મા નો જીવ
મા નો જીવ


લાખીને બે દિવસથી અણસાર આવી ગયો હતો કે હવે એ નહીં બચી શકે. એક મહિનાથી એ પથારીવશ થઈ ગઈ હતી અને એના મનુની હાલાત એનાથી જોવાતી ન હતી. માનો જીવ કે મારા પછી આનું કોણ ? એ સૂતા સૂતા ભગવાનને પ્રાર્થના કરતી હતી કે "વાલીડા. મારા પહેલા આ મનુને લઈ લે નહીં તો મારા પછી એનું ધ્યાન કોણ રાખશે ?' મોટો દિકરો અને વહુ તો તિરસ્કાર જ કરતા હતા મનુનું કે પાંચ ગામ દૂર કોઈ મંદિરમાં મુકીને આવતા રહીએ પણ લાખીનો જીવ ના ચાલ્યો કહે 'હું જીવીશ ત્યાં સુધી એને હું પાલવીશ તમારા માથે નહીં પડે."
લાખીએ નાની ઉંમરેજ વિધવા થતા બન્ને છોકરાને દાડીયા મજુરી કરી મોટા કર્યા હતા. મનુ જન્મથી જ મંદબુધ્ધીનો અને બોલી શકતો નહીં. મોટાને ઉંમર થતા પરણાવ્યો પણ વહું ઘરમાં આવતા જ આ ગાંડ
ાને ક્યાંક મુકી આવો એવી હઠ લીધી. એ જોઈ મોટો પણ હવે લાખી આઘીપાછી થઈ હોય તો મારે. અને હવે તો લાખી પથારીમાં હતી તો વહું એક જ ટંક બે રોટલા અને વાડકો શાક આપે એટલે લાખી કકડો રોટલો ખાઈ અને બાકીનું મનુને ખવડાવી દે.
માનો જીવ એટલે રોજ ભગવાનને કરગરી કરગરીને લાખી થાકી ગઈ. એને રાતે ફરી અણસાર થયો કે હવે હું નહીં રહું. વહેલી સવારે લાખી એ શરીરમાં હતી એટલી શક્તિ ભેગી કરી બેઠી થઈ અને પોતે નાહીને તૈયાર થઈ ભગવાનને દીવો કર્યો અને મનુને જગાડી નહવડાવ્યો નવા કપડાં પહેરવ્યા અને મનુને કહે ચાલ ખેતર જઈ આવીયે. કહી હાથ પકડી મા દીકરો નીકળ્યા અને ખેતરમાં કુવા પાસે મનુને લઈ જઈ લાખી કુવામાં જોવા કહ્યું અને પાછળથી ધક્કો માર્યો અને પછી પોતે કુવામાં કુદી પડી.