કાળા હાથ
કાળા હાથ


ચાર દિવસ થઈ ચૂક્યા હતા. એના મનની તૂમાખી હજી એવી ને એવું જ હતી. જોકે આ વખતે એણે આપેલો ડોઝ જરા વધારે છે એવું એને લાગતું હતું છતાં, એ ખુશ હતો. એને એમ લાગતું હતું કે આ ડોઝની અસર જુના ડોઝ કરતા તો વધારે જ રહેવાની.
એણે ટેક્સી પકડી, ટેક્સી આગળ ચાલી, એડ્રેસ કહ્યું, ટેક્સીને ત્યાંજ બ્રેક લાગી ગઈ,
"વોટ હેપન ?"
"સોરી આઈ કાંટ ડ્રોપ યુ, આઈ કેન ડ્રોપ યુ જસ્ટ ફોર અવે, ઇટ્સ ઓકે ?"
"ઓ.કે."
ટેક્સી આગળ ચાલી, એના મનમાં વિચારો પણ આગળ ચાલ્યા. પણ એ તો હજીયે પોતાની મનમાની કરાવવા ડોઝ આપવા તત્પર હતો. છતાં કશેક કઈંક શંકાના બીજ રોપાયા હતા. એ ઘર પાસે પહોંચ્યો. પોલીસ ? ફાયરબ્રિગેડ ? એમ્બ્યુલન્સ ? એણે પૂછતાછ કરી,
"વોટ હેપન?"
"ધીસ થ્ર્રી બિલ્ડીંગ વેર ફાર બીફોર તવો ડેયસ એટ નાઈટ. એન્ડ સ્ટીલ વી ટ્રાયીંગ મેક ઓલ નોર્મલ.."
"એન્ડ વોટ અબાઉટ ધ પીપલ લાઈવ હિઅર ?"
"વી આર ફાઈન્ડીંગ, બટ મોસ્ટલી..."
ઘણા એ એને રોક્યો છતાં એ પોતાના ઘર તરફ દોડ્યો, બધું જ ધૂંધળું હતું, હજુ ધૂમાડો હતો, સફેદ દીવાલો અને બ્રાઉન ફર્નિચર કાળા થઈ ગયા હતા, એના પગમાં કોઈનો અડધો બળેલો હાથ આવ્યો, એના પર ઘડિયાળ હતી જે એના પપ્પા પહેરતા હતા, થોડે દૂર અડધા બળેલા શરીરના ગાળામાં એ ચેઇન દેખાઈ જે એની મમ્મીના ગાળામાં હતી. એના હાથ એ ઘડિયાળ અને ચેઇન કાઢવામાં કાળા થઈ ગયા.
પોતાની મનમાની કરાવવા માટે એ આમ દર વખતે ઘર છોડી ભાગી જતો અને થોડા દિવસે પાછો આવી જતો. પપ્પાના ગેરેજમાં કામ કરવું એને પસંદ ન હતું, હાથ કાળા કરવા પસંદ ન હતા, એટલે ભાગી જતો... પણ આ વખતે ન તો કામ કરવા ગેરેજ હતું, ન તો ઘર હતું અને ન તો પપ્પા કે મમ્મી... છતાં હાથ કાળા થયા.