જૂનું છોડશો તો નવું પામશો!
જૂનું છોડશો તો નવું પામશો!


મારી શ્રેયસ અલંકાર શાળા અમારા ઘરથી ખૂબ દૂર હતી તેથી જયારે હું ત્રીજા ધોરણમાં આવ્યો ત્યારે મારા માતાપિતાએ અમારા ઘરથી નજીક જ આવેલી શ્રેયસની જ બીજી શાખા સમપર્ણમાં મારો દાખલો કરાવ્યો. શાળાના પહેલો દિવસ હોવાથી સ્વાભાવિકપણે હું થોડો વ્યથિત હતો. એક તો જૂનાં મિત્રો ગુમાવ્યાનું દુઃખ ઉપરથી નવો માહોલ કેવો હશે તેનો ડર. આ બંને બાબતો મને ખૂબ વ્યથિત કરી રહી હતી. મેં મારી માતાને જયારે મારા મનનો ડર કહી સંભળાવ્યો ત્યારે તેમણે મને વહાલથી કહ્યું, “બેટા, જે થાય તે સારા માટે જ થાય. પરિસ્થિતિ હંમેશા સરખી રહેતી નથી. તેથી બદલાતી પરિસ્થિતિ સામે તારે લડતા શીખવું જોઈએ. મારી માતાની વાતની સહમતિમાં મેં માથું તો હલાવ્યું પરંતુ મારા નાનકડા મગજમાં હજુપણ “નવી શાળા કેવી હશે?” “નવા ક્લાસ ટીચર કેવા હશે?” “ત્યાં મારા દોસ્તો બનશે કે નહીં?” જેવા અસંખ્ય સવાલો મંડરાઈ રહ્યા હતા.
સવારે સાત વાગે ધબકતા હૈયે જયારે હું મારા વર્ગખંડમાં પહોંચ્યો ત્યારે અચંબો પામી ગયો હતો કારણ મોટેભાગે ત્યાંના વિદ્યાર્થીઓ અમારી અડોશ પડોશના જ હતા. તે સહુને મેં ક્યારેકને ક્યારેક અમારા આસપાસના પરિસરમાં જોયા હતા. આમ નવો માહોલ અચાનક જ મારા માટે જૂનો અને જાણીતો બની ગયો. અમારી બાજુની જ સોસાયટી સ્વમીબાગમાં રહેતો હેમંત મને જોઇને ખૂબ ખુશ થયો. મને જોઈ એ દિવસે જે તે મારી પાસે આવ્યો તે આજદિન સુધી મારાથી દૂર થયો નથી! આ શાળાના ક્લાસ ટીચર પેલી શાળા જેવા કર્કશ નહોતા પરંતુ સ્વભાવે ખૂબ ભલા અને ભોળા હતા. બપોરે બાર વાગતા સુધીમાં તો હું મારી નવી શાળાના રંગમાં રંગાઈ ગયો હતો.
બીજા દિવસે જયારે મારી સાથે શાળામાં જવા માટે હેમંત મારા ઘરે આવ્યો ત્યારે હું ખૂબ ઉમંગથી તેની સાથે જવા નીકળ્યો. આ જોઈ મારી માતાએ વહાલથી પૂછ્યું, “કેમ, હવે જૂની શાળાની યાદ આવતી નથી? બેટા, મેં તને કહ્યું હતું ને કે જૂનાનો મોહ છોડીશ ત્યારે જ તો નવું અને ઉત્તમ પામીશ.” તેમની વાત સાંભળી હું હસી પડ્યો અને હેમંતના ખભા પર હાથ મૂકી મેં ઉમંગથી શાળા તરફ જવા પગ ઉપાડ્યા.