ઈન્ટરનેટ - વિજ્ઞાન કે વિકૃતિ ?
ઈન્ટરનેટ - વિજ્ઞાન કે વિકૃતિ ?


આ વાર્તા દ્વારા હું આજના કિશોર અને યુવાપેઢીને કંઈક કહેવા માંગુ છું. હજુ કાલે જ સમાચારમાં મેં જોયું કે કેટલાક ટીનેજર્સ ઈન્ટરનેટનો દુરુપયોગ કેટલી હદે કરે છે ? આજના મા-બાપએ પણ સમજવું જોઈએ કે ટેક્નોલોજીનો ઉપયોગ જ્ઞાન વધારવા માટે છે માનસિક વિકૃતિ વધારવા માટે નહિ. સમાજને નવી સોચ તરફ વાળવા માટે વિજ્ઞાન જરૂરી છે, સમાજને પતન તરફ લઈ જવા માટે નથી.
આજે રોહિત ખૂબ ખુશ હતો. હોય જ ને.. કાલે તેનો 13મો જન્મદિવસ હતો. મમ્મી-પપ્પા તરફથી કંઈક સરપ્રાઈઝ ગિફ્ટ દર વખતની જેમ મળવાની હતી. દાદાએ પણ કંઈક પ્લાનિંગ કર્યું હશે. સવાર પડવાની રાહ જોતા રોહિતને રાતે આવા વિચારોથી ઊંઘ પણ માંડ માંડ આવી. સવાર પડી કે તરત જ રોહિત દોડતો ડ્રોઈંગરૂમમાં આવ્યો. તેની આશા મુજબ મમ્મી-પપ્પા અને દાદાએ હેપી બર્થડે ટુ યુ... જોરથી ગાઈ વિશ કર્યું. રોહિત દોડીને બધાને વળગી પડ્યો. ટેબલ પર રોહિતની ફેવરિટ કેક ચોકલેટ આલ્મંડ રેડી જ હતી. રોહિતે કેક કટ કરી, દાદાને ખવડાવી, મમ્મી-પપ્પાને ખવડાવી એ પછી તરત જ પપ્પા તરફ હાથ લંબાવી પૂછ્યું, `મારી ગિફ્ટ ?’ પપ્પાએ પ્રેમથી રોહિતના હાથમાં લાલ રિબનથી સજાવેલું લેપટોપ મૂક્યું. રોહિતની આંખો ફાટી ગઈ. થેન્કયુ કહી તે પપ્પાને ભેટી પડ્યો. રોહિતે હવે દાદા સામુ જોયું, દાદા સમજી ગયા.. રોહિતના હાથમાં એક બોક્સ મૂક્યું. રોહિતે ફટાફટ બોક્સ ખોલી નાખ્યું, જોયું તો તેમાં ત્રણ બંદરની મૂર્તિ હતી. રોહિત આશ્ચર્યથી દાદા સામે જોઈ રહ્યો. દાદાએ રોહિતનો સવાલ સમજી જતાં કહ્યું. `આજે આ જ સમજાવવા હું તને ક્યાંક લઈ જવાનો છું. સાંજે રેડી રહેજે. એ પછી આપણે બધા ડિનર કરવા જઈશું.’ દાદાએ આજનું પ્લાનિંગ કરી રાખ્યું હતું.
રોહિત અને દાદા સાંજે તૈયાર થઈ નીકળી પડ્યા. ટેક્ષી ગાંધીઆશ્રમ પાસે આવી ઊભી. રોહિત અહીં પહેલા આવી ગયો હતો સ્કુલમાંથી.. પણ તેને નાનો હતો એટલે બહુ યાદ નહોતું. દાદા સાથે તે આશ્રમમાં દાખલ થયો. દાદાએ ગાંધીજીના ચશ્મા, લાકડી, ગાંધીબાપુનો રેંટિયો, કસ્તુરબાની ઓરડી, મહાદેવભાઈનો ઓરડો, પ્રાર્થના સભા બધા જ વિશે રોહિતને માહિતી આપી. રોહિતને પણ મજા આવી. એક જગ્યાએ આવી રોહિત ઊભો રહી ગયો. બિલકુલ દાદાએ આપેલ ગિફ્ટ જેવા ત્રણ વાંદરા... ! રોહિતે દાદા સામું જોયું... `ઓહ દાદા... હવે સમજાવો મને.. આ એક બંદરે આંખો બંધ કરી છે, બીજાએ મોં બંધ કર્યું છે અને ત્રીજાએ કાન બંધ કર્યા છે. આનો શું અર્થ ?’
