત્યાં લઇ જાય છે અને તેને કૂવાની અંદર ધકેલી દે છે. કૂવામાં થોડા ગોથાં ખાધા બાદ આખરે શ્યામને તરતા આવડી જાય છે. આ પ્રકરણ આપણને શીખવાડે છે કે માતા તેના બાળકને ખૂબ ચાહે છે પરંતુ જો તે કોઇપણ પ્રકારની ભૂલ કરે અથવા તેની ફરજોથી ચુકે ત્યારે માતા કડક બનીને તેને ઠપકારી પણ શકે છે. માતાનો પ્રેમ અંધ નથી, પરંતુ તે તેના સંતાનોને સાચા માર્ગ તરફ દોરી જતી તેઓની માર્ગદર્શક છે.


૮૪ વર્ષ પૂર્વ લખેલા આ પુસ્તકની અંદર આવેલા રીતરિવાજો અને પરંપરાઓ તમને જૂની લાગશે પણ તેની અંદર આપેલા નૈતિકતાના બોધપાઠ જૂનાં નથી! તે વર્તમાન સાથે ખૂબ સુસંગત હોવાને કારણે જ આ પુસ્તકની લોકપ્રિયતા હજુપણ અકબંધ છે. આ સમજવા પુસ્તકમાંનો બીજો પ્રસંગ જોઈએ. બાળપણમાં શ્યામએ એક ફૂલના ઝાડને ઝૂડીને તેના પરની તમામ કળીઓ માતાને પૂજા કરવા માટે લઇ આવ્યા હતા ત્યારે તેમની માતાએ ઠપકો આપતા કહ્યું હતું કે, “બેટા, નિર્દોષ કળીઓને ક્યારેય તોડીશ નહીં... તેમને ખીલવાનો મોકો આપ... તેમને સંપૂર્ણપણે ખીલવા દે” આ એક નાનકડા પ્રસંગથી સાને ગુરૂજીએ કેવો અદભુત સંદેશ આપ્યો છે. વર્તમાનમાં નિર્દોષ બાળકીઓના ગર્ભપાત કરાવતા માતાપિતાઓ માટે તેમાં કેટલો ઉમદા સંદેશ છુપાયેલો છે.


સાને ગુરૂજીએ આપણા હિંદુ ધર્મના રીવાજોનું પણ આ પુસ્તકમાં ઉત્કૃષ્ટ મૂલ્યાંકન કર્યું છે. કથાના એક પ્રસંગમાં જયારે શ્યામ વાળ કાપવાની મનાઈ કરતાં કહે છે કે, “વાળ કાપવામાં કેવો ધર્મ?” ત્યારે તેમની માતા તેમને વહાલથી સમજાવે છે કે, “બેટા, વાળ તું કેમ રાખે છે? મોહને લીધે જ ને? તો મોહ છોડવો એ જ ધર્મ છે!” તેમના બાળપણના બીજા એક પ્રસંગમાં એક ચકલી ઝાડ પરથી નીચે પડીને મરી જાય છે. ત્યારે શ્યામ તેને જમીનમાં દફન કરી ઘરે આવે છે અને બધાથી આઘો રહે છે. જયારે માતા તેને આમ કરવાનું કારણ પૂછે છે ત્યારે તે જવાબ આપે છે કે, “મેં ચકલીનું સુતક પાળ્યું છે.” ત્યારે શ્યામની માતા હસીને કહે છે કે, “તેં હાથપગ ધોયા એટલે બહુ થયું. ચકલીનું સુતક રાખવાની કોઈ જરૂર નથી. માણસ કોઈ રોગથી મરે છે ત્યારે તેમના પરિવારજનોને તે ચેપ હોઈ શકે છે એટલે રોગ ફેલાય નહીં અને બીજાઓને તે લાગે નહીં એટલે તેઓએ બીજાઓથી દૂર રહેવું જોઈએ. તારી ચકલી ઝાડ પરથી પડી અને મરી ગઈ એમાં શેનો રોગ! એટલે તેનું સુતક પાળવાની કોઈ જરૂર નથી.” આપણા હિંદુ ધર્મના રીવાજોને સમજાવતી આટલી સરળ, સચોટ અને સુંદર વાતો તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. આજ પ્રસંગમાં એક વધુ ચોટદાર સંવાદ અને સંદેશ આપતા તેમના માતાજી આગળ કહે છે કે, “પશુપંખીને પ્રેમ કરવાથી ઈશ્વરના અનેક આશીર્વાદ સાંપડે છે. પરંતુ જેમ તું પશુપંખીઓને પ્રેમ કરે છે તેવો જ પ્રેમ આગળ જતા તારા ભાઈભાંડુઓને પણ આપજે. નહીંતર પશુપંખીઓને પ્રેમ કરે અને ભાઈભાંડુંઓ ઉપર વેર રાખે એવું ક્યારેય કરતો નહીં. તમે બધા સાથે હળીમળીને રહેજો. તમને એક જ બહેન છે તેનાથી ક્યારેય અંતર રાખશો નહીં.” આજકાલ વિભક્ત બની રહેલ કુટુંબો માટે આનાથી સુંદર ઉપદેશ બીજો શો હોઈ શકે?


