હકીકત
હકીકત
"છોટુ, એક ચા અને બનમસ્કા ત્રણ પર. ગોટુ, એક ડીશ સમોસા પાંચ પર. ચાલો, જલ્દી હાથ ચલાવો." મગન શેઠે હૉટલના ગલ્લા પરથી કામ કરતાં છોકરાઓને બૂમ પાડી કહ્યું.
બાળમજૂરી નાબૂદી અભિયાન હેઠળ શહેરના પ્રખ્યાત હૉલમાં પ્રવચન કરવા આવેલા સંજય અને વિભા, હૉટલમાં રગદોડાતું બાળપણ જોઈ રહ્યાં. તેમના હાથમાં રહેલો ચાનો કપ એમ જ રહી ગયો. અધૂરી ચા ટેબલ પર મૂકી બંને ગલ્લા પર બેઠેલા શેઠ પાસે આવ્યાં.
"શેઠ સાહેબ, બાળકોને કામ પર રાખવા તે કાયદાની દ્રષ્ટિએ ગુનો છે, ખબર છે ને ? આ બાળકોની ભણવાની ઉંમર છે. એમની પાસે તમે આવું કામ ન કરાવી શકો." વિભાએ જરા કડક અવાજે કહ્યું.
"છોટ, ગોટુ, અહીં આવો. તમે આ બંનેને તમારા ઘરે લઈ જાઓ."
"અરે ! અમારે એમના ઘરે કંઈ કામ નથી." સંજય બોલ્યો.
"ના, ના, તમે એક વાર એમના ઘરે જઈ એમના માબાપને મળો પછી અહીં પાછા આવજો." શેઠે પરાણે તેમને છોટુ, ગોટુ સાથે મોકલ્યા.
હૉટલથી થોડે દૂરની વસ્તીમાં ચારે છોટુના ઘરે આવ્યાં. પાસે જ ગોટુનું પણ ઘર હતું. ઘરમાં તૂટીફૂટી ખાટલી પર અપંગ બાપ અને નીચે જમીન પર બિમાર મા સૂતી હતી. ટાઢા ચૂલા પર ખાલી તપેલી પડી હતી. ગોટુના ઘરે પણ એવી જ પરિસ્થિતિ હતી. ઘરની દરિદ્રતા જોઈ બંનેનું હૈયું દ્વવી ઊઠ્યું. બંને પાછા હૉટલ પર આવ્યાં.
"શું, જોઈ આવ્યાં ? કેવી છે ઘરમાં જાહોજલાલી ? બેન, બોલવું સહેલું છે. હકીકત બહુ કડવી હોય છે. તમે કહો છો બાળમજૂરી ન કરાવવી જોઈએ. હું પણ માનું છું કે આટલાં નાના બાળકો પાસે કામ ન કરાવવું જોઈએ પણ તમારા મનના સમાધાન માટે તમે એ બંને બાળકો સાથે જ વાત કરી લો."
"બેન, સાહેબ, અમારા શેઠ બહુ સારા છે. અમને અહીં આવા સાધારણ કામ જ કરાવે છે. એના બદલામાં અમારા ઘરનાને ખાવાનું મળે છે. ઉપરાંત અમે બંને બપોરની પાળીમાં નજીકની શાળામાં ભણવા જઈએ છીએ. તે ખર્ચ પણ શેઠજી જ આપે છે. એમણે તો અમને મદદ કરવા જ કહ્યું હતું પણ અમારે કોઈની દયા જોઈતી નહોતી. એટલે અમે જ હૉટલમાં કામ કરવાનું સ્વીકાર્યું." બંને બાળકોએ રજૂઆત કરી અને ઘરાક આવ્યાં એટલે જતાં રહ્યાં.
"સાહેબ, આવી બધી મોટી મોટી વાત જેના ઘરમાં પૈસાની ભરમાર હોય ત્યાં ચાલે. બાકી આવી ગરીબીમાં સબડતાં લોકોને બાળમજૂરી ન કરવાની જાહોજલાલી ન પોસાય. જેના ઘરમાં કોઈ કમાણી કરનાર ન હોય તેમના બાળકો બહુ નાની ઉંમરે સમજદાર અને જવાબદાર બની જાય છે. બાકી રહી વાત બાળમજૂરીની તો આ સિનેમા, નાટક, સિરિયલ વગેરેમાં કામ કરતાં બાળકો માટે બાળમજૂરીનો કાયદો નથી નડતો ? અમને પણ સમજ પડે છે પણ આવા બાળકો બહુ સ્વમાની હોય છે. તેમને મફતમાં કંઈ જોઈતું નથી હોતું. એટલે જ આવા સામાન્ય કામ કરાવી હું એમનું સ્વમાન સાચવું છું." મગનશેઠે વિસ્તારથી વાત કરી.
મગનશેઠની વાત સાચી હતી. સંજય અને વિભા શું બોલે ?