દાદાએ રોહિત સામે હસી ને જોયું... તેને સમજાવતા કહ્યું.. `જો બેટા... આ જે બંદરે આંખો બંધ કરી છે તેના દ્વારા કહેવા માંગે છે કે, આપણે ક્યારેય ખરાબ ન જોવું જોઈએ. આ બીજું બંદર જેણે મોં બંધ કર્યા છે તે કહેવા માંગે છે કે આપણે ક્યારેય કોઈના માટે ખરાબ ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ.. અને ત્રીજું બંદર કહેવા માંગે છે કે, કોઈના વિશે ખરાબ સાંભળવું પણ ન જોઈએ.... આ ત્રણ ગુણ જીવનમાં ઊતારવા જ જોઈએ. ગાંધીબાપુના આ ત્રણ બંદરો સમાજને યોગ્ય દિશા ચીંધે છે.’ દાદાએ વાત પૂરી કરતાં કહ્યું. રોહિતે દાદાની વાત સાંભળી... દાદાની આવી શીખ આપતી વાતો રોહિતને ખૂબ ગમતી.
મમ્મી-પપ્પા રોહિત અને દાદા ચારેય ડિનર કરી ઘરે પાછા આવ્યા ત્યારે રાતના 10 વાગી ગયા હતા. રોહિત પણ ચેન્જ કરી પથારીમાં બેઠો અને પપ્પાએ આપેલું લેપટોપ ઓન કર્યું. લેપટોપના બધા ફીચર્સ જોયા, ઈન્ટરનેટ ખોલ્યું. થોડા સમયમાં તેની આંખો ઘેરાવા લાગી એટલે લેપટોપ ઓફ કરી તે સૂઈ ગયો. ઘસઘસાટ સૂતા રોહિતને ત્રણ વાંદરા... તેના કાનમાં કંઈક કહી રહ્યા હતા. ઈન્ટરનેટ પર કંઈક આવતું હતું.... રોહિત સફાળો જાગી ગયો.. આંખો ચોળતો દાદા પાસે આવ્યો અને દાદાને સપનાની વાત કરી. રોહિતની વાત સાંભળી દાદા ખડખડાટ હસી પડ્યા.
થોડુ વિચારીને દાદાએ કહ્યું `બેટા તું જલદી બ્રશ કરી નાસ્તો કરી મારી જોડે ગાર્ડનમાં ચાલ...’ રોહિતે ફટાફટ નાસ્તો પતાવ્યો અને દાદાની સાથે ગાર્ડનમાં ચાલવા નીકળી પડ્યો. દાદાએ ચાલતા ચાલતા રોહિતને કહ્યું, `બેટા ઈન્ટરનેટના ઉપયોગ માટે એ ત્રણ બંદરોની શીખ તને કામ આવશે.’ `એ કેવી રીતે દાદા ?’ રોહિતે નવાઈ પામતા પૂછ્યું.
`જો સાંભળ.. આજકાલ ઈન્ટરનેટ પર ન દેખાડવાનું ઘણું જોવા મળે છે, જે જોવાથી આપણા મન પર તેની વિકૃત અસર થાય છે, આપણા ચારિત્ર્યનું પતન થાય છે. પહેલા બંદરની જેમ આપણે તે ન જોવું જોઈએ. વળી ઈન્ટરનેટ પર ઘણીવાર અપમાનજનક ભાષા બોલાય છે, નિંદાકુથલી કરવામાં આવે છે જે બીજા બંદરની જેમ ક્યારેય બોલવી ન જોઈએ. બીજાના ધર્મને નીચો દેખાડવાની કેટલીય પોસ્ટ આવે છે જે સમાજને પતન તરફ લઈ જાય છે. ત્રીજા બંદરની જેમ આવુ કંઈજ સાંભળવું જોઈએ નહિ.’ દાદાએ રોહિતને ગળે ઉતરી જાય એમ સમજાવ્યું.
દાદાએ રોહિતનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું, `આ યુગ વિજ્ઞાનયુગ કહેવાય છે. વિજ્ઞાન-ટેક્નોલોજી આપણને જ્ઞાન તરફ વાળવા માટે છે. સમાજને પતન તરફ વાળવા માટે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. ઈન્ટરનેટથી આપણને ઘણુંય શીખવા મળે છે તો તેનો ઉપયોગ જ્ઞાનપૂરતો જ રાખવો જોઈએ. અશ્લીલ અને વિકૃત માનસને વિકસવા દેવું ન જોઈએ.’
રોહિત દાદાને ધ્યાનથી સાંભળી રહ્યો અને કહ્યું, `પ્રોમિસ દાદા, હું તમે કહેલી વાત યાદ રાખીશ. ક્યારેય ટેક્નોલોજીનો અવળે માર્ગે ઉપયોગ નહિ કરું.’
`વેરી ગુડ બેટા.. હવે ચાલ જલદી ઘરે. મને તારું લેપટોપ દેખાડ અને તારે જ મને શીખવાડવાનું છે... હો...’