Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

JHANVI KANABAR

Children Stories Inspirational

4.6  

JHANVI KANABAR

Children Stories Inspirational

હુતુતુતુ

હુતુતુતુ

6 mins
23.6K


પંક્તિ પંક્તિ પંક્તિ... ચારે કોરથી પોતાનું નામ ગુંજી રહ્યું છે. પંક્તિ વિપક્ષમાં કબડ્ડી કબડ્ડી કબડ્ડી... કરતાં કોર્ટમાં ઘુસવાનો પ્રયત્ન કરે છે. અચાનક વિપક્ષ ટીમમાં કોઈને અડકીને કોર્ટની બહાર નીકળવા જાય છે, ત્યાં વિપક્ષ ટીમ તેને ઘેરી વળે છે, તેનો હાથ અને પગ પકડી તેને પોતાના ક્ષેત્રમાં ઘસડી રહી છે. પંક્તિ નીચે ફંગોળાઈ બોર્ડર ટચ કરવાં હાથ લંબાવે છે, તેનો શ્વાસ રૂંધાઈ જાય છે, પણ તે હાર નથી માનતી. હાથ બોર્ડર લાઈનને ટચ કરવા ઊંચકે છે.... ત્યાં જ..`પંક્તિ ઓ પંક્તિ ઊઠ હવે, સ્કુલે નથી જવાનું ? આજે મેથ્સની ટેસ્ટ છે. બધુ પ્રીપેર થઈ ગયું છે તારે ?’ પંક્તિનું સપનું તૂટે છે, જૂએ છે તો મમ્મી તેને હચમચાવીને ઊઠાડતી હતી.

`શું મમ્મી તું પણ કેટલું મસ્ત સપનું હતું ? હું બોર્ડર ટચ કરવાની જ હતી. ઓલ આઉટ હતા.. ત્યાં તે.. પ્લીઝ થોડીવાર સૂવા દે મમ્મી....’ કહેતી પંક્તિ પરાણે ચાદર ખેંચી સૂવાનો પ્રયત્ન કરે છે. `અરે ઊઠ બેટા ! આ કબડ્ડી છોડ.. તારે મેથ્સમાં ફુલ માર્કસ લાવવાના છે. એનું કર.’ સુનિતાબેને પંક્તિનો હાથ પકડી પથારીમાં બેઠી કરતા કહ્યું.

`બસ, ભણ ભણ ભણ... લાવી દઈશ માર્કસ બસ ? મારી કબડ્ડીની મેચની તો કોઈને પડી જ નથી.’ પંક્તિએ નારાજગી બતાવતા કહ્યું.

`બેટા, શું થવાનું કબડ્ડી રમવાથી ? ભણીશ તો લાઈફ બની જશે.’ સુનિતાબેને પોતાની ઈચ્છા પંક્તિ પર થોપતા કહ્યું.

`મમ્મી, હું ઈન્ટરસ્કુલ કબડ્ડી કોમ્પિટિશન માટે સિલેક્ટ થઈ છું.’ બેટા, તારા પપ્પાને નહિ ગમે. તું ભણવામાં ધ્યાન આપ. એન્યુઅલ એક્ઝામ પાસે આવી રહી છે.

`મમ્મી, જો હું પ્રોમિસ આપું છું, સારા માર્કસ લાવીશ.. તું પપ્પાને કોમ્પિટિશન માટે મનાવી લે...’ પંક્તિએ મમ્મીને આજીજી કરતાં કહ્યું.

`ઠીક છે, હવે તો ઊઠ બાપા... તૈયાર થા, સ્કુલ જવાનું મોડું થાય છે.’ સુનિતાબેને પંક્તિને બાથરૂમ તરફ ધકેલી.

