Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

લોનની ભરપાઈ

લોનની ભરપાઈ

6 mins
7.2K


બેન્કના લોન વિભાગની હરોળમાં બેઠા જયંતીલાલના ખભે એક જાણીતો હાથ મુકાયો. "અરે, ગિરીશ આટલા વર્ષો પછી?" પોતાના જૂના મિત્રને જોતાં જ આંખોમાં ચમક આવી. હાથમાં કાગળિયાનો ઢગલો સાચવતો એમનો મિત્ર પડખે ગોઠવાયો.

"શું જયંતી ? ક્યાં ખોવાય ગયો હતો? સૌ ઠીક ?" મિત્રએ ટેવ પ્રમાણે પ્રશ્નોની વર્ષા કરી.

"હા ..સૌ ઠીક, ઉપરવાળાની કૃપા છે.. બસ આ જરા દીકરી માટે લોનની વ્યવસ્થા કરવા.." 

એમનું વાક્ય પૂરું થાય એ પહેલા જ ગીરીશભાઈએ વચ્ચે જ ઉત્સુકતાપૂર્ણ ટાપસી પુરી. "અરે વાહ, લગ્ન કયારે ગોઠવાયા? છોકરો ક્યાંનો છે? વ્યવસાય શેનો?.."  હજી પ્રશ્નની યાદી લાંબી થાય એ પહેલા જ જ્યંતિલાલએ એમની  ખોટી ધારણા ને આગળ વધતા અટકાવી: " નહીં... નહીં... લગ્ન માટે નહીં... લોન તો એના અભ્યાસ માટે ઉઠાવી રહ્યો છું."

જ્યંતિલાલના શબ્દો સાંભળી ગીરીશભાઈને મોટો આંચકો લાગ્યો. એમના મિત્ર એ જાણે કોઈ તર્ક વિનાની વાત કરી હોય એવા ભાવો સાથે એ મિત્રને વિસ્મય પૂર્વક તાકી રહ્યા! 

"દીકરીના લગ્ન માટે બચત રાખી છે કે નહીં? આજકલ લગ્નના ખર્ચાઓ આભે સ્પર્શ્યા છે.." પોતાની અનુભવી દ્રષ્ટિ એ દર્શાવી રહ્યા.

"લગ્ન માટે તો એકથી એક પ્રસ્તાવ આવી રહ્યા છે. પણ એને હજી ભણવું છે. ઈન્ટીરીઅર ડિઝાઇનિંગનો કોર્સ કરવા ઈચ્છે છે, મુંબઈ જઈ. ખર્ચો મોટો છે ને આવતા વર્ષે તો હું નિવૃત્ત થઈશ એ પહેલા લોનની સગવડ થઈ જાય તો શાંતિ!" 

ગીરીશભાઈને તો જાણે કાન ઉપર વિશ્વાસ જ ન આવ્યો. એક દીકરીનો બાપ આ પ્રમાણે કઈ રીતે વિચારી શકે એ એમના તર્કની પરે જ હતું. "આ બધા ચક્કરોમાં શેને પડવું જયંતી? દીકરીની જાત જેટલી જલ્દી સાસરે વળે કે માથાનો ભાર હળવો! " મિત્રના ખભે હાથ ચઢાવી કોઈ મહત્વની સૂચના આપતા હોય એમ  ધીમા સ્વરે પોતાની વાત એમણે આગળ વધારી. "જો મને પણ તારી જેમ જ એકની એક દીકરી. યુવાનીના જોશમાં એ પણ એમજ ગાજતી. આગળ ભણીશ, પગ ઉપર ઉભી થઈશ, કારકિર્દી ઘડીશ ..પછી જ લગ્ન કરીશ.. આ બધું આજકલની યુવતીઓના દિમાગમાં નવું જ ભૂત ચઢ્યું છે."

