માણકો ખોવાયો!
માણકો ખોવાયો!
ગુજરાતથી કેટલાય લોકો પેટિયું રળવા મુંબઈ આવીને ઠરીઠામ થયા છે. લોકોને મુંબઈના પરામાં ભાતીગળ ગુજરાત લાગે એની સાથોસાથ જો અંદરથી ડોકિયું કરશો તો જરૂર લાગશે કે આ પંખીના માળામાં એક અનેરું સામુદાયિક કુટુંબ વસેલું છે. પરાની આવી ચાલીઓમાં ખોલી ભલે નાની અને જુદી-જુદી હોય પરંતુ આ બધામાં પારિવારિક ઐક્ય જોવા જરૂર મળે અને મળે જ. એક બીજાના
સુખમાં કે દુઃખમાં ખડે પગે ઊભા રહેનાર અને ખભેખભા મેળવનાર એ આ ચાલીઓની વિશિષ્ટતા છે.
આવી પરાની એક ચાલીમાં આજે સૌ કોઈની વેદનામય લાગણી હરિવદનભાઈના ઘર પ્રતિ જણાય છે. વાત એમ છે કે એમનો દીકરો દરરોજ શાળાએથી આવીને બપોરે એના પપ્પા હરિવદનભાઈ માટે લંચનુ ટિફિન ભૂલેશ્વર, એમની કપડાની દુકાને લઈ જાય. પછી ત્યાંજ શાળાનું લેસન-અભ્યાસ કરવો અને સાંજે ઘરે પાછા આવવું આ એનો રોજનો ક્રમ, સોમથી શુક્ર, બીજા એમને કહે પણ ખરા કે આમ છોકરાને દોડાદોડ શું કરાવો છો? છોકરાનું બચપણ મૂરઝાય છે. કિન્તુ હરિવદનભાઈની ગણતરી જુદી હતી. તેઓ માનતા કે સ્કૂલેથી આવીને ભટકવા કરતા આ શું ખોટું છે. થોડી ધંધાની જાણકારી પણ મળશે અને ભણવાનુંય થશે. બપોરે જ્યારે દુકાનેથી હરિવદનભાઈનો ફોન ઘરે આવ્યો કે માણકો ટિફિન લઈને હજી કેમ નથી આવ્યો? માણકાના મમ્મી, મંગુબેને કહ્યું કે એ તો રોજના ટેમે કયુનો દુકાને જવા નીકળી ગયો છે.
હવે મંગુબેનને ફાળ પડી કે માણકો ગયો ક્યાં? તેઓ ફોન મૂકીને ઘરની બહાર આકુળવ્યાકુળ થતાં આવ્યાં. પડોશી ગજરાબેને એમને બેચેન જોયાં એટલે પુછ્યું, 'મંગુબેન શું થયું, આમ બેબાકળા કાં જણાવ છો?' મંગુબેન, 'તમારા ભાઈનો ફોન આવ્યો કે માણકો હજી ટિફિન લઈને દુકાને આવ્યો નથી. આ ચાર તો વાગવા આવ્યા. અહીંથી રોજના ટેમે નીકળી ચૂક્યો છે. ક્યાં ગયો હશે? આટલું મોડું કોઈ દિ' નથી થયું. ચિંતા થાય છે કે શું થયું હશે?' ગજરાબેન,'એમ કરીએ, આ ઉમેદભાઈ કામ પરથી ત્રણ વાગે ઘરે આવી જાય છે તો એમને કહીએ કે તપાસ કરે.' મંગુબેન,'હા, મારી બેનુ, તમને જે ઠીક લાગે એમ કરો. મારો તો જીવ મૂંઝાય છે. પગ ઊપડતા નથી. કંઈક ગાડી નીચે....’ એટલું
બોલતા-બોલતામાં તો ડૂમો ભરાઈ આવ્યો અને મંગુબેન બારણા પાસે ફસડાઈ પડ્યાં.
એમ કહેવાય છે કે જેની આપણે આવવાની પ્રતીક્ષા અથવા ભાળ રાખીએ અને એ વ્યક્તિની ખબર અચોક્કસ સમય સુધી ન મળે ત્યારે એની કુશળતા વિષે અશુભ વિચારો પહેલા આવે. ગજરાબેને ઉમેદભાઈને માણકા વિષે વાત કરી.
