લાલચ
લાલચ
અનિલ ભાઈ આજે પોતાની પત્નીના ફોટા પાસે ઉભા ઉભા રડતા હતા અને માફી માંગી પસ્તાવો કરતા હતા. 'સાચું કહેતી હતી લતા તું પણ મેં તારી એક વાત ન માની અને મારી જિદ અને મારા અહમમાં તને પણ ખોઈ અને પરિવારથી દૂર થઈ આજે એકલો થઈ ગયો.'
લતા અને અનિલભાઈને બે સંતાનો હતા મોટો દિકરો એનું નામ આકાશ અને દિકરી માલિની આમ આ ચાર જણનો સુખી સંસાર હતો. પણ અનિલભાઈ અને લતાને બનતુ નહીં બન્ને એકબીજાની ભૂલો કાઢી ઝઘડ્યાજ કરે. લતાબેન સાચી વાત કરે પણ અનિલભાઈ પોતાની જિદ ના છોડે અને પોતાનું મનનું ધાર્યુંજ કરે
લતાબેનના પ્રભુ ધામ ગયા પછી આકાશ જુદો રહેવા જતો રહ્યો અને માલિની સાસરે. લતાબેન હતાં ત્યાં સુધી અનિલભાઈ છોકરાઓનેજ ખુશ રાખતાં અને એમની પાછળજ રૂપિયા ઉડાવતા. લતાબેન સમજાવતા કે ભવિષ્યમાં શું કરશો ? થોડી બચત કરો. પણ અનિલભાઈ એકજ વાત કહે છોકરાઓ આપણા છે ને એ આપણને દુઃખી થોડા કરશે. અનિલભાઈને લાલચ હતી કે છોકરાઓ એમનું ભવિષ્ય સુરક્ષિત કરશે.
લતાબેનના ફોટા પાસે ઉભા અનિલભાઈ પસ્તાવો કરી બબડી રહ્યાં. આજે મને ખબર પડી કે, "એકલાતા એટલે શું ? મને પૂછો , "એકલતા કોને કહેવાય ??" અનિલભાઈ તડપી ઉઠ્યા ! મનોમન પત્નીને ઉદ્દેશીને બોલે છે. તું જ્યારથી મને પરણીને આવી પછી, હું ક્યારેય એકલો નથી રહ્યો. હા, મેં ક્યારેય તને કહ્યું નહોતું કે, "તારા વગર હું નહિ રહી શકુ ! પણ , મને તારી આદત થઈ ગઈ હતી. જ્યારથી તે પગ મૂક્યો સાસરામાં અને લગ્ન પછી પહેલીજ સવારે, તે મને તારા હાથે બનાવેલી ચા આપી. તે દિવસથી અત્યાર સુધી હું એ ચાને મારો હક સમજી બેઠો ! લતા, મને ક્યારેય એ ચાની કિંમત ન સમજાણી. લતા, મને તારા વગર સવારે, કોણ ચા પીવડાવે ? તે તો મને પહેલેથી જ સમજાવ્યું હતું કે આપણી અલગથી બચત રાખો. પણ હું જ લાલચ માં ના સમજ્યો. તું કેટલી સાચી અને વ્યવહારુ હતી તને ભલે ખબર નહોતી કે, પહેલા તું જઈશ કે હું ? પરંતુ એ નક્કીજ હતું કે ગમે તે એક પાછળ રહીએ તો દીકરા વહુની સાથે રહેવાનો વારો આવશે તો. આપણી બચત હશે તો બધાં જ સેવાચાકરી કરશે. પણ હું જ ના સમજ્યો. અને આ એકલતાનો અજગર આમ ભરડો ન લઈ જાત !
પણ, હું જ ન માન્યો અને જો , હવે એકલો પડી ગયો ! હવે તો હું ક્યાંય જઈ નથી શકતો. હા, દીકરા વહુ અને દીકરી જમાઈએ કહ્યું, કે પપ્પા અમારી સાથે ચાલો... પણ, લતા, એ બધું ઉપરછલ્લુ ! એમનેય ખબર હતી અને મને પણ, કે મને તારા સિવાય કોઈ સહન ન કરી શકે ! લતા, જ્યારે જ્યારે મેં તારી વાત નથી માની, ત્યારે ત્યારે, મારેજ પસ્તાવાનો વારો આવ્યો છે. અને તેથી જ અત્યારે હું એકલો રહી ગયો !
લતા, તારા ગયા પછી મને ખબર પડી કે હું મારો ઈગો, હું ને કેટલો ધારદાર કરીનેજ જીવતો હતો. આવી નાની નાની કેટલી યાદોને વાગોળું ? જ્યાં તું મારુજ સ્થાન ઊંચું રાખવાની કોશિષ કરતીજ રહેતી. લતા આપણા બન્ને છોકરાઓ, જો કઈ સારું કામ કરે તો એ મારા સંતાનો. પણ, જો કાંઈ આડાઅવળું થયું કે તરત હું બોલતો, "જો, આ તારા લાડલાના પરાક્રમ, જો આ તારી દીકરી .. જરા ધ્યાન રાખ ! નહિતર લોકો શુ કહેશે ?
લતા તારો પ્રેમ, કાળજી અને હૂંફને બદલે મેં તને શું આપ્યું ? ખાલી દુઃખ જ. મારે તો લતા, પસ્તાવોજ કરવો રહ્યો. હવે તો, અફસોસ કર્યા વગર બીજું કાંઈજ હાથમાં નહિ આવે ! આટલું બબડતાં તો સુબોધની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. અનિલભાઈ એ લતાના ફોટાને પગે લાગી કહ્યું બને તો મને માફ કરજે.
તારી વાત ના માની અને છોકરીઓને ખુશ રાખવાની લાલચ મને મોંઘી પડી.