એકવાર શ્યામની માતા યશોદાબેન શાકમાં મીઠું નાખવાનું ભૂલી ગયા. જયારે શ્યામના પિતાજી જમવા બેઠા ત્યારે તેમના ધ્યાનમાં આ વાત આવી પરંતુ તેમણે આ બાબતે કોઈ તકરાર ન કરતા ચુપચાપ જમી લીધું. પાછળથી યશોદાબેનને જયારે આ વાતની જાણ થઇ ત્યારે તેઓ ખૂબ દુઃખી થયા. હવે પત્નીનું મન દુભાય નહીં એટલે જીભ પર કાબુ રાખી મોળું શાક પણ હોંશે હોંશે ખાતા એ શ્યામના પિતાજી શ્રેષ્ઠ? કે પોતાના થકી સારી વાનગી બની નહીં માટે પતિ બરાબર જમ્યા નહીં એ બાબતનો વસવસો કરનાર એ શ્યામની માતા શ્રેષ્ઠ? બંને શ્રેષ્ઠ! વાંચકને આ પ્રસંગ દ્વારા સાને ગુરૂજીએ હિંદુ સંસ્કૃતિ જે સંયમ અને સમાધાન પર ટકી રહી છે તેનું કેટલું સુંદર ઉદાહરણ આપ્યું છે. આ કથામાં આવા તો ઘણા પ્રસંગો છે જે વાંચી આપણે આપણા વર્તન અને આદતોમાં સુધારો લાવી શકીએ છીએ.


આજે સ્ત્રી સમાનતાની સહુ વાતો કરે છે પરંતુ શું ખરેખર તે વિચાર અમલમાં મુકાઈ રહ્યો છે. શું સ્ત્રીઓ પુરૂષસમોવડી બને એને જ સમાનતા કહેવાય છે! દરેક દેશ સ્ત્રી વિકાસ બાબતે પાંચ તબક્કાઓમાંથી પસાર થાય છે. પહેલો તબક્કો એટલે સ્ત્રી શિક્ષણ, બીજો તબક્કો એટલે સ્ત્રીની આઝાદી, ત્રીજો તબક્કો એટલે સ્ત્રી સશક્તિકરણ, ચોથો તબક્કો જાતિ સમાનતા અને પાંચમો તબક્કો “બેંચમાર્કિંગ” એટલે કે સ્ત્રીઓને સર્વોચ્ચ સત્તાની ધુરા સોંપવી.


