Kalpesh Patel

Others

4.9  

Kalpesh Patel

Others

કૃષ્ણાની તૃષ્ણા

કૃષ્ણાની તૃષ્ણા

4 mins
703


અગ્નિકુંડમાંથી અવતરેલી સંપૂર્ણ સ્ત્રી નામે દ્રોપદી. પિતાની વેર તૃપ્તિનું પાત્ર, કૃષ્ણની સખીનું પાત્ર, પાંડવોના કપરા કાળમાં ધૈર્ય ટકાવી રાખનાર પાત્ર કે મહાભારતના યુદ્ધના કારણનું પાત્ર. પરંતુ દ્રોપદીની પીડાની આરપાર કોઈ જઈ શક્યું છે ખરું ? અગ્નિ કન્યા કે જેણે પોતાનું બાળપણ પણ જીવવા મળ્યું નથી, એવી બાળકી કે જેને પુરુષ પ્રધાન દુનિયામાં પતિને પ્રસન્ન કેમ રાખવા એના પાઠ જ સીધા ભણવાના ચાલુ થઈ ગયા હતાં.

કૃષ્ણને મનોમન ભરથાર માનીને જુવાનીનું જીવન જીવનારી આ કૃષ્ણાને સ્વયં કૃષ્ણ જ સ્વયંવર યોજવા દ્રુપદરાજાને સૂચવી બીજાના હાથમાં સોંપે છે. ને એ બીજાનો હાથ એટ્લે કે તેઓનો સખો અર્જુન. વળી અર્જુન  તેને બીજા ચાર સાથે વહેંચે છે. એક સ્ત્રી માટે આથી મોટી વિપદા કઈ હોઇ શકે ? આમ છતાં વેદવ્યાસે રચેલી કથામાં સ્વર્ગારોહણ વખતે પહેલા આ દ્રોપદી જ પડે છે.. એજ પાંચ પતિઓ તેને છોડીને આગળ ધપે છે. શું કારણ ? કારણ એ કે, સ્વયંવરમાં અર્જુનને વરમાલા પહેરાવનારી પાંચાલીને અર્જુન પ્રત્યે વિશેષ લગાવ હતો. શું કામ ન હોય ? મારા કુંતીની આજ્ઞા શિરે ચડાવી છતાં આ શીલવાન નારીને ત્યજીને બધા આગળ ગયા.

શાસ્ત્રોએ કૃષ્ણાને નિત્ય કુંવારીની ઉપાધિ આપી છે, તે યથા યોગ્યજ છે. વર્જિન એટલે શારીરિક નહિ પણ માનસિક વર્જિન. આ અગ્નિપુત્રી સાચા અર્થમાં સ્ત્રી છે. સંપૂર્ણ સ્ત્રી. જીવનમૂલ્યોને સાચવવા માટે જીવનભર ઝઝૂમતી સ્ત્રી. પાંચ પતિઓ સાથે અલગ અલગ સમયે જીવતી સ્ત્રી. જેનો જન્મ વેરની સામે વેરના ભાવમાંથી થયો છે પરંતુ એનાંમાં પ્રેમની ભાવના પણ એટલી જ પ્રગટ છે. આ જગતમાં એ સીધી યજ્ઞવેદીમાંથી આવી ચડી છે. ને છતાં જીવનના એક પણ દ્રશ્યમાં તેના સ્વભાવની આભા પ્રગટ ન થઈ હોય એવું બનતું નથી.

પાંચાલીની કોઈ એકની ન રહેતા જ્યારે વહેંચાઈ ત્યારે મહાભારતના યુદ્ધ પહોંચી. એ પહોંચવા સુધીના અનેક રસ્તાઓ ચારે બાજુથી નીકળતા ગયા અને પાંડવો સાથે પાંડવપત્ની પણ એનો સામનો કરતી ગઈ. .આવી ઘણી બધી વાત કનૈયાલાલ મુન્શીના કૃષ્ણ અવતારના વિવિધ ભાગોમાં વિસ્તૃત રીતે આલેખાઈ છે.

મુન્શીજીની કલમે રચાયેલા કેટલા સંવાદો એના હ્રદયમાંથી નીકળીને વાંચનારની આરપાર પસાર થઈ જાય છે ને મનના કોઈ ખૂણે કોતરાઈ જાય છે.

ઇન્દ્રપ્રસ્થ, પાંડવોની કર્મભૂમિ ગણો કે નવી રાજધાની. પાંડવોનો ગૃહસ્થાનનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. હજારો બ્રાહ્મણોને ભોજન, દક્ષિણા, ગાયો, નવા વસ્ત્રો દાન કરવામાં આવે છે. સ્નેહી-સ્વજનો ને પ્રીતિ ભીજન માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. પૂજાનાં અંતે પાંડવો અને કૌરવો જમવા બિરાજે છે. દ્રોપદી મહેમાનોને ભોજન પીરસી રહી છે. દુર્યોધન અને દુષાશન સતત દ્રૌપદીની મશ્કરી કરી રહ્યા છે.

દુષાશન કહે છે, “ભાભીશ્રી, હવે તો તમારા દર્શન દુર્લભ થશે. હસ્તિનાપુરમાં હતાં તો એક આશા હતી કે પાંચ ભાઈઓ પછી કદાચ અમારા પીતરાઈઓનો પણ વારો જરૂર આવશે…”

જે પાંચાલીને સ્વયંવરમાં જીતવા માટે દુર્યોધન ગયો હતો એ જ સુંદર નારી અત્યારે તેની ભાભી બની છે પરંતુ એની હાર હજુ પચાવી શક્યો નથી.

