ઝુરપો
ઝુરપો
હોસ્પિટલની બારીમાંથી એણે દૂર દૂર દરિયાની સપાટી પરના લાલધૂમ આકાશને જોયા કર્યું. શિયાળાને કારણે એક દિવસે તેને જીર્ણ તાવ આવ્યો તે સાથે ઉધરસ પણ આવવા લાગી. રાત આખી ખાંસતા રહેતા દીકરાએ દવા ચાલુ કરાવી. વહુના ઉજાગરા ચાલુ થયા તે સાથે દિકરા-વહુના ઝઘડા ચાલુ થયા.
એક રાતે વહુ ઉભરો ઠાલવતાં બોલી ; 'જુઓ, હવે મને આ રોજ રોજના ઉજાગરા કરવા નથી ગમતા. તમે બાની કોઈ સારા ડોક્ટર પાસે તપાસ કરાવો એટલે ખબર પડે. અને હા, હોસ્પિટલમાં દાખલ કરવાં પડે તો કરાવી દો. ટ્રીટમેન્ટનો ખર્ચો આપણે ભોગવી લઈશું, પણ આ રોજનો...'
'પણ....'
'જો હવે તમે પણ અને બણ મુકો... મારે શાંતિ જોઈએ...!'
દીકરાએ મિત્ર ડોક્ટરની સલાહથી પેશાબ અને લોહીની તપાસ કરાવી. મેડિકલ રિપોર્ટ મળતાં તેને ટી.બી.ની મોટી હોસ્પિટલમાં દાખલ કરાવી દીકરો-વહુ ફરજમાંથી છૂટયા.
આજ કાલ કરતાં એક... બે... પૂરા પાંચ માસ થવા આવ્યા !