એ સમયે મોબાઈલ ફોન તો હતાં જ નહીં અને આવી મોટી ચાલીઓમાં પણ માંડ-માંડ બે કે ત્રણ ઘરે ફોન હોય. ઉમેદભાઈ હરિવદનભાઈને ત્યાં આવ્યા અને કહે, 'મંગુબેન, હિંમત રાખો. હું અંધેરી સ્ટેશને જાઉં છું. દર અડધા-પોણા કલાકે ફોન કરીને પરિસ્થિતિથી વાકેફ કરીશ. (એટલે કે કોઈ દુકાન અથવા પબ્લિક ફોનથી) દરમ્યાન અહીંની જે કંઈ જાણકારી હશે તે જાણી લઈશ. હવે મને હરિવદનભાઈ સાથે ફોન પર વાત કરવા દો.'
ઉમેદભાઈ,'હલ્લો, હરિવદનભાઈ, શું થયું? માણકાના કંઈ ખબર મળ્યા કે?'
સામેથી ફોન પર હરિવદનભાઈ,'ના. રોજ તો ટાઈમસર આવી જાય છે.' એમના અવાજમાં વેદનાના સૂર હતા. ઉમેદભાઈ,'એક કામ કરો, ત્યાં મરીનલાઈન્સ સ્ટેશને તપાસ કરી જુઓ કે ગાડીઓ બરાબર છે કે નહીં. કોઈ અકસ્માત કે કંઈ એવું? હું અંધેરી સ્ટેશને જાઉં છું. ત્યાં પૂરી તપાસ કરીને અહીં તમારા ઘરે ફોન કરું છું. તમે પણ જે તે હકીકત હોય તેની અહીં જાણ કરજો.'
મોબાઈલ વિનાના, એ જમાનામાં એક બીજાના સંપર્ક સારું આવી વ્યવસ્થા કરી લેવાતી. ઉમેદભાઈને અંધેરી સ્ટેશને જાણવા મળ્યું કે ગાડીઓ રૅગ્યુલર છે. કોઈ અકસ્માતના ખબર નથી. સ્ટેશન માસ્તરે બાન્દ્રા સ્ટેશને પણ તપાસ કરી. કોઈ અકસ્માતના કેસ નથી.
ઉમેદભાઈ ત્યાંથી અંધેરી પોલીસ ચોકીએ ગયા. ત્યાં પણ જાણવા મળ્યુ કે કોઈ જાતના અકસ્માત કે બીજા કેસ નોંધાયા નથી. ઉમેદભાઈની વ્યગ્રતા વધી ગઈ કે શું થયું હશે? હવે ક્યાં ભાળ કરવી? તેઓ મૂંઝવણમાં પડ્યા. હરિવદનભાઈના ઘરે ફોન કર્યો. જાણવા મળ્યું કે હરિવદનભાઈને પણ કંઈ ભાળ મળી નથી. સમય વિના થંભ્યે ગુજરતો જાય છે. ચિંતા અને વ્યગ્રતા વધતી જાય છે. એક જ પ્રશ્ન થયા કરે છે કે શું થયું હશે? માણકો ક્યાં હશે? આજ-કાલ તો છોકરાઓને ઉપાડી જવાના પ્રસંગો અવારનવાર બનતા હોય છે. હવે ઘરે જવા દે. ત્યાં બીજા લોકો પણ આવી ગયા હશે. સાથે મળીને આગળ ક્યાં તપાસ કરવી તે નક્કી કરીએ. તેઓ ઘરે આવ્યા.
ચાલીમાં ચહલ-પહલ વધી ગઈ હતી. સૌના ચહેરા પર ગ્લાની અને ચિંતા વરતાતી હતી. ચંપકભાઈ,'ઉમેદભાઈ, શું ખબર લાવ્યા? માણકો મળ્યો કે નહીં.'
ઉમેદભાઈ,'ના રે. હવે ક્યાં તપાસ કરવા જઈશું?' એક પછી એક સૌ ભેગા થવા લાગ્યાં. સ્ત્રીઓએ મંગુબેનને સંભાળ્યાં. તેઓ તો હમણા ઠૂઠવો મૂકશે એમ જણાતુ હતુ. સૌ મંગુબેનને આશ્વાસન આપતા હતાં કે સૌ સારા વાના થશે. માણકો હમણા આવી જશે. ચિંતાની મુદ્રા બધાના મોં પર અંકિત હતી. ઘડિયાળ સમય બતાવતી હતી કે રાત્રીના ૮ થઈ ગયા છે. ચાલીના બધા હરિવદનભાઈના ઘર પાસે એકઠા થઈ ગયાં. કોઈને ત્યાં રાત્રી ભોજનની તૈયારી થઈ નહીં. ચૂલા ઠંડા પડ્યા. બધાને હવે ચિંતા સતાવતી હતી કે માણકો ક્યાં ગયો હશે?
