મા ની મમતા
મા ની મમતા
" મા" શબ્દ બોલતાં જ મોઢું ભરાઈ જાય અને હૈયે અમીરસ ઝરે એવી છે મા..આમ તો મા વિશે ઘણાં બધાં કવિઓ અને લેખકો એ ઘણું બધું લખ્યું છે પણ આપણને પૃથ્વી પર લાવનારી અને જેના કારણે આપણું અસ્તિત્વ છે એવી મા માટે જો કાંઈ લખવું કે કહેવું હોય તો તેના માટે શબ્દો પણ ખૂટી પડે.
અત્યારે મોબાઈલના યુગમાં વોટ્સએપ જેવા માધ્યમો દ્વારા ઘણીવાર એવા વિડિયો વાયરલ થયેલા જોવા મળે છે કે પ્રાણીઓ પોતામાં બચ્ચાં માટે મોત સાથે બાથ ભીડી દે છે. અબોલ પશુ ને પણ પોતાના વાછરડા માટે અપાર વાત્સલ્ય હોય છે. દુનિયામાં મનુષ્ય હોય કે પછી પ્રાણી પણ મા એ મા છે. માની તોલે દુનિયાનો કોઈપણ સંબંધ ના આવી શકે. પુત્ર કટુ થાય તો પણ માતા કુમાતા કદી થતી નથી. ગમે તેવી પરિસ્થિતિમાં પણ માના હેતનું ઝરણું સતત વહેતું રહે છે. આખી દુનિયા બદલાય પણ કદી માનો પ્રેમ બદલાતો નથી. અત્યારે આખા વર્ષમાં વિવિધ ડે ઉજવવાની પ્રથા ચાલુ થઈ છે તણ મધર્સ ડે ઉજવવો એ ખરેખર એક મા નું અપમાન છે. હકીકતમાં તો સંતાન જન્મે ત્યારથી રોજ મધર્સ ડે જ હોય છે.
અમીર હોય કે ગરીબ પણ મા નો સ્નેહ એક સમાન હોય છે.. સુખ અને દુ:ખના ઉતાર ચઢાવમાં પણ કદી મા ના સ્નેહમાં કોઈ ફેર પડતો નથી. મા એ મા છે.
આપણ માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃપ્રેમને આખું વિશ્વ જાણે છે, તેઓ અત્યારે જે કંઈ છે તેને મા નો આશીર્વાદ માને છે. ઘણી વાર સમાજ માં કોઈ દીકરી પ્રેમલગ્ન કરીને માતા પિતાની ઇજજત ઉછાળીને નાસી ગઈ હોય તો આખો સમાજ તેનો વિરોધ કરે છે પણ એક મા ચોરીછૂપીથી એના ખબર પૂછે છે. આ છે મા ની મમતા. પણ અફ્સોસ કે કેટલીય મા આજે ઘરડાંઘરમાં એક વાર એનો દીકરો આવે એવી આશાએ જીવતી લાશ બનીને જીવી રહી છે.
કહેવાય છે ને કે એક વાર જેણે મા આગળ માથું નમાવ્યું તેને કોઈ આગળ નમવાની જરૂર નથી રહેતી. મા ના આશીર્વાદમાં આટલી તાકાત હોય છે. મા ના મર્યા પછી તો સમાજમાં વાહ વાહ કરાવવા ઘણું બધું કરશો પરંતુ અત્યારે હાલ મા ના જીવતાં જ એની ગમે તેવું કરો ને.. માના શરીરે ચીંથરા ના હોય અને પથ્થરની દેવીને ચુંદડીઓ ઓઢાડે એ તો કેવો વિરોધાભાસ કહેવાય. મા તો ભગવાનનું જીવતું રૂપ છે તો શા માટે જીવતી જાગતી ભગવાન કરીને ના પૂજીએ ! માતૃ દેવો ભવઃ એટલે જા તો કહ્યું છે. જે માએ આપણને બોલતાં શીખવાડ્યું તેને ચૂપ કરવાનો આપણે કોઈ અધિકાર નથી. બાળપણમાં આપણને એના સહારાની જરૂર હતી તો ઘડપણમાં આજે એને આપણા સહારાની જરૂર હોય છે. એને સહારો આપીએ અને હૂંફ આપીએ.
