હલ્લો
હલ્લો


1990ના સમયમાં..
હલ્લો.. હું રાજીવ બોલું છું. મોહનલાલનો જમાઈ.
ઓહો ! રાજીવકુમાર કેમ છો ?
બસ મજામાં હો કાકી !
ઓ લાલા ! જા તો કમુકાકીને ત્યાંથી રૂપાદીદીને બોલાવી આવ તો.. રાજીવકુમારનો ફોન છે...
(થોડીવારમાં ઝડપી પગલે રૂપા આવીને ફોન લે છે.)
હલ્લો.. કેમ છે તું ?
હા.. હું મજામાં.. તમે ? બા અને બાપુજી ?
અમે બધાં મજામાં છીએ. જો સાંભળ.. હું આ શનિવારે તને તેડવા આવું છું. એક રાત રોકાઈને રવિવારે નીકળી જાશું. ઠીક છે ને ?
હા, ઠીક છે. હું અહીં બાને વાત કરી દઉં છું, તમારા તેડવા આવવાની. આવજો
આવજે... (બેય બાજુથી રીસીવર મુકાઈ જાય છે. રૂપા કાકીની સામે હસીને જતી રહે છે.)
2010ના સમયમાં....
નિધિ... કેટલા કોલ છે મારા.. જો તારા મોબાઈલમાં.. ઉપાડતી કેમ નથી ?
અરે યાર સાઈલેન્ટ પર હતો મોબાઈલ.. હું સુતી હતી.
અત્યાર સુધી ?
અરે ! મમ્મીને ત્યાં તો શાંતિ લેવા દે...
જાનુ હવે શાંતિ લેવાઈ ગઈ હોય તો, ઘરે ક્યારે આવે છે ?
કાલે અમે કોલેજ ફ્રેન્ડ્સ ભેગા થવાના છીએ, તો પરમદિવસે નીકળી જઈશ..
ઓકે. જાનુ. આઈ એમ વેઈટીંગ ફોર યુ. બાય. લવ યુ.
લવ યુ ટુ. હની.
મિત્રો ! આજે ટેક્નોલોજી ખૂબ વધી ગઈ છે. સગવડતા વધી છે. પહેલાં એક ફોનને બહાને લોકો આડોશપાડોશમાં હળતામળતાં, છ-સાત ઘરમાંથી કોઈ એક ઘરે ફોન હોય, એ એક જ નંબર છ ઘરના સગાવહાલાઓમાં વિશ્વાસ સાથે ફરતો હોય, કોઈ જ દુરુપયોગ નહોતો થતો એ નંબરનો. આજે જ્યારે મોબાઈલ જેવી આધુનિક ટેક્નિક આપણા હાથમાં છે, તો પાસવર્ડ રાખવા પડે છે. નંબરનો દુરુપયોગ થાય છે, ફોટોગ્રાફ્સ ઉપરાંત એકાઉન્ટસ પણ હેક થઈ જાય છે. હું એમ નથી કહેતી કે, ટેક્નોલોજી નુક્શાનકારક છે, પરંતુ એ ટેક્નોલોજી જેટલી અપલોડ થાય છે, એટલા જ આપણે મનુષ્ય ગેરમાર્ગે વળી રહ્યા છીએ. ટેક્નોલોજી દ્વારા મનુષ્ય જેટલી પોતાની બુદ્ધિમત્તાનું પ્રમાણ આપે છે એટલી જ તેની વિચિત્ર માનસિકતાનું પ્રદર્શન પણ કરે છે. જો વિજ્ઞાનની સાથે આપણી માનસિકતા પણ ઉર્ધ્વગતિએ આગળ વધે તો ઈશ્વરને પણ તેની મહાન સર્જનશક્તિ પર ગર્વ થાય.