હરિવદનભાઈના ફોનની રફતાર વધતી ગઈ પણ માણકાના કશા વાવડ ન હતા. મંગુબેને લગભગ રોતા સૂરે બેનોને કહ્યું,' હું તો કે દિ'નું તમારા ભાઈને કે'તી'તી કે છોકરાને આમ રોજ ગાડીમાં શું હડી કઢાવો છો. પણ ઈ' માને એવા થોડા છે. કે' છે કે તમે બૈરાઓ પુરુષોની વાતમાં શું સમજો? અને આ દિ' જોવાનો વારો આવ્યો. માણકા, ઓ માણકા...' એમને ડૂમો ભરાયો અને લાગલગાટ પોક મૂકાઈ ગઈ. વાતાવરણમાં વ્યગ્રતા અને ઉદાસીનતા છવાઈ ગઈ. બધાને ચિંતા કોરી ખાતી હતી. ત્યાં સાંત્વના કેવી રીતે આપવી? બારેક વાગ્યાનો ગયેલ માણકો હજી આવ્યો નથી કે કંઈ સમાચાર નથી. આખી ચાલીમાં ગમગીની પસરી ગઈ. કોઈને પણ ખાવા-પીવાની સૂધ ના રહી. સૌને એક જ સમસ્યા સતાવતી હતી કે માણકો ગયો ક્યાં?
પુરુષ વર્ગે ત્રણ ટુકડી બનાવી. એક ટુકડી પાર્લા મ્યુનિસિપાલિટીના કૂપર હૉસ્પિટલે જાય અને તપાસ કરે કે કોઈ બિનવારસ લાશ છે કે? બીજી ટુકડી રેલ્વે હકૂમતના સંપર્કમાં રહે અને મુંબઈ સેન્ટ્રલ જાય. હરિવદનભાઈને ત્યાં આવવા કહેવું. ત્રીજી ટુકડી અહીંના ગુંડાના સંપર્કમાં રહે જેથી કંઈ જાણકારી મળી શકે.
બધાએ સમયાંતરે અહીં હરિવદનભાઈને ઘેર ફોન કરતા રહેવું જેથી માહિતી પ્રાપ્ત થાય.
સમય સમયનું કામ કરે છે. રાત્રીના નવ થઈ ચૂક્યા છે. માણકાના કશા સમાચાર નથી. પહેલી ટુકડી જે કૂપર હૉસ્પિટલે ગઈ હતી ત્યાંથી ફોન આવ્યો કે એવી કોઈ લાશ નથી. એક રીતે સૌને હાશકારો થયો પણ હજી માણકાના કોઈ સમાચાર ન હતા. ત્રીજી ટુકડી તરફથી વાત આવી કે કોઈ ગુંડાનુ આમાં કામ નથી. સૌને એ રીતે સાંત્વના મળી કિન્તુ માણકાની ભાળ ન મળી તેથી વાતાવરણ ક્ષુબ્ધ અને રહસ્યમય બનતું ગયું. હવે સૌને એક જ આશ હતી કે બીજી ટુકડી તરફથી કંઈ સમાચાર આવે. રાત્રીના દશ વાગી ચૂક્યા હતા. બધાને ચિંતા કોરી ખાતી હતી કે માણકાનુ શું થયું હશે. સૌના હોશકોશ ઊડી ગયા છે. મંગુબેનની હાલત જોવાતી નથી. એક સરખા આંસુ સારે છે અને માણકા, માણકા એમ પુનરોચ્ચાર કરે છે.
ત્યાં હરિવદનભાઈના ઘરના ફોનની ઘંટડી રણકી. ગજરાબેને ફોન ઉઠાવ્યો. 'હાં, હલ્લો કોણ?' 'જુઓ, હું ચંપક બોલું છું. માણકાની ભાળ મળી છે. એ કુશળ છે. અમે એને લઈને ઘરે આવીએ છીએ. વિગત ત્યાં આવીને કહીશું. ચાલો, મૂકુ છું.'
