STORYMIRROR

nayana Shah

Others

4  

nayana Shah

Others

મારા પપ્પા મારા હીરો

મારા પપ્પા મારા હીરો

2 mins
266

શાંભવીની આંખોમાં આંસુ કેમેય કરીને સૂકાતાં ન હતાં. ડોક્ટરે કહી દીધું હતું કે, "તમારા પપ્પા થોડા કલાકના મહેમાન છે" અરે, પપ્પા વગરનું જીવન કેમ પસાર થાય !

અત્યારે એની આંખો સમક્ષ પપ્પા સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદ આવતી હતી. એ નાની હતી ત્યારે અડધી રાતે જાગી જતી અને રડીને જકક પકડતી મને ઉંચકીને બહાર લઈ જાવ. ત્યારે આખા દિવસના થાકેલા પપ્પા શાંભવીને બહાર લઈ જતાં. રાત્રે બે વાગ્યા હોય કે ત્રણ વાગ્યા હોય એ દુકાન બતાવીને એલચી માંગતી. ના મળે તો મોટે મોટેથી રડવાનું. જો કે દુકાનદાર ઊપરના માળે જ રહેતો. પપ્પા બેલ વગાડીને ઉઠાડતાં. એલચી મળવાથી એ ખુશ થઈ જતી. જો કે એને પાછળથી ખબર પડેલી કે પપ્પા આ માટે એને દર મહિને વધુ પૈસા આપતાં.

ત્યારબાદ એને નિશાળે જવું તો કયાં ગમતું હતું ? ત્યારે પણ પપ્પા એના શિક્ષક ને કેટબરી આપી રાખતાં. એ આખો દિવસ રડે નહીં અને ભણે તો નિશાળ છૂટ્યા પછી ચોકલેટ મળતી.

દિવસો વિતતા હતાં. પપ્પાના વધુ પડતાં લાડ પ્યાર જોઈ મમ્મી કહેતી, "તમે એને ચડાવી મૂકી છે. એને પારકે ઘેર મોકલવાની છે." પપ્પા કહેતાં,"મારી શાંભવી જયાં જશે એને એનું પોતાનું ઘર બનાવશે."

એકાદવાર કોલેજમાં ઓછા ટકા આવવાથી મમ્મીનો બબડાટ ચાલુ હતો. પરંતુ પપ્પાએ કહ્યું, "બેટા, હવેથી હું તને ભણાવીશ" પપ્પા ભણાવતાં એ શાંભવીને તરત યાદ રહેતું પરિણામ સ્વરૂપ એને હંમેશા ગોલ્ડ મેડલ પ્રાપ્ત થતો.

જયારે લગ્નની વાત આવી ત્યારે એને શાલિન સાથે પ્રેમ થયાની વાત કરતાં મમ્મી ઘણી ગુસ્સે થઈ હતી. પરંતુ પપ્પાએ તરત કહ્યું, "શાંભવીની જિંદગી છે એને એની જિંદગીનો નિર્ણય લેવા સ્વતંત્રતા આપવી જોઈએ. "શાલિન સાથે લગ્ન બાદ એ ખુશ હતી. પરંતુ જયારે પિયર આવે ત્યારે પપ્પા એને એના ગમતાં વિષયોની ચોપડીઓ આપતાં. કોઈ સારો લેખ હોય તો સાચવીને રાખતાં જયારે શાંભવી આવે ત્યારે એને આપતાં. જો કે મમ્મી વિવિધ એની ભાવતી વાનગીઓ બનાવતી. પણ એની ભૂખ વિવિધ વાનગીઓ આરોગીને નહીં પરંતુ વાંચનથી ભૂખ ભાંગતી. એ મમ્મીનો પ્રેમ સમજી શકતી હતી. છતાં પણ પપ્પાને તો એને કંઈ કહેવું જ પડતું નહીં. વગર કહે બધુંજ સમજી જતાં. શાંભવી માટે તો એના પપ્પા જ એના ભગવાન હતાં.

"શાંભવી, અમારા બધા પ્રયત્ન નિષ્ફળ ગયા છે અમે તમારા પપ્પાને બચાવી શક્યા નથી. " આ સાંભળતાં જ શાંભવી થી ધ્રૂસકુ મૂકાઈ ગયું એને લાગતું હતું કે પપ્પા જવાથી મન સાથે બંધાયેલી મજબૂત દોર તૂટી ગઈ. 


Rate this content
Log in