Aakruti Thakkar

Others

4.0  

Aakruti Thakkar

Others

કૃતિનો મનરવ - ૧૭

કૃતિનો મનરવ - ૧૭

4 mins
227


એના વિચારોના તાર તૂટ્યા જ્યારે એને બહાર વાગતા ફોનની રીંગ સંભળાઈ. ફોનની રીંગ વાગતા વાગતા બંધ થઈ ગઈ અને કૃતિ ઝડપથી નાહીને બહાર આવી. જોયું તો પ્રિન્સનો ફોન હતો પણ તેને વળતો ફોન ન કર્યો. પોતાના કબાટમાંથી સરસ મજાનો લાલ રંગનો સલવાર કુરતો કાઢ્યા અને પહેરીને અરીસામાં જોયું, જાણે પોતે જ પોતાની જાતમાં ખોવાઈ ગઈ. બધું જ સરસ લાગી રહ્યું હતું બસ તેના ઉદાસ ચહેરાને મૂકીને. તેણે અરીસા તરફ જોઈને બનાવટી સ્મિત કર્યું,પણ જોનારને તરત જ ખબર પડી જાય કે આ સ્મિત મનના ઊંડાણમાંથી નથી આવી રહ્યું. આ બધું જોઈને તેણે મનોમન નક્કી કર્યું કે મળવાનું છે એ નક્કી જ છે, તો એ ખૂબ જ વ્યવસ્થિત રીતે પ્રિન્સ અને તેના પરિવારને મળશે. કદાચ આ બધી વાતથી પ્રિન્સના મમ્મી પપ્પા પણ અજાણ હોય, અને પોતે પ્રિન્સના આ કાર્યોની સજા એના મમ્મી પપ્પા શા માટે આપે ? જેમ મારા મમ્મી પપ્પા મારી માટે આજના દિવસે ખુશ છે એમ જ એના મમ્મી પપ્પા પણ અજાણ હશે અને પોતાના દીકરા માટે એવી જ ખુશી અનુભવી રહ્યા હશે. હું એમનું અપમાન ન કરી શકું. હું યોગ્ય માન સાથે જ એમને મળીશ.’

પોતાની જાતને એવી રીતે મજબૂત અને તૈયાર કરી કે ફરી અરીસામાં સ્મિત કરતા જાણે એના હૃદયના ઊંડાણમાંથી ખુશી સાથે સ્મિત ઉભરી આવ્યું. તૈયાર થઈને પગથિયાં ઉતરતી કૃતિને તેની મમ્મી બસ જોતી જ રહી ગઈ. એ એટલી સુંદર લાગી રહી હતી કે નીચે પહોંચી ત્યાં એની મમ્મીએ તેને કાન પાછળ કાળો ટીકો કરીને નજર ઉતારી.

રાહુલભાઈ : “ વાહ ! આજે મારી દીકરી તૈયાર થઈ છે ને કાંઈ !”

  શિવાની બહેન: (સજળ નયને) “ ખરેખર ! ઢીંગલી જેવી લાગી રહી છે નહીં... ?”

કૃતિ : “ બસ હવે, લાવ મમ્મી કંઈ કામ બાકી હોય તો હું મદદ કરાવું."

શિવાની બહેન :“ ના બેટા....

હજી કંઈ બોલવા જતા હતા અને ડોરબેલ વાગી.....

રાહુલભાઈ : “ એ લોકો આવી ગયા લાગે છે..." કહેતા દરવાજો ખોલવા દરવાજા તરફ જવા લાગ્યા.

શિવાની બહેન પણ એમની પાછળ ગયા અને કૃતિ રસોડામાં ચાલી ગઈ.

રાહુલભાઈ( દરવાજો ખોલતા ની સાથે જ ) : “આવો, જય શ્રી કૃષ્ણ."

સમીરભાઈ : (ચહેરા પર સ્મિત સાથે ) જય શ્રી કૃષ્ણ..

શિવાનીબહેન : “ જય શ્રી કૃષ્ણ. આવો આવો. "

 બધા જ ઘરની અંદર પ્રવેશે છે. પ્રિયા બહેન (પ્રિન્સના મમ્મી) હળવેકથી આખા ઘરનું અવલોકન કરે છે. રાહુલભાઈ બધાને સોફા તરફ ઈશારો કરી બેસવાનું કહે છે, બધા સોફા પર ગોઠવાય છે.

