Aakruti Thakkar

Others

3  

Aakruti Thakkar

Others

કૃતિનો મનરવ - ૧૬

કૃતિનો મનરવ - ૧૬

5 mins
155


અહીં પ્રિન્સના પપ્પા પ્રિન્સને કૃતિના પરિવારને મળવાની વાત કહે છે. પ્રિન્સ એમની સમક્ષ પોતાના ખુશીના ભાવ વ્યક્ત કરવાની કોશિશ કરે છે, પરંતુ મનમાં મૂંઝાયેલો છે, કારણ કે આજ લગભગ ચાર દિવસ થઈ ગયા હતા કૃતિની સાથે કોઈ જ વાત થઈ ન હતી અને અચાનક આ એને મળવા જવાની વાત સામે આવી. કૃતિ ઓફિસ કામથી દિલ્હી ગઈ હતી અને કૃતિએ આ વાતની પણ જાણ પોતાને કરી નથી. એને આ બધું સમજાઈ રહ્યું ન હતું. એટલાંમાં જ પ્રિન્સના મમ્મી ત્યાં આવ્યા અને કૃતિના પરિવારને મળવાની અને તૈયારી વિશેની વાત કરતા રહ્યા, પરંતુ પ્રિન્સનું ધ્યાન એ વાતોમાં હતું જ ક્યાં ? પ્રિન્સના મમ્મી તેને બીજા દિવસે પહેરવાના ઈસ્ત્રી કરેલા કપડાં દેવા આવ્યા હતા. તે ટેબલ પર એ કપડા મૂકીને જતા રહ્યા. પ્રિન્સ બસ વિચારોના વમળમાં જ હતો ત્યાં જ એને એક ઝબકારો થયો, ' કૃતિ કદાચ આવું કરીને મને સરપ્રાઈઝ તો નહીં આપતી હોય ને ? તેથી તેણે તેના પપ્પા પાસેથી ફોન કરાવડાવ્યો, કેમકે કૃતિની જાણ વિના એના પપ્પા મળવાની વાત કરે ... એ તો શક્ય જ નથી. હવે એને એમ થયું કે, કદાચ આવું જ હશે તેથી કૃતિ એની અવગણના કરી રહી છે, એના ફોન કે મેસેજના જવાબ આપી રહી નથી. તેણે પોતાનો ફોન હાથમાં લીધો અને તરત જ કૃતિને મેસેજ કર્યો, ' વાહ,શું પ્લાન બનાવ્યો છે મને સરપ્રાઈઝ આપવાનો... પણ સોરી, એ પ્લાન મને સમજાઈ ગયો છે.' નીચે ત્રણ હાસ્ય કરતા ઈમોજી પણ મોકલ્યા. તેણે રાહ જોઈ પણ તે મેસેજ ડિલિવર ન થયા. હવે પ્રિન્સની ધીરજ ખુટી, તેણે કૃતિને ફોન લગાવ્યો, પણ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો, તેથી તે મનોમન બગડ્યો 'મેડમે ફોન સ્વીચ ઓફ રાખ્યો છે જેથી એ મને વધુ ડરાવી શકે અને મારા કોઈ મેસેજ કે કોલ તેને મળે જ નહીં. કંઈ વાંધો નહીં મેડમ કાલે સવારે તો મળવાના જ છો ને ! અને હા આ વાતનો બદલો ચોક્કસ લઈશ' અને એ મનોમન ખુશ થતો તો સૂઈ ગયો.

