Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational

4.5  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational

હેપ્પી મધર્સ ડે

હેપ્પી મધર્સ ડે

5 mins
330


મોહન તેના દોસ્ત રાકેશ જોડે બગીચામાં રમી રહ્યો હતો. ત્યાં અચાનક તેણે ચોંકીને ઝાડીઓ તરફ જોયું.

“શું થયું મોહન ?” રાકેશે પૂછ્યું.

“મને ત્યાં ઝાડીઓમાં કશોક સળવળાટ સંભળાયો.”

બંને મિત્રો કુતુહલવશ ઝાડીઓ પાસે ગયા તો ત્યાં એક નાનકડું ગલુડિયું બેઠું હતું. ગલુડિયાને જોઈને મોહન ખૂબ ખુશ થયો.

રાકેશ બોલ્યો, “મોહન, મને લાગે છે કે આ ગલુડિયાની મા હવે આ દુનિયામાં નથી રહી. એ બિચારો એકલો જ છે.”

“એ વાતની જાણ તને કેવી રીતે થઈ ?”

“મોહન, મા એ મા હોય ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના બાળકોને એકલા ન છોડે. મા પાસે એવી અદભુત શક્તિ રહેલી છે કે બાળક પર મંડરાતા જોખમને તે તરત પારખી જાય છે. એ જ્યાં પણ હોય ત્યાંથી બાળકની હાજરીને ઓળખી જાય છે. કોઈપણ બચ્ચા પાસે તું જઈશ તો તરત તેની મા જ્યાં હશે ત્યાંથી આવીને તારી સામે આવીને ઊભી રહેશે. વળી તે તને તેના બચ્ચાને હાથ પણ લગાડવા નહીં દે. પરંતુ ખાસ્સી વાર થવા છતાં આ બચ્ચાની માતા હજુસુધી અહીં આવી નથી એનો મતલબ સાફ છે કે તે હવે જીવિત નથી.”

મોહને ગલુડિયાને ગળે લગાવતા કહ્યું, “રાકેશ, આ ગલુડિયું હવે એકલું નથી. હું તેની સાથે છું. હું તેને ઘરે લઈ જઈશ અને પાળીશ. તેને ખૂબ પ્રેમ કરીશ. આજ પછી આ આપણો નવો સાથી છે.”

રાકેશે કહ્યું, “ખૂબ સરસ, હું આને મારા ઘરે લઈ ગયો હોત પરંતુ મારા પપ્પા ગુસ્સે થશે.”

“દોસ્ત, આમાં નારાજ શું થાય છે ? આ ગલુડિયું પણ તારું જ છે ને, જયારે મન કરે ત્યારે તેની સાથે રમવા મારા ઘરે આવી જજે.”

બંને દોસ્તો એકબીજાના ગળે મળી છૂટા પડ્યા.

મોહન ગલુડિયાને લઈને ઉમંગથી પોતાના ઘરે ગયો. પરંતુ તેની ખુશી ઝાઝી ટકી નહીં. હજુ તેણે ઘરમાં પગ પણ મુક્યો નહોતો કે તેની મમ્મી માધુરીબેન તાડૂકી ઉઠી, “મોહન, આ તારા હાથમાં શું છે ?”

“મા, આ ગલુડિયું મને બગીચામાં મળ્યું. સરસ છે નહીં ?”

“છી... એ ગંદવાડને ઘરમાં ક્યા લઈ આવ્યો. તને ખબર છે ને કે મને પ્રાણીઓથી કેવી ચીઢ છે.”

“મમ્મી, પ્લીઝ આ ગલુડિયાને ઘરમાં રહેવા દે ને.”

“ઘરમાં ! ના રે બાબા ના... આ ગલુડિયું આખા ઘરમાં ગંદકી કરતો ફરતો રહશે. જા, આને જ્યાંથી લાવ્યો છું ત્યાં પાછો મૂકી આવ.”

“મમ્મી, હું ખાતરી આપું છું કે આ ઘરમાં ગંદકી નહીં કરે. હું એને સવાર સાંજ બહાર ફરાવવા લઈ જઈશ. ”

“વાહ ! સવાર સાંજ આ ગલુડિયાને ફરાવવા બહાર લઈ જઈશ તો તારું લેસન કોણ કરશે ? હું ? ના રે બાપા. તેના કરતા આને જ્યાંથી લાવ્યો છે ત્યાં પાછો છોડી આવ.”

