લીલી વાડી
લીલી વાડી
એક જ ફરિયાદ હતી શાંતા બા ને કે, સોમાદાદા છોકરાઓ નાનાં હતાં ને કેન્સર થવાથી જલ્દી પ્રભુ પાસે જતાં રહ્યાં. શાંતા બા ને ત્રણ દીકરા અને સાત દીકરીઓ હતી, એમનાં લગ્ન પણ બાકી હતાં અને સોમાદાદા એમને મઝધારે છોડીને જતાં રહ્યાં હતાં. બસ આ એક જ ફરિયાદ શાંતા બા ને હરપલ હતી.
બાકી ખેતીવાડી, ઘર ને મિલ્કત હતી એટલે બીજી કોઈ ઉપાધિ નહોતી.
છોકરાઓ મોટાં થયાં ને ધામધૂમથી પરણાવ્યા.
છોકરાનાં ઘરે પણ છોકરાં થયાં ને નવા જમાનાની વહુઓ શાંતા બા નો પડયો બોલ ઝીલતાં હતાં અને પાણી માંગે તો દૂધ હાજર કરતાં હતાં આમ એમની લીલી વાડી હતી.
શાંતા બા રોજ સવારે અને સાંજે પૂજાપાઠ કરતાં જાય અને ભગવાનને એક ફરિયાદ કરે કે તારે ત્યાં શું ખોટ પડી હતી કે તે એમને જલ્દી બોલાવી લીધા.
શાંતા બા એ ચાર ચાર પેઢીઓ જોઈ અને સુખનો ઓડકાર ખાધો ને નવાણું વર્ષે લીલી વાડી મૂકીને ઈશ્વરનાં દરબારમાં પ્રયાણ કર્યું.