વહેલી સવારે જ પ્રિન્સની આંખ ખુલી ગઈ અને તે આજે કૃતિને, તેના પરિવારને મળશે અને તેનું એક નવું જીવન શરૂ થશે આ બધા વિશેના દિવાસ્વપ્નમાં રાચતો હતો ત્યાં જ તેના રૂમનો દરવાજો ખટક્યો. પ્રિન્સ પલંગ પરથી ઊભો થઈને દરવાજો ખોલવા ગયો અને જોયું તો તેના મમ્મી દરવાજે ઊભા હતા. એ ખૂબ જ ખુશ હતા એ તેમનાં ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ આવતું હતું. તેમણે સામે ઉભેલા પ્રિન્સના ઓવારણાં લીધા અને બોલ્યા,“ મારો દીકરો” એમનું આ વર્તન જોઈને પ્રિન્સે તેમની સામે હળવા સ્મિતથી જોયું અને તે પછી તેમને ગળે વળગી પડ્યો.તેની મમ્મીની આંખો ખુશી અને લાગણીથી ભીંજાઈ ગઈ,તરત જ આંખો લૂછતાં બોલ્યાં, “ ચાલ બેટા, હવે રાજકુમાર જેવો સુંદર તૈયાર થઈ જા. તારી રાજકુમારીને મળવા જવાનું છે ને ?

પ્રિન્સ હળવા સ્મિત સાથે બોલ્યો,“ હા મમ્મી. ”

“ તો જલ્દી તૈયાર થઈ જા અને હા, આજે મારો દીકરો રાજકુમાર જેવો જ લાગવો જોઈએ હો... જોનારની આંખો ઠરી જાય એવો તૈયાર થજે ”

“ હા મમ્મી ”

પ્રિન્સએ તરત જ રૂમનો દરવાજો બંધ કર્યો અને તૈયાર થવામાં લાગી ગયો. નાહવાનું પતાવીને, તેની મમ્મીએ આપેલા કપડા પહેરીને અરીસામાં પોતાની જાતને જોયું અને જાણે પોતાની જાતને જ સુંદર ગણતા થોડું ગર્વથી ભીના વાળને પોતાના હાથથી ઊંચા કર્યા, તરત જ શરમ આવી જતા થોડું હસ્યો અને ફરી તૈયાર થવા લાગી ગયો. તૈયાર થઈને તે નીચે ઉતરે છે ત્યાં જ તેના મમ્મી પપ્પા ડાઈનિંગ ટેબલ પર નાસ્તા માટે તેની રાહ જોતા હતા. તેને આવતો જોઈને તરત જ તેના પપ્પા બોલ્યા, “ ઓહો, તું આવ્યો તો ખરો ! હું અત્યારે તારી મમ્મીને એ જ કહેતો હતો કે આજે તારો દીકરો તૈયાર થવાથી હજી ધરાયો નથી લાગતો, એટલે આપણે એને ઉપર લેવા જવું પડશે...” અને બધા જ હસી પડ્યા.

  પ્રિન્સ: “ અરે પપ્પા એવું કંઈ નથી.”

સમીરભાઈ:“ સારું હવે ...તારો દિવસ છે આજે, અને તને જેટલું તૈયાર થવું હોય એટલું થા ભલે, પણ ચાલ હવે અત્યારે તો નાસ્તો કરી લે, મને પણ ક્યારની ભૂખ લાગી છે."

 ( ત્રણેય જણ સાથે મળીને ચા નાસ્તો કરે છે )

આ તરફ આજે ઓફિસમાં રજા હોવાના લીધે કૃતિ હજી ઊઠી નથી. તેના મમ્મી અને પપ્પા એક સાથે તેના રૂમમાં જાય છે. તેમણે નક્કી કર્યા મુજબ,

 કૃતિની મમ્મીએ કૃતિને ઉઠાડી. મમ્મી અને પપ્પાને એક સાથે તેના રૂમમાં આવેલા જોઈને તે સફાળી બેઠી થઈ ગઈ અને બોલી “શું થયું ? તમે આમ ? અચાનક ? એકસાથે ? અહીં ?”

રાહુલભાઈ :“ અરે ડરી કેમ ગઈ તું ? કેમ અમે ન આવી શકીએ તારા રૂમમાં ? એક સાથે ?

કૃતિ:“ અરે, પપ્પા એવું નથી, પણ આમ અચાનક જોયા એટલે ....”

રાહુલભાઈ :“ (ઉદાસ ચહેરે) એ તો વાત જ એવી હતી કે.....”

કૃતિ:“ કેમ શું થયું ? શું વાત છે પપ્પા ? ”

રાહુલભાઈ: “ એમાં એવું છે ને કૃતિ...”