રાજુએ જીદ કરતા કહ્યું, “મમ્મી, હું ભણવાનું બગડવા નહીં દઉં. હું લેસન કર્યા બાદ તેને ફરાવવા લઈ જઈશ.”

માધુરીબેને મોહનને મનાવવા કહ્યું, “બેટા, જો કોઈએ તને મારાથી અલગ કર્યો તો તારી કેવી હાલત થશે ? શું તું તારી માતા વગર ખુશ રહી શકીશ ? આ ગલુડિયાની પણ માતા હશે. તે તેની માતાથી અલગ થઈને તારા સાથે કેવી રીતે ખુશ રહી રહી શકશે ?”

મોહને નિર્દોષભાવે કહ્યું, “પરંતુ મમ્મી આ ગલુડિયાની માતા તો મરી ગઈ છે. હવે તેનું મારા સિવાય આ દુનિયામાં કોઈ નથી.”

માધુરીબેને અકળાઈને કહ્યું, “બેટા, જેનું કોઈ નથી હોતું તેનું ઈશ્વર હોય છે. આને અબઘડી છોડી આવ. આ મોંઘવારીમાં તારા પિતાજીના અવસાન બાદ હું માંડ તારા માટે દૂધની વ્યવસ્થા કરી શકું છું ત્યારે આ ગલુડિયાનો વધારાનો ખર્ચો મને નહીં પોસાય.”

“પણ મા.”

“પણ બણ કંઈ નહીં. આ ગલુડિયાને છોડી આવ એટલે છોડી આવ.”

મોહન લાચારીથી માધુરીબેનના ચહેરા તરફ જોઈ રહ્યો. પરંતુ માધુરીબેન પોતાના નિર્ણય પર અડીઘમ રહ્યા. નછુટકે મોહને બગીચા તરફ પગ વળાવ્યા અને ભારે હૈયે તેણે ગલુડીયાને ઝાડીઓમાં છોડી દીધું. થોડીકવાર ગલુડિયાને વહાલથી જોઈ લીધા બાદ મોહને ઘર તરફ જવા પગ ઉપાડ્યા. પરંતુ આ શું ! ગલુડિયું મોહનની પાછળ પાછળ આવવા માંડ્યું. આ જોઈ મોહનની આંખમાં અશ્રુ આવી ગયા તેણે કાળજીપૂર્વક ગલુડિયાને ઊઠાવી લીધું. ગલુડિયું તેની સાથે ગેલ કરવા લાગ્યો. મોહને રૂંધાયેલા સ્વરે કહ્યું, “ના... બચ્ચા ના... ડાહ્યો બકો છે ને મારો ? આ ઝાડીઓમાં જ સુરક્ષિત રહેજે. અહીંથી બહાર નીકળતો નહીં. જોજે મારા કરતા સારું કોઈ આવશે અને તને તેના ઘરે લઈ જશે.” આમ બોલતા બોલતા મોહન રડી પડ્યો. બચ્ચાને ઝાડીઓમાં મૂકી તે ઘર તરફ દોડી ગયો. થોડેક દૂર પહોંચી તેણે પાછળ વળી જોયું તો ગલુડિયું ઝાડીઓમાં બેસીને તેને જ ટગર ટગર જોઈ રહ્યું હતું. મોહનની આંખમાંથી અશ્રુની ધારા વહી પડી. મને કમને તેણે ત્યાંથી જવા પગ ઉપાડ્યા. ઘરે પહોંચી તે સીધો પોતાના ઓરડા તરફ જવા લાગ્યો.

આ જોઈ માધુરીબેને કહ્યું, “બેટા, જમી લે.”

મોહન, “ભૂખ નથી.” એમ કહી પોતાના ઓરડામાં જતો રહ્યો.

એ આખી રાત મોહન અશ્રુઓ સારતો રહ્યો. તેણે ઊંઘવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેને ઊંઘ આવી જ નહીં. તે આંખ બંધ કરવાનો પ્રયત્ન કરતો તો ગલુડિયું તાદ્રશ્ય થતું. મોહનના મનમાં અનેક વિચારો ભમી રહ્યા. “ગલુડિયું ઠીક તો હશે ને.”

“કોઈ જંગલી જાનવર તેને ઉઠાવીને લઈ ગયું તો નહીં હોય ને ?”