"હા પણ એમાં ખોટું શું? પહેલા પગ પર ઉભી થઈ રહે. લગ્ન કરવા આખું જીવન પડ્યું છે.." જયંતીલાલ મક્કમ શબ્દોમાં પોતાનો અભિપ્રાય મૂકી રહ્યા.

વ્યંગને કટાક્ષમાં મિશ્રિત હાસ્ય જોડે ગિરીશભાઈએ માથું ધુણાવ્યું. "અને જો લગ્ન પછી સાસરાવાળા  નોકરીની પરવાનગી ન આપે તો આ લોનની રકમ તો ગઈ અને પછી લગ્નની સામાજિક લેણ દેણનો એ હાથી સમો ભારે ભરખમ ખર્ચો કયાંથી પહોંચી વળાય?"

મિત્રનો અભિપ્રાય સાંભળી જ્યંતિલાલનું જાણે મોઢું જ સિવાય ગયું. નિશબ્દ મિત્ર આગળ પોતાનો અભિપ્રાય હજી આગળ વધારતા ગીરીશભાઈ ડહાપણભર્યા સ્વરમાં બોલ્યા:"મારી દીકરી માટે ખુબજ સધ્ધર પરિવારમાંથી પ્રસ્તાવ આવ્યો છે. છોકરાની આવક સરસ છે. સરકારી નોકરી છે. એનાથી વધુ શું જોઈએ? યુવાન દિકરીઓની જીદ્દ થોડી પૂરી કરતાં ફરાય? પતિની આવક સારી એવી હોય ત્યારે આરામથી ઘરે બેસી પોતાની ફરજ  મા, કૌટિમ્બિક કાર્યોમાં પરોવાય રહેવું. દીકરીઓને કેટલી પણ ભણાવીએ આખરે તો રસોડાં જ સંભાળવા પડે ! મારી જીવન ભરની પૂંજી એના લગ્નના ખર્ચ માટે પહોંચી વળશે. આ લોન વડે હું વર પક્ષની માંગણીઓ સંતોષી શકીશ..  પછી આખું જીવન મારી દીકરી આરામથી રાજ કરશે." 

"માંગણીઓ? દીકરી પણ આપવીને ઉપરથી.." મનના તિરસ્કારભાવો જયંતીલાલના શબ્દોમાં ઉતર્યા.

"જે લોકો આપણી જવાબદારીને આજીવન પોતાની જવાબદારી તરીકે સ્વીકારવા તૈયાર હોય એમનો એટલો તો હક બનેજ ને! એમની જે કારની માંગણી સંતોષવા આ લોનનું ફોર્મ ભરી રહ્યો છું એમાં મારી દીકરી પણ તો આરામથી હરશે ફરશે ને..." 

ગીરીશભાઈનો ક્રમ જાહેર થયો ને બંને મિત્રો છૂટા પડ્યા. જયંતિલાલ પોતાના હાથનું ફોર્મ એકીટશે નિહાળી રહ્યા. મિત્રના શબ્દો એમને વિચારમગ્ન કરી રહ્યા. આખરે જીવનભરની પૂંજીનો પ્રશ્ન હતો. ખોટી જગ્યા એ વેડફવાનું ક્યાંથી પોષાય? હાથ ધ્રુજી રહ્યા અને સાથેજ હાથમાંનું ફોર્મ પણ. લોનનો પ્રકાર નક્કી કરવા બે જુદા અભિપ્રાયો વચ્ચે માનસિક સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો. શું લખે? 'સામાજિક' કે 'શૈક્ષણિક'? મિત્રના અભિપ્રાયો એમના અભિપ્રાયને બદલે એ પહેલાં જ એમણે 'શૈક્ષણિક' શબ્દ લખી ફોર્મ ભરી સાઈન કરી નાખી.

***

થોડા વર્ષો પછી એ જ બેન્કમાં રકમ કાઢવા માટેનું ફોર્મ ભરી રહેલ જ્યંતિલાલની નજર લોન માટેના વિભાગમાં રાહ જોતા મિત્ર ગિરીશ પર પડી. પોતાનું કાર્ય પતાવી એ મિત્ર પાસે પહોંચ્યા :"શું ગીરીશ નવી લોન?" કહેતા મિત્રની પડખે ગોઠવાયા.

