લાગણીઓ છેતરાઈ
લાગણીઓ છેતરાઈ
એકાંતને બેસાડીને ટેરવે,
મેં સમયને ગણી લીધો,
જિંદગીએ નવો પાઠ ભણાવ્યો,
મેં હર્ષ ભેર ભણી લીધો.
મારી સમજાતી નથી લાગણીઓ કોઈને.દર વખતે બધાં ની નજર માં હું જ ગુનેગાર અને નકામી સાબિત થવું છું. આમ જ તમે ધારી લો છો એમાં વાંધો જ નથી. પણ તમે ધાર્યુ એ જ સાચુ છે તેમ માની લો છો વાંધો ત્યાં આવે છે મને કારણ કે મારી લાગણીઓ તમને કેમ સમજાતી નથી ? એ જવાબ હજુ પણ મને જડતો નથી.
મોસમી રસોઈ ઘરમાં બધાં માટે રસોઈ કરતી હતી. મોસમીને કુલ આઠ માણસોની રસોઈ કરવાની. બધાંની પસંદગી અલગ અલગ હતી. કાલ રાત્રે છોલે ચણા, પૂરી, ટામેટાંનો સૂપ અને પૂલાવ બનાવ્યો હતો અને નણંદ માટે અલગથી આખાં મગની ખિચડી અને બટાકાનું રસાવાળુ શાક બનાવ્યું. અત્યારે સસરા રમણભાઈ મોસમી પર ઘાંટા પાડીને બોલી રહયા હતા કે મા-બાપને ઘરેથી શિખીને નથી આવી. કાલ રાતની રસોઈ માં કંઈ ભલીવાર નહોતો. સાસુમા રક્ષા બેન પણ જોડે સૂર પૂરાવીને બોલતાં હતાં એનાં કરતાં તો નાતની લાવ્યાં હોતતો આજે આપણે સુખી હોત. આવાં દિવસ જોવા ના પડત.
બાકી હતાં તે નણંદ કિરણબેન પણ બોલવા લાગ્યા. બધાં બહારના રૂમમાંથી મોસમીને બોલતા હતા.
મોસમી સહેમી ડરતાં રસોઈ કરતી હતી. એ જવાબ આપે તો શું આપે. પોતાના બચાવમાં જો એક શબ્દ બોલે તો ત્રણ જણાં ટૂટી પડતાં. બહારથી ઘાંટા સાંભળીને બેધ્યાનપણે રસોઈ કરતાં મોસમી દાઝી ગઈ હાથે. એણે ઓ મા રે કહીને, પોતાના જ મોં પર હાથ દાબી દિધો જેથી બહાર ખબર ના પડે નહીં તો વધારે સાંભળવું પડે કે રસોઈ કરતાં જોર આવે છે તો આવાં નાટક કરે છે.
નળ નીચે હાથ ધરી મોસમી આંખના આંસુ લૂછી રહી. એણે નિકુંજને મેસેજ કર્યો. કોઈ રિપ્લે ના આવતાં..
થોડા થોડા સમયમાં ત્રણથી ચાર મેસેજ કર્યા. તો નિકુંજનો મેસેજ આવ્યો, 'હું મિટીંગમાં છું પછી વાત કરું.' મોસમી એ ગરમ ગરમ રોટલી બનાવી બધાંને જમવા બેસાડી દીધા. બધાં જમીને પોત પોતાની રૂમમાં જતાં રહ્યાં. મોસમી એ નણંદોઈ નું ટીફીન ભરીને મોકલાવી દીધું કારણકે સાસુ સસરાને નણંદ બહું જ વ્હાલા હતાં તો ઘરજમાઈ જ શોધ્યા હતા. અને પોતે એક ગ્લાસ પાણી પીને ઉપર રૂમમાં જતી રહી.
અને બારણું બંધ કરી ને રડી રહી...
હજુય નિકુંજનો ફોન નહોતો. રડતાં રડતાં એ દિવસોને યાદ કરી રહી. એ ઉતરાયણનો તહેવાર હતો અને મોસમી અને એનો નાનો ભાઈ જતન એનાં મોટાં કાકાની સોસાયટીમાં ઉતરાયણ કરવાં આવ્યા હતાં. અહીં કાકાનું ધાબું ખુબ ઉંચુ હતું તેથી મજા આવતી. કાકાનો મોટો છોકરાનો ખાસ ભાઈબંધ નિકુંજ પણ ત્યાં આવ્યો હતો અને એકબીજાની આંખો મળતાજ પ્રેમ થઈ ગયો. અને પછી ખાનગીમાં મળવાનો સિલસિલો ચાલુ થયો. મોસમી એ એની મમ્મી ઈલાબેનને વાત કરી કે મને નિકુંજ ગમે છે પણ આપણી નાતનો નથી પણ હું એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. ઈલાબેને સમજાવી પણ મોસમી અડગ હતી તો ઈલાબેન અને રાજુ ભાઈ એ હા કહી.