હાલ આપણો દેશ પાંચમા તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે. પાછલા કેટલાક વર્ષોમાં તમે આ જોયું હશે કે સ્ત્રીઓને સર્વોચ્ચ સ્થાન અપાઈ રહ્યું છે. જે ખરેખર પ્રશંસનીય બાબત છે. પરંતુ જરા વિચાર કરો કે શું આપણે ચોથો તબક્કો એટલે કે સ્ત્રીઓને સમાન અધિકાર આપવામાં સફળ થયા છીએ? જો હા તો કેમ આજેપણ ઘરકામ કે રસોઈ બનાવવાની જવાબદારી સ્ત્રીઓને જ ફાળે આવે છે!!! ભાઈ, સીધા પાંચમા તબક્કાને અમલમાં લાવવાથી કંઈ ચોથા તબ્બકાનો ઉદ્દેશ પૂર્ણ થઇ જતો નથી! ધ્યાનથી અભ્યાસ કરશો તો અમુક અપવાદો બાદ કરતા તમને જોવા મળશે કે સર્વોચ સત્તા પર બેઠેલી સ્ત્રીઓનો બધો વહીવટ તેમના પતિદેવો જ કરતા હોય છે. સ્ત્રીના હાથમાં માત્ર નામની સત્તા હોય છે. તો શું આ સમાન અધિકાર કહેવાય?


હજુ પણ આ પુરૂષપ્રધાન દેશમાં કોઈ સ્ત્રી રીક્ષા ચલાવે કે પ્લેન ઉડાવે તો એ કોઈ સામાન્ય પ્રવૃત્તિ નહીં પરંતુ બ્રેકિંગ ન્યુઝ ગણાય છે! કદાચ મારા આ લખાણ વિરૂદ્ધ કોઈક આકરો પ્રતિભાવ આપશે પરંતુ મને તેનો અફસોસ નહીં થાય કારણકે હું જાણું છું કે હજુ આપણો સમાજ સ્ત્રી સમાનતાને સાચા અર્થમાં સમજી જ શક્યો નથી. હવે તમે જ વિચારો કે આજથી ૮૪ વર્ષ પહેલા જયારે સ્ત્રીઓને ઘરમાંથી બહાર નીકળવાનીયે પરવાનગી નહોતી એવા સમયે સાને ગુરૂજીએ તેમના પુસ્તકમાં માતાના સંવાદ સ્વરૂપે લખ્યું છે કે, “પુરૂષને પણ સ્ત્રીઓના કામ આવડવા જોઈએ. પતિપત્નીને એકબીજાના કામ આવડતા હોય ત્યારે જ લગ્નજીવન સુખી બને છે.” બાળપણથી જ શ્યામને તેમની માતા કપડા ધોવાથી માંડીને રસોઈ બનાવવાનું પણ શીખવાડતા હતા. માત્ર સ્ત્રીઓએ જ પુરૂષોના કામ કરવા એવું નહીં પરંતુ પુરૂષોને પણ સ્ત્રીઓના કામ કરતાં આવડવું જોઈએ એવો જ્વલંત વિચાર આ પુસ્તકમાં રજુ થયો છે.

આ દુનિયામાં કોઇપણ વ્યક્તિ સંપૂર્ણ નથી! પુસ્તકમાં સાને ગુરૂજીએ પક્ષપાત રાખીને માત્ર તેમની માતાની ઉજળી બાજુ જ નથી દર્શાવી. બીજાઓની જેમ સાને ગુરૂજીની માતા યશોદાબેન પણ ભૂલો કરે છે પરંતુ તેમની વિશેષતા એ છે કે તેઓ પોતાની ભૂલોને સ્વીકારે છે અને તે માટે કોઈની માફી માંગતા પણ તેઓ ખચકાટ અનુભવતા નથી.


