કાગડીનું પરિવાર
કાગડીનું પરિવાર


બિલ્ડીંગના ચોથા માળામાં રહેતા જયોતિબેનને તેમની બારીમાંથી કુદરતના સૌંદર્યના રોજ દર્શન થતા. બારીમાંથી બગીચો અને નાના મોટાવૃક્ષો દેખાતા. જયોતિબેનને કુદરત અને પશુપક્ષીને પણ નિહાળવા ગમતા. ઘરનું કામ પરવારીને બારી પાસે બેસી જતા. તેમનાં ઘરમાંથી જોવે તો બગીચો એકદમ નજીક દેખાતો. પક્ષીઓનો કલબલાટ સંભળાય. સામેના મોટા ઝાડ પર રહેતા ,એક કાગડાનું પરિવાર તેમનું મિત્ર બની ગયું હતું. કાગડાને સવારથી લઈ ને સાંજનું ખાવા-પીવાનું જયોતિબેન આપતા. સવાર થતા જ બારીમાં બેસી કાગડો કા...કા...કરી જયોતિબેન બૂમો પાડે. હવે જયોતિબેન જોડે એટલી દોસ્તી થઈ હતી. તો જયોતિબેન ઈશારાથી બારીની પાસે આવી ટાઇલ્સ પર હાથ થપથપાવી ને તેને નીચે બેસવા બોલાવે,જો તે ત્યાં જ બેસીને ખાવાનો હોય તો, હાથની નજીક બેસી જતો. અને વૃક્ષ પર બેસવાનો હોય તો ,ત્યાં બેસી રહે. આવું નિત્ય કરતો. કાગડીમાં માઁ બનવાની હતી એટલે જયોતિબેન જરા વધારે કાળજી રાખે..કાગડો અને કાગડી ભર ભેટ જમે એટલું ખાવા આપતા જેથી તેને ખોરાક શોધવા દૂર ન જવું પડતું અને કાગડા અને કાગડી એ એટલો સુંદર માળો બનાવ્યો હતો. જે જયોતિબેનના ઘરની બારીમાંથી પણ દેખાતો. કાગડીના ઘરે ત્રણ બચ્ચાનો જન્મ થયો. તેથી કાગડી આવી ખાય ને પછી બચ્ચા માટે ચાંચ ભરી લઈ જતી. આ બઘું જયોતિબેન જોતા. અને મન બોલતા ; અબોલ છે પણ તેમનું જીવન પણ આપણાં જેવું છે. એવી લાગણી એકબીજા પર...ભગવાન તારી લીલા કોઈ ન સમજે.
જૂન મહિનો હજુ ચાલું જ થયો છે ત્યાં વરસાદને વાવાઝોડું ઓચિંતું આવ્યું એટલે જ્યોતિબેનને ચિંતા થતી. હજું આ બચ્ચા ઊડી પણ નથી શકતાને, આ વરસાદ આવ્યો. ડાળીઓતો આમથી આમ ઝોલા ખાય છે. શું થશે હવે!! ભગવાન રક્ષા કરજે...બારીમાંથી જયોતિબેન કાગડાના માળા ને જોવાની કોશિશ કરે છે .અને જોવે છે કે ....કાગડી પાંખ ફેલાવી મજબૂત થઈ ને બેસી ગઈ છે. જેથી તેને બચ્ચા પલડે નહી અને પડી ન જાય. કાગડો આમ ઉડે ને તેમ ઉડે છે. જયોતિબેન પણ એ લોકો માટે ખાવાનું મૂકીને રાખ્યું છે. કાગડો એકલો આવી ને ચાંચમાં ભરીને લઇ જાય છે.અને કાગડી તો તેની જગ્યા પરથી હલતી પણ નથી. કાગડો...આવી કાગડી અને તેના બચ્ચાને ખવડાવે છે. અને ખૂબ વ્હાલ કરે છે. અને પાછો ખાવા લેવા આવે છે. અને કા...કા કરી ને જયોતિબેનને પોતાની વાત કરતો જાય છે. વરસાદ અને પવન પણ ચાલું જ છે. કાગડી આખો દિવસ અને રાત એજ રીતે પાંખો રાખી પોતાના બાળકોનું રક્ષણ કરે છે. સવાર પડતા જ જયોતિબેન તે જોઈને ખૂબ ખૂશ થાય છે. કાગડી અને તેનો પરિવાર પણ ખૂશ છે. બચ્ચા મોટા થતાં જ બીજે ઊડી જાય છે. પણ કાગડો અને કાગડી હજું જયોતિબેનનાં ઘરે આવે જ છે અને તે ઝાડ ઉપર જ રહે છે.