કૃતિ: “ પપ્પા શું વાત છે ? કેમ ગભરાયેલા છો ?

મમ્મી તું બોલને શું થયું ? ”

 શિવાની બહેન:“ કૃતિ એવું થયું ને કે તારા પપ્પાએ સમીરભાઈને ફોન કર્યો હતો તો....”

કૃતિ: “ તો શું મમ્મી ?”

રાહુલભાઈ :“ તો એમણે કહ્યું કે ....”

કૃતિ :“ શું કહ્યું પપ્પા ? કેમ આ મૂંઝાઈ રહ્યા છો ? શું વાત છે બોલોને ?”

રાહુલભાઈ અને શિવાની બહેન : (એક સાથે) “ તેમણે કહ્યું કે એ લોકો આજે જ આવે છે આપણને મળવા માટે ........” અને સાથે શિવાની બહેને કૃતિને ગળે લગાડી દીધી અને રાહુલભાઈએ કૃતિના માથે હાથ ફેરવ્યો.

કૃતિ તો સાવ સુનમુન થઈ ગઈ અને અચાનક આ સાંભળીને જાણે હેબતાઈ ગઈ હોય એમ ચૂપચાપ બધું જોયા કરતી હતી.

શિવાની બહેન :“ શું થયું બેટા ? કેમ આમ ચૂપ થઈ ગઈ ?”

કૃતિ : “ કંઈ નહીં, તમે અચાનક આ બધું... બધી તૈયારી .... અને હું હજી તો ઊઠી છું.... એ લોકો ક્યારે પહોંચશે ?  તમે મને પહેલા કેમ ન કહ્યું ?”

  રાહુલભાઈ : “ એ બધી ચિંતા તું છોડ. તારી મમ્મી એ બધી જ તૈયારી કરી લીધી છે. અને અમે તને સરપ્રાઈઝ આપવા ઈચ્છતા હતા, એ સાથે તારા હાવ ભાવ પણ જોવા ઈચ્છતા હતા...તેથી અહીં એક સાથે આવ્યા. ”

કૃતિ જાણે પરાણે ખુશ થવાની કોશિશ કરી રહી હતી અને બોલી,“ હા પપ્પા, પણ આમ અચાનક... મને કહ્યું હોત તો હું પણ તમારી કંઈક મદદ...”

રાહુલભાઈ :“ તું હજી મદદ કરી શકે છે .”

કૃતિ : “ હા પપ્પા, બોલો ને શું કરવાનું છે ? ”

 રાહુલભાઈ અને શિવાની બહેન :“ તું સુંદર અને ઢીંગલી જેવી તૈયાર થઈ જા બસ ....એ લોકો એક કલાકમાં પહોંચી આવશે. ચાલ હવે પ્રશ્નો અને તૈયારી છોડ અને તૈયાર થઈ જા.”

  કૃતિ:“ હા પપ્પા.”

શિવાની બહેન :“ ખુબ સુંદર તૈયાર થજે મારી દીકરી અને હા જરૂર પડે તો મને બોલાવી લેજે .”

  કૃતિ :“ હા મમ્મી.”

રાહુલ ભાઈ અને શિવાની બહેન બહાર જાય છે અને તૈયારીઓમાં વ્યસ્ત થઈ જાય છે અને કૃતિ પણ ફ્રેશ થવા બાથરૂમમાં જાય છે, પણ વિચારોના વમળએ એને જાણે ઘેરી જ લીધા .... ' આ બધું આટલું ઉતાવળે ? હવે હું શું કરું ? જણાવી દઉં બધું જ જે સત્ય છે એ ? કે પછી પ્રિન્સથી વાત કરવી જોઈએ ? હજી તો મારી પાસે કોઈ સબૂત પણ નથી, પરીને ફોન કરું ? શું કરું ? કંઈ સમજાતું નથી... મમ્મી અને પપ્પા એટલા ખુશ છે અને સચાઈ જ્યારે તેમની સામે આવશે ત્યારે શું થશે ?

ક્રમશઃ


Rate this content
Log in