સોફા પર બધા ગોઠવાઈ ગયા છે એ જોઈને કૃતિ રસોડામાંથી પાણીના ગ્લાસ ટ્રેમાં ગોઠવીને લઈ આવતી દેખાય છે. કૃતિને જોઈને પ્રિન્સનું હૃદય એક ધબકારો ચૂકી ગયું, કારણકે દરેક વખતે એણે કૃતિને જોઈ હતી એ કરતાં આજે તે કંઈક અલગ જ લાગી રહી હતી. તેણે કૃતિ તરફથી નજર માંડ માંડ હટાવી પણ કૃતિએ તેને એક નજર જોયો પણ નહીં. તેણે પ્રિયાબેન તરફ જોઈને એક હળવું સ્મિત કર્યું અને વારાફરતી બધાને પાણી આપ્યું. પાણીનો ગ્લાસ આપતી વખતે પણ તેણે પ્રિન્સને જોયું નહીં. પ્રિન્સને નવાઈ લાગી અને એણે વિચાર્યું ‘આવું તે કેવું સરપ્રાઈઝ ? કે પછી કોઈ વાતનો ગુસ્સો છે ? જે છે તે... એ કહી દે તો મારું મન શાંત થાય. ' કૃતિ બધાને પાણી આપીને ફરી રસોડામાં ચાલી ગઈ.અહીં સોફા પર બેઠા આ બધા વાતો કરી રહ્યા હતા. ત્યાં જ શિવાની બહેન ઊભા થઈને રસોડામાં ગયા. કૃતિ ત્યાં નાસ્તાની ડીશ તૈયાર કરી રહી હતી. શિવાની બહેને ત્યાં જઈને તેની મદદ કરી અને ચા બનાવી. થોડા જ સમયમાં શિવાની બહેન અને કૃતિ બંને ચા નાસ્તાની ડીશ સાથે બહાર આવ્યા અને બંનેએ નાસ્તાની ડીશ અને ચા ટેબલ પર ગોઠવી દીધા. કૃતિ શિવાની બહેનની બાજુમાં જઈને બેઠી. બધાએ ચા નાસ્તો કર્યો અને સમીરભાઈએ વાત ઉપાડી, “ જો બંને પરિવારને યોગ્ય લાગતું હોય, તો બંને બાળકો એકબીજાને એકલામાં મળી લે. આમ તો જો કે બંને બાળકોએ એકબીજાને મળી જ લીધું છે, તેમ છતાં પણ મળવું હોય તો મળી લે.

રાહુલભાઈ : “કૃતિ બેટા, જા પ્રિન્સને આપણું ઘર બતાવ અને ત્યાર પછી બંને અગાસીમાં વાતચીત માટે બેસજો".

કૃતિ: “ હા, પપ્પા”.

 કૃતિ અને પ્રિન્સ ઊભા થાય છે અને કૃતિ પ્રિન્સને આખું ઘર બતાવવા લઈ જાય છે. પ્રિન્સ કૃતિ સામે હળવું સ્મિત કરે છે પણ કૃતિએ એના સામે જોયું પણ એની અવગણના કરી. ત્યારબાદ બંને ઘર જોતાં જોતાં અગાસીએ પહોંચ્યા. આ તક જોઈને જ પ્રિન્સએ કૃતિનો હાથ પકડ્યો અને બોલ્યો,

“કૃતિ આ બધું શું છે ? કેટલું ઇગ્નોર કરીશ મને ? આઈ કાન્ટ બીલીવ ધીસ ઈઝ યુ ! ”

કૃતિ:“ આઈ ટુ કાન્ટ બીલીવ ધીસ ઈઝ યુ પ્રિન્સ !"

પ્રિન્સ :“ શું ?"

કૃતિ: “ કંઈ નહીં... કેવું લાગ્યું મારું ઘર ?”

પ્રિન્સ :“ સુંદર ! અતિ સુંદર ! તારા જેવું જ (મજાકમાં).”

કૃતિ : “ (થોડું બનાવટી સ્મિત કરતા) ચાલો હવે જઈશું નીચે ? "

પ્રિન્સ : “ પહેલા મને મારા પ્રશ્નનો જવાબ દે, તું કેમ મારા કોલ અને મેસેજ ના કોઈ જવાબ નથી આપતી ? આવી રીતે મારી અવગણના કેમ કરે છે ? શું થયું છે ? સાચું બોલ..."

કૃતિ :“ એક રાઝની વાત ખબર પડી છે મને એટલે..."

પ્રિન્સ :“ શું ? શું ખબર પડી છે ?"

કૃતિ : ” મજાક કરું છું...."

બોલીને કૃતિ નીચે જવા ચાલવા મંડી.... અને તરત જ કંઈક યાદ આવતા તે પાછળ ફરી અને બોલી, “ પ્રિન્સ તું પરીને ઓળખે છે ?"

પ્રિન્સ : “ પરી ? કોણ પરી ? "

કૃતિ : “ પરી ત્રિવેદી...

પ્રિન્સ : “હા, એક પરી ત્રિવેદી મારી સાથે કોલેજમાં હતી. તું કોની વાત કરી રહી છે ?"

“ હા એ જ પરી... પરી ત્રિવેદી.” 

ક્રમશઃ


Rate this content
Log in