પંક્તિ સુનિતાબેન અને સુધિરભાઈની એકનું એક સંતાન હતી. બાર વર્ષની પંક્તિને ભણવા કરતાં ખેલકૂદમાં વધુ રસ હતો. ખેલકૂદમાં પણ કબડ્ડી તેની ગમતી રમત હતી. શાળાના વાર્ષિક રમતોત્સવમાં હંમેશા ભાગ લેતી અને કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીતતી. તે જે ટીમમાં હોય તેની જીત પાક્કી. શાળાના શિક્ષકો પંક્તિના છુટ્ટે મોંએ વખાણ કરતાં. તેને ખેલદિલિ અને સ્ફૂર્તિ જોઈ સૌ દંગ રહી જતાં. આશ્ચર્યની વાત એ છે કે, પંક્તિના પપ્પાએ તેને ક્યારેય કબડ્ડી રમતા જોઈ નહોતી, અલબત્ત તે જોવા જ નહોતા માંગતા. આ વર્ષે તે ઈન્ટરસ્કુલ કોમ્પીટિશન માટે ક્વોલિફાઈડ થઈ હતી. સુધિરભાઈને પંક્તિની રમતગમત માટેની ઘેલછા ગમતી નહિ. છોકરીઓએ આવી રમતમાં રસ રાખ્યા કરતાં ભણવામાં જ રસ રાખવો જોઈએ. સારી સેટલ્ડ જોબ કરવા માટે એ જ તો જરૂરી છે, વધુમાં વધુ રસોઈકળા શીખવી જોઈએ. જે તેને લગ્ન પછી કામ આવે. કબડ્ડી જેવી રમતથી કંઈ વળે નહિ ને હાથ-પગ તૂટે તો છોકરીની જાતનું શું ભવિષ્ય રહે ? આમ જોવા જઈએ તો, સુધિરકુમારને એક દિકરાની આશા હતી. પંક્તિ તેમને વહાલી હતી, પરંતુ એ પછી તેમની એક દિકરાની ઈચ્છા હતી. સુનિતાબેનની શારીરિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓએ બીજા સંતાનની ઈચ્છા મારવી પડી.

પંક્તિએ શાળાએથી આવીને બેગ સોફા પર ફંગોળી અને ફ્રેશ થવા જતી રહી. ફ્રેશ થઈને સીધી તે રસોડામાં ઘુસી અને મમ્મીને કહ્યું, `લાવ મમ્મી, આજે હું પપ્પા માટે ગરમાગરમ નાસ્તો બનાવું.. તું મને ગાઈડ કરજે. પપ્પા મારા હાથનો નાસ્તો કરશે, પછી જ હું મારી કબડ્ડી કોમ્પિટિશન માટે પરમિશન લઈશ. એટલે એ ના નહિ કરી શકે...’

પંક્તિની વાત સાંભળી સુનિતાબેનથી હસી જવાયું, તરત જ થોડા ગંભીર બની વિચારવા લાગ્યા, `મારી પંક્તિને તેના શોખ પૂરા કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. જો તેની જગ્યાએ દિકરો હોત તો આવું કંઈ જ ન કરવું પડત..’

`મમ્મી, બોલ હવે શું નાખું ? આ બટેકા ચડી ગયા.’ પંક્તિના સવાલથી ધ્યાનભગ્ન થયેલા સુનિતાબેને પલાળેલા પૌંઆ તરફ આંગળી ચીંધી.

સુધિરભાઈ આવી ગયા એટલે, પંક્તિ દોડતી પપ્પાને વળગી પડી, પછી રસોડામાં જઈ પાણી લઈ આવી. `બેસો પપ્પા, આજ મેં તમારા માટે બટેકાપૌંઆ બનાવ્યા.’ કહી પંક્તિ રસોડામાંથી પૌંઆ અને ચા લઈ આવી.

સુધિરભાઈએ એક ચમચી ચાખીને આશ્ચર્યથી પંક્તિને પૂછ્યું, `સાચે ? આ તે બનાવ્યા છે બેટા ? બહુ જ સરસ બન્યા છે.’

`તો લાવો મારું ઈનામ. હું માંગુ એ આપવું પડશે તમારે...’ ઉત્સાહથી ઉછળતા પંક્તિએ કહ્યું.

`બોલ, શું જોઈએ મારી દીકરીને ?’ સુધિરભાઈએ લાડથી પૂછ્યું.

