લાગણી તરસ્યા
લાગણી તરસ્યા
મુકતાબા બારીમાંથી દેખાતા દ્રશ્યને નીરખી રહયા હતા. પાછળથી અર્ધગાંડી. . હકુએ આવીને. . "હો. . "
કરી બિવડાવી નાખ્યાં.
મુક્તાબા આજકાલ ખોવાયેલા રહેતા હતા. પતિને પરલોકમાં ગયે વરસ પણ નથી થયું. . . ત્યાં મુંબઈથી મોટો દિકરો મિલકત વેચી સાટીને મુંબઈ રહેવા જવાનું દબાણ કરવા લાગ્યો હતો.
મુક્તાબા અહીં ખુલ્લી હવા પાણી તથા પડોશનો સારો સાથ છોડીને જવાનું મન નહોતું માનતું, પણ વહુ દિકરાનું દબાણ વધતું જતું હતું.
"અરે આ શું અશોક કીધાં વગર ઓચિંતો આવી ગયો!!" બા આજ તો આ વાતનો ફેંસલો કરી જ નાખવો છે.
આપણે હકુને ગાંડાની હોસ્પિટલમાં ભરતી કરી દેશું અને તું અમારી સાથે અમારે ઘરે આવી જા અને આ મકાનનું હવે શું કરવું છે? અમારે અહીં રહેવાનો સહેજ પણ ઈરાદો નથી. " અશોક એક શ્વાસે બોલી ગયો.
મુક્તાબા તો સાંભળીને છક થઈ ગયા.
"દિકરા તું જેમ મારો જણ્યો છો એમ આ હકુ પણ મારા પેટ અવતરી છે. . . ગમે એમ પણ તારી બેન છે. . . એ કર્મની કાઠી તે અધઘેલી જન્મી, અરે ના. . . એ નહિ પણ કર્મની કાઠી તો હું છું. . . મારા ઓલા ભવની કરણી આડી આવી છે. બાકી એ ભોળીને તો મારું- તારું ખરું-ખોટું કંઈ ભાન નથી. . અને તું આ નિર્દોષને પાગલખાને મોકલી મને તારા ઘરના વૈતરા કરવા લઈ જવા માગે છે??"
અશોક શું બોલે? એની દાનતમાં ખોટ વર્તાતી હતી.
અને એક રાત રોકાઈને મુંબઇ ભેગો થઈ ગયો. .
જતાં જતાં કહેતો ગયો. . . "આ બધું ભેળા લઈ જજો ઉપર. મારે તમારું કઈ નથી જો'તું રહો મા દીકરી એકલા"
મુકતાબાને વિટંબણામાં નાખી અશોક મા-દિકરાનો છેડો ફાડી જતો રહ્યો.
અંદરના ઓરડામાં હકુના રડવાનો અવાજ આવ્યો
મુકતાબાએ અંદર આવીને જોયું, તો હકુ બારીના સળિયા પકડીને ઊભી ઊભી બહાર જોઈને રડતી હતી.
મુકતાબાએ આવીને રડવાનું કારણ પૂછ્યું,
તો મંદબુધ્ધિની હકુએ નાકે આડૉળીયા કરતા પોતાની માને બારી બહાર આંગળી ચિંધીને . . . દ્રશ્ય બતાવ્યું.
નાનું ગલુડિયું પોતાની માને વળગી વળગીને બોલાવવા પ્રયત્ન કરતું હતું. . . મા માટે વલખા મારતું નજરે પડ્યું.
"હાય હાય મા. . . આ તો શેરીની કૂતરી મરી લાગે છે. . .
લે. . !! એનું બચ્ચું. ? એ આગળના શબ્દો ગળી ગયા.
ગાંડી હકુ પર હાથ ફેરવી છાની રાખતાં. . .
"કોણ કહે મારી હકુ ગાંડી છે? અબોલ જીવનું દુઃખ નથી જોઈ શકતી. . મારી દીકરી"
હકુના માથે હાથ ફેરવતા બોલ્યા. . "દીકરી ભગવાને માણસ જાત કરતા, આ અબોલ જીવમાં વફાદારી, પ્રેમ વધુ ભર્યા છે.
ગાંડી હકુ ગલૂડિયાની માફક માને ચોટી પડી. . .
જાણે કહેવા માગતી ના હોય. . "મા હું તને ક્યારેય એકલી નહિ છોડું ભાઈની જેમ"