કેસૂડે ખીલ્યાં ફૂલ
કેસૂડે ખીલ્યાં ફૂલ


નિરજના અકસ્માત પછી, આજ કેટલા મહિને જાનવી, બાલ્કની બહાર આવી હતી.
ફાગણી ઠંડો સ્પર્શ અનુભવતી જાનવી બાલ્કનીમાં ઊભી ઊભી નાના બાળકોની રમત જોતી હતી.
ભર યુવાનીમાં સિંદૂર ભૂંસાઈ ગયું, ત્યારથી જાનવીએ પોતાની જાતને ચાર દિવાલમાં કેદ કરી લીધી હતી. બાજુમાં રહેતો બાળ સખો રોહન એના દુઃખને હળવું કરવા પ્રયત્નો કરતો પણ જાનવી ખાસ વાત ના કરતી. આ જોઈને જાનવીના મમ્મી-પપ્પા દુઃખી થઈ જતાં.
આજ ધુળેટીના રંગોથી વાતાવરણ રંગબેરંગી બની ગયું હતું, માહોલ ધુળેટીમય બની ગયો હતો.
જાનવીની મમ્મી જાનવી પાસે આવીને જાનવીને કહ્યું " બેટા ક્યાં સુધી આમ ઘરમાં હિજરાતી રહીશ? બહાર આવ બેટા ...
પરાણે એ બહાર આવી...ત્યાં રોહન હાથમાં લાલ પીળા રંગ
લઈને આવી પહોંચ્યો... થોડીવાર તો એ રંગ ભરેલ ખોબો જોઈને જાનવીને બાળપણનો રોહન યાદ આવી ગયો... સૌથી પહેલો રંગ રોહન જ લગાવતો પછી બેઉં મળીને બધાં છોકરાઓને રંગતા.
એનાથી રોહન સામે મલકી જવાયું..રોહન તરતજ નજીક આવ્યો અને જાનવીને કાનમાં કહ્યું "ચાલ ને ફરી બાળક બની જઈએ..."
જાનવી ટગર ટગર રોહનને જોતી રહી...એટલી વારમાં તો રોહને જાનવી ઉપર રંગ ભરેલો ખોબાનો છંટકાવ કરી હેપી હોલી કહી હસવા લાગ્યો,આ જોઈ જાનવી હસી પડી...એની આંખોમાં આંસુ ઉભરાયા.
જાનવી આખી રંગાઈ ગઈ આ જોઈને એની મમ્મી જાનવીના પપ્પાને કોણીનો ઠોસો મારતાં કહ્યું
"મારી જાનવી પર રોહનનો રંગ લાગી જાય તો કેવું?"
જાનવીનાં પપ્પાનાં ચહેરા પર મુક સમતિનું સ્મિત ચમકી ગયું.