હેપ્પી ન્યુ યર ૨૦૨૦
હેપ્પી ન્યુ યર ૨૦૨૦


ઈ.સ. ૨૦૧૯ કંઇક અંશે મારા માટે સારું રહ્યું તો કંઈક અંશે ખરાબ ! સારું એટલા માટે કારણ આ વર્ષે મને લેખન સિવાય ધાર્મિક, સામાજિક, રંગોળી, રેકી તથા સુજોક જેવા ક્ષેત્રોમાં ખૂબ સારી એવી સફળતા મળી. હું એ માટે ઈ.સ. ૨૦૧૯નો આભારી રહીશ.
હું ઈ.સ. ૨૦૧૯નો એ બાબતે આભારી રહીશ કે તેણે મને નવાનવા મિત્રો આપ્યા. હું ઈ.સ. ૨૦૧૯નો એ બાબતે આભારી રહીશ કે તેણે મને સ્ટોરી મિરર જેવું અદભૂત પ્લેટફોર્મ આપ્યું. હું ઈ.સ. ૨૦૧૯નોએ બાબતે આભારી રહીશ કે તેણે મારા ઘણા અધૂરા સ્વપ્ન પૂર્ણ કરવાની તક આપી. હું ઈ.સ. ૨૦૧૯નો એ બાબતે આભારી રહીશ કે તેણે મારા સ્નેહીજનો સાથેના મારા સબંધો મજબુત બનાવ્યા. હું ઈ.સ. ૨૦૧૯નો એ બાબતે આભારી રહીશ કે તેણે મારા ભારત દેશને પ્રગતિના શિખરે પહોંચાડવામાં યશસ્વી ફાળો આપ્યો.
હવે જો વાત કરીશ ખરાબ પાસાની તો એ ઘટના મારી શોર્ટ ફિલ્મો સાથે સંકળાયેલી છે. આ ઘટનાની વેદનાને હું આજીવન ભૂલી નહીં શકું. બન્યું એવું કે ઈ.સ. ૨૦૧૮માં શું જીવવું જરૂરી છે અને અમારું કોણ ? બાદ ઈ.સ. ૨૦૧૯માં મારી વાર્તા પરથી મેં બીજી બે શોર્ટ ફિલ્મો બનાવી જેમના અનુક્રમે નામ છે. “અકારણ રાજકારણ અને જોય ઓફ ગિવીંગ.” જોકે વર્ષની શરૂઆતમાંજ આ બે ફિલ્મો બનીને તૈયાર થઇ ગઈ હતી અને એક અંદાજ મુજબ મને લાગતું હતું કે હું આ વર્ષે લગભગ પાંચ શોર્ટ ફિલ્મો બનાવીશ. શું જીવવું જરૂરી છે ? નો બીજો ભાગ અમારું કોણ બનાવ્યા બાદ તેની આગળની ત્રીજી કડી એટલે કે શોર્ટ ફિલ્મ “સોરી પપ્પા”ની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઈ હતી. કલાકારોનો ઉત્સાહ એટલો હતો કે માંડ પંદર દિવસની અંદર અમારી ફિલ્મનું ૯૦% જેટલું કામ પૂર્ણ થઇ ગયું હતું. અમારી શોર્ટ ફિલ્મનું હવે માત્ર ૧૦% કામ બાકી હતું.
આ ફિલ્મનું અમે જે છેલ્લું દ્રશ્યનું ફિલ્માંકન કર્યું હતું તે એક ગામડામાં હતું. શુટિંગ પૂર્ણ કર્યા બાદ હું અમારા કલાકાર શ્રી ચન્દ્રકાંતભાઈ બીરિટને તેમના ઘરે છોડવા ગયો. શુટિંગની સફળતાની ચર્ચામાં અમે એવા તો વાતે વળગ્યા કે તેઓને આગલા દિવસની સ્ક્રીપ્ટ આપવાનુંજ હું ભૂલી ગયો. જયારે ઘરે આવ્યો ત્યારે મારા ધ્યાનમાં આ વાત આવી. જોકે બીજા દિવસની વહેલી સવારે તેઓને તેમની સ્ક્રીપ્ટ આપી દઈશ એમ વિચારી હું મારી આગળની દિનચર્યામાં વ્યસ્ત થઇ ગયો.