ગજરાબેને બધાને સમાચાર આપ્યાં અને ચાલીમાં જે ગમગીન વાતાવરણ હતું ત્યાં ખુશાલી આવી ગઈ. મંગુબેનના જીવમાં જીવ આવ્યો. તે બોલ્યાં. 'માતાજીની કૃપાથી શુભ સમાચાર આવ્યા. તમારા સૌનો આભાર. મારો તો જીવ ટાળવે પહોંચી ગયો હતો. બેનુ અને ભાઈઓ, તમે સૌએ માણકાની ભાળમાં ને ભાળમાં કશું ખાધુ-પીધુ નથી. ચાલો. ઈ લોકો આવે એ પહેલા સૌ માટે ચા અને નાસ્તો બનાવવાની તૈયારી કરીએ. કોઈએ ખાધા વગર જવાનું નથી. મારા સમ.'
મંગુબેનના ચેહરા પર ફરીથી કાન્તિ આવી ગઈ અને શરીરમાં જોમ. બટેટા પૌંઆ બની ગયા હતા અને ચા ઊકળતી હતી.
એટલામાં હરિવદનભાઈ, ચંપકભાઈ, મુળજીભાઈ, ગીજુભાઈ વગેરે માણકાને લઈને આવ્યા. માણકો ખોવાયો અને પુનઃ મળ્યો તેની યશ ગાથા (!) માણકાના કહેવા મુજબ કંઈક આમ છે. ટિફિન લઈને અંધેરી સ્ટેશને પહોંચ્યા બાદ ચર્ચ ગેટ ફાસ્ટ ગાડી પકડવા ઝડપ તો વધારી પરન્તુ ગાડી ઊપડવાનુ શરૂ થતાં જે ડબ્બો આવ્યો તેમાં ચઢી ગયો. તે ડબ્બો લેડિઝનો હતો. બાન્દ્રાથી ટી.સી. આવ્યો. (ફાસ્ટ ગાડી હોવાથી અંધેરીથી બીજા સ્ટેશને ન થોભતા, સીધી બાન્દ્રા ઊભી રહે.) માણકો અને બીજા જે પુરુષો હતા, તે બધાને મુંબઈ સેન્ટ્રલ લઈ ગયા અને ત્યાંથી ગ્રાન્ટ રોડ સ્ટેશને રેલ્વે લોક-અપમાં મૂકી દીધા. માણકાએ પોલીસને ઘણા કાલાવાલા કર્યાં કે ફોન કરવા દે પણ તેને માન્યું નહીં. ચંપકભાઈ અને બીજાઓએ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને તપાસ કરી ત્યારે એક પોલીસે કહ્યું કે ટિફિન વાળો એક છોકરો લેડીઝ ડબ્બામાં મુસાફરી કરવા બદલ પકડાયો છે અને ગ્રાન્ટ રોડ સ્ટેશને લૉક - અપમાં છે. ત્યાં જોયું તો માણકો હતો. જામીન તરીકેના રૂપિયા ડિપૉઝિટ કરીને છોડાવ્યો તથા કાલે ખુલતી કૉર્ટે દસ વાગે હાજર થવાનું હતું.
માણકો મળ્યો એની ખુશાલી આખી ચાલીમાં છવાઈ ગઈ. ગ્લાનીમય વાતાવરણમાંથી ઉત્સવ જેવું વાતાવરણ થઈ ગયું. સૌ એ ચા નાસ્તાની મોજ માણી. રાતનો એકાદ વાગ્યો હશે. હરિવદનભાઈ અને મંગુબેને સૌનો આભાર માન્યો અને મોડી રાત સુધી સૌએ સાથ તેમજ સહાનુભૂતિ દાખવી તેથી ગદગદિત થઈ ગયાં હરિવદનભાઈ,‘જુઓ, આજે ગુરૂવાર થયો તથા રાત પણ સારી એવી વીતી ગઈ છે. સૌ છુટા પડીએ એ પહેલા એક વાત કરી દઉ. આ રવિવારે આપણી આખી ચાલીને અમારા તરફ્થી બપોરે ભોજનનો સમારંભ રાખ્યો છે તો સૌ પધારશો.’ ઉમેદભાઈ,'હરિવદનભાઈ, મારી એક વિનંતી છે કે અમને આમાંથી મુક્ત રાખજો.' હરિવદનભાઈ,'એ શું બોલ્યા? એમ તે કંઈ ચાલતું હશે?' ઉમેદભાઈ,'મારા ઘરે આ રવિવારે મારા મામાની દીકરીઓ એટલે કે મારી બેનોને બપોરના ભોજન માટે બોલાવેલ છે, જે પહેલેથી નક્કી કરેલ છે. એક બેન અહીં અંધેરી ઈસ્ટમાં રહે છે તથા બીજી બેન રાજકોટથી એની દીકરી સાથે મુંબઈ આવી છે.' હરિવદનભાઈ,'ઓ હો! એમ વાત છે. તમારા મહેમાન તે અમારા મહેમાન ગણાય. બધાને લઈને આવજો. હવે કોઈ બહાનું નહિ ચાલે. તો રવિવારનું પાક્કુ હોંકે. ચાલો સૌ છુટા પડીએ.’
