મારું ઘર
મારું ઘર
"મા! કેટલીવાર કહ્યું આમ રજાના દિવસે છોકરાઓના ફોટા લઈ મારી પાછળ ન પડ."
"પણ બેટા આમ ક્યાં સુધી જીવવું? તું લગ્ન કરી ઠરીઠામ થાય તો મારી બધીજ ચિંતા મટે." કોફી નો કપ હાથ માં લઈ એ અકળાઈ ને બોલી: "જો મા, મારું જીવન હું મારી રીતે જીવીશ." માને જરા ખોટું લાગ્યું: "તારું જીવન એ મારા જીવનનું પણ અંગ ખરું?"
પિતાના અવસાન પછી માએ જ એને માતાપિતા બંને નો પ્રેમ આપ્યો. એટલી ભણાવી કે આજે એના કોર્પોરેટ ઓફિસમાં કામ કરતી ખૂબજ ઓછી યુવતીઓ માની એ પણ એક. "મા, તું તો જાણેજ છે મારા જીવનનું લક્ષ્ય સીધું જ છે. પહેલાં કારકિર્દી અને પોતાનું ઘર. ત્યાં સુધી લગ્નની કોઈ જંજટ નહીં."
મા પોતાની ચા ટેબલ પરથી ઉઠાવતા બોલ્યા: "આ શું? ઘરની જીદ્દ લઈ બેઠી છે. આ ઘર તારું નહિ. લગ્ન કરી તારા પતિનું ઘર પણ તારું. આમ બબ્બે ઘર પૂરતા નથી?" કોફીનો કપ ટેબલ પર મૂકી એ ખડખડાટ હસી: "બબ્બે ઘર? મા યાદ છે હું નાની હતી ત્યારે પિતાજી જયારે પણ ગુસ્સો થતા ત્યારે શું કેહતા? જતી રહે તારા પિતાના ઘરે. અહીં રેહવું હોઈ તો મારા નિયમો અનુસાર જ જીવવું પડશે."
મા ચા પિતા ક્ષણભર થંભી ગયા. એણે કોફીનો કપ હાથમાં ફરી પકડી માને હજી કંઈક યાદ અપાવ્યું: "ને જયારે નાના નાનીને પિતાજીના વ્યવહારની જાણ કરતી તો એ શું કેહતા? હવે પતિ નુજ ઘર તારું ઘર. એ જે કહે એજ માનવું." માએ ચાનો કપ ટેબલ પર મૂકી દીધો.
"પણ આ ઘર તારુંજ રહેશે. એના બારણાં તારા માટે હંમેશા ખુલ્લા. અને બધાનો સ્વભાવ તારા પિતાજી જેવો હોઈ એ જરૂરી નહિ." પોતાનો ચેહરો અસંમતિ માં હલાવી એણે માની આંખો માં જોયું: "પણ હું મારા જીવન સાથે કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લઉં." ખાલી કોફીનો કપ રસોડામાં મૂકી આવી એણે માના હાથ પકડતા પ્રેમથી સમજાવ્યું: "જો મા આપણે સ્ત્રીઓ વર્ષો થી રડી રડી એકજ ફરિયાદ કરતી આવી. મારું ઘર કયું? પણ શું થયું? કોઈ જવાબ મળ્યો ખરો? નહિ ને.સમસ્યા વિષે વાતો કરવા થી એ ફક્ત વધે. એને ઉકેલવા તો પગલાજ ભરવા રહ્યા'' માનો ચહેરો જરા ઉતરી ગયો: "એટલે તું લગ્ન નહિ કરે, એમજ ને?"
માના હાથમાંથી ખાલી ચાનો કપ ટેબલ પર મુકતા એ મંદ મંદ હસી: "પ્રેમની ભૂખ કોને નહિ? લગ્ન તો હું જરૂર કરીશ." માને ફરી થોડી આશા મળી. એટલે એ ફોટાઓ પકડી એને બતાવી રહી. ફોટાઓ ટેબલ પર નાખી એ સ્પષ્ટતાથી બોલી: "પણ આમ નહીંજ. મને એક જીવન સાથી જોઈએ છે. કોઈ ઘરની ગેરંટી, મહિને લાખની નિશ્ચિંતતા કે ચાલતોફરતો ક્રેડિટ કાર્ડ નહિ."
દીકરીનું આ સ્વાભિમાન ને હિમ્મત નિહાળી એ સમજી ગયા કે એ પતિને 'સહારે નહિ પતિની 'સાથે' જીવન પસાર કરવા ઈચ્છે છે. રમૂજથી એ એને પૂછી રહ્યા: "અને તને અને તારા વિચારોને માન આપનાર એ રાજકુમાર મળી જાય તો લગ્ન પાક્કાં ?" માને ગળે લગાવતાં એ હસી જ પડીઃ "પ્રોમિશ માઇ મોમ.."
અને મા ખુશીમાં એને માટે હજી એક કપ કોફી બનાવવાં જતી રહી.