પંક્તિને જોઈતું મળી ગયું હતું, `પપ્પા, મારી સ્કુલમાંથી હું ઈન્ટરસ્કુલ કબડ્ડી કોમ્પિટિશનમાં સિલેક્ટ થઈ છું, તો...’

સુધિરભાઈના મોં પર નારાજગી છવાઈ ગઈ. તેમણે પંક્તિને સમજાવતા કહ્યું, `બેટા, તને ખબર છે, મને તારા રમતગમતમાં ભાગ લેવો નથી ગમતો... મારી ડાહી દીકરી છો ને ?

`પ્લીઝ પપ્પા..’ કહેતા પંક્તિનો કંઠ રૂંધાઈ ગયો.

`સુનિતા ! તું અને પંક્તિ તૈયાર થઈ જાવ, આજે મારા સિનિયર મહેશભાઈને ત્યાં ડિનર પર જવાનું નક્કી થયું છે...’ કહેતા સુધિરભાઈએ પંક્તિને સાંભળી ન સાંભળી કરી ત્યાંથી ઊઠી ગયા.

પંક્તિનો મૂડ મરી ગયો હતો. તેના મોં પર હતાશા છવાઈ ગઈ હતી.. મન ન હોવા છતાં સુનિતાબેનના સમજાવવાથી તે ડિનર પર જવા તૈયાર થઈ ગઈ.

મહેશભાઈને ત્યાં ડિનર પર અવનવી વાનગીઓ હતી. મહેશભાઈ તેમના પત્ની માધવીબેન, પંક્તિ, સુનિતાબેન અને સુધિરભાઈ બધા ટેબલ ચેર પર ગોઠવાયા. મહેશભાઈનો વીસ વર્ષનો દિકરો મોદિત બધાને સર્વ કરતો હતો. સુધિરભાઈને મોદિતને જોઈને નવાઈ લાગી, છોકરો હોવા છતાં...

`લો ને ! સુધિરભાઈ.. આ બધી જ વાનગીઓ મારા દિકરા મોદિતે બનાવી છે.’ મહેશભાઈનું આ વાક્ય સાંભળી સુધિરભાઈથી ન રહેવાયું, તેમણે પૂછી જ નાખ્યું. `મોદિતે ? છોકરો હોવા છતાં તેને રસોઈકળામાં આટલો રસ ?’

`હા.. તો એમાં શું ? છોકરાને રસોઈમાં રસ હોવો ગુનો છે ? એને અવનવી ડીશ બનાવવી બહુ ગમે છે. એટલું જ નહિ હોટલ મેનેજમેન્ટ નો કોર્સ પણ કરે છે. ડીશ પ્રેઝન્ટેશન, સર્વિંગ બધુ જ બહુ ઇન્ટરેસ્ટથી કરે છે. એમ પણ બાળકોને જેમાં રસ હોય તેમાં જ આગળ વધવા દેવા જોઈએ. પરાણે આપણી ઈચ્છાઓ તેમના પર લાદવાથી તેઓ જીવનમાં કોઈ ગોલ નથી કરી શકતા.’ મહેશભાઈનો વાક્ધારાની આજે સુધિરભાઈ પર કંઈ અલગ જ અસર થઈ રહી હતી.

ડિનર પતાવી, લગભગ દસ વાગતા સુધિરભાઈ, સુનિતાબેન અને પંક્તિ ઘરે આવી ગયા. બીજે દિવસે પંક્તિએ પી.ટી. ટીચર મિ. સુધાંશુ મિશ્રાને જણાવ્યું કે, તેના પપ્પાની ઈચ્છા ન હોવાથી તે કોમ્પિટિશનમાં પાર્ટ નહિ લઈ શકે. આ જાણી મિ.સુધાંશુને લાગ્યું કે, એકવાર તે પંક્તિના પપ્પાને સમજાવી જુએ. તેથી તેમણે સુધિરભાઈને ફોન કરી કહ્યું, `મિ. સુધિર તમે આજે જો ફ્રી હોવ તો, હું તમને મળવા માંગુ છું, જો તમે શાળાએ ચાર વાગે આવી શકો તો...’ સુધિરભાઈને નવાઈ તો લાગી પણ તેમણે હા પાડી.

