કૃતિનો મનરવ ભાગ : ૧૨
કૃતિનો મનરવ ભાગ : ૧૨
પ્રિન્સ કૃતિને ઘર સુધી મૂકીને પોતાના ઘર તરફ જવા પ્રયાણ કરે છે અને કૃતિ જેવી ઘરની અંદર પ્રવેશવા જાય છે કે જુએ છે કે એના મમ્મી દરવાજે જ ઊભા છે અને બધું જોઈ રહ્યા છે. શું થશે હવે આગળ ? આ બધું જોઈને કૃતિના મમ્મીના શું પ્રતિભાવ હશે ? શું તેઓ કૃતિ પર ગુસ્સો કરશે ? કેટલા અને કેવા પ્રશ્નો પૂછશે ? કે પછી તેમનું વર્તન બદલાઈ જશે ? આ બધું જ જાણીશું આ ભાગમાં...
કૃતિને જોઈને તે ઘરની અંદર તરફ જાય છે અને રસોડામાં જતાં જતાં બોલી ઉઠ્યા , “તો બોલો શું છે આજના મુખ્ય સમાચાર ?
કૃતિ એ અવાજ સાંભળીને રસોડામાં તેની મમ્મી તરફ ગઈ અને એની મમ્મીને ગળે વળગી પડી. મમ્મીએ વહાલથી તેના માથે હાથ ફેરવ્યો અને બોલી,“જલ્દી બોલ હવે મારામાં ધીરજ નથી."
કૃતિ બોલી, “પહેલા અહીં બેસ પછી બધું કહું ને ! છોડ આ બધું કામ અને મારી પાસે બેસ
મમ્મી : “હા, હવે બોલ.
કૃતિ : “આજે પ્રિન્સને મળી મને કંઈક અલગ જ અનુભવ થયો. એમ થતું હતું કે આજનો દિવસ કંઈક અલગ છે, અને ખરેખર એવું જ થયું મમ્મી આજે પ્રિન્સ એ મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, પણ મમ્મી."
“પણ શું કૃતિ ? "
“તમારા અને પપ્પાની મંજૂરી વગર હું કેવી રીતે એ સ્વીકાર કરી શકું ? તેથી મેં એને કહ્યું કે,‘આપણાં બંનેના મમ્મી પપ્પાની સહમતિ પણ જરૂરી છે.એમને જો આ સંબંધ મંજૂર હશે તો આગળ વધશુ.'
મમ્મી : “હા , મને તો પ્રિન્સ પહેલા દિવસથી જ તારા માટે યોગ્ય લાગે છે અને તારા પપ્પાને પણ આ સંબંધમાં રાજીપો જ છે બેટા.”
કૃતિ : “હા, મમ્મી એ તો મને ખબર છે પણ એના ઘરના વડીલોનું પણ મંતવ્ય લેવું પડે ને !
મમ્મી : “હા, એમને પણ કશું વાંધો નહીં જ હોય. હું આજે જ તારા પપ્પાને કહું છું કે એ પ્રિન્સના પપ્પાથી વાત કરે અને કાલે જ મળવાનું ગોઠવીએ.”
“મમ્મી... મમ્મી... આટલી ઉતાવળ શાની ? એને પણ ઘરે આ બધી વાત કરવા દે. એમને પણ બધું શાંતિથી વિચારવા દે આજે અમે મળ્યા અને જે વાતચીત થઈ એ વાત એ પણ એના મમ્મી પપ્પાને કરશે જ ને ! એમનો શું વિચાર છે ? એ જાણીએ પછી મળવાની વાત.
(ત્યાંજ કૃતિના પપ્પા ઘરમાં પ્રવેશે છે અને જુએ છે કે કૃતિ અને તેની મમ્મી વાતો કરી રહ્યા હોય છે. તે તરત જ તેમની પાસે પહોંચી જાય છે અને સમજી જાય છે કે બંને કૃતિ અને પ્રિન્સની મુલાકાત વિશેની વાત કરી રહ્યા છે.)
પપ્પા : “શું થયું ? મને નથી કહેવાનું ? તમે જ બંને ખુશ થશો અને હું આમ દૂર ઊભા રહીને સાંભળ્યા કરું
“અરે ના પપ્પા ”
(શિવાની બહેન ખૂબ જ ખુશ થઈને ) “આજે પ્રિન્સ એ કૃતિને પ્રપોઝ કર્યું. હવે તમે એના પપ્પા સાથે વાત કરીને મળવાનું ગોઠવો. આખરે આપણી કૃતિને પ્રિન્સ ગમી જ ગયો."
“હા કાલે હું ઓફિસના કામથી ગાંધીનગર જાઉં છું. બે દિવસમાં આવી જઈશ , પછી તરત જ પ્રિન્સના કુટુંબને આપણા ઘરે મળવા બોલાવીએ.
મમ્મી:“ હા એ બરોબર પણ તમે વાત કરી લેજો હોને...
ત્રણેય જણા જમવા બેસે છે. કૃતિ તેની અને પ્રિન્સ વચ્ચે થયેલી વાત તેના પપ્પાને કહે છે
પપ્પા:“ હું બહાર જાઉં છું એ બહાને એના પરિવારને પણ વિચારવાનો અને સમજવાનો સમય મળી રહેશે. કેવી રીતે તમે મળ્યા અને ઓળખવા જાણવા સમયે લીધો એ એના પરિવારને પણ ધ્યાનમાં હોવું જોઈએ. હું કાલે પ્રિન્સના પપ્પાથી વાત કરી લઉં છું.”
રોજિંદી દિનચર્યા મુજબ ત્રણેય જણા કામ પતાવીને કૃતિના રૂમમાં બેઠા હોય છે ત્યાં જ કૃતિની મમ્મી બોલી, “હવે કૃતિ એના ઘરે જશે પછી આપણી આ રોજિંદી દિનચર્યા ક્રમ તૂટી જશે. આપણે કોની સાથે આખા દિવસની વાતો કરીશું ? હું પણ એકલી થઈ જઈશ. આવું બોલતાની સાથે જ તેમની આંખમાંથી આંસુનું ટીપું સરી પડે છે. કૃતિ અને તેના પપ્પા તેની મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે ત્યાં જ કૃતિનો ફોન વાગે છે નામ જુએ છે તો પરી ....
કૃતિ વિચારમાં પડી જાય છે કે પરી ? એનો ફોન કેમ અત્યારે ? કોઈ દિવસ આમ સામાન્ય રીતે ફોનમાં વાતચીત થતી નથી અને આજે ? એ પણ અત્યારે ? કૃતિ ફોન ઉપાડે છે અને સામાન્ય વાત થાય છે અને તરત જ પરી એને પૂછે છે “ આજે કૅફે ડિલાઇટમાં તું પ્રિન્સને મળી હતી ને ?
કૃતિ આશ્ચર્ય પામીને પૂછે છે ,“હા, તને કેમ ખબર પડી ?"
“મારે તને મળવું છે અને રૂબરૂમાં વાત કરવી છે."
કોણ છે આ પરી ? કેમ અચાનક એ કૃતિને મળવાની વાત કરે છે ? પ્રિન્સને કૃતિ મળી એ જાણ તેને કેવી રીતે થઈ ? તે કૃતિને રૂબરૂ શા માટે મળવા ઈચ્છે છે ?શું વાત કરવી છે એને ? શું એ પ્રિન્સને ઓળખે છે ? શું હશે એ રહસ્ય ? જાણીએ આગળના ભાગમાં.
