STORYMIRROR

Nayanaben Shah

Others

3  

Nayanaben Shah

Others

મા તો મા

મા તો મા

2 mins
184

મારી આંખોના આંસુ સૂકાતાં ન હતાં. પપ્પાનો ચહેરો તો મને યાદ જ કયાં હતો ? હું એક વર્ષની પણ ન હતી એ સમયે પપ્પાનું અવસાન થયેલું. તેથી જ મારે મન મારી મમ્મી જ મારુ સર્વસ્વ હતી. અમારા બંનેની સવાર જ એકબીજાને જોઈને પડતી.

હું મોડે સુધી વાંચતી હોઉ તો મમ્મી જાગતી જ હોય. મને ચા પીવાની આદતથી મમ્મી પરિચીત તેથી એ થોડા થોડા સમયે મારા ટેબલ પર ચા મૂકી જતી. સવારે હું સમયસર ના ઊઠું તો મીઠા મધુર સ્વરે મને જગાડતાં કહે,"નંદિની બેટા, ઊઠ. જો સૂર્યનારાયણ પણ અજવાળું પાથરવા લાગ્યા છે. પક્ષીઓ પણ ગીતો ગાવા લાગ્યા છે. "

કયારેક પરિક્ષાની ચિંતામાં મને ઊંઘ ના આવે તો કયાંય સુધી હેતપૂર્વક માથે હાથ ફેરવતી. કોણ જાણે એના વહાલમાં શું જાદુ હતો !

મારા લગ્ન નક્કી થયા ત્યારથી હું ખૂબ રડતી હતી. મારી મમ્મીને છોડી ને જવાના વિચારથી જ મારી આંખો છલકાઈ જતી. પરંતુ મમ્મી સલાહ આપતી,"બેટા,આ તો આપણી સમાજવ્યવસ્થા છે. દીકરી સાસરે જ શોભે. હવે પાછલી ઉંમરમાં હું પ્રભુભકિત કરીશ. હવે તું પારકે ઘેર જઈ મારા સંસ્કાર દિપાવજે કે જેથી મારા સંસ્કાર ના લજવાય. "

લગ્નબાદ છેડાછેડી છોડવા સવારે કુળદેવી જવાનું હતું એ રાત્રે મારે મારી સાસુ જોડે સૂવાનું હતું. નવી જગ્યા એ મને ઊંઘ આવતી ન હતી, મમ્મીની યાદ આવતી હતી. હું પડખા બદલતી હતી અને મારાથી ડૂસકું નંખાઈ ગયું, મારા સાસુ જાગી ગયા મારે માથે હાથ ફેરવતાં બોલ્યા,"નંદિતા, હું પણ તારી મા જ છું." કહેતાં એમને મારે માથે હાથ ફેરવવા માંડ્યો. મને લાગ્યું મારી મા મને સુવાડી રહી છે. કેટલો બધો એ સ્પર્શમાં પ્રેમ હતો !

મા તો મા જ હોય છે. દરેક સ્ત્રીમાં એક મા હોય છે. નાની બાળકી પણ એની ઢીંગલીની મા બની જતી હોય છે. માના ઉપકારો, એનો ત્યાગ, સ્નેહ કે આત્મીયતાનું વર્ણન ખુદ દેવી સરસ્વતી દરિયા ના પાણીની શાહી બનાવીને ગુણગાન કરે, ઝાડની ડાળીઓ ને કલમ બનાવે અને નિરંતર લખે તો પણ એ ઓછું પડે અને લખી જ ના શકે. એ તો માનો મહિમા છે.


Rate this content
Log in