"ના.. રે.. ના... હજી એ જ જૂની લોનના ચક્કરમાંથી નીકળું ત્યારે.." હતાશા ને નિરાશા શબ્દોમાં છલકાઈ પડ્યા.

"પણ એ લોન ઉપાડવાને તો ખાસ્સો સમય નીકળી ગયો?" જ્યંતિલાલનું આશ્ચર્ય શબ્દોમાં ઉતર્યું.

મિત્ર સામે હૈયું ઠલવાય રહ્યું:"મને પણ એમ જ હતું કે થોડા સમયમાં જ આરામથી ચૂકવી દઈશ.. પણ લગ્ન પછી તો નવી નવી માંગણીઓ ઉદ્દભવવા લાગી. સામાજિક પ્રસંગોને તહેવારો માટેની ભેટની યાદી તો આગળથી જ મળી જાય છે. નવા ખર્ચાઓને પહોંચી વળવા માંડ માંડ પ્રયાસ કરું છું ત્યાં આ જૂની લોન માથે એમની એમ ઉભી છે. ઉપરથી આજે વર પક્ષ તરફથી ભેટમાં આપેલી કાર પરત થઈ. માર્કેટમાં કોઈ નવી એસી વાળી કારનું મોડેલ આવ્યું છે. તો હવે આ જૂની કાર વેચીને એ નવું મોડેલ જોઈએ છે. જાતને પણ વેચી દઈશ તો પણ આ ખર્ચાઓ સમાપ્ત ન થશે.." આંખોના ખૂણાઓ ભીંજાયા ને હૃદય ના પણ!

"એક વાત કહું મિત્ર? દીકરીઓ સાપનો ભારો હોતી જ નથી. એને એ ભારો બનવાની ફરજ આપણે જ તો પાડીયે છીએ. દીકરીઓને જો તક આપવામાં આવે તો એ આપણા જીવનના ભારો પણ હળવા કરી શકવાની ક્ષમતા ધરાવતી હોય છે. આજે મારી દીકરીને એ તક પુરી પાડવાનો એક પિતા તરીકે મને પુરેપુરો ગર્વ છે. ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકેનો કોર્સ સફળતાથી પૂરો કરી આજે એ મુંબઈ જેવી મહાનગરીમાં સારો એવો પગાર કમાઈ સ્વનિર્ભરતાથી ને સ્વાભિમાનથી જીવે છે. મારી ઉપાડેલી એ લોન તો એણે પોતાના જ પગારના હફ્તાઓ માંથી ક્યારની ચૂકવી દીધી. દીકરીઓને કારકિર્દી ઘડવા દેવું એ જોખમ ભર્યું લાગે તો શું કોઈ અજાણ્યા ઘરમાં અજાણ્યા લોકોને આપણી એ લક્ષ્મીને સોંપી દેવી એનાથી મોટું જોખમ નહીં? અને જો એ જોખમ ઉઠાવવા પહેલા એને સ્વનિર્ભરતા અર્પી જીવનના દરેક તબક્કાઓ સામે સ્વાભિમાનથી ઉભા રહેવાની તાલીમ આપી દઈએ તો શું એ વધુ તર્કયુક્ત પગલું નહીં?"

"પણ એના લગ્ન કરાવી ઠરીઠામ જોવા ઈચ્છતો પિતા શું એનું ભલું નથી ઈચ્છતો?" પોતાના નિર્ણય અંગે એક પિતા તરીકે દલીલ થઈ રહી.

