Pallavi Gohel

Children Stories Inspirational

3  

Pallavi Gohel

Children Stories Inspirational

હરિત ક્રાંતિ

હરિત ક્રાંતિ

2 mins
241


રીકી, મોના અને જેની એકદમ પાકકા મિત્રો હતાં. શાળામાં પણ સાથે ને સાથે જ હોય, રમવાનું હોય કે ભણવાનું કે પછી જમવાનું હંમેશા બધાં કામો સાથે મળીને જ કરે. ઉનાળાનું વેકેશન શરૂ થતાં ત્રણેય મિત્રો અવનવી રમતો રમવાનાં આઇડ્યા લઈ આવે અને આખો દિવસ ધમાલ મચાવે.

એક દિવસ રીકીનાં ઘરે ત્રણેય મિત્રો રમતાં હતાં ત્યારે રીકીનાં કાને એનાં દાદાજી ટી.વી. પર જે સમાચાર સાંભળતાં હતાં તેનાં પર ધ્યાન ગયું. સમાચારમાં બતાવી રહ્યા હતાં કે, દિવસેને દિવસે પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ વધતી જાય છે, પ્રદુષણમાં થઈ રહેલો વધારો અને સામે વનનાં વન કપાઈ રહ્યા છે જેથી દરેક જીવનાં સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર થઈ રહી છે. વૃક્ષોની ઘટતી સંખ્યા આજે ચિંતાનો વિષય બની ગઈ છે તેનાં કારણે વરસાદ પણ પૂરતો નથી આવતો જેથી પાણીની સમસ્યા ઉદભવી રહી છે. અમૂક અંતરિયાળ વિસ્તારમાં એક એક બુંદ માટે લોકો તરસી રહ્યા છે. જો આપણે હવે નહીં જાગીએ તો ભવિષ્યની પેઢીને શું આપશું ? દુકાળ, ભૂખમરો ? આવા ગંભીર પ્રશ્નનો એક જ જવાબ છે, એક જ ઉપાય છે, આપણે સહુએ ઘરનાં આંગણે એક વૃક્ષ જરૂર વાવીએ, શેરી, ગામ, રાજ્ય અને રાષ્ટ્ર જ નહીં દુનિયાને નવી દિશા તરફ વાળીએ.

આ સાંભળી રીકી થોડીવાર સાવ મૌન જ થઈ ગયો અને વિચારવા લાગ્યો. એટલામાં મોના અને જેની પણ આવી પહોંચ્યાં અને રીકીને પૂછવાં લાગ્યાં," શું થયું ? તું શું વિચારે છે ?" રીકીએ બંનેને સમાચારની વાત કહી તો મોના અને જેની પણ વિચારમાં પડી ગયાં. ત્રણેય મિત્રોએ થોડીવારમાં જ એક બહુજ સરસ યોજના ઘડી કાઠી અને રીકીના દાદાજીને કહી સંભળાવી. દાદાજી બાળકોની યોજના સાંભળી ખૂબજ ખુશ થયાં અને તેઓ પણ તેઓની ટીમમાં જોડાઈ ગયાં. રીકી,મોના અને જેનીએ પોતાની શાળાનાં, શેરીનાં અન્ય મિત્રોને પણ આ યોજનામાં જોડી દીધાં અને મિશન "હરિત ક્રાંતિ" શરૂ કર્યું. પહેલાં તો દરેકની ટૂકડીએ પોતાનાં એરીયામાંથી ફાળો લેવાનું શરૂ કર્યું અને જ્યારે ફાળો ભેગો થઈ ગયો ત્યારે એ પૈસાથી જાત જાતનાં છોડની ખરીદી કરી અને ગામનાં દરેક ઘરનાં આંગણે એક છોડનું વાવેતર કરવામાં આવ્યું. અમૂક વર્ષોમાં તો આખાં ગામમાં હરિયાળી હરિયાળી છવાઈ ગઈ, બાગ બગીચાઓમાં પણ રોનક વધી ગઈ. લૂપ્ત થતાં પક્ષીઓ અને પ્રાણીઓનાં ફરી આગમન થવાં લાગ્યાં. દરેક ઘરનાં આંગણે હવે શીતળ છાંયાની સાથે સાથે મીઠા કલરવ પણ હતાં. બાળકોનાં આ એક કાર્યથી આખા ગામની કાયાપલટ થઈ ગઈ અને લોકોનાં શારિરીક તેમજ માનસિક સ્વાસ્થ્યમાં પણ ઘણાં લાભ થયાં. રીકી, મોના અને જેનીની સાથે સાથે તેમનાં આ કાર્યમાં જોડાયેલાં દરેક વ્યક્તિને રાજ્ય તરફથી સન્માનિત કરવામાં આવ્યાં.

તો ચાલો મિત્રો રાહ શું જોઈ રહ્યા છો ! જાગ્યાં ત્યારથી સવાર. આજથી આપણે પણ આપણી આવનારી પેઢીનાં સારા ભવિષ્યની યોજના ઘડીએ હર ઘરનાં આંગણે એક છોડ વાવીએ, હરિત ક્રાંતિની શરૂઆત કરીએ. વન છે તો જલ છે અને જલ છે તો જીવન છે. જીવનની આ નવી દિશામાં દોડ લગાવી દુનિયાને પ્રદુષણ રહિત બનાવીએ ,ચાલો....ચાલો મિત્રો હરિત ક્રાંતિની આજથી નહીં અત્યારથી જ શરૂઆત કરીએ.


Rate this content
Log in