Dina Vachharajani

Others

4.5  

Dina Vachharajani

Others

હાર્ડ કોપી

હાર્ડ કોપી

2 mins
240


એક મહીનો...બહુ લાંબો સમય કહેવાય. ઘરમાં જ, ફક્ત ઘરનાં સભ્યો સાથેના સ્થગિત સમયમાં એકલું તો લાગતું જ હતું. અચાનક કંઇ યાદ આવતા મેં કાલે સ્ટોરરૂમમાંથી એક બેગ ખેંચી કાઢી- ખોલી ને ફંફોસવી શરૂ કરી ને લો એકલતા ગાયબ...અંદર કેટલાય સ્વજન, કેટલોય સુંદર સમય કેટલી ય યાદો છૂપાઇને પડયાં હતાં..ફોટો આલ્બમમાં અમર થઈ ને.પછી તો પતિ ને દીકરી પણ જોડાયા ને અમે કેટલીય સફર-કેટલાં પ્રસંગ પાછાં માણ્યા.

પણ આ સફરમાં છેલ્લા દસ વરસનો સમય ગાયબ હતો કારણ હવે તો આપણે બધું ડીજીટલ ફોર્મમાં રાખતા થઇ ગયાં છીએ. પછી એ ફોટોગ્રાફ્સ હોય..પત્ર હોય કે લેખ હોય!!..સોફ્ટ કોપીની જ બોલબાલા. હું હંમેશા કહું કે ફોટા તો હાર્ડ કોપીમાં એટલે કે પ્રીન્ટ કરી રાખવા જોઇએ તો જ સમય સમયે જોવાય. ને ઘરમાં બધા મજાક કરે કે મમ્મી ને તો પત્ર, ચોપડીઓ, પાસબુક, ફોટા હાથમાં હોય તો જ સંતોષ થાય ...ને એ જ ખરું છે..કોઇ પણ સ્ક્રીન પર આ બધું જોવાથી મને તો જીવંતતા નો અનુભવ ન થાય..લગ્ન કરી દૂર ગયેલી દીકરીનું આલ્બમ ખોળામાં લેતાં એક પળ માટે નાનીશી મારી દીકરી ને જાણે વ્હાલ કર્યુ..માતા-પિતાના જૂના કાગળ નાં એમના હસ્તાક્ષરે ક્યારેક એમના હાથ બની મારું મસ્તક પંપાળી લીધું .... હાથમાં રહેલા પુસ્તકનાં કોઇ પાત્રે દોસ્ત બની એનો ખભો ધરી દીધો આવા લાગણી ભીના -સોફ્ટ અનુભવ તો, હાર્ડ કોપી--નક્કર પણે અંકિત વસ્તુ જ આપી શકે.

લોકડાઉન તો કદાચ થોડા સમયમાં પાછું ખેંચાય પણ કોરોના ના પ્રકોપથી બચવાના ઉપાયો આપણે જાતે જ ચાલુ રાખવા પડશે. સોશયલ ડિસ્ટન્સ તો હજુ લાંબો સમય રાખવું જ પડશે. ઘણાં લોકો હવે આ અચોક્કસ પરિસ્થિતિથી ચિંતા અને તાણ અનુભવે છે પણ આપણે 'આ પણ પસાર થશે' નો વિચાર અપનાવી આ સમયમાંથી કંઇ નક્કર નિપજાવીએ...આપણી આવડત, શોખ પૂરા કરીએ. કંઇ નહીં તો આપણા હમણાં ફાજલ પડેલા સમય-શક્તિ આપણા માનવીય સંબંધો ને સોફ્ટ/ કોમળ બનાવવા ખરચીએ તો એની હાર્ડ કોપી સામેવાળી વ્યક્તિના મન-હૃદય પર જરૂર મુદ્રિત થશે.


Rate this content
Log in