રવિવાર આવ્યો અને ભોજન સમયે સામ-સામે પુરુષો અને સ્ત્રીઓની પંગત પડી. ઉમેદભાઈની પત્ની, બેનો તથા ભાણી ઉમેદભાઈની સામે બેઠાં. ભોજનના વ્યંજન એક પછી એક પીરસાતા હતાં. હરિવદનભાઈ અને મંગુબેન બધાને આગ્રહ કરીને પીરસતા હતા. એટલામાં કોઈ બોલ્યું,'આજના પ્રસંગના કુંવર ક્યાં છે?' માણકો ઘરમાંથી બહાર આવ્યો. મંગુબેને માણકાને કહ્યું,'તું પણ બીજા પીરસનારા સાથે પીરસવા લાગ.' માણકો પીરસતા-પીરસતા ઉમેદભાઈની પંગત તરફ આવ્યો અને સામે બેસેલ મહેમાનમાં ઉમેદભાઈની ભાણીને જોઈને ડઘાઈ ગયો. એની સામે નજર પડી. એના ચિત્તમાં ગુરુવારના અંધેરી સ્ટેશનનું દૃશ્ય ખડું થયું. એની સામે થોડો સંકોચ પણ થયો. કિશોરાવસ્થાની જવાની વિકસતી હતી. મુગ્ધાવસ્થાનું ચુંબકીય આકર્ષણ તેને અંધેરી સ્ટેશન પર ભમરો જેમ પુષ્પ પાછળ ગુંજારવ કરે એમ લેડિઝ ડબ્બામાં ચઢી ગયો, એ મુર્ખામી તાદૃશ થઈ. તથા પોતે અકસ્માતવત લેડિઝ ડબ્બામાં ચઢી ગયો હતો એ જુઠાણું ખૂલી જશે એવો ભય મનમાં સતાવવા લાગ્યો. ને કયા સંજોગમાં કિસ્મતે ભેગાં કરાવ્યાં? મનમાં એક મૂંઝવણ પણ વરતાઈ. પોતાનો ભાંડો ફૂટી તો નહિ જાયને? ગુનાની ભાવના થકી શરીરમાં થોડી કંપન પણ આવી ગઈ.
ભાણીની પણ મુગ્ધાવસ્થા હતી. વિજાતીય આકર્ષણને લીધે, પ્રણય પ્રકટ કરતી આ કળીને તારામૈત્રક કરતા આ છોકરામાં કોણ જાણે કેમ અનાયાસે દિલચસ્પી વધી ગઈ. એના જીવનમાં આવી ઊર્મિનું છલકવું એ પ્રથમ અનુભવ હતો. એની કાયામાં પ્રથમ વાર રોમાંચના સ્પંદનો ઊભરી આવ્યાં. એની ગરદન શરમની મારી ઝૂકી ગઈ. લજ્જાને લીધે મોં લાલઘૂમ થઈ ગયું. પરંતૂ મલાજાની મારી વધુ આગળ ન વધતાં કે વડીલોની બીકને લીધે એ બોલી ઊઠી,‘મામા, આ જ છોકરો ગુરુવારે સ્ટેશને અમારી વાંહે-વાંહે આવતો હતો અને ગાડી આવીને અમારા લેડિઝ ડબ્બામાં ચઢી ગયો હતો. મને ધારી-ધારીને જોતો હતો, એટલામાં ટી. સી.એ એને અને બીજા પુરુષોને આગળના સ્ટેશને ઊતાર્યા હતા.'
હવે પોલ ખૂલી જવાની. એ ઘડી જીરવવી માણકા માટે દુષ્કર બની ગઈ. પીરસવાનુ બાજુએ મૂકીને દોડતો-દોડતો તે એના ઘરમાં જતો રહ્યો. મા-બાપને મન માણકો મળ્યો તેનો ઉત્સવ હતો પરંતૂ માણકાને મન એ સ્વયં ખોવાયો છે, એમ ભાસ્યું.