બરાબર ચાર વાગે સુધિરભાઈ પંક્તિની શાળાએ પહોંચી ગયા. મિ. સુધાંશુએ તેમને પોતાનો પરિચય આપ્યો અને શાળાના ગ્રાઉન્ડ પર લઈ ગયા. સુધિરભાઈએ જોયું કે, પંક્તિ કબડ્ડી રમતી હતી. કેટલી સ્ફુર્તિથી, ઉત્સાહથી વિપક્ષ ટીમને ધોબીપછાડ આપી રહી હતી, આજે પહેલીવાર તેમણે માર્ક કર્યું. કાલના મહેશભાઈના શબ્દો પાછા સુધિરભાઈના કાનમાં ગુંજવા લાગ્યા. આખરે તેમણે કંઈક વિચારીને પી.ટી.ટીચર જોડે થોડી વાતચીત કરી અને ચાલ્યા ગયા.

સાંજે પંક્તિ ઘરે આવી, ફ્રેશ થવા ગઈ ત્યાં જ સુધિરભાઈ ઘરે આવી ગયા. આવતાં જ રસોડામાં જઈ પત્ની સુનિતાને કહ્યું, `પંક્તિને પાસ્તા ભાવે છે ને ? આજે હું બનાવીશ એના માટે પાસ્તા... તું મને કહેતી જા, હું કરતો જઈશ.’ સુનિતાબેન તો દંગ જ રહી ગયા. પતિનું આવું રૂપ તેમણે ક્યારેય જોયું નહોતું. આજે વળી શું થઈ ગયું ?

પંક્તિ ફ્રેશ થઈને આવી ગઈ. સોફા પર બેસી રિમોટ વડે ચેનલો ફેરવવા લાગી. સુધિરભાઈએ ટ્રેમાં પાસ્તા સજાવી પંક્તિની સામે મૂકી દીધા. `જો બેટા, આજે મેં તારા માટે પાસ્તા બનાવ્યા છે, કેવા બન્યા એ તો કે...’

પંક્તિને લાગ્યું કે, પપ્પાએ કોમ્પિટિશનમાં પાર્ટીસિપેટ કરવાની ના પાડી એટલે હવે આવી રીતે મને મનાવવા માગે છે. તેણે પણ પપ્પાનું મન રાખવા, ઈચ્છા ન હોવા છતાં પાસ્તા ખાધા અને કહ્યું, `બહુ સરસ બન્યા છે પપ્પા...’

`હા તો મારું ઈનામ લાવો.. હું માંગુ એ આપવું પડશે તારે...’ સુધિરભાઈ પંક્તિને લાડથી કહ્યું.

પંક્તિને નવાઈ લાગી, `હા પપ્પા બોલોને.. હું શું આપી શકું તમને ?’

સુધિરભાઈએ પાછળ સંતાડી રાખેલું ફોર્મ પંક્તિ સામે ધરી દીધું અને કહ્યું, `લે આ ફોર્મ ભરી દે, તારી સાઈન કરી દે...’

પંક્તિએ ફોર્મ જોયું, તેની આંખમાં પાણી આવી ગયા. પપ્પાને જોરથી વળગી પડી... `થેન્ક યુ પપ્પા. મને તમે કબડ્ડીમાં પાર્ટ લેવા દો છો એ બદલ... થેન્ક યુ સો મચ... લવ યુ પપ્પા...’

`લવ યુ ટુ બેટા... તને જે ગમે તે કર.. જેમાં આગળ વધવું હોય એમાં વધ. હવે તારા પપ્પા તને ક્યાંય નહિ અટકાવે...’ કહેતા સુધિરભાઈ ગળગળા થઈ ગયા. સુનિતાબેનની આંખમાંથી બાપ-દીકરીનો આ મિલાપ જોઈ અશ્રુ આવી ગયાં.


Rate this content
Log in