"લગ્ન કરાવવું નહીં પણ લગ્ન માટેની અનુચિત ઉતાવળ સેવવી એ કદાચ એક વાલી તરીકે થતી મોટી ભૂલ. લગ્નની ઉમર વીતી જશે તો? લગ્ન માટેના સારા મુરતિયાઓ હાથમાંથી નીકળી જશે તો? મારી દીકરી કુંવારી જ ઘરે બેસી રહેશે તો? આ બધા સામાજિક ભયોથી પીડાય જેમ બને તેમ જલ્દી લગ્ન સમેટવાની દોટ શરૂ થઈ જાય છે. કન્યાપક્ષની આ ઉતાવળ, આ અધીરાઈનો પુરેપુરો લાભ ઉઠાવવામાં આવે છે. પરિણામ સ્વરૂપ લાંબી લાંબી આર્થિક માંગણીઓની યાદીઓ સામે મુકવામાં આવે છે. એ માંગણીઓ જેટલી અયોગ્ય અનૈતિક એટલોજ અયોગ્ય ને અનૈતિક એને સ્વીકારવાનો ને પૂર્ણ કરવાનો પ્રયાસ. એક વાર માંગે તે વારંવાર માંગે. એવા પરિવારોમાં દીકરી વળાવવા કરતાં ભલે મારી દીકરી મારા ઘરમાં માન સન્માન સ્વાભિમાનને સ્વનિર્ભરતાથી રહે, જો દરેક દિકરીના વાલી આ પ્રમાણે દ્રઢતાથી અમલ કરે તો લોભ ને લાલચમાં ડૂબેલા એવા લોકોની બધી જ દૂકાનો પર તાળું જ લાગી જાય!"

"તો શું તારી દીકરીના લગ્ન ના કરાવીશ?"બે આંખો પહોળી થઈ.

"લગ્ન તો થઈ ચૂક્યા. થોડો સમય લાગ્યો ખરો; પણ આખરે મારી દીકરીના ભણતર ને કારકિર્દીને માન આપનાર યુવક મળ્યો ખરો. જેને ફક્ત જીવનસાથીની જરૂર હતી. કોઈ મોટી રકમ કે ભેટની નહીં! આજે પોતાની કમાણીમાંથી ખરીદેલી ગાડીમાં જયારે મારી દીકરી મને મળવા આવે છે ત્યારે છાતી ગર્વથી ફૂલી જાય છે." પોતાના હાથમાંની ચેક બૂક આગળ દર્શાવતા  પિતાની આંખોમાં હજી વધુ ગર્વ છવાયો. "મારી લાખ મનાઈ કરવાં છતાં એક બેન્ક એકાઉન્ટ ખોલાવી આપ્યું છે. મારી પેંશનની રકમ ક્યારેક મોડી મળે પણ મારી દીકરીનો ચેક મહિનાના પહેલાજ અઠવાડિયામાં મારા ખાતામાં અચૂક જમા થઈ જાય છે!"

એક પિતાનો ચ્હેરો ગર્વથી ઊંચો હતો ને એક પિતાનો ચ્હેરો અફસોસથી ઝૂકેલો. 

મિત્રના ખભે આશ્વાસનનો હાથ ફેરવી બેન્કમાંથી બહાર નીકળી રહેલ એક સફળ પિતાના શબ્દોથી ભીની થયેલ ઉદાસ પિતાની આંખોના પાણી એ હાથમાંના કાગળિયાંને ભીંજવી નાખ્યાં. લોનના પ્રકારની સામે પોતે લખેલ શબ્દ 'સામાજિક' પર દ્રષ્ટિ ઠરી ને હૃદય વલોવાયું. 'જો એની જગ્યા એ 'શૈક્ષણિક' શબ્દ લખ્યો હોત તો...' 

આજે દરેક દીકરીના વાલીઓની સામે બેજ વિકલ્પ છે. ક્યાં તો ગીરીશભાઈની જેમ દીકરીની હરાજી કરે અથવા જ્યંતીલાલની જેમ દીકરીને સ્વનિર્ભર બનાવે..લોનના પ્રકારમાં 'સામાજિક' લખે અથવા 'શૈક્ષણિક'.


Rate this content
Log in