જિંદગીનો નકશો
જિંદગીનો નકશો
આખી જિંદગી પરિવાર માટે તન, મન ઘસીને પણ પોતાના માટે ઘરમાં નકશો ના બનાવી શકાય કારણકે નવી અને જૂની પેઢીનું અંતર. આ વાત છે મણીનગરમાં રહેતાં કંચનબેનની. નાની ઉંમરે લગ્ન થયા. અને સાવ નાનાં ગામડાંમાંથી શહેરમાં આવ્યાં. કંચનબેન ત્રણ ચોપડીજ ભણેલા હતા. પણ ગુજરાતી લખતાં વાંચતાં સરસ આવડતું હતું. ઘરમાં સાસુ સસરા અને બે દિયરો અને બે નણંદ હતાં.
કંચનબેન સૌથી મોટી વહુ હતાં. કંચનબેનના પતિ મનસુખલાલ. મનસુખલાલ ધંધામાં રચ્યા પચ્યા રહેતા અને મનસુખલાલ નામ પ્રમાણે જ મનનું સુખ ગમે ત્યાંથી અને ગમે તે રીતે મેળવી લેતાં અને કંચનબેન પાસે એવું બતાવતાં કે મારાં જિંદગીમાં આવનારી પહેલી અને છેલ્લી સ્ત્રી તુંજ છે. આવાં રંગીલા મનસુખલાલ હતાં.
પણ રૂપિયા કમાવા માટે એ કોઈ પણ ને દગો કરતાં અચકાતા નહીં. આમ મનસુખલાલ બધીજ રીતે સૂરા હતાં. જ્યારે કંચનબેન ધાર્મિક અને પતિવ્રતા એક ભારતીય નારી હતાં. પોતાના પરિવારની સંભાળ અને પરિવારના સભ્યોની કાળજી એજ એમનો જીવનમંત્ર હતો. મનસુખલાલ કમાઈને કંચનબેન ને આપે. કંચનબેન બધું ભેગું કરીને. બે દિયરો અને બે નણંદને ધામધૂમથી પરણાવ્યા. નણંદોને પાંચ પાંચ તોલા સોનું અને કરિયાવર આપી સાસરે વળાવી. દિયરોને બે મકાન લઈ આપ્યા અને એમને પણ અલગ રહેવા મોકલ્યા. સસરાને ટીબીની ગાંઠો થઈ ગઈ હતી. દવા કરાવી પણ એ બચી ના શક્યાં. સાસુ કાન્તા બા રહ્યા.
કંચનબેન ને ચાર દિકરાઓ થયાં. મોટો રવીશ, બીજા નંબરે કરણ, ત્રીજા નંબરે સોહમ, ચોથા નંબરે પલાશ. ચારેય છોકરાઓ ને ભણાવ્યા અને ગણાવ્યા. ઉંમરલાયક થતાં બધાને વારાફરતી પરણાવ્યા.
રવીશની પત્ની ભારતી, કરણની પત્ની રૂપલ, સોહમની પત્ની દક્ષા, પલાશની પત્ની મંજરી. આટલાં બધાં સભ્યો થયાં એટલે ઘરમાં સંકડામણ પડતાં બધાને અલગ કર્યા.
p>
રવીશ અને ભારતીએ જુદા થવાની ના પાડી પણ એમને કહ્યું કે એ પલાશને ભેગો રાખશે. તમે અલગ થઈ જાવ. આમ બધાને અલગ કર્યા પછી. પલાશ અને મંજરી વાતે વાતે કંચનબેનનું અપમાન કરતાં. કારણકે મંજરી ને એ જૂનવાણી અને ગમાર લાગતાં હતાં. કંચનબેન કંઈ કહેવા જાય તો પતી પત્ની અપમાનિત કરતાં. એક દિવસ કાન્તા બાની તબિયત બગડતાં એ પથારીવશ થઈ ગયા. મનસુખલાલ તો આખો દિવસ બહાર રહે અને રાત્રેજ ઘરે આવતા અને જમીને પોતાનાં રૂમમાં વોટ્સએપ પર મેસેજ કર્યા કરે.
હવે તો મનસુખલાલ પણ કંચનબેનને વાતે વાતે ઉતારી પાડે. કંચનબેન આખાં ઘરમાં જાણે વધારાનાં હોય એમ બધાં વ્યવહાર કરે. કંચનબેન એકલાં એકલાં રડે. કાન્તા બાની સેવા પણ કંચનબેનજ કરે. મંજરી તો રૂમમાં પણ ના આવે. થોડા દિવસ સેવા કરાવીને કાન્તા બા પરલોક સિધાવી ગયા. લોકાચાર અને બારમા તેરમા ની વિધિ બધી પતી ગઈ. ત્યાં સુધી કંચનબેન ને એકલું ના લાગ્યું પણ પછી પાછા એ એકલાં થઈ ગયા. જાણે ઘરનાં નકશામાં એમનું નામોનિશાન જ ના હોય.
રવીશ સમજાવીને થોડા દિવસ પોતાના ઘરે લઈ આવ્યો. પણ કંચનબેન હવે સૂનમૂનજ બેસી રહેતાં. ભારતી એમની સાથે વાતો કરીને એમનું મન હળવું કરાવે પણ એ બોલતાં જ નહીં. ચારેય દિકરાઓને ઘરે એક એક દિકરો થયો. પલાશનો દિકરો દેવાંગ સતર વર્ષ નો થયો. દેવાંગ પોતાના રૂમમાં જઈને કંચનબેનને બૂમ પાડીને બોલાવે અને પગ દબાવવાનું કહે અને એમને મજબૂરીથી પગ દબાવવા પડે.
કંચનબેન ને બોંતેર વર્ષ થયા છે તો એમને પણ થાક લાગે છે પણ એમની પિડા કોઈ સમજતું નથી. એમનાં પગ તો કોઈ નથી દબાવતુ પણ આ આખી જિંદગી ઘરના માટે જાત ઘસીને પણ હજુયે એ આ ઘરમાં પોતાને રહેવા માટે નકશો શોધે છે. એકલાં એકલાં ગુમસુમ વિચારો કરે છે રે કિસ્મત. આ આખી જિંદગીના નકશામાં મને હજુયે ક્યાંય સ્થાન મળ્યું નહીં.