આ પુસ્તકની વાર્તાઓ દરેક બાળકના તેની માતા પ્રત્યેના પ્રેમનું પ્રતિબિંબ ઉપસાવે છે અને એટલે જ કથા વાંચતા વાંચતા પ્રત્યેક વાંચકની જેમ મને પણ શ્યામની માં પોતીકી લાગવા માંડી હતી. મને એ કબૂલાત કરતા જરાયે શરમ નથી આવતી કે છેલ્લી વાર્તા વાંચતી વખતે મારી આંખમાંથી વહેતા આંસુને લીધે પુસ્તકના પાનાં ભીના થઇ ગયા હતાં. શ્યામની માતાના મૃત્યના પ્રસંગને વાંચતા વાંચતા વાંચકના હૃદયને ખૂબ પીડા થાય છે. પરંતુ આ કરૂણ પ્રસંગમાં પણ ઉદ્ભવેલી વિકટ પરિસ્થિતિનો સામનો હકારાત્મકરીતે કરવાનો બોધ સાને ગુરૂજીએ પુસ્તકમાં આપ્યો છે. કથાના સંવાદમાં શ્યામ કહે છે કે, “મારી માતા મને છોડી ગઈ, પરંતુ ભારતમાતાની સેવા માટે મને તૈયાર કરતી ગઈ. સ્વતંત્રતાની લડાઈમાં હું માતૃપ્રેમમાં અટવાવું નહીં એટલા માટે જ કદાચ તે મારાથી દૂર જતી રહી. ભારતમાંની સર્વ સ્ત્રીઓ મારી માતા બને, એક જ નહીં પરંતુ અનેક માતાઓ મને મળે.. એટલે જ તે મને છોડી ગઈ હશે. હવે અત્ર તત્ર સર્વત્ર માતા.. એ મારી માતાઓ... આ દિવ્ય દ્રષ્ટિ મને આપવા માટે જ મારી માતાએ તેના સ્થૂળ દેહનો ત્યાગ કર્યો છે.”


આ કરૂણ પ્રસંગમાં પણ સાને ગુરૂજી એ કેટલો સુંદર અને અદભૂત “વસુધૈવ કુટુંબકમ”ના બોધને વણી લીધો છે. કોઈ મહાન ઋષિમુની જેમ વાર્તાના અંતમાં સાને ગુરૂજી એ ઉદગારેલ આ વિશ્વપ્રેમની દિવ્યવાણીએ મારા માનસપટલ પર ખૂબ ઊંડી અસર કરી છે. ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ મારી વહાલસોયી માતા મને જયારે અચાનક છોડી ગઈ હતી ત્યારે સાને ગુરૂજીના આ સંવાદે જ મને એ આઘાતને જીરવવાની તાકાત પૂરી પાડી હતી.

“શ્યામચી આઈ” આ પુસ્તક એટલા માટે પણ મારૂ પ્રિય છે કે તે માતા અને પુત્રના સ્નેહની અજોડ મિસાલ છે. હવે જુઓને શ્યામ એટલે કે “સાને ગુરૂજી”ની માતા યશોદાજીએ તેમને કેળવ્યા જેના કારણે તેઓ જગપ્રસિદ્ધ થયા. માતાનું આ જ ઋણ ચુકવવા સાને ગુરૂજીએ તેમની માતા વિષે સાહિત્ય જગતના અમર ભૂષણ સમાન પુસ્તક “શ્યામચી આઈ” લખીને તેમની માતાને અમર બનાવી દીધા. આજે શ્યામની માતા એ ફક્ત શ્યામની માતા ન બની રહેતા દરેક બાળકોની માતા બની તેમને પ્રેરણા આપી રહ્યા છે! આજે કેટલીક ગૃહિણીઓ પોતાના કામની કોઈ નોંધ લેતું નથી એવી ફરિયાદો કરે છે ત્યારે કોંકણના એક ગામમાં રહેતી એક સાધારણ ગૃહિણીએ ઘરકામ કરતા કરતા તેના પુત્રમાં સંસ્કારોનું એવું તો અદભુત સિંચન કર્યું કે આજે આખુંયે વિશ્વ તે યશોદા નામની ગૃહિણીના કામ અને વિચારોની નોંધ લઇ રહ્યું છે. એક સામાન્ય ગૃહિણીની વાતો પાઠ્યપુસ્તકોમાં છપાય એનાથી વિશેષ બાબત મને બીજી કોઈ લાગતી નથી.... ધન્ય છે એ પુત્ર... ધન્ય છે એ શ્યામચી આઈ...

(સમાપ્ત)


Rate this content
Log in