“તેણે કંઈ ખાધું હશે ?”

“હું બગીચામાં જઈને એકવાર તેને જોઈ આવું તો ? પણ આટલી મોડી રાતે મને ત્યાં જતા બીક લાગે છે.”

“હવે હું શું કરું ?”

બીજી જ ક્ષણે તેને મનને મનાવવાનો પ્રયત્ન કર્યો. “બિચારી મારી માતા. તેની પણ કોઈ મજબુરી હશે એટલે જ તેણે ગલુડિયું ઘરમાં રાખવાની ના પાડી હશે ને. બાકી તે કોઈ દિવસ મને કોઈ વાત માટે ના પાડે છે ? એ એકલી બિચારી કેટકેટલું કરે. મારે શું, ઘરમાં ગલુડિયું લાવીને રાખી દેવાનું. પરંતુ ત્યારબાદ તેની રસીનો ખર્ચો. તેના માટે પેડીગ્રી, દૂધ અને દવા આ બધાની વ્યવસ્થા તો માતાને જ કરવી પડશે ને ? એ બિચારી પણ ક્યાંથી આ બધા માટે પૈસા લાવે. ખરેખર તો મેં જિદ કરી મારી માતાનું દિલ દુભાવ્યું છે.”

મોહને કેલેન્ડરમાં જોયું તો ચોંકી ગયો. કાલે ૯ મેં ૨૦૨૧નો રવિવારનો દિવસ હતો. એટલે કે મધર્સ ડે !

મોહને વિચાર્યું, “કાંઈ નહીં કાલે સવારે હું મધર્સ ડે નિમિત્તે માના પગે લાગી તેમની માફી માંગી લઈશ.”

સવારે ઉઠતાવેંત મોહન ઓરડામાંથી બહાર આવ્યો.

માધુરીબેન રસોડામાં નાસ્તાની તૈયારી કરી રહ્યા હતા. મોહન તરફ તેમની પીઠ હતી. મોહન ધીમે પગલે તેમની નજદીક ગયો.

માધુરીબેને કહ્યું, “આવી ગયો બેટા ?”

મોહને અચરજથી પૂછ્યું, “મા, તને કેવી રીતે ખબર પડી કે હું આવ્યો ?”

માધુરીબેન બોલ્યા, “બેટા, ઈશ્વરે માતાને એવી અદ્રશ્ય આંખો આપેલી છે કે જેના વડે તે તેના બાળકની હાજરીને જાણી જાય છે.”

મોહને કહ્યું “મા, કાલે રાકેશ પણ આ જ કહેતો હતો.”

માધુરીબેન, “સારું તું ફટાફટ નાહી લે એટલે હું તને નાસ્તો આપું છું.”

“મા, કાલ માટે મને માફ કર.”

“કેમ બેટા ?”

“મેં ગલુડીયાને રાખવા માટે ખોટી જિદ કરી એ માટે.”

“બેટા, માફી તો મારે માંગવી જોઈએ.”

“કેમ ?”

“મેં ગલુડીયાને ન રાખવા માટે ખોટી જિદ કરી એ માટે. પરંતુ હવે તારે મોઢું ચઢાવી ફરવાની કોઈ જરૂરત નથી.”

“એટલે ?”

માધુરીબેને દરવાજા તરફ ઈશારો કર્યો. “ત્યાં જો.”

મોહને જોયું તો દરવાજા પાસે મૂકેલી પોતડી પર ગલુડિયું પૂંછડી પટપટાવતા તેને જ જોઈ રહ્યું હતું.

“કાલે રાતે બગીચામાં જઈ હું તેને આપણા ઘરે લઈ આવી.”

“પણ મા, તને તો પ્રાણીઓથી ચીઢ છે ને ?”

“બેટા, મને પ્રાણીઓથી ચીઢ છે પરંતુ મારા દીક્કા પર અપાર પ્રેમ. હું તને નારાજ કેવી રીતે જોઈ શકું ?”

મોહન વહાલથી તેની માતાને ભેટી પડતા બોલ્યો, “મા, આઈ લવ યુ. હેપ્પી મધર્સ ડે.”

ગલુડિયું મોહન પાસે આવીને તેના પગને ચાટવા માંડ્યું.

આ જોઈ માધુરીબેન હસી પડતા બોલ્યા, “બેટા, ખુશ રહે અને હેપ્પી મધર્સ ડે.”


Rate this content
Log in