બીજા દિવસે પરોઢિયે હું બ્રશ કરી રહ્યો હતો ત્યાં મારા મોબાઈલની રીંગ વાગી. મેં સ્ક્રીન તરફ જોયું તો અંકિત બીરિટ
એટલે કે ચન્દ્રકાંતભાઈના નાના દીકરાનો ફોન હતો. હું એ વિચારીને ખુશ થયો કે શોર્ટ ફિલ્મ બાબતે કલાકારોને પણ કેટલો ઉત્સાહ છે. સવારના પહોરમાંજ ચંદ્રકાંતભાઈએ તેમની સ્ક્રીપ્ટ માટે તેમના બાબા પાસે મને ફોન કરાવ્યો હતો ! મેં ઝડપથી ફોન ઉઠાવ્યો તો સામે છેડેથી અવાજ આવ્યો, “પ્રશાંત દાદા, પાપા નહીં રહે...”
મને આશ્ચર્યનો એક ઝાટકો લાગ્યો. મેં હેબતાઈને પૂછ્યું, “મતલબ ?” અંકિતે કહ્યું કે તેના પિતાશ્રી ચન્દ્રકાંતભાઈને વહેલી સવારે હાર્ટએટેક આવવાથી તેમનું નિધન થયું હતું. મારા માટે આ સમાચાર ખૂબ આઘાતજનક હતા. ચંદ્રકાંતભાઈ મને પુત્રવત ગણતા હતા. તેમની ખોટ ભરવી મારા માટે ખૂબ અઘરી છે.
તેમના મૃત્યુના આઘાતને અમો સહુ કલાકાર આજદિન સુધી જીરવી શક્યા ન હોવાથી આજેપણ એ ફિલ્મનું ૧૦% કામ અટકી પડ્યું છે. જોકે મારી અદમ્ય ઈચ્છા છે કે ઈ.સ. ૨૦૨૦માં હું “સોરી પપ્પા” શોર્ટ ફિલ્મનું એ ૧૦% કામ પૂર્ણ કરી શ્રી ચંદ્રકાંતભાઈ બીરિટને અર્પણ કરું.
જોકે, ઈ.સ. ૨૦૧૯ના આ વર્ષના વિદાય ટાણે વાત કરીએ તો આ વર્ષ ઘણી સારી નરસી ઘટનાઓનું સાક્ષી બની રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં તેને પુરના પ્રકોપનો સામનો કરવો પડ્યો હતો. તેમાંય વડોદરા અને ભરૂચના નાગરિકોની હાલત કફોડી થઇ હતી. આટલું જ નહીં પરંતુ ઇતિહાસમાં પહેલી વાર નર્મદા ડેમની સપાટી ૧૩૮.૬૮ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી ! આજ વર્ષે સુરતના તક્ષશીલા એપાર્ટમેન્ટમાં લાગેલી આગ ટ્યુશન કલાસીસના વિદ્યાર્થીઓને ભરખી ગઈ હતી. એ કેમ કરીને ભૂલાય ? દેશની વાત કરીએ તો મે મહિનામાં શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બહુમતીથી દેશના ફરીવાર વડાપ્રધાન બન્યા છે.
ખેર, હવે નવું વર્ષ આવે છે ત્યારે આપ સહુને એક વિનંતી કે આગામી વર્ષ ૨૦૨૦માં તારીખ લખતી વખતે આ વર્ષનો ઉલ્લેખ સંપૂર્ણ ચાર આંકડામાં કરવો. જેમકે ૦૧/૦૧/૨૦૨૦. જો આદત પ્રમાણે ૦૧/૦૧/૨૦ કોઈ દસ્તાવેજ કે કાગળિયાં પર લખશો તો તે આપશ્રી માટે જોખમી બની શકે છે. કારણ કોઇપણ ૨૦ની પાછળ બીજા બે આંકડા ઉમેરી તેની સગવડને અનુરૂપ તારીખના વર્ષને બદલી શકે છે. જેમકે ૨૦૧૫ અથવા ૨૦૧૧ વગેરે. તો આ અંગે આ ઈ.સ. ૨૦૨૦ પુરતું જરા સાવધ રહેવું.
ટૂંકમાં ઈ.સ. ૨૦૧૯નું આ વર્ષ કોઈકને હસાવી ગયું તો કોઈને રડાવી પરંતુ આવનારું ઈ.સ. ૨૦૨૦નું વર્ષ આપ સહુ માટે યાદગાર બની રહે તેવી આશા સાથે આપ સહુને હેપ્પી ન્યુ યર ૨૦૨૦.