દુર્યોધન અટ્ટહાસ્ય સાથે કહે છે -“ એકદમ સાચી વાત. ભાભી, સ્વયંવરમાં તમને જોઈને તમારું સૌન્દર્ય મને ચલિત કરી ગયું હતું. હવે તમારી આ ગૃહકુશળતા જોઈને વધુ જીવ બળે છે. અમે પણ પાંડવોનાં સગા ભાઈઓ હોત તો….”

દુષાશન પોતાના ભાઈને ઈશારો કરી કહે છે,” ભ્રાતા, સમય સમયની વાત છે. હસ્તીનાપુર આપણું થયું એમ એક દિવસ…”

દુર્યોધન અને દુષાશનના હાસ્યથી, પાંડવો અને કૃષ્ણના મૌનથી અકળાયેલી દ્રૌપદી આ બધી જ મશ્કરીઓ સાંભળી રહી હતી. આજે એ યજમાન બની હતી અને મહેમાનોનું સ્વાગત કરવામાં કોઈ કમી રાખવા માંગતી નહોતી.

ભોજન સમારંભ બાદ પાંડવો આમંત્રિત મહેમાનોને મહેલની સહેલ કરવા માટે લઈ જાય છે. દ્રૌપદી અનિચ્છાએ યજમાન ધર્મ નિભાવવા પતિઓ સાથે જોડાય છે. અને આગળ નીકળી ગયેલા પરિવારજનોની જાણ બહાર, જાણી જોઈને પાછળ રહી ગયેલો દુર્યોધન દ્રૌપદીને એક ખૂણામાં હાથ પકડીને ઊભી રાખે છે.

દુર્યોધનની મજબુત પકડમાંથી છૂટવા દ્રૌપદી બોલી ઊઠે છે “સખા, હે કૃષ્ણ !”

કૃષ્ણ – આ શબ્દ સાંભળતા જ દુર્યોધન દ્રૌપદીનો હાથ છોડી દે છે.

દ્રૌપદી આંખમાં રોષ સમાવીને દોડીને કૃષ્ણ અને પરિવારજનોની પાછળ આવીને ઊભી રહી જાય છે.

કૃષ્ણ આંખોના ઈશારાથી જાણે દ્રૌપદીની પરિસ્થિતિ પામી જાય છે અને પૂછે છે “કોણ ?"

ક્રોધ અને અપમાનથી આકુળવ્યાકુળ દ્રૌપદીની નજર દુર્યોધન તરફ વળે છે.

ને ત્યારે કૃષ્ણ તેના પાંચ પતિઓ અને પરિવારજનોની હાજરીમાં તેની પ્રિય સખીના મસ્તક પર હાથ મૂકીને.

ધીમેથી કહે છે “ શાંત થા ઑ કૃષ્ણા, આપત્તિની ક્ષણો વિતી ગઈ છે. કોઈને કશું હવે કહીશ નહિ.”

દ્રૌપદી અને કૃષ્ણ એકબીજાની સામે જોઈ રહે છે.

દ્રૌપદી માત્ર કૃષ્ણને જ સંભળાય એમ પૂછે છે “કોઈને કશું કહેવાનું નથી. અને વીતી ગયું એ શું મારે ભૂલી જવાનું છે. ઘર-પરિવારનાં સુખ ચેન અને શાંતિ માટે શું હજુ મારે અપમાનનાં વધારે ઘુંટડા પીવા પડશે ? 

મારા શબ્દો યુદ્ધનું કારણ ન બને એ માટે મૂંગા મોઢે અપમાન સહન કરવાનું છે. દુર્યોધનની ફરિયાદ કરું તો કોને કરું ? એ પતિઓને કે જેઓ થોડી ક્ષણો ભોજન વખતે મારું અપમાન નીચી નજરે જોઈ રહ્યા હતાં ? અને ફરિયાદ કરું પછી પણ જો દુર્યોધન વાત પલટી દે અને મારા ચારિત્ર પર આડ મૂકે તો ? કદાચ સદાચારી અને ધર્મભીરુ પતિઓ મને ઘરની બહાર હાંકી કાઢવામાં સહેજ પણ વિલંબ ન કરે !.

પાંચ પતિઓ અને કૃષ્ણ જેવા મહાપુરુષ જેના સખા હતાં એ દ્રોપદી પણ અપમાનના ઘૂંટડા ગટગટાવીને જ જીવતી હતી પછી એ જુગારમાં હરાયેલી સ્ત્રી તરીકે થયેલું અપમાન હોય કે પછી પાંચ પુરુષો સાથે રહેવાનું ભાગ્ય.

મહાભારતના યુધ્ધમાં પુત્રોને ગુમાવનારી સ્ત્રી હોય કે પછી પોતાના પ્રિય પતિ અર્જુનને અન્ય નારીઓ સાથે વહેંચાયેલો જોતાં થતી પીડા ભોગવતી કૃષ્ણાની તૃષ્ણા અતૃપ્ત હતી. 

આ કુદરતે રચેલા સંસારમાં આજે પણ જ્યારે કોઈ સ્ત્રીએ તેને ભોગવેલી પીડાઓની રજૂઆત કરી સવાલ મંડાય ત્યારે સર્જતું  ‘કુરુક્ષેત્ર ’ કોણ રોકશે ?


Rate this content
Log in