હું મા છું?
હું મા છું?


ગામથી દૂર સરકારી શાળામાં નોકરી કરતી શૈલા ત્રણ દિવસની સળંગ રજા જાહેર થતાંજ ગામડે સાસુ અને પતિ પાસે ઉછેરાતા આઠ મહિનાના દિકરાને મળવા ઉતાવળી બની. ઘરે આવીને પોતાનો રહેવાનો ખર્ચો કાઢીને આખો પગાર તેણે પતિના હાથમાં મૂકી દીધો.
"છોકરો મોટો થાય છે તેમ દવા, ખોરાક, રમકડાંનો ખર્ચો હવે વધે છે. વિચારજે." પતિએ અંગુલિનિર્દેશ કર્યો.
"કહું છું, નાનકાને મૂકીને જવાનું મન નથી માનતું. તમે કંઈ કામ ..." તમાચાથી જવાબ મળી ગયો. શૈલા દીકરાને ભેટી, રડીને હલકી થઈ.
"વાડામાં કૂતરીએ ચાર બચ્ચાં જણ્યાં છે. બચ્ચાઓને એવી ઘેરીને બેઠી છે કે વાડામાં કોઈને જવા જ નથી દેતી. મા ખરી ને !." તેને આંગણામાં સાસુ અને બાજુમાં રહેતા કાકી સાથેની વાતચીત સંભળાઈ.
"હું મા છું ?" વિચારતા ખોળામાં સૂતેલા દીકરાના માથે ફરતો શૈલાનો હાથ અટકી ગયો. અડગ નિર્ણય દિલને ખૂણે ખૂંપાઈ ગયો.