મોસમી એ ત્યારેજ ક
હ્યું કે હું દુઃખી થઈશ તો પણ પાછી નહીં આવું આ મારું વચન છે. આજે મોસમી એજ વિચારી રહી કે મેં જાતેજ પ્રેમ લગ્ન કર્યા છે તો જીવીશ પણ અહીં ને મરીશ પણ અહીં. એ મા બાપ અને ભાઈનો પ્રેમ યાદ આવતો કે એ નાની હતી ત્યારે દિવાળીમાં દારૂખાનું ફોડતાં સહેજ દાઝી ગઈ હતી તો
મમ્મી પપ્પા ને ભાઈ કેટલું ધ્યાન રાખતાં. આજે કંઈ પણ પીડા કે દુઃખ એકલાંજ સહન કરવું પડે છે.
આમ વિચારોમાં ચાર વાગ્યાને નીચે થી બૂમાબૂમ થઈ મહારાણી ચાર વાગ્યા છે ચા ક્યારે આપશો ?
મોં ધોઈને દોડતી સીડી ઉતરી ને 'હા પપ્પા હમણાંજ ચા બનાવી દઉં' કહીને રસોડામાં ચા બનાવવા દોડી.
આજે કશીશને સ્કૂલમાં રજા હોવાથી એ એનાં નાનાં આવીને લઈ ગયા હતાં તો ત્યાં હતી. કશીશ નવ વર્ષની હતી એ બધું સમજતી હતી હવે. નહીંતર એને લેવા મૂકવા જવાનું પણ હોય. ચા મૂકીને એ ત્રણેય ને આપીને... મોસમી એ એક રકાબી ચા પીધી. પાછી સાંજના કામ ની તૈયારી કરવા લાગી. સાસુ સસરા જલારામ મંદિરે દર્શન કરવા ગયા અને નણંદ પોતાની એક વર્ષ ની દિકરીને લઈને બગીચામાં જઈને આવું કહી નિકળી ગયા.
સાંજના પાંચ વાગ્યા હતા મોસમીએ નિકુંજ ને ફોન કર્યો કે 'કેટલાં વાગ્યે ઘરે આવશો અને શું જમશો ?'
નિકુંજે ફોન ઉપાડયો ને કંટાળાજનક રીતે કહ્યું 'બોલ શું કામ છે ?' મોસમી ગળગળા અવાજે કહ્યું કે 'તમે તો ફોન પણ ના કર્યો હું રાહ જોતી હતી.' નિકુંજ કહે 'એમાં શું ફોન કરવાનો તારે રોજનું છે કે તારા મમ્મી પપ્પા આમ બોલ્યા ને તેમ બોલ્યા ... મેં તને કેટલી વખત કહ્યું છે કે હું મારા માતા પિતાને છોડીને જુદા રહેવા નહીં આવું. તને ના સંભળાય તો ઉપર રૂમમાં જઈને બારણું વાસી દે. હું એમને કશું કહી શકીશ નહીં. અને હું રાત્રે બાર વાગ્યે આવીશ. મારી જમવામાં રાહ ના જોઈશ.'
માસમી કહે 'મેં ક્યાં જુદા રહેવાની વાત કરી ?' મારા મા બાપના સંસ્કાર એવાં નથી કે હું જુદા રહેવાનું કહું. હું તો ખાલી એટલું જ કહું છું મારી કદરના કરે તો કંઈ નહીં પણ મારી લાગણીઓ તો સમજે.'
મોસમી એ રડતાં રડતાં ફોન મુક્યો...
મોસમી શાક સમારતા સમરતા વિચારી રહી કે આખાં વર્ષમાં ઉનાળાના વેકેશનમાં પિયર બે રાત રેહવા જવું છું. શું નાતની છોકરી હોત તો આ બધું સહન કરત ? બે મહિનામાં એક વખત બપોરે પરવારીને રવિવારે મારાં મા બાપ ને મળવા જવું તો પણ આ લોકોના ચાર વાગ્યે ચાના ટાઈમે હાજર થઈ જવું છું. આટલું કરવા છતાંય કોઈ ને મારી લાગણીઓ સમજાતી કેમ નથી. એ તો ઠીક પણ જેનાં ભરોસે હું આવી એ નિકુંજ પણ હમણાંથી બદલાઈ ગયાં છે મારી લાગણીઓ છેતરાઈ ગઈ. હું કોને સમજાવું આ મારી લાગણીઓ. મા બાપ ને તો કહી શકાય નહીં. છતાંય મમ્મી ઘણી વખત પૂછપરછ કરે છે. પણ એમને શા માટે દુઃખી કરું.
આમ મોસમી એકલી અટૂલી લાગણીઓમાં ફસાઈને જીવી રહી. મારી આ લાગણીઓ કોઈને નથી સમજાતી. હવે કાલેજ ઉતરાયણ આવે છે. શું ખુશી મનાવું... !