કાળો રંગ
કાળો રંગ
આકાશમાંથી મોતનું તાંડવ નૃત્ય કરવા નીચે પડતાં બોમ્બને લોકો નરી આંખે જોઈ રહ્યાં. વિમાનનો અવાજ થોડે દૂર જાય કે તરત શાંત વાતાવરણમાં મોટાં ધડાકાનો અવાજ થાય, ધરતી કંપી ઊઠે તો માનવ હૃદયની શું વિસાત ! મોટી મોટી બિલ્ડીંગો બે ક્ષણમાં ધારાશાહી થવા લાગે, તેની નીચે દબાઈ છે જીવતા નિર્દોષ માસૂમ બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ, પુરુષો અને સમગ્ર પશુ પક્ષી . દોડમદોડી, ભાગમભાગ, બૂમો, કિકિયારીઓ અને ચીસો, ચારે બાજુ આગ, કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા.
સુંદર પ્રાકૃતિક રંગોથી રંગાયેલી ધરતીમાતાના લીલા પીળા પર્ણો વાળા વૃક્ષો, ઘાસ તથા ભૂરું પાણી, માનવનાં બનાવેલા રંગીન શહેરો, મકાનો, અવનવી ઇમારતો, બજારોની રંગીન દુનિયા, વર્ણવી ન શકાય તેવા ફક્ત અને ફક્ત કાળા રંગમાં ફેરવાઈ જાય, ત્યારે કુદરતનાં કેનવાસ પર બનાવેલ રંગીન ચિત્ર પર કોઈએ કાળો રંગ ઢોળી દીધો ન હોય ! એવું જ પ્રતિત થાય. પ્રેમ ,લાગણી, કરુણા, આત્મીયતાનાં બધા રંગો ભૂંસાઈ જાય અને ફક્ત ક્રોધ, વેરઝેર, દુશ્મનાવટનો કાળો રંગ જ બધે દેખાય , તેવું હાલનું યુક્રેન રશિયા વચ્ચેનાં યુદ્ધનું દ્રશ્ય લાગે.
યુક્રેન અને રશિયા વચ્ચે ઘણા સમયથી અંદરો અંદર એક છુપો આક્રોષ ફેલાઈ રહ્યો હતો, જેમ મહાભારત સમયમાં પાંડવો અને કૌરવો વચ્ચેનો આંતરિક મતભેદ આખરે મનભેદ સુધી પહોંચી મહાભારતના યુદ્ધનાં નિર્માણ સુધી પહોંચી ગયું હતું, અને પછી ધર્મયુદ્ધ બની ગયું. તેમ અહીં પણ દેશો વચ્ચે કેટલીય બાબતોને લઈને મતભેદ વધીને મનભેદ સુધી પહોંચી, વિશ્વ યુદ્ધ તરફ પ્રયાણ કરવા લાગી ગયું જણાય છે. એમાં સફળતા કોને મળશે અને એ સફળતા ભોગવવા કોણ જીતશે તે તો સમય બતાવશે .
આંતરીક અહમને પોષવા કે પોતાનાં કક્કાને સાચો કરવામાં સમગ્ર માનવજાતનો વિનાશ તરફ પ્રયાણ કરનારા શું એક વખત યુદ્ધના ભયાનક દ્રશ્યો અને તે પછી પણ વર્ષો સુધી ફેલાતી તેની આડઅસર વિશે વિચારશે ખરાં? આ યુદ્ધના પગરણને આગળ ધપાવવા કરતાં શાંતિપૂર્ણ રીતે સફેદ રંગ અપનાવી પ્રેમ અને નિખાલસતા, શાંતિ, ભાઈચારો, આત્મીયતા, સ્નેહ, હૂંફ, પોતીકાપણાનાં સાચાં રંગ ઉડાડે અને હસી ખુશીથી, મળી સંપીથી રહીને, આનંદ કિલ્લોલ કરી, દરેકના જીવનને મેઘધનુષી રંગોથી શણગારે તો સાચી માનવ સેવા કરી ગણાય.
વસુધૈવ કુટુંબકમની ભાવના યથાર્થ થાય. જે આજના સમયે જરૂરી છે. વિશ્વના અમુક દેશો જ્યારે માનવ લોહીની હોળી ખેલી રહ્યા છે, અને માનવના રક્તની લાલીથી રંગાઈ રહ્યા છે, ત્યારે શાંતિદૂત સમા અમૂક દેશો તેમની સત્તા અને પાવરનો ઉપયોગ કરી માનવતા સમજાવે તો પણ ઘણું.
